home at jungle in Gujarati Children Stories by શિતલ માલાણી books and stories PDF | જંગલ -આશ્રય

Featured Books
Categories
Share

જંગલ -આશ્રય

સવારનો સૂરજ જંગલમાં ધીમે ધીમે ઊગતો હતો ને બધા પ્રાણીઓ અને પંખીઓ ઊંઘને ઊડાડી આળસ મરડી રહ્યાં હતા..

નદીકિનારે બગલા અને બતક વોક કરી રહ્યાં હતા. મગર અને માછલી સ્વિમિંગની મોજ માણી રહ્યા હતા. વાનરટોળી એક ઝાડથી બીજા ઝાડ પર કુદાકુદ કરતા કરતા કસરત કરી રહ્યા હતા..ભુખ લાગી હતી એક માત્ર હાથીભાઈને ! એ સવારમાં ફળોનો આનંદ માણી રહયા હતા..

આ બાજુ હિંસક કોલોનીમાં સાવજસાહેબ પૂંછડું ઊલાળતા ગુસ્સામાં આંટાફેરા કરી રહ્યાં હતા.. વાઘભાઈ અને દીપડાદાસ બાલ્કનીમાં ઘુરકીયા કરી સાવજસાહેબને સાથ પુરવતા હતા.

ત્યાં જ 'ટ્રીન ટ્રીન' કરી સાઈકલ લઈને આવતું સાબર દેખાયું. બધાના જીવમાં જીવ આવ્યો ! આ જંગલના પ્રાણીઓ ભણેલા હતા એટલે એ રોજ અખબાર મંગાવતા. 'જંગલ સમાચાર' આ અખબારની રાહમાં બધા ઊંચા-નીચા થતા હતા. હાશ, સાબરના આવવાથી એ રાહનો પણ અંત આવ્યો.

સાબરે બધાને છાપું આપ્યું અને સાવજસાહેબે ચશ્માં ચડાવ્યા. પહેલા પાનાંની ખબર વાંચી ગુસ્સે થઈ મોટી ગર્જના કરી.એક ગર્જનાથી તો આખું જંગલ ધ્રુજી ઊઠયું. કંઈક થવાની આશંકાએ સાવજસાહેબે તાત્કાલિક સભામાં આવવાનો આદેશ જંગલી ભેંસ દ્રારા તાબડતોડ જંગલમાં ફેલાવી દીધો. થોડીવારમાં તો બધા પ્રાણીઓ અને પક્ષીઓની સભા ભરાઈ ગઈ..

" શું થયું વનરાજ??? " આમ કહેતા, વૃદ્ધ શિયાળે વાત ચાલું કરી. ( સાથે સાથે ઉધરસ પણ ખાય છે.)

સાવજસાહેબ : " આ મનુષ્યજાત જંગલ કપાવવાની તૈયારીમાં છે.લ્યો વાંચો, એમ કહી છાપાનો ઘા કર્યો."( મગજ સાતમા આસમાને છે.)

શિયાળ : "આવું, એ લોકો કેમ કરી શકે ? " ( શાંત ને વ્યથિત સ્વરે.)

દોઢ ડાહ્યું વરૂ : "હાં, એ બધા કદાચ રિસોર્ટ બનાવવા આવું કરે હો !!!"

સસલું : "ઓહહ, તો તો આપણે શાંતિથી કેમ જીવીશું?"
( કૂદકો મારતા બોલ્યું.)

સાવજસાહેબ : "હું પણ એ જ કહું છું કે જંગલ કપાશે તો આપણે ક્યાં આશ્રય લેવો ??? કાંઈક વિચારવું જ જોશે આ નરરાક્ષસોનું ! "

આખું વાતાવરણ ગંભીર થઈ ગયું............................... થોડીવાર પછી સલાહકાર એવું 'જિરાફ' બોલ્યું.

જિરાફ : "આપણે કંઈક પગલા લેવાં જોઈએ જેમ બને એમ‌ જલ્દી..."

નવયુવાન વાઘ : "હું એક ચકકર લગાવી આવું તો થાય નગરમાં! જોઉં કોણ હિંમત કરે છે કે જંગલના આપણા વસવાટને છીનવવાની ??? " ( મૂંછના દોરા ઊંચા નીચા કરી છંછેડાતો.)

સાવજસાહેબ : "બુદ્ધિથી કામ લો ! ( આંખ કાઢીને વાઘ સામે જોઈને) તાકાત નથી દેખાડવી આપણે કોઈએ..
આપણામાં પણ કારણ વગરની હિંસા નહીં કરવાનો નિયમ છે તમે ભુલી ન જાવ વાઘેશ્વરજી..."

અદકો વાંદરો : "હું એક સલાહ આપું ????"

બધા આ વાત પર હસે છે !!! આ વાતથી વાંદરો ગુસ્સે થાય છે. ( દાંત ભીંસે છે અને જીભ પણ કાઢે છે) પણ, સાવજસાહેબ પાસે નમ્ર થઈને રહે છે..

સાવજસાહેબ : "બોલ, શું કહેવું છે તારે ???"

વાંદરો : "આપણે આપણો આશરો ન છીનવાય એવો લેખ લખી અને બધા પશુ- પંખી, પ્રાણીઓ, જળચર અને વૃક્ષોની સહી કરાવી નગરપતિ સુધી આપણી વાત પહોંચાડી તો કેવું રહેશે ???"

સાવજસાહેબ થોડું વિચારીને આ વાતમાં સહમતી દર્શાવે છે. સાવજસાહેબની 'હા' એટલે બધાની 'હા!'

સરસ અક્ષર હાથીભાઈના જ હતા ( જે આફ્રિકાની યુનિવર્સિટીમાં ભણેલો છે.) સુંદર લખાણ સાથેની નવા આશ્રયની વ્યવસ્થા અને જંગલનો વિનાશ અટકાવવા આપ લોકો પગલા લો. અમને પણ રક્ષણ આપો. આવા ઉત્તમ વાકયો સાથે મનમાં ભરેલી વ્યથા હાથીરાણાએ લખી કાઢી. સરસ મોતીના દાણા જેવા અક્ષરોથી લખેલો આખો લેખ સાવજસાહેબને વંચાવ્યો.

સાવજસાહેબે વાંચીને મોટા અક્ષરે હસ્તાક્ષર કર્યા. નીચે તમામ જંગલવાસીઓએ સહી કરી હામી ભરી..

છેલ્લે છેલ્લે,, હાથીરાણાએ પોતાની બુદ્ધિથી બે લાઈનો વધારીને ઉમેર્યું કે " અમારા આશ્રયને છીનવતા પહેલા વિચારજો કે અમે જંગલ ગુમાવશું તો અમારા જંગલવાસીઓનું પ્રયાણ નગર ભણી જ હશે. "જો તમે સહમત હોવ તો આપણે નગરમાં સાથે રહી અને સહમત ન હોવ તો તમે પણ શાંતિથી જીવો અને અમે પણ... ટુંકમાં ઘણું સમજજો." 🙏🙏

આ લખાણની હરણભાઈએ ઝિબ્રાની ઓફિસે જઈ નકલ છાપી અને અદકા વાંદરાને દોડાવ્યું નગર ભણી. વાંદરાભાઈએ સેવાસદનમાં જઈ નગરપતિને હાથોહાથ આ લખાણની નકલ આપી. તમામ જંગલવાસીઓનો જંગલ કાપવાની વાત પર વિરોધ નોંધાવ્યો અને જો કોઈ પગલાં ન લેવાય તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવા પણ જણાવ્યું.

બીજા જ અઠવાડિયે ખુશખુશાલ થતો સાબર હિંમતથી સાવજસાહેબની ગુફાની ડોરબેલ વગાડીને સાવજસાહેબના હાથમાં 'જંગલ નહીં કપાય અને આપણો આશ્રય નહીં છીનવાય. ' એવા ખબર છાપામાં આવ્યા છે એવી વાત કરે છે.

એ રાતે 'જંગલમાં પણ મંગલ' જેવી સ્થિતિ સર્જાઈ અને સાવજસાહેબે બધાને ભોજનનું નિમંત્રણ આપ્યું. બધા પ્રાણીઓ, પંખીઓ અને પશુઓ ડર્યા વગર મોજમજા કરતા ફરી જીવન જીવવા લાગ્યા.

શિતલ માલાણી"સહજ"
૩૦/૧/૨૦૨૧
જામનગર