EK DIVAS NA MAHEMAAN in Gujarati Moral Stories by Salill Upadhyay books and stories PDF | એક દિવસના મહેમાન

Featured Books
Categories
Share

એક દિવસના મહેમાન

એક દિવસના મહેમાન લેખક : સલિલ ઉપાધ્યાય

એક કાળા રંગની મોટી BMW કાર સુરત શહેરથી ૬૦ કીમી દૂર પૂર ઝડપે જઇ રહી હતી. કારમાં ચાર જણ હતા. પણ કોઇ એકબીજા સાથે વાતો ન્હોતા કરી રહ્યા. કારમાં મ્યુઝિક પ્લેયરમાં ધમાલ મ્યુઝિક વાગી રહ્યું હતું. કાર ચલાવનાર અને બાજુની સીટ પર બેઠેલા પાછળની સીટ પર બેઠેલાને વારેઘડી જોઇને ખુશ થતા હતા. નિયત સ્થળ આવી જતાં કાર ઊભી રહી. આગળનો ડ્રાઇવર તરફનો દરવાજો ખોલીને એક યુવતી બહાર આવી અને આગળનો બીજો દરવાજો ખોલીને એક યુવાન બહાર આવ્યો. ગાડીમાંથી બહાર નીકળી બંને જણે સાથે જ પાછળના બંને દરવાજા ખોલ્યા. અને એક વૃધ્ધ પુરૂષ અને એક વૃધ્ધ સ્ત્રી બહાર નીકળ્યા. પેલા યુવાને કારની ડીકી ખોલીને વૃધ્ધ પુરૂષ અને વૃધ્ધ સ્ત્રીના હાથમાં એક એક બેગ આપીને કારમાં પાછા બેસીને આવ્યા હતા એના કરતાં પણ પૂર ઝડપે કાર હંકારીને પાછા સુરત શહેર તરફ ચાલ્યા ગયા. વૃધ્ધ દંપતીની નજર એક બોર્ડ પર પડી જેમાં લખ્યું હતું વાટીકા ઓલ્ડએજ હોમ...

બંને જણ એક નિસા:સો નાખીને ઘરડાંઘરની ઓફિસે ગયા. જયાં એમના નામે રૂમ બુક હતો. મેનેજરે બેલ મારીને નોકર રણછોડને બોલાવ્યો. અને કહ્યું "આ સુરત શહેરના ખૂબ જ મોટા શ્રીમંત અને ચાર ચાર મિલોના માલિક જેંતીભાઇ અને એમની પત્નિ સરલાબેન. તારે એમનું બરાબર ધ્યાબ રાખવાનું છે. હવે આ લોકો કાયમ માટે અહીં જ રહેશે. જેંતીભાઇ આ રણછોડ. કોઇ એને અહીના ઓટલે મૂકીને ચાલ્યું ગયું હતું બસ ત્યારથી એ લોકોની હસતે મોંઢે સેવા કરે છે. તમારું પણ એ જ ધ્યાન રાખશે. તમને અહીં કોઇ વાતની તકલીફ નહીં પડે. બે સમયનો ચા નાસ્તો અને બે સમયનું જમવાનું સમયસર મળશે. અને મેડિકલ ચેકઅપ પણ રેગ્યુલર થશે."

જેંતીભાઇ થંક્યું કહીને બંને જણ પોતાના રૂમ તરફ ગયા. રણછોડ એમનો સામાન લઇને આવી ગયો. "દાદા દાદી હું અહી જ છું. કોઇપણ ચીજની જરૂર હોય મને બેધડક બોલાવજો." સરલાબેને ક્હયુ "સારું દિકરા.. અમને થોડો આરામ કરવો છે." રણછોડ સામાન મૂકીને ગયો. અને જેંતીભાઇએ રૂમનું બારણું બંધ કર્યું.

જેંતીભાઇએ સરલાબેને પાણીનો ગ્લાસ આપીને એમની બાજુમાં સોફા પર બેઠા.

“આપણો શું વાંક કે આપણને આટલી મોટી સજા મળી..?”

“સરલા, વાંક કોનો છે એ ખબર નથી પણ મને એ સમજાતું નથી કે આપણે એવી તે શું ભુલ કરી કે આજે આપણે બંને ને અહીં આવવું પડયું..?”

બંને જણ એકબીજાને પ્રશ્નો કરતાં રહ્યાં પણ એ પ્રશ્નો જવાબ બંનેમાંથી કોઇની પાસે ન્હોતો.

“સરલા, હવે જયારે અહીં જ રહેવાનું છે ત્યારે દુ:ખી શું કામ થવું..? અહીં બધાં આપણા જેવા જ છે. આપણી ઉંમરના છે. એમની સાથે રહીને વાતો કરીને સમય પસાર કરીશું. ચાલ સાંજ પડી ગઇ છે. અને હમણાં જ બધાં જમવા ભેગા થશે.”

“ ના , મારે નથી ખાવું.. મને ભૂખ નથી..તમે જાવ. હું જરા થાકી ગઇ છું... થોડો આરામ કરવો છે.”

“ સરલા, આમ ભૂખી રહેશે તો તબિયત બગડશે અને તને તો ડાયાબીટીસ પણ છે. એટલે તારે ભુખ્યા નહીં રહેવાનું. ચાલ, ઊભી થા અને મારી સાથે ચાલ.”

“ ના , મારે નથી આવવું. પ્લિઝ મને થોડો આરામ કરી લેવા દો. “

“સારું તું આરામ કર. હું રણછોડને કહીશ કે તારું ખાવાનું અહીં રૂમમાં આપી જાય.”

કહી જેંતીભાઇ રૂમની બહાર ગયા. અને સરલાબેન વિચારવા લાગ્યા કે એવું તે શું બન્યું કે આજે એમની આવી હાલત થઇ. સરલાબેન વિચારમાં ખોવાયેલા હતા ત્યાં જ રણછોડ હાથમાં થાળી લઇને આવ્યો.

“ચાલો દાદી ગરમાગરમ ખાવાનું હાજર છે. ફટાફટ ખાઇ લો. દાદી, અહીંનું ખાવાનું બહુ જ ટેસ્ટી હોય છે. આંગળા ચાટતા રહી જશો.”

“ખાવાનું તું બનાવે છે.?”

“ અરે ના, હું તો ફક્ત બધાં દાદા દાદીની સેવા કરું છું. એમને હસતાં રાખું છું.”

“ રણછોડ , તે કોઇ દિવસ તારા મા બાપને શોધવાની કોશિશ નહીં કરી..? “

“ ના જયારથી સમજતો થયો ત્યારથી અહી જ છું. મને આ આશ્રમે જ ભણાવ્યો. મને સહારો આપ્યો. એટલેમેં નક્કી કર્યુ કે અહી રહેતા તમામ દાદા દાદી મારા માતા પિતા છે અને એમની સેવા કરવી એ જ મારા જીવનનો ધ્યેય છે.”

“ વાહ બેટા ભગવાન તને ખુશ રાખે હંમેશા.” આમ, વાતો કરતા સરલાબેને જમી લીધું.

સમય જતાં જેંતીભાઇ અને સરલાબેન ત્યાં એમની હમઉમ્રના લોકો સાથે સેટ થઇ ગયા. બંને જણ ખુશ રહેવા લાગ્યા. બધાં રોજ ગાર્ડનમાં છોડ વૃક્ષને પાણી પીવડાવે,રણછોડ રોજ બધાંને ભજનો ગાઇ સંભળાવે, જોક્સ કહીને બધાંને હસતાં રાખતો.બધાં એકબીજાનું ખૂબ જ ધ્યાન રાખતાં. જેંતીભાઇ રોજ બધાંને ગાર્ડનમાં યોગાસન કરાવતાં. અને સરલાબેન જાતે રસોડામાં ધ્યાન આપતા અને હસતાં હસતાં કહેતાં કે

"ભાઇ, અમે તો સુરતી એટલે ખાવાના ખૂબ જ શોખીન. રોજ નાસ્તામાં ફાફડા, ખમણ, લોચો , ભજીયા વગેરે જોઇએ."

અને બધાંને સરસ મજાનું ખવડાવી આનંદમાં રાખતા. દિવાળીનો તહેવાર નજીક આવ્યો. આખી વાટિકાને લાઇટની રોશનીથી સજાવવવામાં આવી. મેનેજરે જેંતીભાઇ અને સરલાબેનને કહ્યું કે

“કાલે તમે બંને તૈયાર રહેજો..તમારે જવાનું છે.”

તમારે જવાનું છે...! સાંભળતાં જ સરલાબેન બોલ્ય

“ક્યાં જવાનુ છે...?”

“ ખબર નથી ..ત્યાં જઇશું ત્યારે ખબર પડશે પણ અત્યારે આ રંગબેરંગી લાઇટથી આ વાટીકા કેટલી સુંદર લાગે છે. દિવાળીનો તહેવાર જ આનંદનો તહેવાર છે. સરલા. તને યાદ છે... આપણે કેટલી ધૂમધામથી દિવાળીનો તહેવાર ઉજવતા. આપણે ઘરે કેટલી ચહલપહલ રહેતી.. કેટલીયે જાતની મિઠાઇઓ બનતી અને આવતી.. બધાં માટે નવા કપડાં આવતાં અને આપણું ઘર પણ આમ જ રંગબેરંગી લાઇટોથી દીપી ઊઠતું.”

વાતો કરતા કરતા બંને જણ એમના વિતેલા સમયમાં સરી પડ્યા....

જેંતીભાઇ સુરત શહેરના ખૂબ જ શ્રીમંત વ્યક્તિ. ચાર ચાર કાપડની મીલના માલિક અને બીજા ઘણાં બીઝનેસ. એમને બે ઘડી ફુરસદ નહીં.આખો દિવસ બીઝનેસ . એમની પત્નિ સરલા પણ એની કીટી પાર્ટી અને મહિલા મંડળની મિટીંગોમાં વ્યસ્ત. બે દિકરા અમોલ અને અનમોલ. અમોલ મોટો મમ્મીનો દુલારો .અનમોલ સીધો સાદો સરળ. બંને ભાઇઓ જયારે લડતાં ત્યારે હંમેશા મમ્મીનો માર અનમોલ જ ખાતો. એ જેંતીભાઇને ફરિયાદ કરવા જતો તો એને એક જ જવાબ કાયમ મળતો “મમ્મીને કહે..” અનમોલ હજુ કંઇક કહેવા માંગતો તો તરત જ કહેતા

“બેટા પપ્પા અત્યારે બીઝી છે . પછી વાત કરીશું.”

સ્કુલમાં પણ અમોલ ભણવામાં અગ્રસેર અને અનમોલ સાધારણ. સરલાબેન અનમોલને કાયમ કહેતા કે

“મોટાભાઇ જેવો બન. હોંશિયાર..કાયમ સ્કુલમાં પહેલો આવે છે. તુ સાવ ડફોળ જેવો છે.”

અનમોલ બધું ચૂપચાપ સાંભળતો. અમોલને કોલેજમાં બેસ્ટ સ્ટુડન્ટ માટે ગોલ્ડ મેડલ મળ્યો જયારે અનમોલને નાટકમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો.

અનમોલ ઘરે આવીને “મમ્મી આજે તે મને પ્રોમિસ આપ્યું હતું કે તું મારું નાટક જોવા આવશે..? તું કેમ નહીં આવી..? જો મને આજે કોલેજમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. તને ખબર છે મમ્મી બધાં મને કહેતાં હતા કે તારે ફિલ્મોમાં અને ટીવીમાં કામ કરવું જોઇએ. મમ્મી આજે હું બહુ જ ખુશ છું.”

“આ ૫૦ - ૧૦૦ રૂ.ની ટ્રોફી મળી એટલે તું આટલો ખુશ છે. અને અમોલને જો... ગોલ્ડ મેડલ મળ્યો છે એને.. ગોલ્ડ મેડલ... એણે આપણા કુટુંબનું નામ રોશન કર્યુ છે. તું લોકો સામે નાચવામાંથી ઊંચો નથી આવતો. આપણા ખાનદાનમાંથી કોઇએ નાટક કે ફિલ્મોમાં કામ નથી કર્યુ. બરાબર ભણવામાં ધ્યાન આપ.અને તારા મોટાભાઇ પાસેથી કંઇક શીખ. અમારું નામ તો અમોલ જ રોશન કરશે. તારી પાસેથી તો કોઇપણ અપેક્ષા રાખવી વ્યર્થ છે.”

મમ્મી પાસેથી બે સારા શબ્દની અપેક્ષા ઠગારી નીવડી. સાંજે જેંતીભાઇને એને મળેલી ટ્રોફી ખુશ થતાં બતાવતાં

“પપ્પા આજે મને આ ટ્રોફી મળી એટલે હું બહુ જ ખુશ છું."

"સરસ બેટા, પ્રગતિ કરતા રહો.”

“ પપ્પા તમે આ અઠવાડિયે મારું નાટક જોવા આવશો ને..?”

“ નહિં બેટા કામમાંથી જ ફુરસત નથી મળતી. તારી મમ્મીને કહેજે એ આવશે.”

“તમારા બંને પાસે મારા માટે જ સમય નથી અને અમોલ માટે તમારી પાસે બધું જ છે.”

એમ કહીને અનમોલ અચાનક એક દિવસ કોઇને કહ્યા વગર ઘર છોડીને જતો રહે છે..બીજે દિવસે સવારે અનમોલના રૂમમાંથી મળેલ ચીઠ્ઠીમાં લખ્યું હતું કે

“મારે નાટકો અને ફિલ્મોમાં જ કામ કરવું છે. મારે તમારો બીઝનેસ જોઇન નથી કરવો. એટલે હું ઘર છોડીને જાઉં છું. કંઇક બન્યા પછી જ તમારી પાસે આવીશ. તમે મને કોન્ટેક્ટ નહીં કરતા. હું જ તમને કોન્ટેક્ટ કરતો રહીશ. મમ્મીને કહેજો કે અનમોલની ચિંતા નહીં કરે એનો અમોલ એની પાસે છે તો એની ચિંતા કરે.”

અમોલ જેંતીભાઇ સાથે એમના બિઝનેસમાં લાગી ગયો અને પ્રગતિના સોપાન સર કરતો રહ્યો. કોલેજમાં અમોલને એક મિડલ ક્લાસ ફેમિલીની છોકરી પ્રિતી સાથે પ્રેમ થયો હતો અને બંનેના લગ્ન ધામધૂમથી થયા. બીજી બાજુ અનમોલ પણ પોતાના કામમાં આગળ વધવા લાગ્યો અને ધીરે ધીરે એ પણ એક પછી એક સફળ ફિલ્મો આપીને લોકોનો ફેવરીટ સ્ટાર બની ગયો. સમય જતાં પ્રિતી અને સરલાબેન વચ્ચે નાની નાની બાબતોમાં ઘર્ષણ થવા લાગ્યું. સરલાબેન કાયમ એને “મિડલ ક્લાસ મેન્ટાલીટી” એવું કહીને ટોણો મારતા.એમની બેનપણીઓ કે સગા સંબંધીઓ આગળ પણ પ્રિતીનું અપમાન કરતા. કહેતા કે

“અમોલ પણ કેવી મિડલ ક્લાસ મેન્ટાલીટીવાળી છોકરીને પરણ્યો. ખબર નહીં એને શું ગમી ગયું હતું પ્રિતી માં. કોઇ જાતની એટીકેટ નહી , સેન્સ નહીં..અમારા જેવા કુટુંબમાં એડજેસ્ટ જ નથી થતી.”

પ્રિતી બધાં સગા વ્હાલાની વચ્ચે ઘર્સણ ટાળતી અને ત્યાંથી પોતાના રૂમમાં ચાલી જતી. એટલે સરલાબેન તરત જ કહેતાં જોયું

“એને ખબર છે કે ઘરમાં મહેમાન આવ્યા છે તો પણ પોતાના રૂમમાં ચાલી ગઇ. ઘરમાં ડઝન નોકરો છે એને ક્યાં કોઇ કામ કરવાનું છે..! પણ મહેમાનોનું સન્માન જાળવવું એ ઘરની વહુની ફરજ છે. અમોલ પણ જોરુનો ગુલામ થઇ ગયો છે. એને હવે મારી કે એના પપ્પાની બિલકુલ ચિંતા જ નથી કરતો. બસ આખો દિવસ પ્રિતી..પ્રિતી એને ઘરનું બીજું કોઇ દેખાતું જ નથી.”

રોજની આ બધી કટકટથી કંટાળીને અમોલે જેંતીભાઇને કહ્યું

“પપ્પા તમે મમ્મીને સમજાવી દો..જયારે જોઇ ત્યારે પ્રિતીનું અપમાન કરે છે. એ આ ઘરની વહુ છે. મારી પત્નિ છે. એનું અપમાન હું નહીં સાંખી લઉં.”

“ જો બેટા, અત્યારે મારી પાસે સમય નથી. પણ હું સરલા જોડે વાત કરીશ. અને સાંભળ હું અને સરલા ૧૫ દિવસ અમેરિકા જઇએ છીએ. પરમ દિવસની ફ્લાઇટ છે. આપણી બધી જ કંપનીના પાવર તને આપતો જાઉં છું એટલે તને કોઇ પણ તકલીફ નહીં પડે. ધ્યાન રાખજે આપણા કોઇ પણ કારીગર અને સ્ટાફને પણ કોઇ તકલીફ નહીં પડવી જોઇએ. બજારમાં આપણી ઇમ્પ્રેશન બગડવી નહીં જોઇએ.”

“ પપ્પા તમે મને આજે કહો છો..!”

“હા, બેટા બિઝનેસમાંથી સમય જ નથી મળતો. અને તારી મમ્મી એની કીટી પાર્ટી અને મહિલા મંડળમાંથી ઊંચી નથી આવતી. એની વેઝ બેટા, નાવ યુ આર ધ ઓન્લી રિસ્પોન્સીબલ ફોર ગુડ ડીસીઝન એન્ડ બેડ ડીસીઝન. સો કીપ યોર આઇઝ એન્ડ ઇઅર ઓપન. સો ટેક કેર એન્ડ ઓલ ધ બેસ્ટ.” અને જેંતીભાઇ અને સરલાબેન અમેરિકા ચાલ્યા ગયા.

એ રાત્રે “ અમોલ, મમ્મી નથી તો કેટલું સારું લાગે છે. ઘરમાં પણ કેટલી શાંતિ છે. ઘણાં વખત પછી મેં કોઇ ગાળ નથી સાંભળી કે કોઇ ટોણા મેહણાં નથી સાંભળ્યા. પણ પંદર દિવસ પછી શું..? પાછા એ જ ટોણા મેંહણાં...તું પપ્પાજીને કેમ કંઇ કેહતો નથી.”

“ તને શું લાગે છે કે મેં નહીં કહ્યું હોય પણ એમની પાસે સમય જ ક્યાં છે.? બસ આખો દિવસ પૈસો અને પ્રતિષ્ઠાની જ પડી છે. મને યાદ નથી કે એમણે કોઇ દિવસ મારી સાથે કે અનમોલ સાથે શાંતિથી બેસીને વાત કરી હોય. અમારી બધી જરીરિયાત પૈસાથી પૂરી થઇ જતી. મા બાપનો પ્રેમ સ્નેહ બધું જ પૈસાથી પુરું થતું.”

“અમોલ, મને એ ત્રાસ ફરીથી નથી જોઇતો. તું કંઇ કર.” અને અમોલે બે ફોન કર્યા એક વકીલને અને બીજો..

૧૫ દિવસ પછી સુરત એરપોર્ટથી જેંતીભાઇ અને સરલાબેન સીધા આવી ગયા વાટિકા ઓલ્ડ એજ હોમમાં.... ત્યાં જ જેંતીભાઇનો મોબાઇલ ફોન રણક્યો....

“હેલ્લો...કોણ..?”

સામે થી જવાબ આવ્યો “પપ્પા હું અનમોલ બોલું છું.”

“અનમોલ બેટા...!”

“તમે કેમ છો પપ્પા..? મમ્મી કેમ છે.?”

“અમે બંને મજામાં છીએ. અમેરિકાથી અઠવાડિયા પહેલાં જ આવ્યા. બહુ જ સરસ ટ્રીપ રહી. તારી મમ્મી પણ મજામાં છે. એકદમ ખુશ છે પાછી એના મહિલામંડળને મળીને.”

“ પપ્પા મને હમણાં જ ખબર પડી કે તમે અને મમ્મી ઓલ્ડએજ હોમમાં છો.... અમોલ અને પ્રિતીભાભીએ સારું નથી કર્યું.”

“ અરે, દિકરા એ લોકો કશું નથી કર્યુ. એ તો અમે જ કહ્યું હતું કે હવે તુ અમને બંનેને છુટા કર અને બધી જવાબદારી સંભાળી લે. બેટા , બહુ કર્યુ આખી જિંદગી. હવે થોડું અમારા માટે જીવવું છે.”

“ પપ્પા તમે હજુ પણ ભાઈ ભાભીને છાવરો છો. હું નાનપણથી જોતો આવ્યો છું.”

“ અનમોલ બેટા, લે તારી મમ્મી સાથે વાત કર.”

“ના પપ્પા, મમ્મીને ફોન નહીં આપતા પાછી મને કહેશે કે નચૈયો થઇ ગયો છે. નાટકીયો થઇ ગયો છે. એની પ્રતિષ્ઠા ઓછી થઇ જશે. તમે એક કામ કરો તમે બંને અહી મુંબઇ આવી જાવ. મારું પોતાનું મોટું ઘર છે. તમને કોઇ વાતની તકલીફ નહીં પડશે. ઘરમાં નોકર ચાકર પણ છે.”

ના બેટા, હવે અમને અહી ફાવી ગયું છે.બધાં અમારા જેવા જ છે.”

“સારું પપ્પા જેવી તમારા લોકોની મરજી. કોઇ પણ તકલીફ હોય તો તરત જ ફોન કરજો. અને હા, દર રવિવારે ડોકટર બધાંનું ચેકઅપ કરવા આવી જશે. એને રૂપિયા આપવાના નથી. તમારૂં ધ્યાન રાખજો અને મમ્મીને કહેજો કે દવા બરાબર લે અને એનું ધ્યાન રાખે. ચાલો ફરીથી ફોન કરીશ.”

ફોન કટ કરતા જેંતીભાઇ સોફા પર બેઠા.

“તમે મને ફોન ના આપ્યો. કેટલો સમય થઇ ગયો અનમોલ સાથે વાત કરીને”.

“ એણે ના કહી કે મારે મમ્મી સથે વાત નથી કરવી. મને નચૈયા અને નાટકીયો કહેશે.”

આ સાંભળીને સરલાબેન રડતાં રડતાં “મને માફ કરીદે બેટા.. મારી બહુ મોટી ભુલ થઇ ગઇ..”

“ સરલા ભુલ તો આપણે બંને એ કરી છે. હું આખી જિંદગી પૈસા પાછળ દોડ્યો અને ઘરમાં ધ્યાન નહીં આપ્યું. થતું કે નોકર ચાકર વચ્ચે બાળકો ઉછરી જશે. પણ બાપ તરીકેની ફરજ ચૂક્યો છું. મને મારી પ્રતિષ્ઠા વ્હાલી હતી બંને દિકરાઓ કરતા. અને તું હંમેશા ગમે તેમ બોલતી રહી. મેંહણા ટોણા મારતી રહી. સ્થળ અને સમયનું પણ તને ભાન ન્હોતુ જયારે તુ બોલતી ત્યારે. ભૂલ આપણા બંનેની છે. એટલે જ આપણને આ સજા મળી છે.” ત્યાં રણછોડ આવ્યો ..

“દાદા દાદી ચલો તમારે જવાનું છે. તમારા બંનેનો તો વટ છે ને.. કેટલી મોટી ગાડી તમને લેવા આવી છે.”

બંને જણ તૈયાર થઇને બહાર આવ્યા અને જોયું તો એક મોટી કાળા રંગની BMW કાર એમના માટે ઊભી હતી. સરલાબેને એક ક્ષણ માટે લાગ્યું કે અમોલ અમને લેવા આવ્યો હશે એટલે ગાડી તરફ દોડ્યા અને એક યુવાન અને યુવતી બહાર ઊતર્યા. બંને જણ સરલાબેનને “હેપી દિવાળી” કહી પગે લાગ્યા. જેંતીભાઇ સાથે રણછોડ પણ બંને યુવક અને યુવતી પાસે આવ્યા. જેંતીભાઇને પણ “હેપી દીવાળી” કહી પગે લાગ્યા. જેંતીભાઇ અને સરલાબેનને કંઇ ખબર પડે એ પહેલાં જ રણછોડે કહ્યું

“ દાદા દાદી આ બંને જણ તમને લેવા આવ્યા છે.”

યુવકે પોતાની ઓળખાણ આપતા કહ્યુ “મારું નામ પ્રકાશ અને આ મારી પત્નિ મીરા.”

પ્રકાશે રણછોડને મિઠાઇના ૩-૪ પેકેટ્સ આપ્યા. અને જેંતીભાઇ અને સરલાબેનને ગાડીમાં બેસવાનું કહી બંને માટે દરવાજા ખોલ્યા.બંને ગાડીમાં બેઠા કે તરત જ ગાડી શહેર તરફ ચાલવા લાગી. થોડીવારની શાંતિ પછી જેંતીભાઇએ પૂછ્યું “ભાઇ અમને ક્યાં લઇ જાવ છો.?”

“ તમે ચિંતા ના કરો. અમે સારા લોકો છીએ. તમને અમારા ઘરે લઇ જઇએ છીએ”.

મીરા એ કહ્યું “બાબુજી અમે બંને અનાથ છીએ. અને અનાથાશ્રમ માં જ મોટા થયા છીએ. અમને બંનેને અમારા મા બાપની ખબર નથી. એ વાતની ખોટ અમને કાયમ લાગ્યા કરે છે. અમને અમારી જાતિ પણ ખબર નથી. લોકોએ જે નામ પાડ્યુ એ જ નામ અમારું પડી ગયું. અમને બંનેને પ્રેમ થતાં અમે બંને પરણી ગયા. અમને બે બાળકો છે, સ્મિત અને સ્મિતા બંને ટ્વીન્સ છે. પ્રકાશ સોફ્ટવેર એનજિનિયર થયો છે. અને પોતાની સોફ્ટવેર કંપનીછે. અને હું પણ ગ્રેજયુએટ છુ. પણ અત્યારે સંપુર્ણ હાઇસવાઇફ..”

“એટલે આ વખતે મેં અને મીરાએ નક્કી કર્યું કે આ વખતની દીવાળી આપણે જુદીરીતે મનાવીએ. એટલે અમે વાટિકાના મેનેજરને વાત કરી અને એમણે તમારી સાથે આ દીવાળી ઉજવવાનો મોકો આપ્યો. તમને વાંધો ના હોય તો તમને બા -બાબુજી કહીએ.”

જેંતીભાઇ અને સરલાબેન એકબીજા સામે જોતા જ રહ્યા. “હા બેટા અમને કોઇ વાંધો જ નથી તમે બંને અમારા છોકરા જેવા જ તો છો” સરલાબેન બોલ્યા.

વાતો કરતાં કરતાં ગાડી એક સરસ મજાના બંગલાની અંદર દાખલ થઇ. ગાડી જેવી ઊભી કે તરત જ બે સરસ મજાના બાળકો દાદા દાદી કરતાં આવ્યા અને જેંતીભાઇ અને સરલાબેનને વળગી પડ્યા.

આખો દિવસ સરસ મજાનું ખાવાનું સ્મિત અને સ્મિતાની સાથે મસ્તી અને પ્રકાશ અને મીરા ધ્વારા મળેલ ખૂબ જ પ્રેમ અને સન્માનથી જેંતીભાઇ અને સરલાબેન ગળગળા થઇ ગયા. ક્યાં સાંજ પડી ગઇ કોઇને ખબર જ નહીં પડી. જવાનો વખત થઇ ગયો. બંને બાળકો કહેવા લાગ્યા “દાદા દાદી નહીં જાઓ. અમારી સાથે જ રહો. પપ્પા દાદા દાદીને રોકો. એમને કહો કે હવે અહીં રહે.”

“ હા , બા આ પણ તમારું જ ઘર છે. રોકાઇ જાઓ.”

“ બેટા....”

“પ્લિઝ બાબુજી બંને બાળકો અને અમે બંને પણ ઇચ્છીએ છીએ કે તમે રોકાઇ જાઓ. અમને તો ખબર જ નથી કે મા બાપ કોણ છે.? એમનો પ્રેમ શું છે.? આજે તમારી સાથે આખો દિવસ વિતાવ્યો ત્યારે ખબર પડી કે મા બાપ કેમ જરૂરી છે...! તમને વચન આપું છું કે તમને કોઇ પણ વાતની તકલીફ નહીં પડે.”

“ બેટા, તકલીફ તો વાત જ નથી. અમે આખો દિવસ જોઇ લીધું કે તમે બંનેએ અમને જે રીતે રાખ્યા છે. અમને પણ ગમશે તમારી બધાં સાથે રહેવાનું. પણ બેટા વાટિકામાં અમારા જેવા બીજા પણ છે જેઓ તમારા જેવા દિકરાઓના પ્રેમથી વંચિત છે કે ત્યાં નાના બાળકો પણ છે જે મા બાપ અને દાદા દાદીના પ્રેમથી વંચિત છે. તો અમે લોકો એ બધાંને સહારો આપીશું અને સાથે રહીને મદદરૂપ થઇશું.”

પ્રકાશ એમને એક ગિફ્ટ આપતા “બા-બાબુજી આ અમારા તરફથી એક નાની શુભેચ્છા.”

“બેટા, તમે બંને તો અમારા દિકરા દિકરી જેવા છો એટલે તમારી પાસેથી અમે નહીં લઇ શકીએ. પણ તારે આપવું જ હોય તો બેટા ત્યાં રહેતા નાના બાળકો માટે થોડાં કપડાં રમકડાં અને ત્યાં રહેતાં તમામ લોકો માટે મિઠાઇ આપજે.”

મીરા સરલાબેનને ગળે લાગતા “બા, પ્લિઝ રોકાઇ જાવ.. ભગવાન શું છે એ અમને ખબર ન્હોતી. પણ આજે તમને મળ્યા પછી લાગ્યું કે ભગવાન તો આને જ કહેવાય. અમે આખી જિંદગી અમારા ભગવાનથી દૂર રહ્યા અને આજે ભગવાન અમને છોડીને જઇ રહ્યા છે.”

“અરે, બેટા પ્લિઝ રડ નહીં અમે તને છોડીને નથી જતા. અમે અમારા બાળકો માટે કાયમ જ છીએ.”

પ્રકાશ છેલ્લીવાર પ્રયત્ન કરતાં “બાબુજી રોકાઇ જાવ પ્લિઝ....!”

“બેટા, અમારી વધારે જરૂર ત્યાં રહેતાં લોકોને છે. સાચું કહું તો અમારી બંનેની ભુલોને કારણે એક ઘર તૂટ્યું છે. હવે બીજું ઘર નથી તોડવું. પણ હાથ જોડીને એક વિનંતી કે અમારા જેવા લોકોને વારે તહેવારે આવી રીતે એક દિવસ ના મહેમાન જરૂર થી બનાવજો...."

"તમારી હજુ પણ ખૂબ પ્રગતિ થાય અને ભગવાનની કૃપા હંમેશા તમારા કુટુંબ પર રહે એવા આશિર્વાદ......"

"ચલો સરલા......."

.