Blind teacher in Gujarati Motivational Stories by Pramod Solanki books and stories PDF | અંધ શિક્ષક

Featured Books
Categories
Share

અંધ શિક્ષક

મારી દુકાનની બાજુમાં જ એક સોપારી અને તમાકુંના હોલસેલની દુકાન છે. હમણાં થોડા દિવસ પહેલા જ કોઈ એ એની દુકાન પરથી ૩૫૦૦૦ નો માલ ખરીદ્યો સામે વાળાએ એને online payment કરશે એ પહેલાં જ જણાવેલું હતું. બરોબર એ જ સમયે તેની દુકાનમાં ગ્રાહકોની ખાસ્સી ભીડ હતી. સામે વાળાએ પોતાના મોબાઈલમાંથી જ એક ટેક્સ મેસેજ લખીને દુકાન વાળા ભાઈને મોકલ્યો. જેમાં લખ્યું હતું કે Amount of Rs. 35000 is credited your account. મેસેજ મોકલતા જ માલ ખરીદનાર ભાઈ એ દુકાનદારને કહ્યું કે જુઓ તમારામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા છે. દુકાનદાર ગ્રાહકોની ભીડમાં આવેલ મેસેજ ને ઉપરથી જ જોઈ લીધો એણે મોબાઈલમાં રૂ.૩૫૦૦૦ રકમ જ વાંચીને પેલા ભાઈ ને કહી દીધું કે પૈસા આવી ગયા છે તમે જઈ શકો છો. દુકાનદાર ફરી પાછા ગ્રાહકોને માલ આપવામાં વ્યસ્ત થઈ ગયા. જ્યારે એ ફ્રી થયા ત્યારે એણે પોતાના મોબાઈલ થી જ તેના બેંકની current amount ચેક કરી ત્યારે એને ખ્યાલ આવ્યો કે પેલા ભાઈ એ ટ્રાન્સફર કરેલા પૈસા તેના એકાઉન્ટ માં જમા થયા નહતા. તેણે ફરી મોબાઈલમાં આવેલ મેસેજને ચેક કરતા ખ્યાલ આવ્યો કે માલ ખરીદનારે પોતાના મોબાઈલ થી જ આ મેસેજ કર્યો હતો. ત્યારે બેંકમાંથી મેસેજ આવ્યો છે એવું સમજીને પેલા ભાઇને જવા માટે કહ્યું હતું. તેણે તરત જ ખ્યાલ આવ્યો કે મારી સાથે છેતરપીંડી થઈ છે. દુકાનદારે તરત જ જે નંબર પરથી મેસેજ આવ્યો હતો એને ફોન લગાવ્યો પણ એ નંબર સ્વીચ ઓફ બતાવતા હતા.

દુકાનદાર ચિંતામાં મૂકાઈ ગયો. ક્યાં માણસને ચિંતા ના થાય જેના રૂ.૩૫૦૦૦ ખોટા થયા હોય! અને એ પણ જે ગામડામાં દુકાન લઈને બેઠો હોય! દુકાનદાર પાન, માવા અને કોલ્ડ્રિગ્સ ની દુકાન તો વર્ષોથી ચલાવતો હતો પણ સોપારી અને તંબાકુનું હોલસેલનું કામ શરૂ કર્યું એને હજુ માંડ ૨૦ દિવસ થયા હતા. પહેલા કોળીયે જ માંખી આવી એના જેવું થયું દુકાનદાર સાથે. દુકાનદાર માલ ખરીદનારને ઓળખતો પણ નહોતો તો એને શોધવો કઈ રીતે! છેલ્લે દુકાનદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

આ વાતની જ્યારે મને જાણ થઈ ત્યારે મને પણ ચિંતા થવા લાગી કારણ કે online payment ને લગતી બધી જ એપ્લિકેશન હું વાપરતો હતો. બધી જ એપ્લિકેશન નો ઉપયોગ હું સારી રીતે જાણતો હોવા છતાં મારા ભીતરની અંદર એક ભયનું લખલખું પસાર થઈ ગયું. મે પણ નક્કી કરી નાખ્યું કે ક્યારેક વધારે ઘરાઘીમાં આપણે પણ આવી રીતે છેતરાઈ શકીએ છીએ એટલે બને ત્યાં સુધી રોકડમાં જ વહીવટ કરવો વધારે હિતાવહ છે.

એક વાર મારી દુકાન પર એક અંધ શિક્ષક આવી ચડ્યા. જેનું નામ શૈલેષભાઈ ગોહિલ છે. એ થોડા સમય પહેલા જ મારી દુકાનની બાજુમાં જ એક મકાનમાં ભાડે રહેવા આવ્યા હતા. મારી દુકાનમાં ફર્નિચરનો સામાન તો મળતો જ હતો સાથે કિચેનવેર ને લગતી પ્લાસ્ટિકની વસ્તુઓ પણ મળતી. દુકાન પર આવેલ અંધ શિક્ષક ઘણીવાર મારી દુકાન પરથી પ્લાસ્ટિકની વસ્તુઓ લઈ ગયેલ જેથી એમની સાથે એક ગ્રાહક તરીકે નો સબંધ બંધાયો હતો. મેં ખૂબ જ વિનયથી તેમને આવકાર આપી ખુરશી પર બેસવા કહ્યું. "જુઓ પ્રમોદભાઈ અત્યારે હું થોડો ઉતાવળમાં છું પણ એક કામ માટે તમારી પાસે આવ્યો છું. તમે મને એક મસ્ત કબાટ બતાવો મારે તમારી પાસેથી કબાટ લઈ જવો છે." એકી શ્વાસે શૈલેષભાઈ બોલી ગયા. હું તો વિચારમાં પડી ગયો કે આ અંધ શિક્ષકને કેવી રીતે કબાટ બતાવું? કબાટને કદાચ બતાવું પણ ખરી, તો એ કેવી રીતે જોશે કે કબાટ કેવો છે? હું હજુ વિચારોમાં ખોવાયેલો હતો જ ત્યાં જ એના અવાજથી વિચારોમાંથી બહાર આવ્યો. "શું થયું પ્રમોદભાઈ." થોડી વારે કાંઈ જવાબ નહિ મળતાં શૈલેષભાઈ એ પ્રશ્ન મૂક્યો.

"કંઈ નહિ, ચાલો હું તમને કબાટ બતાવું" વિચારોને બાજુ પર મૂકી શૈલેષભાઇ નો હાથ પકડી કબાટની હરોરની સામે લઈ ગયો. એક પછી એક કબાટ તેને બતાવતો હતો. શૈલેષભાઈ એક એક કબાટની બધી જગ્યા પર સ્પર્શ કરીને ચેક કરતા હતા. પતરાંની મજબૂતાઈથી લઈને કઈ જગ્યા પર ચોર ખાનું, સાડી ખાનું, ડ્રોવર, હેન્ડલ, અરીસો, એંગર, તિજોરી અને કબાટની અંદર આવતા ખાનાની સંખ્યા. હું તો શૈલેષભાઈ ની કબાટ તપાસવાની રીત જોયનેજ અભિભૂત થઇ ગયો. દેખાતો વ્યક્તિ પણ આટલી બારીકાઈથી કબાટનું નિરીક્ષણ નથી કરતા. જે નિરીક્ષણ અત્યારે શૈલેષભાઈ કરતા હતા. હું ખુશ થઈ ગયો એમની કબાટ તપાસવાની રીતથી.

છેલ્લે એણે રૂ.૧૦૫૦૦ ની રકમના કબાટ પર પસંદગી ઉતારી. "પ્રમોદભાઈ મને આ કબાટ પસંદ આવ્યો છે. આ કબાટ તમારે મને ઘર સુધી પહોંચાડી આપવાનો રહેશે. અને એક બીજી વાત કે આ કબાટના પૈસા હું તમને online transfer કરીશ." શૈલેષભાઇ એ તેમની જરૂરિયાતનો કબાટ મળતા ખુશ થતા કહ્યું. પણ હું થોડો ખચકાયો, હમણાં થોડા દિવસ પહેલા જ તંબાકુની દુકાનમાં થયેલી છેતરપિંડી યાદ આવી. છતાં એ શિક્ષક મારી દુકાનની બાજુમાં જ રહે છે એ વિચારી ભયમુક્ત થઈ કબાટ તેમના ઘર સુધી પહોંચતો કરી આપીશ એની બાહેંધરી આપી.

શૈલેષભાઈ એ મારો મોબાઇલ નંબર તેમના ફોનમાં સેવ કરી નાખ્યો. પછી એક એપ્લિકેશન માંથી કબાટની રકમ ટ્રાન્સફર કરવા જઈ રહ્યા હતા ત્યાં જ મે એને એક ટકોર કરી કે પહેલા તમે ફક્ત રૂ.૧૦૦ ટ્રાન્સફર કરો પછી પૂરી રકમ કરજો. એનો જવાબ સાંભળવા જેવો હતો. "પ્રમોદભાઈ તમને એવું લાગે છે ને, કે હું જોઈ નથી શકતો એટલે આ રકમ કોઈ બીજામાં જતી રહેશે? તો કદાચ તમે ભૂલ કરો છો. જુઓ હું બધી જ રકમ એક સાથે તમારા નંબર પર ટ્રાન્સફર કરું છું." ખૂબ જ આત્મવિશ્વાસ થી શૈલેષભાઈ એ કહ્યું. અને તરત જ મોબાઈલમાં પેમેન્ટ ટ્રાન્સફર નો મેસેજ મળી ગયો.

હું શરમથી એકદમ લાલ થઇ ગયો. શૈલેષભાઇ ને શું જવાબ આપવો એની ગતાગમ નહોતી. છતાં હિંમત એકઠી કરીને મારી અંદર સતાવી રહેલા ભયને શૈલેષભાઈ સમક્ષ રજૂ કર્યો. એમને મેં જણાવ્યું કે "હમણાં જ બાજુની દુકાન પર થયેલી online payment ની છેતરપિંડીના કારણે મારી અંદર ભય બેસી ગયો છે માટે તમે જ્યારે પેમેન્ટ મોકલતા હતા ત્યારે મેં તમને ચેતવ્યા હતા." મેં થોડા ભય સાથે શૈલેષભાઇ ને જણાવ્યું. મારી અંદર ઘર કરી ગયેલા ભયને દૂર કરવાના હેતુથી શૈલેષભાઈ એ ખૂબ સરસ રીતે મને સમજાવ્યો.

"જુઓ પ્રમોદભાઈ, એ જ વ્યક્તિ છેતરાય છે જે જાગૃત નથી રહેતો. અત્યારે આ આધુનિક યુગમાં તમારે હર પળે જાગૃત રહેવું જરૂરી છે. થોડી પણ ચૂક થશે એટલે તમે છેતરવાના જ. તમને એક ઉદાહરણથી સમજાવું. એકવાર બુદ્ધ કોઈ વ્યક્તિના ઘરે બેઠા હતા. ત્યારે બુદ્ધ ના ચહેરા પર એક માંખી આવીને બેસી ગઈ. બુદ્ધ નો હાથ અચાનક જ એ માંખીને ઉડાડવા માટે ચહેરા પર ફરી વળ્યો. તેણે ફરી આની આ ક્રિયા બીજી વાર કરી. સામે વાળા ભાઈને આ બીજીવાર કરેલી ક્રિયાથી આશ્ચર્ય થયું એણે બુદ્ધ ને પૂછી લીધું કે "તમે માંખી ઊડી ગઈ હોવા છતાં બીજી વાર શા માટે ચહેરા પર હાથ ફેરવ્યો?" બુદ્ધે સરસ જવાબ આપ્યો કે "પહેલીવાર મારો હાથ અનાયાસે જ ચહેરા પર ફરી વળ્યો હતો ત્યારે હું જાગ્રત ના હતો. પણ આપણે આવી નાની નાની ક્રિયાઓ પણ જાગ્રત અવસ્થામાં કરવી જોઈએ માટે મે જાગ્રત થઈ બીજીવાર ચહેરા પર હાથ ફેરવ્યો."

"વિચારો પ્રમોદભાઈ બુદ્ધ ભગવાન આજથી ઘણા વર્ષો અગાઉ આવી નાની નાની ક્રિયાઓ બાબતે આટલું સજાગ રહેવાનું સૂચન કરી ગયા હોય તો, અત્યારે તો ટેકનોલોજી એ હરણફાળ ભરી છે માટે તો આપને હરેક પળ સજાગ રહેવું જ જોઈએ." ખૂબ જ આત્મવિશ્વાસથી શૈલેષભાઈ એ મને સમજાવ્યું.

જ્યારે શૈલેષભાઈ મને સમજાવતા હતા ત્યારે એના ચહેરા પર એક અજીબ પ્રકારનું તેજ વર્તાઈ રહ્યું હતું. એના એક એક વાક્યમાં આત્મવિશ્વાસ છલકતો હતો. મને એવું લાગ્યું કે એને એના જીવન પર કોઈ પસ્તાવો નહોતો. શૈલેષભાઈ ની જગ્યા પર કોઈ બીજો વ્યક્તિ હોત તો કુદરતને હમેશાં ફરિયાદ કરતો હોત કે શા માટે મને અંધ બનાવ્યો. જ્યારે શૈલેષભાઈ એ તો કુદરતે આપેલા જીવનને સ્વીકારી લીધું હતું. પોતાના જીવનનો ઉમળકો એના શબ્દોમાં સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો. મારી અંદર ઘર કરી ગયેલા ભયની સંકુચિતતા ના કારણે શૈલેષભાઈ અંધ હોવા છતાં હું એમની આંખોમાં આંખ પરોવીને વાત નહોતો કરી શકતો.

"ચાલો પ્રમોદભાઈ હું રજા લવ, તમે મારો કબાટ ઘરે પહોંચાડી દેજો." ખુરશી પરથી ઉભા થતા શૈલેષભાઈ એ મને કહ્યું. "હા, હું પહોંચાડી આપીશ. ચિંતા ના કરો. મે પ્રત્યુતર વાળ્યો. એણે દુકાન પરથી વિદાય લીધી.

સાંજે સાત વાગ્યે હું એમના ઘરે ટેમ્પામાં કબાટ લઈને પહોંચી ગયો. એમણે ખૂબ જ આગ્રહ કરી ચા પિયને જવાનું કહ્યું. એના હીંચકે બેઠા બેઠા મારી અંદર સળવળી રહેલો પ્રશ્ન પૂછી નાખ્યો. "તમે જોઈ નથી શકતા છતાં પણ તમે કેવી રીતે મોબાઈલ વાપરો છો?" થોડો સંકોચ હતો મારા પ્રશ્નમાં. શૈલેષભાઈ એ પોતાનો મોબાઇલ ખિચ્ચામાંથી કાઢતા કહ્યું કે પ્રમોદભાઈ હું જોઈ નથી શકતો પણ સાંભળી તો શકું છું ને. મોબાઈલમાં એક ફંક્શન આવે છે talk back નામનું. જેને ઓન કરવાથી કોઈ પણ એપ્લિકેશન પર touch કરતા એક વોઈસ મેસેજ મળે છે જેનાથી હું મોબાઈલ સારી રીતે વાપરી શકું છું. એ કેવી રીતે મોબાઈલ ઉપયોગ કરે છે એ મને સમજાવ્યું અને ઉપયોગ કરીને બતાવી પણ દીધું. હું તો આશ્ચર્ય થી એમની સામે જોઈ જ રહ્યો.

શૈલેષભાઈ ના પત્ની એક પગે અપાહિજ હતા. એ ચા લઈને અમારી પાસે આવ્યા. અત્યાર સુધી થયેલી અમારી વાતો એ સાંભળતા જ હતા. "તમે સાહેબને ઓછા નહિ સમજતા, એ ટીવી પણ રીપેરિંગ કરી શકે છે અને જો માર્ગદર્શક પાસે બેઠો હોય તો ફોરવિલ પણ ચલાવી જાણે છે." રકાબીમાં ચા ભરતાં શૈલેષભાઈ ની પત્ની એ કહ્યું. હું તો એમની વાત સાંભળીને જ અવાચક થઈ ગયો. એક અંધ વ્યક્તિ આટલા કાર્યો સહજતાથી કરી શકે એ જ મારા માટે નવાઈની વાત હતી. પણ એનો પરિવાર ખુશ હતો એ જોઈ નેજ મને આનંદ થયો. મે ચા પીઇ ને એમના ઘરેથી વિદાય લીધી.

બીજા દિવસે સવારે દસ વર્ષના દીકરાની આંગળી પકડીને શૈલેષભાઈ મારી દુકાનની આગળથી પસાર થયા. એમને જોઈ નેજ મારું હ્રદય બોલી ઉઠયું "પોતે નેત્રહીન હોવા છતાં મને એક નવી દ્રષ્ટિ આપતા ગયા હતા."

સમાપ્ત
પ્રમોદ સોલંકી