પ્રકરણ - 33
રેશ્મા એક લાંબા કોરીડોરમાં ચાલી રહી હતી. અને મનમાં જ બોલતી હતી કે, 'કેવા ભુલભુલામણી જેવા લાંબા લાંબા કોરીડોર બનાવી રાખ્યા છે? પુરા જ નથી થતા. જ્યાં જોઇએ ત્યાં એક નવો રસ્તો ચાલુ થઇ થાય છે. અને આટલા બધા ખંડોમાં કોણ કોણ રહેતું હશે વળી!!' એટલામાં જ એને પાછળથી એક છોકરીનો અવાજ સંભળાયો. એણે તરત જ પોતાની ગન કાઢીને પાછળ ફરી. એ એકદમ ચોંકી ઉઠી. એને વિશ્વાસ ન આવ્યો કે એ વ્યક્તિ જે એની પાછળ ઉભી છે એ વનિતા છે.
"વનિતા.!!" એણે પુછ્યું, "તું અહીંયા શું કરે છે? તું આવી કઇ રીતે અહીંયા?"
"ફક્ત હું જ નહીં, ધનંજય પણ અહીંયા જ છે. રાજીવ અને દર્શ પણ."
"શું?!!" પોતાની ગન પેન્ટમાં પાછળ રાખતા રેશ્માએ કહ્યું.
"હાં. એ બધા મહેલમાં પહોંચી ગયા છે. એ અહીંયા પહોંચ્યા બાદ મને મારી નાખવા માંગતો હતો. પણ હું એમને ચકમો આપીને ભાગી ગઇ."
"પણ એ તને કેમ મારી નાખવા માંગતો હતો?"
"એને હવે મારી જરૂર નથી. અને હવે હું એમને માટે બોજ બની ગઇ હતી." વનિતાએ ભીના અવાજે કહ્યું.
"કંઇ વાંધો નહી. તું મારી સાથે ચાલ." રેશ્માએ એના ખભા પર હાથ રાખીને કહ્યું. પછી એ ચાલવા લાગી. પણ જેવી એ પાછળ ફરી કે તરત જ વનિતાએ એક ઝાટકે એની ગન ખેંચીને એના પર જ તાકી દીધી. રેશ્મા નવાઇ સાથે પાછળ ફરી. વનિતા એના પર ગન તાકીને ઉભી હતી. પેલા લાચાર અને અબળા નારી વાળા ભાવ ચાલ્યા ગયા હતા. અને એની જગ્યાએ એક કુટિલ હાસ્ય એના ચહેરા પર ફેલાયેલું હતું.
"વનિતા, આ શું કરી રહી છે?" રેશ્માએ પુછ્યું.
"તું એકલી બેવકૂફ છે કે હજુ સુધી સમજી નથી?" વનિતાએ કહ્યું, "ધનંજયે મને મારવાનો પ્રયાસ નથી કર્યો, પણ એણે મને અહીંયાં તને મારવા માટે જ મોકલી છે."
"પણ એણે તારી સાથે જે કર્યું એ પછી પણ.." રેશ્મા બોલવા જતી હતી ત્યાં જ વનિતા એને અટકાવતા બોલી, "ઓહ્.. પ્લીઝ.. તને સાચે જ લાગે છે કે ધનંજય પાસેથી મે લોન લીધી હતી અને એટલા માટે એ બીચારી વનિતાને અહીંયા લઇ આવ્યો હતો?"
"તો પછી શું છે તારી સચ્ચાઈ?" રેશ્માએ ખિન્ન અવાજે પુછ્યું. એણે સપનામાં પણ વિચાર્યું નહોતું કે વનિતા આવી રીતે એની સામે ગન તાકીને ઉભી રહેશે. એ વનિતાને સમજવામાં મોટી થાપ ખાઇ ગઇ હતી.
એક લુચ્ચા હાસ્ય સાથે વનિતાએ કહ્યું, "હું ડોક્ટર છું એ વાત સાચી છે. પણ ધનંજયે મને કોઇ લોન આપી ન હતી. વાસ્તવમાં હું એની ગર્લફ્રેન્ડ છું."
"વ્હોટ?!!"
"હાં અને મારું કામ હતું એક બીચારી અબળા નારી તરીકે તારો અને વિક્રમનો વિશ્વાસ જીતવો. જેમાં હું થોડા ઘણા અંશે સફળ પણ થઇ હતી. પણ મારે વાસ્તવમાં તમારા બંનેનો ખુફીયા પ્લાન જાણવાનો હતો. અને એ મે જાણી પણ લીધો હતો. તું અને વિક્રમ એકવાર સંબલગઢ મળી જાય એ પછી ધનંજયને રસ્તા માંથી હટાવવાનો વિચાર કરી રહ્યા હતા કે નહી?" વનિતાએ રેશ્મા સામે ધારીને જોયું.
"તને કઇ રીતે ખબર પડી?" રેશ્માએ પુછ્યું.
"હું તમારા પર નજર રાખી રહી હતી."
"પણ આં બધું તું શું કામ કરી રહી છે? તને ખબર છે કે ધનંજયના ઇરાદા નેક નથી. એ પોતાના સિવાય કોઇનો વિચાર નથી કરતો."
"એ મને પ્રેમ કરે છે." વનિતાએ કડક અવાજમાં કહ્યું.
"સિરીયસલી?" રેશ્માએ કહ્યું, "તને સાચે જ એવુ લાગે છે કે એ સમય આવ્યે તને છોડી નહીં દે? જે માણસ એનો દિકરો મર્યો એના બીજા દિવસે જ સંબલગઢ શોધવા નીકળી પડે છે એને બીજા કોઇની પરવાહ હોઇ શકે છે? જેણે પોતાના સગા દિકરાને પ્રેમ નથી કર્યો એ તને શું પ્રેમ કરશે?" રેશ્મા પ્રશ્નાર્થ નજરે વનિતા તરફ જોવા લાગી. એણે જાણી જોઇને વિજયના જીવિત હોવાની વાત બાદ રાખી દીધી.
"બસ!!!" રેશ્માના પ્રશ્નોને લીધે વનિતા ગુસ્સેથી જ્વાળાની જેમ સળગવા લાગી. એણે તરત જ ગન નું ટ્રીગર દબાવી દીધું. પણ સમય સૂચકતા વાપરીને રેશ્મા નીચે નમી ગઇ અને વનિતાના હાથ પર પ્રહાર કર્યો. વનિતાના હાથમાંથી ગન છુટી ગઇ અને દુર જઇ પડી. વનિતા રેશ્માના ચહેરા પર એક મુક્કો મારવા ગઇ પણ રેશ્માએ એનો હાથ પકડીને એનો વાર ખાલી કરી નાખ્યો. પણ તરત જ વનિતાએ જમણો પગ ઉગામીને રેશ્માના પડખા પર જોરથી લાત મારી. રેશ્માને જોરદાર પીડા થઇ. વનિતાનો હાથ એની પકડમાંથી છુટી ગયો. તરત જ વનિતાએ ફરી એને એક મુક્કો માર્યો. આ વખતે રેશ્માના જબડામાંથી લોહી નીકળવા લાગ્યું. એ જમીન પર પડતાં પડતાં રહી ગઇ. વનિતા ફરી એને એક મુક્કો મારવા જતી હતી પણ આ વખતે રેશ્માએ એને કમરના ભાગેથી પકડીને એની પાછળ તરફ ધક્કો માર્યો. વનિતા પાછળ ખસવા લાગી. ખસતા ખસતા બાજુના કમરાનો દરવાછા સાથે અથડાઇ. દરવાજો તરત જ ખુલી ગયો. રેશ્માએ પુરુ જોર લગાડીને એને ધક્કો માર્યો. વનિતા પોતાનો બચાવ કરવામાં નિષ્ફળ નીવડી અને તરત જ એક બારી પાસે પહોચી ગઇ. રેશ્માએ એને ધક્કો માર્યો તો એ બારીની બહાર પડી ગઇ. પણ સીધી નીચે જવાને બદલે એણે એક હાથે બારીની નીચેની ફ્રેમ પકડી લીધી. એની નજર નીચે પડી. ત્યાં એક કેનાલ હતી જેમાં ગંદુ પાણી ભર્યું હતું. પણ એનાથી વધારે ખતરનાક નજારો તો એ કેનાલના કિનારા પર હતો. વિકૃત જીવોનું એક ટોળું ત્યાં ઊભું હતું. વનિતાની આંખોમાં મોતનો ખૌફ ઉતરી આવ્યો. એણે ઉપર નજર કરી. રેશ્મા હાંફતાં હાંફતાં એની સામે જોઇ રહી હતી. એની આંખોમાં વિજેતાની ચમક હતી. એનાં બંને હોઠ વચ્ચેથી લોહીની ધાર વહી રહી હતી.
"રેશ્મા પ્લીઝ મને ઉપર ખેંચી લે." વનિતા તરત જ સૂર બદલીને કરગરવા લાગી. "તું જેમ કહીશ એમ હું કરીશ. પણ પ્લીઝ મને બચાવી લે."
રેશ્માના મોઢા પર એક સ્મિત આવી ગયું. એ જોઇને વનિતા સમજી ગઇ. એણે રાડ પાડી.. "નહી..." પણ રેશ્માએ એના બંને હાથો પર જોરદાર મુક્કા માર્યા. વનિતાની પકડ છુટી ગઇ. અને એ કેનાલમાં જઇ પડી. પણ એ એટલી ભાગ્યશાળી ન હતી. રેશ્માએ જોયું કે અર્ધજીવીઓનું એક ટોળું કેનાલમાં કુદી ગયું અને વનિતાને ખાવા લાગ્યું. વનિતાની મરણતોલ ભયાનક ચીસો વાતાવરણમાં ગુંજી ન શકી કારણ કે એ જીવોએ એને પાણીની અંદર ખેંચી લીધી હતી. થોડીવારમાં જ કેનાલના કાળા રંગના પાણીમાં લાલ રંગ પણ ભળી ગયો. રેશ્મા ત્યાંથી નીકળી ગઇ. એને તરત જ વિક્રમને શોધીને ધનંજય આવી ગયો છે એ જણાવવું અત્યંત જરૂરી હતું.
* * * * *
"પ્રિય શુદ્ધોદન અને વીરવર્ધન, તમને અમૃતરસની પુરી કથા જણાવવાનો યોગ્ય સમય મળ્યો નથી. અને કદાચ મળશે પણ નહી. એટલે આ સંદેશો છોડી રહી છું. આટલું તો તમે જાણતા હશો કે સદીઓ પહેલાં તમારા પિતાના પૂર્વજોએ જુદા જુદા પ્રકારના પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરીને અમૃતરસની રચના કરી હતી. એની મદદથી લોકો સો વર્ષો સુધી સ્વસ્થ અને યુવા અવસ્થામાં જીવિત રહી શકે છે. ત્યારબાદ એક સપ્તાહની અંદર તેઓ વૃદ્ધ થઇને મૃત્યુ પામે છે. પણ તમને એ નહીં ખબર હોય કે થોડી સદીઓ પહેલાં પૂર્વ રાજગુરુએ કાલી નદીની ખીણમાં એક દુર્લભ પુષ્પ જોયું હતું જેમનું નામ એમણે નાગ પુષ્પ રાખ્યું હતું. એ પુષ્પમાં રહેલા કેટલાક ખાસ ગુણોને લીધે એ પુષ્પના રસની મદદથી વ્યક્તિ ત્રણ શતાબ્દી સુધી જીવિત રહી શકે છે. પણ નાગ પુષ્પ ફક્ત બાર વર્ષમાં એક જ વાર ખીલે છે. અને એમની સંખ્યા પણ ખૂબ જ ઓછી છે. એટલે આખા રાજ્યના લોકો માટે બનતા અમૃતરસમાં નાગ પુષ્પનો ઉપયોગ નહોતો થઇ શકતો. એટલે ફક્ત રાજ પરિવારના સભ્યો જ આ વિશિષ્ટતા ધરાવતા અમૃતરસનો લાભ લેવા લાગ્યા. અને કેટલાક વિશ્વાસુ વ્યક્તિ દ્વારા રાજ્યમાં એ ખબર ફેલાવી દેવામાં આવી કે રાજ પરિવારને દેવતાઓ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા છે. જેથી પ્રજા ક્યારેય રાજ પરિવારની લાંબી આયુ પર પ્રશ્ન ન કરે. અને રાજ્ય પર વર્ધન વંશનું રાજ ચાલું રહે." આટલું વાંચ્યા બાદ વિક્રમે બીજું તામ્રપત્ર ઉઠાવ્યું. આગળની વાત એમાં લખી હતી.
"તમે બંને એ પણ જાણી ચુક્યા હશો કે તમારા પિતા એક યોગ્ય રાજા નથી. એ પ્રજાના કલ્યાણ માટે વિચાર કરવાના બદલે એ ભોગવિલાસમાં વધારે રચ્યા પચ્યા રહેવા લાગ્યા છે. પણ થોડા સમયથી એ ભયભીત દેખાતા હતાં. કારણ કે એમનો સમય પુરો થવા આવ્યો હતો. પણ ત્રણસો વર્ષ જીવી લીધા બાદ પણ તે મરવા નહોતા માંગતાં. એ હજુ પણ લાંબું જીવન જીવવા માંગતા હતા. એટલે એમણે રાજગુરુને કંઈપણ કરીને અમૃતરસની કાર્યક્ષમતા વધારવાનો આદેશ આપ્યો. જેથી કરીને એ ત્રણ સો કરતા વધુ વર્ષ જીવિત રહી શકે. રાજગુરુએ પહેલા તો તેમને સમજાવાનો પ્રયત્ન કરી જોયો. પણ મહારાજ મૃત્યુથી એટલા ભયભીત થઇ ગયા હતા કે કંઇપણ સાંભળવા તૈયાર ન હતા.
અંતે રાજગુરુએ મિસરથી કેટલાક તત્વો આયાત કરાવીને અમૃતરસની કાર્યક્ષમતા વધારીને કેટલાક સામાન્ય માણસો પર પ્રયોગો શરૂ કર્યા. એ દરમિયાન જ તમને યાદ હશે કે પ્રજાએ વિદ્રોહ કર્યો હતો. કારણ કે કોઇ વ્યક્તિએ નાગ પુષ્પની વાત સામાન્ય પ્રજા સુધી પહોંચાડી દીધી હતી. જેમાંથી કેટલાકે આ વાત સાંભળીને એમની સાથે અન્યાય થયો છે એમ માનીને વિદ્રોહ કર્યો હતો.
પણ વાસ્તવિક સમસ્યા તો ત્યારે ઉત્પન્ન થઇ જ્યારે રાજગુરુએ જે વ્યક્તિ પર પ્રયોગ કર્યો હતો એના શરીરમાં ભયાનક પરિવર્તન આવવા લાગ્યા. એની ત્વચા સડવા લાગી અને મનુષ્ય માંથી એ એક પશુ બનવા લાગ્યું. એ માણસનું માંસ ખાવા માટે ખૂબ જ ઉત્તેજિત થઇ જતું હતું. એને એક સુરક્ષિત કક્ષમાં બંદ કરી દેવામાં આવ્યું. કોઇને સમજમાં ન આવ્યું કે આખરે થયું શું. રાજગુરુએ આ વાત મહારાજને કરી તો મહારાજે એમને એ બાબતે મૌન ધારણ કરી લેવા કહ્યું. અને યુવરાજ તરીકે તમને પણ ન જણાવ્યું શુદ્ધોદન. પણ તમારી જાણ બહાર જ તમને બીજા કારણોસર સહાયતા મેળવવા માટે પ્રવાસ પર મોકલી દેવામાં આવ્યા. તમે તમારા પિતાની આજ્ઞા માનીને એ સંદેશ પત્ર નહીં ખોલો એ એમને ખબર હતી. એમને એ પણ ખબર હતી કે સમસ્યા ગંભીર રૂપ ધારણ કરી લેવાની છે. એટલે જ એમણે તમને અને વીરવર્ધનને અંધારામાં રાખીને તમને રાજ્યથી અને આવનારા વિનાશથી દુર કરી દીધા." વિક્રમ બે ઘડી વિચારવા લાગ્યો. મતલબ એનો શક સાચો હતો. આ જીવો અમૃતરસના પ્રયોગનું પરિણામ છે. એણે આગળ વાંચ્યું.
"એ જ દરમિયાન જે વ્યક્તિ પર અમૃતરસની વિપરીત અસર પડી હતી એ કોઇ રીતે એની કેદમાંથી છૂટી ગયું. અને એણે મહેલના બીજા માણસો પણ આક્રમણ કરવાનું શરૂ કરી દીધું. એણે જેના શરીરમાં પોતાના દાંત ખુંપાવ્યા એ પણ એના જેવા જ વિકૃત બનીને આક્રમક રીતે બીજા પર હુમલો કરવા લાગતું હતું. અંતે પહેલા આખા મહેલમાં અને પછી આખા નગરમાં આ ભયાનક રોગ ફેલાઇ ગયો. નગરનો પ્રત્યેક વ્યક્તિ આવી વિકૃત સ્થિતિમાં રહી ગયો. અને રાજ્ય એના વિનાશ તરફ નીકળી પડ્યું. થોડા જ સમયમાં હું પણ વિકૃત જીવ બની જઇશ. અથવા તો મૃત્યુ પામીશ.."
વિક્રમ પલંગ પર બેસી ગયો. હાથ ગોઠણ પર ટેકવીને. એના ધબકારા વધી ગયા. મગજમાં વિચારોનું ઘોડાપુર આવ્યું. આખરે અંતે એણે જાણી લીધું કે આ શહેરમાં બે હજાર વર્ષ પહેલાં શું થયું હતું. હવે એને સમજાણું કે કેમ રાજગુરુએ કહ્યું હતું કે મહારાજની લાલચને લીધે રાજ્યનો વિધ્વંસ થવાનો છે. એ લાલચ બીજું કંઇ નહીં પણ લાંબા જીવનની ઇચ્છા હતી.
વિક્રમ તરત જ ઉભો થઇને નીકળી ગયો. એને રેશ્મા અને વિજયને શોધીને ઘણું બધું જણાવવાનું હતું.
* * * * *
વિજયની સામે જે નજારો હતો એ જોઇને એ અચંબિત થઇ ગયો. એણે આખા જીવનમાં આવો નજારો જોયો ન હતો. હજુ હમણાં જ એ એક મોટા સુંદર કોતરણી વાળા દરવાજાને પાર કરીને અંદર આવ્યો હતો. અંદર આવીને એણે જે જોયું તે એની અપેક્ષા બહારનું હતું.
એની સામે એક લંબચોરસ કક્ષમાં બંને તરફ સુંદર કોતરણી વાળા અને સોનાના બનેલા આસનો મુકેલા હતા. અને સામેની બાજુ થોડા ઉંચા પ્લેટફોર્મ પર એક મોટું સોનાનું આસન પડ્યું હતું. એના પાયા સિંહના આકારના અને પાછળનો ભાગ મોરના ફેલાવેલા પીછાં જેવો હતો. એમાં અલગ અલગ રંગના હીરા અને મોતી જડેલા હતા. પાછળની દિવાલો પર સુંદર કોતરણી કામ વાળા શિલ્પો હતા. છત પર થોડી થોડી જગ્યાએ ઘુમ્મટ લગાવેલા હતા. વિજય જાણતો હતો કે આ શું છે. એ રાજસભામાં પહોંચી ગયો હતો. અને સામે પડેલ આસન એ સિંહાસન હતું. જેના પર રાજા બીરાજતા હોય છે. પણ અત્યારે એની નજર જ્યા ચોંટી હતી એ જોઇને જ એને વિચિત્ર લાગણી થઇ રહી હતી. પણ એ આગળ વધે એ પહેલા જ એને પાછળથી એક અવાજ આવ્યો. એ અવાજ વિક્રમનો હતો. વિક્રમ ત્યાં આવી પહોંચ્યો હતો. એને જોઇને વિજયને નિરાંત થઇ. એટલામાં જ રેશ્મા પણ ત્યાં આવી પહોંચી. એ બંને રાજસભાની સુંદરતા અને ભવ્યતા જોતા રહી ગયા. એટલામાં એ બંનેની નજર પણ સિંહાસન પર પડી. પણ સિહાંસન સુંદર અને ભવ્ય હતું એટલે નહી, પણ એટલા માટે કે એ સિંહાસન પર કોઇ બેઠું હતું. વિક્રમે એક નજર રેશ્મા અને વિજય પર કરી. એ બંને પણ ચકરાવે ચડ્યા હોય એવું લાગતું હતું. અંતે એ ત્રણેય સભા પાર કરીને સિંહાસન સુધી પહોચ્યા. એમણે એ વ્યક્તિ પર નજર કરી. એ એક કંકાલ હતું. એ કંકાલના વાદળી કલરના કપડા જર્જરિત હાલતમાં પણ ભવ્ય લાગતા હતા. અને સૌથી વધુ આકર્ષણ તો એ કંકાલની ખોપડી પર હતું. એના પર એક ભવ્ય મુગટ હતો. જેમાં સાત અલગ અલગ રંગના હીરા લગાવેલા હતા. અને સુંદર કોતરણી હતી. ત્રણેયને વિશ્વાસ થઇ ગયો કે આ જરૂર રાજા જયવર્ધનની લાશ છે.
વિક્રમે એ મુગટ પરથી નજર હટાવીને એ કંકાલની છાતી તરફ કરી. તેની છાતીમાં એક નાનું ખંજર હતું. એ જોઇને વિક્રમને વિશ્વાસ આવી ગયો કે આ ખંજર જ એની મોતનું કારણ બન્યું હશે. પણ એ નહોતું સમજાતું કે મહારાજે આત્મહત્યા કરી છે કે કોઇએ એમની છાતીમાં આ ખંજર ઉતાર્યું હતું. અચાનક એની નજર રાજાના હાથ પર પડી. એમાં એક તામ્રપત્ર હતું. વિક્રમે એ તામ્રપત્ર લઇને એમાં લખેલી વાતો વાંચવાની શરૂઆત કરી. રેશ્મા અને વિજય ધડકતા દિલે એની વાત સાંભળવા લાગ્યા.....
(ક્રમશઃ)
* * * * *