THE CURSED TREASURE - 28 in Gujarati Adventure Stories by Chavda Ajay books and stories PDF | શ્રાપિત ખજાનો - 28

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

શ્રાપિત ખજાનો - 28

ચેપ્ટર - 28

"વિક્રમ, તને યાદ છે આપણે બંનેએ લગ્ન કરીને સાથે જીંદગી ગુજારવાની કસમ લીધી હતી?" રેશ્માએ વિક્રમને પુછ્યું.

"હાં યાદ છે.... પછી મે સંબલગઢની ખોજ કરવાની ના પાડતાં તું મને છોડીને ચાલી ગયેલી.." વિક્રમે કટાક્ષમાં કહ્યું.

"હું જવા નહોતી માંગતી વિક્રમ, પણ મારી પાસે બીજો કોઇ રસ્તો ન હતો. મે જે અપરાધ કર્યો છે એ જો તું જાણી જાય તો તું મને ક્યારેય માફ ન કરે. હું હજુ સુધી પોતાને જ માફ નથી કરી શકી. તો તારી પાસેથી તો હું આશા જ ન રાખી શકું."

"રેશ્મા," વિક્રમે કહ્યું, "વાતને ગોળ ગોળ ફેરવ્યા વગર સીધા મુદ્દા પર આવીશ?"

"વિક્રમ, તને એ પણ યાદ હશે કે લગ્ન પહેલાં જ આપણે લાગણીઓમાં તણાઇને બધી મર્યાદાઓ ઓળંગી ચુક્યા હતા?"

"હાં પણ એનું શું?"

"આપણી એ ભૂલોનું અનિચ્છનીય પરિણામ આવ્યું હતું." રેશ્માની આંખોમાંથી આંસુ ટપક્યા, "હું ગર્ભવતી બની હતી...."

વિક્રમનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. મગજમાં વિચારોનું ઘોડાપૂર આવ્યું. મતલબ હું પિતા બનવાનો હતો..મારૂ એક સંતાન છે.. અને મને ખબર પણ નથી. એણે રેશ્મા સામે જોઇને કહ્યું, "હું પિતા બની ગયો અને મને ખબર પણ નથી. તે મારા બાળકને મારાથી અલગ રાખ્યું છે? તું મારી સાથે આવું કઇ રીતે કરી શકે છે?"

"હું ગર્ભવતી જરૂર બની હતી. પણ મે તારા સંતાનને જન્મ નથી આપ્યો."

"મતલબ?"

રેશ્માએ કહ્યું, "મારે એબોર્શન કરાવવું પડયું."

વિક્રમ માટે આ આઘાત મોટો હતો. એ થોડો પાછળ ખસી ગયો. બાજુમાં વૃક્ષનો સહારો ન મળ્યો હોત તો એ જરૂર પડી જાય. એની આંખો પહોળી થઇ ગઇ. મગજ કામ કરતું બંધ થઇ ગયું. એબોર્શન. મતલબ ગર્ભપાત, એટલે ભ્રૂણહત્યા? મારા સંતાનની ભ્રૂણહત્યા થઇ ગઇ!! એને આ દુનિયામાં આવવાનો અવસર પણ ન મળ્યો. અને એ હત્યા કરી કોણે? ખુદ એની માતાએ જ..

"રેશ્મા," આઘાત ક્રોધમાં પરિવર્તિત થયો. રેશ્માએ અદબ વાળીને આંખો મીંચી દીધી. એ જાણતી હતી હવે એને વિક્રમના ક્રોધનો સામનો કરવો પડશે. એક ના એક દિવસે તો આ થવાનુ જ હતું.

"તે મારા સંતાનની ભ્રૂણહત્યા કરી નાખી? અરે કેવી સ્ત્રી છે તું? કોણે હક્ક આપ્યો તને મને પુછ્યા વગર મારા સંતાનની હત્યા કરવાનો? એકવાર મને પૂછી લીધું હોત તો હું તારા નિર્ણય પર પ્રશ્ન કરીને તને રોકી લેત. પણ નહીં. તે એક માસુમ જીંદગીને શ્વાસ લેવાનો મોકો પણ ન આપ્યો? શું કામ?" ગુસ્સામાં આવીને વિક્રમે રેશ્માના બંને ખભા પકડીને એને ઢંઢોળી. રેશ્મા હચમચી ગઇ. "બોલ શું કામ આવું કર્યું?" વિક્રમના ગાલ આંસુઓથી ભીંજાઈ ગયા, "બોલતી કેમ નથી રેશ્મા?"

"કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો." વિક્રમની પકડ માંથી છુટીને રેશ્માએ કહ્યું. એ સાથે જ એ ડુસકાં ભરવા લાગી. એની આંખોમાં વિક્રમને પસ્તાવાની સાથે ક્રોધ પણ દેખાય રહ્યો હતો.

"તું કહેવા શું માગે છે?"

"ગર્ભપાત જ એક માત્ર રસ્તો હતો મારા જીવિત રહેવાનો.."

"મને કંઇ સમજાણું નહી. ડીલીવરીમાં કોઇ મુશ્કેલી આવી રહી હતી?"

"નહીં વિક્રમ."

"તો પછી?"

રેશ્મા વિક્રમની નજીક આવી. વિક્રમનો હાથ પકડીને એની આંખોમા જોઇને રેશ્માએ કહ્યું, "મને એક જીવલેણ રોગ થયો છે વિક્રમ."

ઉપરાઉપરી ત્રીજી વખત વિક્રમને ઝાટકો લાગ્યો. જીવલેણ રોગ. એના મગજમાં આ બે શબ્દોના પડઘા પડવા લાગ્યા. એણે વિચાર્યું. મારી રેશ્માને જીવલેણ રોગ થયો છે. એ મરી રહી છે અને એને ખબર પણ નથી. આટલા ગૂઢ રહસ્ય એ પોતાના હૃદયમાં સાચવી બેઠી છે અને આટલા સમય સુધી એકલી જ તકલીફો સહન કરી રહી છે. અને પોતે શું કર્યું? જ્યારે રેશ્માને પોતાની સૌથી વધુ જરૂર હતી ત્યારે જ એણે રેશ્માને પોતાનાથી દુર કરી દીધી. આવો પ્રેમ છે મારો? પણ રેશ્માએ આ બધું છુપાવ્યું શુ કામ?

વિક્રમની આંખોમાંથી આંસુ સરી પડ્યા. એણે રેશ્માનો ચહેરો બંને હાથોમાં પકડીને પ્રેમથી કહ્યું, "તું આટલી તકલીફમાં હતી તો મને કહ્યું કેમ નહી?" મને અત્યારે જ બધુ વિસ્તારમાં જણાવ.."

વિક્રમની આંખોમાં પ્રેમ અને અવાજમાં ભળેલી પીડા જોઇને રેશ્મા પણ રડી પડી. પછી સ્વસ્થ થઇને એણે માંડીને વાત કરી....

"વિક્રમ, આ બધું ત્યારથી જ શરૂ થયું હતું જ્યારે આપણે સંબલગઢ વિશે જાણકારી મેળવવા માટે બિહાર તરફ ગયા હતા. અને જ્યારે ત્યાંથી પાછા ફર્યા ત્યારે તારા મમ્મીના અવસાનથી તું ખૂબ જ દુઃખી હતો. ત્યારે જ એક દિવસ મને ચક્કર આવી ગયા અને હું બેભાન થઇ ગઇ. લગભગ પાંચ કલાક પછી હું આપોઆપ હોશમાં આવી ગઇ. મને ખૂબ જ નબળાઇ આવી ગઇ હોય એવું લાગતા હું મારી એક મિત્ર જે ડોક્ટર છે એને મળવા ગઇ. એણે મારો બ્લડ રિપોર્ટ કર્યો ત્યારે એને એક વિચિત્ર વાત જાણવા મળી. મારા લોહીમાં એક અલગ પ્રકારના કિટાણુઓ એણે જોયા એવું એણે કહ્યું. પણ એણે એ પણ કહ્યું કે કદાચ મને કોઇ નવો જ રોગ થયો છે. એટલે એમણે વધારે જાણવા માટે મને એમની એક મિત્ર જે અમેરિકાની પ્રખ્યાત ડોક્ટર છે એની પાસે મોકલી. ડો.ક્લોઇ માર્ટિન પાસે. ડો.માર્ટિન પણ એ જ તારણ પર આવ્યા કે મને જે રોગ થયો છે એ એક નવો જ રોગ છે. આવા રોગની વિશ્વની સૌથી પ્રથમ દર્દી હું જ છું. અને આ રોગની કોઇ જ દવા નથી...."

"એક મિનિટ.." વિક્રમે વચ્ચેથી વાત કાપીને કહ્યું, "તો તું એમ કહી રહી છે કે તને જે રોગ થયો છે એ આ દુનિયામાં બીજા કોઇને નથી થયો એટલે જ એનો કોઇ ઇલાજ શક્ય નથી?" રેશ્માએ હકારમાં માથું ધુણાવ્યું. વિક્રમે પુછ્યું, "પછી શું થયું?"

"પછી મારા ચેકઅપ દરમિયાન ડો.માર્ટિનને ખબર પડી ગઇ કે હું માં બનવાની છું. જ્યારે એમણે મને જણાવ્યું ત્યારે હું તો ખુશીના મારે ઉછળી પડી. મને થયું કે હું જીવનમાં કમસે કમ એક માં બનવાનું સુખ પ્રાપ્ત કરી શકીશ. આપણા સંતાનને જન્મ આપી શકીશ. પણ ડો.માર્ટિને મને કહ્યું કે એ શક્ય નહી બને. કારણ કે આ બિમારીને કારણે હું બાળકને જન્મ આપી શકું એટલી સક્ષમ નથી. સંભાવના છે કે બાળકને જન્મ આપ્યા પહેલા જ હું મરી જાવ. અને એ પણ શક્યતા હતી કે મારૂ આવનારું બાળક આ બિમારી સાથે લઇને જન્મે. એટલે એમણે મને ગર્ભપાત કરાવી નાખવાની સલાહ આપી. મારુ મન જરાય નહોતું માનતું. પણ ડોક્ટરના કહેવા અનુસાર આ એક રસ્તો હતો કે જેના લીધે હું જીવિત રહી શકુ એમ હતું. એટલે હૃદય પર પથ્થર રાખીને મે એબોર્શનનો નિર્ણય લીધો હતો." રેશ્માએ ગાલ પરથી આંસુ લૂછીને વિક્રમ સામે જોયું.

વિક્રમના ચહેરા પર દુનિયાભરનું આશ્ચર્ય છવાઇ ગયું હતું. એણે બે મિનિટ પહેલા બોલેલા શબ્દો માટે પારાવાર પસ્તાવો થઇ રહ્યો હતો. રેશ્માની પરિસ્થિતિ જાણ્યા વગર જ એણે રેશ્માને કેટલું બધું સંભળાવી દીધું હતું. એણે રેશ્માને કહ્યું, "આ બધું તે મને પહેલાં શું કામ ન જણાવ્યું?"

"શું જણાવતી વિક્રમ?" રેશ્માએ કહ્યું, "શું જણાવતી તને? કે મે જીવતા રહેવા માટે મારા કૂખમાં ઉછરી રહેલી આપણી પ્રેમની નિશાની ની હત્યા કરી નાખી? ક્યાં મોઢે હું તને જણાવત? હું ડરી રહી હતી કે તું મને ક્યારેય માફ નહીં કરે. અને તું એમ કરીશ તો એ યોગ્ય જ કરીશ.."

"બિમારી કેટલી સિરિયસ છે?"

"હું વધુમાં વધુ પાંચેક વર્ષ જીવી શકીશ.."

વિક્રમે મોઢું ફેરવી લીધું. આ વાત એને અંદરથી તોડી નાખવા માટે પુરતી હતી કે એની પાંચ વર્ષ પછી એને છોડીને હંમેશા હંમેશાં માટે ચાલી જશે. હવે એનામાં વધારે આઘાતો સહન કરવાની શક્તિ ન હતી. છતાં પણ એક સવાલનો જવાબ જાણવો જરૂરી હતો. એણે રેશ્માને પુછ્યું, "એક વાત જણાવ....આ બધી વાતમાં સંબલગઢની શોધ કઇ રીતે જોડાએલી છે?"

"જ્યારે હું અમેરિકાથી પાછી આવી ત્યારે હું માનસિક રીતે ભાંગી પડી હતી. મને સમજાય નહોતું રહ્યું કે હું શું કરું. બધાનું જીવન અનિશ્ચિત હોય છે પણ મારું નિશ્ચિત હતું. છેલ્લા પાંચ વર્ષ બચ્યા હતા મારી પાસે. પત્તાનો મહેલ જેમ હવાની લહેરને લીધે ધ્વસ્ત થઇ જાય છે એમ મારા જીવનના તમામ આયોજનો ધ્વસ્ત થઇ ગયા હતાં. પાંચ વર્ષ જીવન મોજથી જીવી લેવું કે બિમારીને હરાવવાનો રસ્તો શોધવો એ સમજાતું ન હતું. એમ જ એક દિવસ મને એક આશાનું કીરણ દેખાયું. અને એ કિરણનું નામ હતું સંબલગઢ."

"સંબલગઢ?"

"હાં વિક્રમ, સંબલગઢ. આપણે જાણીએ છીએ કે સંબલગઢના લોકો ત્રણસો વર્ષ સુધી જીવી શકતા હતાં. અને એ પણ એ સમયમાં જ્યારે વિશ્વમાં ન જાણે કેટલા કેટલા ભયાનક અસાધ્ય રોગો અસ્તિત્વમાં હતા. મને થયું કે જો હું સંબલગઢના લોકોનું લાંબા અને તંદુરસ્ત જીવન પાછળનું રહસ્ય જાણી લઇશ તો કદાચ એ જ રહસ્યમાં મારી આ અજાણી અસાધ્ય બીમારીનો ઇલાજ શક્ય થઇ શકશે. ભલે હું ત્રણસો વર્ષ ન જીવું પણ એટલિસ્ટ સામાન્ય માણસ જેટલી જીંદગી તો મને પણ મળી શકે ને? એટલે મે તરત જ તને સંબલગઢ શોધવા માટે કહ્યું. પણ તું તારા માતાના અવસાનના આઘાતમાં જ પડ્યો હતો. જ્યારે હું સમય વેડફી શકું એ સ્થિતિમાં ન હતી. એટલે નાછૂટકે મારે આદિત્ય નારાયણ સાથે કામ કરવા જવું પડ્યું. કારણ કે મે જાણકારી મેળવી હતી કે એમણે દસ વર્ષ પહેલાં સંબલગઢ શોધવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે કદાચ એ મારી સહાયતા કરી શકશે."

"આ બધું તે મને પહેલાં શું કામ ન જણાવ્યું?" વિક્રમે સવાલ કર્યો.

"પહેલા તો હું મારા અપરાધભાવને લીધે તને ન જણાવી શકી. પણ પછી મન મક્કમ કરીને મે તને જણાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તે મને મોકો જ ન આપ્યો. તે મારી સાથે વાત જ ન કરી. બધા જ સંપર્ક કોપી નાખ્યા હતાં તે."

વિક્રમને પોતાની જાત પર ગુસ્સો આવી ગયો. એના કારણ વગરના ગુસ્સાને લીધે રેશ્મા એકલીને ઘણું સહન કરવું પડ્યું. શું કામ એણે રેશ્માની વાત ન સાંભળી? જો સાંભળી લીધી હોત તો એણે બહુ પહેલા જ સંબલગઢની શોધ કરવાની શરૂઆત કરી દીધી હોત. કદાચ પરિસ્થિતિ સાવ અલગ જ હોત.

"હવે તું સમજ્યો વિક્રમ?" રેશ્માએ કહ્યું, "કે હું શું કામ સંબલગઢ શોધવા માટે ઉતાવળી થઇ રહી હતી? સંબલગઢ મારા માટે ફક્ત એક ખોજ નથી. મારી જીંદગીનો સટ્ટો મે સંબલગઢના નામ રમ્યો છે."

"રેશ્મા," રેશ્માનો ચહેરો બંને હાથ વડે પકડીને વિક્રમે કહ્યું, "જે થવાનું હતું એ થઇ ગયું. જો આ બધું તે મને પહેલાં જણાવ્યું હોત તો આપણે જરૂર કંઇક રસ્તો કાઢી શકત. અને જો રસ્તો ન મળ્યો ઓત તો પણ આપણે એક એક ક્ષણ સાથે જીવી લેત. આપણી જીંદગીનું અમુલ્ય દોઢ વર્ષ આપણે બેકારમાં બરબાદ કરી નાખ્યું. અને રહી વાત સંતાનની, તો હું તને ખોઇને પિતા બનવા નથી માંગતો. એટલે મારા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોઇ હોય તો એ તું છે. આઇ એમ સો સોરી કે હું તારા મુશ્કેલ સમયમાં તારી સાથે ન હતો."

"વિક્રમ.." રેશ્મા વિક્રમને ભેટી પડી. વિક્રમે એને માફ કરી દીધી એ જાણીને આટલા સમયથી એના હૃદય પરનો બોજ હટી ગયો. કેટલું સુકુન મળી રહ્યું હતું એને વિક્રમની બાંહોમાં. હવે એ અને વિક્રમ પહેલાની જેમ જ સાથે રહી શકે એમ હતાં. જેટલો પણ સમય એમને મળશે એટલો સમય રેશ્માની જીંદગીનો બેસ્ટ ટાઇમ રહેશે.

વિક્રમે એને અળગી કરીને કહ્યું, "પણ હવે હું તારી સાથે છું રેશ્મા. આપણે સાથે સંબલગઢ શોધીશું. અને એના લોકોનું રહસ્ય પણ જાણી લઇશું. તને કંઇ નહી થાય." રેશ્માએ મુસ્કાન સાથે માથું ધુણાવ્યું. બંને એકબીજાની આંખોમાં તાકી રહ્યા. અને વિક્રમે પોતાના હોઠ રેશ્માના હોઠ સાથે ભીડી દીધા.

થોડીવાર પછી બંને હાથમાં હાથ નાખીને બેઠા. વિક્રમે કહ્યું, "તો આ બિમારીના કોઇ દેખાય એવા લક્ષણો છે?"

"હાં." રેશ્માએ કહ્યું, "મોટેભાગે હું ગમે ત્યારે બેભાન થઇ જાવ છું. એકાદ બે વાર લોહીની ઉલ્ટી પણ થઇ હતી.

"ઓ.કે. અને આ બધું રોકવા માટે કોઇ દવા છે?મતલબ આ રોગની ફેલાવાની ગતિ ધીમી કરી શકે એવી દવા.."

"નહીં.."

"અચ્છા તો હવે બીજી વાત કરીએ. મને.." એ આગળ બોલે એ પહેલા જ વિજય ત્યાં આવી પહોંચ્યો. એને જોઇને વિક્રમનાં ચહેરા પર અણગમો પથરાયો.

"સોરી હું ખોટા સમયે તો પાછો નથી આવી ગયો ને..." એણે કહ્યું. એના હાથમાં કેટલાક લાકડા હતા.

"ના ના વિજય." રેશ્માએ કહ્યું, "બેસ અહીંયા." વિક્રમને એ ન ગમ્યું.

વિજયે લાકડા ગોઠવીને સળગાવ્યા. હજુ બે કલાક પહેલા જ વરસેલા વરસાદને લીધે વાતાવરણ ઠંડુ હતુ જેમા આ આગને લીધે રાહત મળી.

"હાં તો તું શું કહી રહ્યો હતો વિક્રમ?" રેશ્માએ પુછ્યું. વિક્રમે જવાબ આપવાને બદલે વિજય તરફ તીરછી નજર કરી. એ શ્યોર ન હતો કે વિજય પર ભરોસો કરવો કે નહી. વિજય અને રેશ્મા બંને સમજી ગયા. રેશ્માએ વિક્રમના ખભા પર હાથ રાખીને કહ્યું, "વિક્રમ ડોન્ટ વરી. તું વિજય પર ભરોસો કરી શકે છે?"

"સાચે જ?" વિક્રમે પુછ્યું.

"મને એના પર ભરોસો છે. એટલે તું ચિંતા ન કર.."

રેશ્માની વાત સાંભળીને વિક્રમે વિજયને એક ચાન્સ આપવાનું નક્કી કર્યું. પછી એણે એ બંનેને ઇન્દ્રપુર, રાજકુમાર વીરવર્ધન અને પોર્ટુગીઝો વિશે બધું જ જણાવી દીધું.

વિજય અને રેશ્માના મો ખુલ્લા રહી ગયા. રેશ્મા ખોવાઇ એ પછી વિક્રમને આટલું બધું જાણવા મળ્યું છે એ જાણીને એને પણ ઇન્દ્રપુર પોતાની આંખે જોવાની ઇચ્છા થઇ. પણ ત્યાં ધનંજય છે એટલે એ શક્ય ન હતું.

"તો યુવરાજ શુદ્ધોદનનો એક ભાઇ પણ હતો અને એ પણ બહાર જ ગયો હતો?" રેશ્માએ પુછ્યું. વિક્રમે હકારમાં માથું ધુણાવ્યું.

"અને પાચં સો વર્ષ પહેલાં પોર્ટુગીઝ ગવર્નર એલ્ફોન્સો-દે-અલ્બુકર્ક ના માણસો અહીંયા સંબલગઢની શોધ કરવા આવ્યા હતા?" આ સવાલ વિજય તરફથી આવ્યો. ફરી વિક્રમે માથું ધુણાવ્યું.

"પણ શું કામ?" વિજયે ફરી પુછ્યું.

"કદાચ એમને પણ એ જ જોઇતું હશે જે આપણે જોઇએ છે. સંબલગઢનું રહસ્ય અને દુનિયામાં મશહૂર થવાની તક.." વિક્રમે કહ્યું. વિજય અને રેશ્મા બંને એની સાથે સહમત થયા.

"તો એ લોકો પહોંચી ગયા સંબલગઢના મુખ્ય નગર સુધી?"

"હાં..." વિક્રમે કહ્યું, "એ લોકો સંબલગઢ સુધી પહોંચી ગયા હતા.."

ચોંકી ઉઠયા વિજય અને રેશ્મા. મતલબ પોર્ટુગીઝો પાસે એ રહસ્ય આવી ગયું હશે. પણ જો એવું હોત તો ઇતિહાસમાં એની નોંધ જરૂર લેવાઇ હોત. પણ એવું તો એમણે ક્યાંય જાણ્યું ન હતું. એનું જ રેશ્માને આશ્ચર્ય થઇ રહ્યું હતું.

"તો મારા પપ્પાને ખબર છે કે સંબલગઢ ક્યાં આવેલું છે?" વિજયે પુછ્યું.

"ના એ નથી જાણતા." વિક્રમના ચહેરા પર એક રહસ્યમય સ્મિત આવી ગયું. "માત્ર હું જ જાણું છું કે સંબલગઢ ક્યાં આવેલું છે. બીજા કોઇ નહીં."

"એ કેવી રીતે?"

વિક્રમ બોલ્યો, "અમને જે પોર્ટુગીઝ સૈનિકનો લેટર મળ્યો હતો પોર્ટુગીઝ ભાષામાં હતો. ત્યાં મારા સિવાય બીજો કોઇ વ્યક્તિ પોર્ટુગીઝ નહોતો જાણતો. એટલે મે એ લેટરમાં લખેલી જાણકારી તોડી મરોડીને એમને જણાવી દીધી. એમની પાસે મારા પર વિશ્વાસ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. એટલે મે એમને અડધી હકીકત જણાવી કે પોર્ટુગીઝો ફક્ત ઇન્દ્રપુર પુર સુધી જ પહોંચ્યા હતા. પણ હકીકતમાં એ લોકો ત્યાંથી પણ આગળ સંબલગઢના મુખ્ય નગરના દરવાજા સુધી પહોચી ગયા હતા."

નૈના અને વિજય રોમાંચ અને ઉત્તેજના પુર્વક વિક્રમની વાત સાંભળી રહ્યા હતાં.

"પણ સૈનિકોને દરવાજાની જગ્યાએ એક મોટી વિશાળ દિવાલ મળી હતી. એમનું માનવું હતું કે એ દિવાલની બીજી તરફ જ સંબલગઢ આવેલું છે. એમણે દિવાલને તોડવાનો પ્રયત્ન કર્યો પણ એ તુટી નહી. એટલે એમણે જમીનમાંથી એક સુરંગ ખોદી જે દિવાલની બીજી તરફ સુધી જતી હતી. અને એમની આ પ્રોગ્રેસનો રિપોર્ટ અલ્બુકર્ક સુધી પહોંચાડવા માટે જ એ સૈનિક પત્ર લઇને નીકળ્યો હતો. પણ એ ઇન્દ્રપુરની બહાર જ ન જઇ શક્યો. કોઇ કારણોસર એનું મૃત્યુ થઇ ગયું હશે."

"તો એ દિવાલ કઇ બાજુ આવી છે?" રેશ્માએ ઉત્સુકતાથી પુછ્યું.

"એ દિવાલ અહીંથી પશ્ચિમ પુર્વ તરફ આવેલી છે. આપણે કાલે વહેલી સવારે એ તરફ જઇશું. વધારે દુર નહી હોય." વિક્રમે કહ્યું. રેશ્મા અને વિજયની આંખોમા ચમક આવી ગઇ. અંતે એ લોકો સંબલગઢની ખૂબ જ નજીક આવી પહોંચ્યા હતા. "પણ સવાર સુધી રાહ શું કામ જોવી છે? આપણે અત્યારે જ જવું જોઈએ.." રેશ્માએ કહ્યું.

"આટલી ઉતાવળની કંઇ જરૂર નથી. ધનંજયને આ વિશે કંઇ ખબર નથી. અને આપણે આરામ નથી કર્યો એટલે આપણે આરામની જરૂર છે. સંબલગઢ પહોંચીએ ત્યારે આપણે સ્વસ્થ હોવા જોઈએ. ત્યાં કોઇ પણ ખતરો સામે આવીને ઉભો રહે તો જરૂરી છે કે આપણે સ્વસ્થ હોઇએ. એટલે અત્યારે આરામ કરવો ખાસ જરૂરી છે." વિક્રમે કહ્યું.

વિજયે પણ એનો સાથ આપતા કહ્યું, "વિક્રમની વાત સાચી છે રેશ્મા. આપણે અને એમાય ખાસ કરીને તારે આરામની જરૂર છે. કારણ કે તું આજે બેભાન થઇ ગઇ હતી."

વિક્રમ ચોંક્યો. "તું બેભાન થઇ ગઇ હતી? તો તો તારે આરામ કરવો જ પડશે." નાછુટકે રેશ્માને વિક્રમની વાત માનવી પડી.

"વિક્રમ તમે બંને સુઇ જાઓ હું થોડીવાર પહેરો આપી રહ્યો છું." વિજયે કહ્યું.

"ઓ. કે." કહીને વિક્રમે લંબાવ્યું. એને લાગી રહ્યું હતું કે કદાચ વિજય ભરોસાપાત્ર બની શકે છે. પણ છતાંય નજર રાખવી પડશે.

થોડી કલાકો પછી જ્યારે એ જાગ્યો ત્યારે વિજય હજું પણ જાગી રહ્યો હતો. વિક્રમ વિજય પાસે જઇને બેઠો. "તું કેમ ઉઠી ગયો?" વિજયે પુછ્યું.

"મન થયું કે તારી સાથે થોડીવાર વાત કરી લવ. રેશ્માએ મને જણાવ્યું હતું કે તે એને ડૂબતા બચાવી હતી. અને તારું એની સાથેનું વર્તન પણ સારું રહ્યું હતું. મને લાગતું જ નથી કે તું એ વિજય છે જે ક્યારેક અમારી જાનનો દુશ્મન હતો."

"હું જાણું છું કે મે તમને બંનેને ખૂબ જ હેરાન કર્યા છે," વિજયના અવાજમાં પસ્તાવો ઝળકી રહ્યો હતો, "મે જે કર્યું એના બદલ મને ખૂબ જ અફસોસ થઇ રહ્યો છે. પણ સાચું કવ તો આ પરિવર્તનનું કારણ એ હતું કે મે મારા માણસોને જાણી જોઇને મોતના મુખમાં ધકેલી દીધા હતા. જો કે આપણા કામમાં જીવનો ખતરો તો હોય જ છે. પણ મારા માણસો મારી મૂર્ખતાને લીધે મર્યા હતાં. જો મે તારી પેલી ટ્રેપ વાળી વાત માની લીધી હોત તો એ લોકો જીવતા હોત. એ માત્ર મારા માણસો જ ન હતાં પણ હું એમને મારા મિત્રો માનતો હતો. અમે સાથે ઘણા મિશનો પુરા કર્યા હતા. એમની મોત જોઇને મને મારા લીધેલા નિર્ણય પર જ શંકા જવા લાગી. મે એ નિર્ણય લીધો કે હવે થી હું બને એટલો સારો વ્યક્તિ બનવાનો પ્રયાસ કરીશ."

વિક્રમ એની સામે જોઇ રહ્યો. મૃત્યુને નરી આંખે જોઇને એનું હૃદય પરિવર્તન થયું હતું. અરે મોતની અને યુદ્ધની ભયાનકતા અને નિરર્થકતાએ તો મહાન સમ્રાટ અશોકનું પણ હૃદય પરિવર્તન કરાવી નાંખ્યું હતું. તો આ તો સામાન્ય માણસ હતો.

"પણ તું એ મકબરાં માંથી બહાર કઇ રીતે નિકળ્યો?"

"જ્યારે તમે બંને નિકળી ગયા એ પછી મારા માણસોએ બહાદુરીથી એ જીવોનો સામનો કર્યો. પણ એ બધા જ મૃત્યુ પામ્યા. હું એક જીવતો રહી ગયો. જ્યારે એ જીવો મારી તરફ આવ્યા ત્યારે અચાનક જ એ લોકો જે દરવાજા માંથી બહાર આવ્યા હતા એ રૂમની અંદરથી એક અવાજ આવ્યો. અવાજ સાંભળીને એ જીવો પોતાની જગ્યા પર સ્થિર થઇ ગયા. અને જાણે અવાજથી સંમોહિત થઇ ગયા હોય એમ ધીરેધીરે એ ફરી એ જ રૂમની અંદર ચાલ્યા ગયા જ્યાંથી એ બહાર આવ્યા હતા અને એમની પાછળ દરવાજો બંધ થઇ ગયો."

"એ કેવો અવાજ હતો વળી?" વિક્રમે પુછ્યું. વિજયની વાત ખૂબ જ નવાઇ પમાડે તેવી હતી.

"એ અવાજ એવો હતો જાણે મંદિરમાં ઘંટી ન વાગતી હોય. એવો જ અવાજ હતો." વિજયે કહ્યું.

"એ અવાજની એ જીવો પર આ અસર શું કામ થઇ હશે?" વિક્રમે પ્રશ્ન કર્યો.

"કોને ખબર..." વિજય બોલ્યો.

"એની વે.. હવે આપણે સુઇ જવું જોઈએ." કહીને વિક્રમ ફરી લંબાયો. વિજય પણ સુઇ ગયો.

* * * * *

"આપણે યોગ્ય દિશામાં જઇ રહ્યા છીએ ને વિક્રમ?" રેશ્માએ પ્રશ્ન કર્યો. સવાર પડી ગઇ હતી અને એ લોકો પુર્વ તરફ નીકળી ગયા હતા.

"હાં એ તો ખબર પડી જશે.." વિક્રમે કહ્યું.

અડધી કલાક ચાલ્યા પછી એમની સામે એક નજારો આવ્યો એ જોઇને એમના શ્વાસ અધ્ધર થઇ ગયા. વિક્રમ અને રેશ્માએ એકબીજાનો હાથ પકડીને સામેનો નજારો જોયો.

એમની સામે એક વિશાળ માનવ સર્જિત દિવાલ હતી. આખરે એ લોકો પહોંચી ગયા હતા સંબલગઢ......

(ક્રમશઃ)

* * * * *