fatko in Gujarati Comedy stories by SUNIL ANJARIA books and stories PDF | ફટકો

Featured Books
Categories
Share

ફટકો

ફટકો

શીર્ષક કોઈના શબ્દોનું જ રાખું છું. આપણે બધા એ શબ્દ વાપરી ચુક્યા છીએ. મારાં એક સન્માનનીય વડીલ સન્નારીની વાત. આ વાત તેમણે જ હસતાંહસતાં કહી હતી અને મને યાદ રહી ગઈ છે.

વાત ઘણાં વર્ષો પહેલાની છે.

તેઓ ખૂબ સારી પર્સનાલિટી વાળાં અને નાગરસહજ રૂપમાં પણ બહુ ઓછી નાગરાણીને મળ્યું હોય એવું રૂપ ધરાવતાં હતાં, આજે પણ ઉંમરના પ્રમાણમાં એવો જ ઠસ્સો છે. એમાંયે નવરાત્રીના દિવસો અને તેમની સોસાયટીમાં આરતીનો સમય. ત્યારબાદ ગરબા હતા. એ વખતે શેરી ગરબાઓનું મહત્વ ખૂબ હતું અને ગૃહિણીઓ ત્યાં પણ સોળે કળાએ ખીલીને જતી. તો આ સન્નારી તો હોય જ ને! તેઓ સુંદર રીતે તૈયાર થયાં હતાં. ચમકતાં પાતળાં વસ્ત્રની સાડી આગવી સ્ટાઈલથી પરિધાન કરેલી, ઊંચો અંબોડો અને એમાં કદાચ મઘમઘતી વેણી. અલંકારો મર્યાદિત પણ શોભે તેવાં. કોઈની પણ નજર તેમના પર પડે તો એક ક્ષણ સ્થિર થઈ જાય એવાં.

એમના પતિ સાથે નોકરી કરતા એક મિત્ર ભાઈ એ સોસાયટીમાં આરતીના સમયે એમના પતિ સાથે ઘેર આવ્યા. સોસાયટીમાં આવતાં જ એ બહેન સામાં મળ્યાં. નવરાત્રીની આરતીની થાળી સાથે તેમની રુઆબ ભરી ચાલ સાથે. પોતાના પતિ સામે જોઇને સ્મિત આપે તે પહેલાં પેલા મિત્ર બોલી ઉઠ્યા- "હાય …, અલ્યા શું વાત છે, તારી સોસાયટીમાં તો રૂપરૂપના અંબાર રહે છે ને કાંઈ!"

એ પતિ એટલે મારા નજીકના વડીલ. તેઓ સમજી ગયા કે રૂપરૂપનો અંબાર કોને કહે છે. તેમણે અજાણ્યા બની પૂછ્યું, "એમ! કોણ? તું કોની વાત કરે છે?"

મિત્ર કહે " અરે હમણાં ગઈ એ. માન ગયે યાર. ફટકો છે ફટકો. એ તારી સામું જુએ ખરી?"

"ખાસ નહીં. ક્યારેક." એ પતિ બોલ્યા.

મિત્ર તો રંગમાં આવી ગયો. કહે,

"તારી સાથે બોલે કે નહીં?"

પતિ પોતાની પત્ની માટે શું કહે? કહે "હા, બોલેને!"

"રોજ્જે મળે ત્યારે બોલે એમ?"

"ક્યારેક ક્યારેક." મારા વડીલ બોલ્યા.

"જામે હોં બાકી. દહાડો સુધરી જાય." મિત્રે કહ્યું.

"રાત પણ." સાવ ધીમા અવાજે સ્વગત મારા વડીલે કહ્યું.

એ રંગીલો મિત્ર એ તરફ જોતો રહ્યો અને સાથે એ

બન્ને ઘરમાં આવ્યા. મારા એ વડીલને જોતાં જ એમની નાનકડી દીકરી ચણિયા ચોળી પર ઓઢણી સરખી કરતી દોડી. મારા વડીલ એ બેબીની ઓઢણી સરખી કરતાં લાડથી કહે "જા અને આરતી થઈ જાય એટલે મમ્મીને કહે કે પપ્પાના કોઈ ફ્રેન્ડ આવ્યા છે એટલે ઘેર આવે."

બેબી દોડતી ગઈ.

મિત્ર હજી અટક્યા નહીં.

"પેલી હતી તો એકદમ રૂપાળી.. શું તૈયાર થયેલી! ફટકો.. એને હાથે મને પ્રસાદ મળે.."

"ભલે. આમ તો કામ અઘરું છે. પણ તું કહે છે તો એમ કરશું. તારે માટે પ્રસાદ લેવા ટ્રાય તો કરીશ." સ્ત્રીના પતિએ પેલો 'ફટકો' શબ્દ સાંભળ્યો ન સાંભળ્યો કરી કહ્યું.

આરતી પુરી થઈ. બેબી એની મમ્મીની સાડીનો છેડો પકડી દાખલ થઈ.

"મારાં મિસિસ." સ્ત્રીના પતિએ ઓળખાણ કરાવી.

મિત્રએ ઊંચું જોયું અને.. જોતો જ રહી ગયો! આ તો પોતે 'ફટકો' કહેલીએ જ સ્ત્રી!

"અને આ … મારી સાથે ઓફિસમાં છે." સ્ત્રીના પતિએ ઓળખાણ આપી.

એ સ્ત્રીએ મધુરું સ્મિત કરી હાથ જોડ્યા.

મિત્ર તો જોઈ જ રહ્યા. અવાચક. કાપો તો લોહી ન નીકળે!

મિત્રને હૃદયમાં જે 'ફટકો' વાગેલો.. બોલતી બંધ થઈ ગઈ. બેઠા, એ સુંદર સન્નારીના હાથની ચા મૂંગામૂંગા પીધી અને ચૂપચાપ નીચું જોઈ ચાલતા થયા.

બીજે દિવસે કહે "શું તું યે.. તારી સામે જુએ કે નહીં ને તારી સાથે બોલે કે નહીં પૂછ્યું ત્યારે તો સાચું કહેવું હતું!"

મારા વડીલ, એ સ્ત્રીના પતિ કહે "હજી સાચું જ કહું છું. મારી સામે આંખ મેળવી ક્યારેક જ જુએ. અને ક્યારેક ક્યારેક જ બોલે છે મારી સાથે. બાકી કામમાં હોય."

-સુનીલ અંજારીયા