Incomparable in Gujarati Short Stories by Pallavi Sheth books and stories PDF | અનુપમેય

Featured Books
Categories
Share

અનુપમેય

અનુપમેય
લગભગ પાંચ વર્ષ પછી મારી એક ખાસ બહેનપણી અમદાવાદ થી ભુજ આવી રહી હતી.બસમાં બેઠી ત્યારે જ ફોન કરી કહી દેધેલું,અગિયાર વાગે બસ સ્ટેશન લેવા આવી જજે.અમારી કોલેજ સમયથી મિત્રતા અને મિત્રનો હુકમ એટલે સર આંખો પર.હું તેના હુકમને અનુસરતી મારું એકટીવા લઈ બરાબર અગિયાર વાગે બસ- સ્ટેશન પહોંચી ગઈ.પણ હજી બસ આવી ન હતી.મેં ઈન્કવાયરી વિન્ડોમાં પૂછા કરી અને ત્યાંથી જાણવા મળ્યું કે બસ અડધો કલાક મોડી છે.એટલે હું મારું એકટીવા એક બાજુ પાર્કિંગ કરી તેના પર બેઠી અને આજુબાજુ મારી નજર ફેરવતી રહી.બસસ્ટેશનમાં લોકોની અવરજવર સતત ચાલુ જ હતી,સ્ટેન્ડ પર બસો તેના નંબર અને માર્ગમાં આવતા ગામો દર્શાવતા બોર્ડની સાથે હારબંધ ઉભી હતી.આમતેમ ફરતી મારી નજર દુર રસ્તા પરથી આવી રહેલા એક પચાસેક વર્ષના પુરુષ અને તેનો હાથ પકડી ચાલી આવતી દસેક વર્ષની છોકરી પર સ્થિર થઈ.ભરાવદાર શરીર અને લગભગ ૬ ફૂટ ઊંચાઈ ધરાવતા એ પુરુષે જ્બ્બો અને પાયજામો પહેર્યા હતા.તેના વાળ રૂક્ષ દેખાતા હતા,માથા પર રંગબેરંગી ફૂલો ચીતરેલું રૂમાલ બાંધ્યું હતું.એક હાથથી કરછી ભરતથી શોભતી ભાતીગળ થેલી ને પકડી હતી અને તેનો બીજો હાથ છોકરીએ પકડ્યો હતો.હાથ પકડીને ચાલી આવતી છોકરીએ લાંબુ ફ્રોક અને સલવાર પહેર્યા હતા.તેના વાળ વચ્ચે બરાબર સેંથી પાડી સરસ રીતે ગુંથેલા હતા,તેના વાળને જકડી રાખવા લાલ રીબીન પણ નાખેલી હતી.બંને જણા રસ્તાની એક બાજુએ ચાલી રહ્યા હતા.સવારના સમયે રસ્તા પર ખુબ અવર જવર હતી.સ્કુટર,સ્કુટી ઝડપભેર પસાર થઈ જતી હતી.રસ્તા પર પસાર થતી બાઈકો અને ગાડીઓ હોર્ન વગાડતી પુરપાટ દોડી જતી હતી.વાહનોના હોર્ન સાંભળતા જ એ પુરુષ અને છોકરી ડરી રહ્યા હોય એમ રસ્તાની એક બાજુએ ખસી જતા હતા.તેમની ચાલ અને ટ્રાફિકનો ડર જોઈ લાગી રહ્યું હતું કે તેઓં કોઈ ગામડાના રહેવાસી હશે અને શહેરમાં બહુ જ ઓછું આવવાનું થતું હશે.ચાલતા ચાલતા તે બંને બરાબર બસસ્ટેશનની અંદર આવવાના માર્ગની સામે બાજુ આવી ઉભા રહ્યા.હવે તેમને પાણીના પ્રવાહની જેમ સતત દોડતા વાહનો વચ્ચેથી રસ્તો પાર કરી બસસ્ટેશન તરફ આવું હતું.તે પુરુષ અને નાની છોકરીની આંખો બંને દિશામાં જોઈ રહી હતી કે વાહનોની અવરજવર ઓછી થાય તો તે રસ્તો પાર કરી જાય.પણ શહેરની ટ્રાફિક એટલે..!.લગભગ પાંચેક મિનીટ રાહ જોયા પછી એક તરફ વાહનોની અવરજવરમાં સહેજ વિરામ પડ્યો અને તરત જ તે પુરુષ અને છોકરી રસ્તા પર આવી ગયા.પુરુષે થેલી પકડેલા હાથને ઉંચો કર્યો ,જાણે વાહનોને ક્ષણીક થોભવા કહી રહ્યો હોય!,અને ઝડપભેર ચાલ્યો.બીજા હાથને નાની છોકરીએ કસીને પકડ્યો હતો.બંને જણ રસ્તો ઓળંગી અને બસસ્ટેશનમાં પ્રવેશ્યાં.રસ્તાને પાર કરવાનો આંનદ બંનેના ચહેરા પર હતો.હાથને જકડીને પકડી રાખનાર તે છોકરીએ મોઢું ઊંચું કરી તે પુરુષના ચહેરા સામે જોઈ અને બોલી,”અધા,અહીં મુંજો હથ જ્લ્યાવા ત મુકે ધ્રા ન લગો તે”(પિતાજી, તમે મારો હાથ પકડ્યો હતો તો મને બીક નો’તી લાગતી).આ સાંભળી પિતાના ચહેરા પર સ્મિત આવ્યું.બંને બાપ–દીકરી એકબીજાનો હાથ પકડી આગળ ચાલ્યા અને છોકરીએ સ્ટેન્ડ પર લાગેલ બસના બોર્ડના શબ્દોને વાંચવાનો પ્રયત્ન કર્યો.છુટા છુટા અક્ષ્રરોને વાંચી એક શબ્દ બનાવ્યો અને તરત રાજી થઈ બોલી ઉઠી.”હી બસ પાંજે ગામ વંધી”(આ બસ આપણા ગામ જશે),પિતા ગર્વ અનુભવતો હોય એમ બોલ્યો,”નેર બચ્ચા,તું ભણેતી ને તોકે વાચધે અચેતો ત પાંકે કોઈકે પૂછેજી જરુર ન પઈ ને પાં પાંજે ગામજી બસમેં વહી ને હેવરી ગામ પૂજી વનબો”(જો બેટા,તું ભણશ ને તને વાંચતા આવડે છે તો આપણે કોઈને પુછાવાની જરૂર ન પડી અને આપણે આપણા ગામની બસમાં બેસી હમણાં જ ગામ પહોંચી જશું). દીકરીએ જોરથી પોતાના પિતાનો હાથ ખેંચ્યો અને બસની અંદર ચડી ગઈ.હું દુર બેઠી આ જોઈ અને સાંભળી રહી હતી.આ દ્રશ્ય જોઈ મારી આંખોમાં સહજ ભીનાશ તરી આવી હતી.એક દીકરીને પોતાના પિતા પર અતુટ વિશ્વાસ કે તેમણે હાથ પકડ્યો છે તો તેને કોઈપણ અજાણી જગ્યાએનો પણ ડર નથી અને બીજી તરફ એક પિતાનો વિશ્વાસ અને ગર્વ કે પોતાની પુત્રી ભણે છે તો તેમને કોઈની મદદ લેવાની જરૂર નથી ,તે ખુદનું અને પોતાના પિતાનું સાચું માર્ગદર્શન કરી સાચી મંજિલ સુધી પહોચાડશે.સાચે જ,ન સમજી શકાય,ન સમજાવી શકાય ,ન શબ્દોમાં કહી શકાય,માત્ર ને માત્ર અનુભવી શકાય એવો અતુલ્ય પ્રેમ અને સજડ વિશ્વાસનો સંબધ એટલે એક પિતા –પુત્રીનો સબંધ.
પલ્લવી શેઠ