Rise in Gujarati Moral Stories by Yakshita Patel books and stories PDF | અભ્યુદય

Featured Books
Categories
Share

અભ્યુદય


"ખરી કરી ભાઈ...કરી કરી ને તે એવું કામ.?"

"એજ તો ? આખા ગામનું નામ ડૂબાડયું. "

"અરે ભાઈઓ,,અવે રેવા દો ને ઇ વાત.. આજકાલના સોકરાંવની વાત જ ન થાય."

"હાવ હાચુ કીધું વડીલ,, માય બાપનું કઇ જોવાનું નઈ ને મન મરજીમાં આવે ઇ કરવાનું."

"તો વરી હું."

"એકને જોઈને જ પસી ગામના બીજા હિખે ભાઈ."

"હું તો કવ સુ હવે બધા પોત પોતાના સોકરાવને જરા દાબમાં રાખો. નઈ તો પસી રમેશભાઈના જેમ આવો કપરો દિ દેખવાનો વારો આવહે."

"હાચી વાત કરી ભાઈ, બવ છૂટછાટ આપવી જ નઈ. ભણી ગણી નેય તે કા મોટા મેતી માસ્તર બનવાના સે."

"હોવે.."

પોતાની લાડકી દીકરી વિશે આવું ઘસાતું બોલતા સાંભળતા રમેશભાઈનો જાણે જીવ કપાતો હતો. પણ અત્યારે ચૂપ રેહવું જ તેમને હિતાવહ લાગ્યું. આથી તેઓ મુખીના આવવાની વાટ જોતા બેઠાં.

ત્યાં જ ગામનાં મુખી આવ્યા એટલે સૌ ચૂપ થઈ ગયા. સૌએ ઉભા થઇ જય શ્રી કૃષ્ણ કહી અભિવાદન કર્યું. સામે મુખીએ પણ સૌના તરફ હાથ જોડતા જય શ્રી કૃષ્ણ કહી સૌને બેસવા હાથથી ઇશારો કર્યો. અને એમણે પણ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.

રમેશભાઈ, તમે તમારી સમસ્યા જણાવી ચુક્યા છો. પણ, આ સમસ્યા સાથે આપણાં ગામનો પણ પ્રશ્ન છે એટલે જ આજે અહીં મારે સૌને બોલાવવા પડ્યા. મુખીએ વાતની શરૂઆત કરતા કહ્યું.

"તો રમેશભાઈ તમે જરા વિસ્તૃતમાં કહેશો કે ખરેખર શું થયું હતું ? " મુખીએ કહ્યું.

રમેશભાઈ પોતાની જગ્યાએ ઉભા થઇ ગામનાં મુખીને સંબોધતા બોલ્યા, "મુખીજી, ખરેખર હું થયું સે એ હું નઈ જાણતો પણ મને વિશ્વાસ સે મારી દીકરી કોઈ ખોટું પગલું નઈ જ ભરે. જો આવું કઈ હોય તો એ એકવાર તો મને વાત કરે જ તે વિના એ કઈ કરે નઈ.

પછી સૌની સામે એક નજર ફેરવી મુખી સામે જોઈ બોલ્યા, "અવધિ અહીં આવીને રહીને ગયાને હજી તો ચાર દિ થયા. કઈ તકલીફ હોય એવુંય નઈ લાગતું એને જોતા તો.

અવધિ સવારથી સાંજ સુધી બાર રહી અને રાતે પણ રૂમ પર નઇ જોવા મળતા હોસ્ટેલનાં વોર્ડને આજુબાજુ રૂમ વાળાને પૂછ્યું પણ કોઈએ એને જોઈ ન હતી. વોચમેનનું કહેવું સે કે સવારે એણે કોલેજબેગ લઈને રિક્ષામાં જતા જોઈ હતી. બસ એ જ ! બીજી કોઈ જાણકારી નઈ મળતા હોસ્ટેલનાં વૉર્ડને સીધો મને ફોન કરી અવધિ વિશે પૂછ્યું.

હોસ્ટેલથી ફોન આવ્યાનાં આગલા દિવસે જ તો એની મા જોડે વાત પણ કરી. આજે જ એનો ફોન બંધ આવે સે. એની સાથે હોસ્ટેલમાં રહેતી એની દોસ્ત ઘરે ગઈ હોવાથી તેને એ વાતની કશી ખબર નથી. અને અવધિને બીજા કોઈ ખાસ કોલેજ દોસ્ત પણ નથી. હવે તમે જ કોઈ રસ્તો કરી મદદ કરો બસ એ જ આશાએ તમારી પાસે આવ્યો સુ."

"તમે ચિંતા નહિ કરો રમેશભાઈ,, કોઈ ને કોઈ રસ્તો જરૂર મળી રહેશે.."

રમેશભાઈ કઈ બોલ્યા વિના બસ હાથ જોડી રહ્યા.

વાત જરા એવી હતી કે મહુવા જિલ્લાનાં એ નાનકડા ગામમાં રમેશભાઈની દીકરી અવધિ બાજુના શહેરમાં હોસ્ટેલમાં રહીને કોલેજ કરતી હતી. એક દિવસ સવારથી સાંજ થઈ ને પછી રાત પણ એ આવી નઇ એટલે હોસ્ટેલનાં વૉર્ડને અવધિને કોલ કર્યો તો એનો ફોન બંધ આવતો હતો. આજુબાજુનાં રૂમવાળાને પૂછ્યું પણ કોઈને કશી ખબર ના હતી કે ન તો કોઈએ એને બહાર જતા જોઈ હતી. છેવટે વૉર્ડને રમેશભાઈને કોલ કરી અવધિ વિશે પૂછ્યું પણ અહીં અવધિ ન હતી તેથી સૌની ચિંતા વધી આખરે ગઈ તો ગઈ ક્યાં..એ પણ કોઈને કશું જણાવ્યા વગર..!!

કોણ જાણે કોણ હશે પણ આ વાતચીત ગામનું કોઈ વ્યક્તિ સાંભળી ગયું ને વધુ જાણ્યા સમજ્યા વગર પોતે જ મનમાં વાત ઘડી નાખી કે ગામની છોકરી ક્યાંક ભાગી ગઈ...!! પછી તો શું ? વાતને ફૂંક મારતાની વાર...! ને વાત વાયુવેગે આખા ગામમાં પ્રસરી ગઈ.

પિતા હોવાના નાતે રમેશભાઈની હાલત સૌથી વધુ ખરાબ હતી. અવધિની ના કોઈ ભાળ હતી ના એના ખબર. ઉપરથી ગામલોકોની વાતો...પણ એમ હિમ્મત હારી બેસે એવા ન હતા તે. શાંતિથી વિચાર કરી છેવટે તેમણે મુખીનાં ઘરે જઈ પોતાની વિતક કથા રજુ કરી.

જો કે આ પેહલા જ મુખી પાસે પણ પેલી અફવા આવી પોહચી હતી. મુખી અનુભવી ખરા ને એટલે એમણે ધીરજ ધરી. અત્યારે રમેશભાઈની વાત સાંભળી એમને બધું સમજાઈ ગયું કે વાત હતી શું અને ઘડી શું નાખી.

થોડી ક્ષણો મૌન રહી કંઈક વિચાર્યા પછી મુખી બોલ્યા, "જુવો રમેશભાઈ, આપણે અવધિના ખબર પણ લાવશું અને અવધિ ને પણ. શરત એટલી કે તમારે મારા પર ભરોસો રાખવો પડશે."

"અરે, કેવી વાત કરો સો તમે..?? ભરોસો સે તો જ તો અયા આવ્યો સુ."

રમેશભાઈના જવાબથી મુખી મનોમન મલકાયા પછી બોલ્યા, "તો કાલે સાંજે પાંચ વાગ્યે ગામની સભામાં તમારે આ જ વાત ફરી રજૂ કરવાની છે."

"તમે કહો તો કેક વિચારીને જ કયરૂ હશે. હારું ત્યારે, હું કાલ આવી જઈશ."

"સરસ...તમ તમારે કોઈ ચિંતા કર્યા વગર જવો. બાકી હું જોઈ લઈશ."

રમેશભાઈ હાથ જોડી આભાર વ્યક્ત કરી જતા રહ્યા.

વાત ગામની દીકરીની હતી એટલે મુખીએ એક સભા બોલાવી જેનો અડધો ભાગ તો આપણે ઉપર જોઈ ગયા છે.

**********

થોડા દિવસ પહેલા જ અવધિ ઘરે આવી હતી ત્યારની વાત ..

"અવધિ બેટા, ભણવાનું કેવું ચાલે સે ? " અવધિનાં પિતા રમેશભાઈએ પૂછ્યું.

" એકદમ મસ્ત !! પપ્પા "

"બવ સારું તો તો." રમેશભાઈ ખુશ થતા બોલ્યા , પછી આગળ કહ્યું,"કઈ જરૂર પડે તો તું તારે ચિંતા કર્યા વગર કેજે બેટા. હું અહીં બેઠો જ સુ."

અવધિ બસ અનિમેષ નજરે એના પિતા સામે જોઈ રહી.

"આમ સુ જોવે સે ? "

અને અવધિ કઈ બોલ્યા વગર રમેશભાઈને વળગી પડી.

બાપ દીકરી થોડી ક્ષણો એમ જ રહ્યા . પછી અવધિએ અળગા થતા કહ્યું, "તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. બધું બરાબર જ ચાલે છે. અને કઈ પણ જરૂર હશે તો હું કહી દઈશ."

રમેશભાઈ દીકરીના માથે વહાલથી હાથ ફેરવતા હસ્યાં.

પિતાનો પ્રેમ જોઈ અવધિને જે વાત કહેવી હતી એ ના કહી શકી.

**********

વર્તમાનમાં
ચાલુ સભા...

રમેશભાઈએ પોતાની વાત કહ્યા બાદ મુખીએ સૌના અભિપ્રાય જાણવા...આ વિશે ગામલોકો કેવી વૈચારિક દ્રષ્ટિ ધરાવે છે તે ચકાસવાનાં આશયથી કહ્યુ, "તમે સૌ આ વિશે તમારા મત આપી શકો છો."


ક્રમશ:...

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆


ખરેખર અવધિ જોડે શું થયું હશે ? એવી કઈ વાત છે જે અવધિ પોતાના પિતાને ન કરી શકી ??સભામાં ગામલોકોના કેવા પ્રતિભાવ મળશે !??...જાણવા માટે વાંચતા રહો...."અભ્યુદય".

ધન્યવાદ🙏
©યક્ષિતા પટેલ