નામ:- સફળતાનું સોપાન ચોથું - એકાગ્રતા(Concentration)
લેખિકા:- સ્નેહલ જાની
નમસ્કાર મિત્રો,
ફરીથી સ્વાગત છે મારી ધારાવાહિક 'સફળતાનાં સોપાનો'માં. તમારા પ્રતિસાદ અને પ્રેરણાથી હું આજે ચોથા સોપાન સુધી પહોંચી ગઈ છું. સફળતાનું ચોથું સોપાન છે concentration એટલે કે એકાગ્રતા. એકાગ્રતા માત્ર સફળતા માટે જ નહીં પરંતુ જીવનના દરેક તબક્કે જરુરી છે.
ઘરમાં અચાનક કોઈ મુસીબત આવી પડે કે પછી ઘરનાં મોભીનું દુઃખદ અવસાન થયું હોય કે પછી કોઈ પરીક્ષામાં નાપાસ થયા હોય એવા સમયે નાસીપાસ થઈ જવાની જરૂર નથી. પોતાનાં મનને શાંત રાખી યોગ્ય નિર્ણય લેવો એ આપણી પ્રાથમિક જવાબદારી છે. ગભરાઈ જઈને કોઈ ઉતાવળીયો નિર્ણય લઈએ અને પાછળથી પસ્તાવો થાય એનાં કરતાં મન એકાગ્ર કરીને શાંતિથી પણ યોગ્ય નિર્ણય લેવો સારો.
ચંચળ મનને જયાં સુધી સ્થિર કરતાં ન આવડે ત્યાં સુધી ક્યારેય સફળતાનાં સ્વપ્નો જોઈ ન શકાય. કારણ, ક્યારેક એક કામ કરવાથી સફળતા દેખાશે તો ક્યારેક એ કામ કરતાં કરતાં જ જો કોઈ બીજા કામમાં ઓછી મહેનતે વધુ સફળતા દેખાશે તો પેલું કામ પડતું મૂકીને બીજું કામ હાથ ધરવામાં આવશે. આમાં પેલી વાર્તા જેવું છે.
એક વ્યક્તિ પોતાના ઘર આંગણે કૂવો ખોદવા માંગે છે કે જેથી એને કાયમ માટે પાણીની સમસ્યામાંથી છૂટકારો મળે. એ કૂવો ખોદવાની શરૂઆત કરે છે. દસ ફૂટ જેટલું ખોદે છે અને પાણી ન નીકળતા નિરાશ થઈને બીજી જગ્યાએ ખોદવાનું શરુ કરે છે. ફરી પાછું એ જ થયું. દસ ફૂટ ખોદયા પછી પણ પાણી ન નીકળ્યું. આમ કરતાં કરતાં તે પાંચ અલગ અલગ જગ્યાએ દસ દસ ફૂટ જેટલું ખોદી નાંખે છે. હવે તમે જ વિચારો કે આવુ કરવાને બદલે જો એણે મન એકાગ્ર કરીને એક જ જગ્યાએ સો ફૂટ ખોદી નાંખ્યું હોત તો કદાચ એને પાણી મળી પણ ગયું હોત. આ તો એવું થયું કે મહેનત પણ કરી અને વળતર પણ ન મળ્યું.
માટે યોગ્ય લક્ષ નક્કી કરવા માટે પહેલા એકાગ્રતા કેળવવી જરુરી છે. કોઈ પણ કામ ક્યારેય પણ ઉતાવળા નિર્ણય લઈને ન કરવા. પહેલા એક જગ્યાએ શાંત ચિત્તે બેસી મનને એકાગ્ર કરવું. ત્યારબાદ જે નિર્ણય લેવાના છો એ નિર્ણયથી ભવિષ્યમાં તમને કે તમારી સાથે રહેલાઓને શી અસર થશે એ વિચારો. જો એમ લાગે કે બધી જ રીતે ઈ નિર્ણયથી માત્ર ફાયદો જ છે તો અને તો જ એને અમલમાં મૂકો, પણ જો એક પણ મુદ્દો એવો લાગે કે અહીં આ નિર્ણયથી કંઈક ખોટું થશે તો અટકો. ફરીથી એકાગ્ર થાઓ અને એ માટેનો કોઈક અન્ય વિકલ્પ વિચારો. બાકી બધા મુદ્દાઓ જુના નિર્ણય સાથે જ આગળ વધવા દો પણ જયાં તકલીફ છે ત્યાં નવા વિકલ્પ સાથે આગળ વધો.
આપણાં શાસ્ત્રોમાં તો એકાગ્રતા કેળવવા માટેનો ઉત્તમ મંત્ર છે જ "ૐ". આ મંત્રના ઉચ્ચારણ દ્વારા માત્ર એકાગ્રતા જ નહીં પરંતુ માનસિક સ્થિરતા પણ કેળવી શકાય છે. શરૂઆતમાં કદાચ એકાગ્રતા કેળવવાનાં પ્રયોગો નિરાશા ફેલાવી શકે પણ જો દરરોજ પ્રયત્ન કરવામાં આવે અને મન મક્કમ કરવામાં આવે તો ચોક્ક્સ જ એકાગ્રતા મેળવી શકીએ. જ્યારે એકાગ્રતા આપણાં હાથ વેંતમાં હોય ને ત્યારે સફળતા આપણને નજર સમક્ષ દેખાય, કારણ કે સફળતા મેળવવા માટેના પ્રયત્નો કરવા પહેલાં જ એનું યોગ્ય પ્લાનિંગ કર્યું હોય.
એક બાળકને જો નાનપણથી જ એકાગ્રતા કેળવતા શીખવી દેવામાં આવે તો એ અભ્યાસમાં પણ હંમેશા અગ્ર સ્થાને રહેશે અને ભવિષ્યમાં પણ પોતાનાં નિર્ણયો યોગ્ય રીતે અને સાચા લઈ શકશે. કોઈ પણ નિર્ણય અમલમાં મૂકવા પહેલાં એ બાળક વિચારી શકશે કે નિર્ણય લીધા પછી એને કેટલી તકલીફો પડશે અને એમાંથી એ બહાર કેવી રીતે આવી શકશે? બાળકનું મન ચંચળ હોય છે, પણ એને સ્થિર પણ જલ્દીથી કરી શકાય છે. માટે, તમારા બાળકોને એકાગ્રતા જાળવતા શીખવો.
એક વાર એકાગ્રતા રાખતાં આવડી જાય ને પછી કોઈ પણ પ્રકારના દબાણથી મુસીબત ઊભી થતી નથી, કોઈક ને કોઈક રસ્તો મળી જ આવે છે.
વાંચવા બદલ આભાર.🙏
- સ્નેહલ જાની.