"રાખી રાખીને ઇતિહાસ રાખ્યો!બીજા વિષય શું મરી પરવાર્યા તે યુદ્ધ લડવાનો વિષય રાખ્યો?" મેં એમની દીકરી સાથે પ્રેમ લગ્ન કરવાની ધમકી આપી હોય,તેમની પત્નીનું અપહરણ કરવાની ધમકી આપી હોય એવી રીતે કોલેજના પહેલા દિવસે મળેલા એક મુખ્ય વિષય અંગ્રેજી વાળા સિનિયર મિત્રે મને આ પ્રકારનું વિધાન સંભળાવ્યું. માણસના જીવનમાં અભ્યાસ ખૂબ જ મહત્વ ધરાવે છે જે આપ સૌ જાણો છો પછી ભલે તમે ભણેલા હો કે અભણ!
યમરાજને જ્યારે યમપુરી નું પ્રધાનપદ છોડવાનું મન થયું હશે,શંકર ભગવાનને ભાગ ને બદલે વિસકી પીવાનું મન થયું હશે, જગતના સરમુખત્યારોને જ્યારે વિશ્વયુદ્ધનો વિચાર પ્રસ્ફુટ્યો હશે ત્યારે એ ક્ષણે મારી સાહિત્ય અને ઇતિહાસ જેવા વિષયમાં રૂચિ કેળવાઈ હશે. કોણ જાણે પણ સરસ્વતી દેવીના તે શું ભાગ્ય ફૂટ્યા તે મને આગળ આર્ટ્સમાં ભણવાની ઈચ્છા થઈ ને અમદાવાદ (ભોંયરાનગરી છે,જ્યાં દરેક માણસને આંખોમાં તોફાની ઊંડું ભોંયરું હું જોઈ શકું છું)માં એક નામચીન કોલેજમાં પ્રવેશ મેળવ્યો.બિચાળી કોલેજને પણ વેદના થતી હશે જ્યારે એને ખબર પડી હશે કે હું હવે એને દિપાવવા પગરણ માંડી રહ્યો છું.
"શું ભણશો આર્ટ્સ કરીને?એવા છોકરીઓના વિષય લેતાં શરમ ના આવી ડોબા,મૂર્ખ,બુહા(વગેરે)...." આવી દલીલ દરેક આર્ટસ લેવા ઇચ્છતા દસમા ધોરણ અને બારમા ધોરણ વટાવેલા વિદ્યાર્થીઓની સામે માતા-પિતા,સમાજ,વડીલો, શિક્ષકો કરે જ છે અને એ જ કરુણ કથની મારી પણ થઇ હતી!પરંતુ બારમાં ધોરણમાં ખૂબ મહેનત કરી-ના,ગેર સમજ ના કરશો,મેં મહેનત ગુણ લેવા નથી કરી,ઓછામાં ઓછા ગુણ મેળવવા કરેલી છે જેથી મારે આર્ટસ લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન બચે.કદાચ ગુજરાત આખામાં બારમા ધોરણમાં કોઈ એવો વિદ્યાર્થી નહિ હોય જે સૌથી ઓછા ગુણ લેવા મહેનત કરતો હોય અને સદભાગ્યે મેં 'મહેનત' કરીને પાસિંગ અને આર્ટસ કોલેજમાં પ્રવેશ મળે એટલા ગુણ મેળવ્યા.
પણ આ તો જાણે વિષયાંતર થયો. મારે તો કોલેજના પ્રથમ દિવસ વિશે લખવાનું હતું અને લખવા લાગ્યો કોલેજ પૂર્વેના દિવસો વિશે - મારા જેવા ઠોબરાઓને આમ જ નિબંધ પુરો કરવાનો હોય!(પણ તમારા પર ઉપકાર કરવા નિબંધ લખવો તો પડે જ) એ દિવસ નહોતો જરાય રળિયામણો,નહોતો જરાય રોમાંચક, જે દિવસે મેં કોલેજ જવાની શરૂઆત કરી હતી.મારા તો આંતરડા વાયોલિન વગાડતા હતા જ્યારે સવારે ઊઠ્યો ત્યારે,કારણકે મેં આગલી રાત્રે ઢોસા ખાધેલા-ખાવા પડેલા.આંતરડાને વાયોલિન વગાડતા અટકાવી,કદાચ જોઇને એમ થાય કે આ તે માણસ છે કે વિદુષક,એવા વસ્ત્રો પહેરી હું મારા નબળા અને યુવાન વયે પણ ખખડી ગયેલા અને જેના અસ્તિત્વ પર મને મારા માતા-પિતાને તથા મારા સંપર્કમાં આવનાર સૌને શંકા છે એવા મગજ સાથે કોલેજ જવા નીકળ્યો.કદાચ લગ્ન બાદ પ્રથમ રાત્રિ માં વર વધુ એકબીજાથી જેટલા ન શરમાય, કોઈ પણ યુવાન તેની પ્રેમીકાને લગ્નનું આહ્વાન આપતા જેટલો ન શરમાય, સ્ત્રીઓના નેપથ્યમાં પુરુષ પ્રવેશ કરતો જેટલો ન શરમાય એટલો જ હું કોઈપણ વસ્તુ કરતા શરમાઉં છું.જાણે ભગવાને મારા મન-મસ્તિષ્કમાં શરમ માટે ખાસ વિભાગ ન ગોઠવ્યો હોય!( ઈશ્વર મળે ત્યારે આ જ પહેલા પૂછવાનો-જો મળે તો)
સામાન્ય રીતે એમ કહેવાય છે કે કોલેજની જિંદગી બહુ જ સુંદર હોય છે પણ આ વિધાનમાં એક વક્રોક્તિ છે: કોલેજની જિંદગી બેશક સુંદર છે પણ એના માટે જે ઘરે રહીને કોલેજ કરે છે,એના માટે નહીં તે સંઘર્ષરત હોય!પણ એ બધી બહુ ઊંચી વાતો થઈ ગઈ,આપણું એ ગજુ નહીં.તો હું પહોંચ્યો કોલેજ.કોઈ પૌરાણિક કિલ્લો જોતો હોય એમ મેં મારી કોડા જેવી આંખો વડે આખી કોલેજ અને તેની અંદર રહેલા માણસો (સુંદર છોકરીઓને બાદ કરતા)ને જોયા.થોડે આગળ વધ્યો ત્યાં કાળા બોર્ડ પર એક સૂચના લખી હતી કે જુના-નવા બધા વિદ્યાર્થીઓએ ઉપરના પ્રાર્થનાગૃહમાં મળવું.પ્રાર્થનાગૃહ-આ શબ્દ સાંભળીને મને થયું કે જાણે હું ગુફામાંથી 'આધુનિક અરણ્ય'માં આવી ગયો. મને એમ કે પ્રાર્થના ગૃહ એ કોઈ વિશાળ પરિપ્રેક્ષ્યમાં ફેલાયેલું હશે અને સામે મોટો શારદા દેવીનો ફોટો હશે.ને હતું પણ એવું જ-પરંતુ થોડા ફેરફાર સાથે! પરિપ્રેક્ષ્ય મોટાને બદલે નાનું હતું અને મા શારદાની જગ્યાએ બીજા ચાર અને તેની પાછળ પંદરેક જેટલા વિદુષકો- ના,ના માફી ચાહું છું.વિદૂષક નહિ ,વિદ્વાન અને વિદુષીઓ હતા. એમાં એક વિદુષી તો મને નક્કર વિદેશી લાગ્યા.બસ મને આમ બધું લાગે બહુ કરે!
ત્યાં આગળ મેં પ્રવેશ કર્યો અને જાણે ઉપનિષદમાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ રહસ્ય શોધી કાઢ્યું હોય એવી અદાથી બે મહાનુભાવ વિદ્યાર્થીઓ આ પ્રાર્થના ગૃહમાં ચર્ચા કરતા હતા અને એ ચર્ચા પરથી મને પણ બ્રહ્મજ્ઞાન લાધ્યું. બ્રહ્મજ્ઞાન એ કે એ લોકોએ પ્રાર્થનાગૃહ શબ્દ વાપર્યો તે કોઈ પ્રાર્થના ગૃહ માટે નહિ પણ એક વર્ગ માટે હતો અને એ જ વર્ગમાં બધા કાર્યક્રમો થતા.કોઈ ઊગતો ચિત્રકાર તાજમહાલ દોરે ને એને જોઈને કોઈ એમ કહે કે,"સરસ લીટા કર્યા છે."તો એને કેવું દુઃખ થાય? એવું દુઃખ મારા અંતરમાં થયું પણ ખેર હું કંઈપણ કાર્ય કરવા અસમર્થ હતો-અલબત્ત છું. હું ત્યાં જે ખાલી જ રહે છે સદૈવ,એવી જગ્યા પર બેઠો અને ત્યાં એક મારા જેવો જ પોતાને મુખ્ય વિષય અંગ્રેજી છે એ બતાવવા મારી સામુ જોઇને બોલ્યો,"Good Morning,Bro!" ક્ષણવાર તો હું ડઘાઈ જ ગયો.કારણ કે આગળના ત્રણેય 'O'ના સ્થાને 'a' મુકો તો શું થાય? એ હું સમજી ગયેલો. પછી મેં સ્વસ્થ થઈને કહ્યું,"સુપ્રભાત ભાઈ." એના માતા,બહેન,માસી,દાદી વગેરેને લગતી ગાળો મેં સંભળાવી હોય એવી રીતે મારી સામે જોવા લાગ્યો અને તિરસ્કારની ભાવના સાથે બોલ્યો,"Oh! Gujarati Medium! કયો રાખ્યો મુખ્ય વિષય?"મેં બહુ વિનમ્રતા અને ગર્વભેર ઈતિહાસ વિષય કહ્યો ત્યારે નિબંધની શરૂઆતનો પ્રસંગ બન્યો.હવે આગળ નીચે.
મને થયું કે અહીં બધા હોશિયાર કહેવાય એટલે દલીલમાં ન ઊતરાય અને મારામાં રહેલી શરમનો હું આગળ ઉલ્લેખ કરી ચુક્યો છું એટલે મેં કંઈ આગળ વાત ન ચલાવતા જગ્યા બદલી અને સામે જે ચાર વિદ્વાનો વારાફરતી ભાષણ કરતા હતા તે સાંભળવા લાગ્યો.તેમાંના એક વિદેશી ઊભા થયા અને ધાણી જેમ મશીનમાં ફૂટે એમ ફટ...ફટ...અંગ્રેજી ચોપડવા લાગ્યા.એ કાર્યક્રમ પૂરો થયો ને પછી અમે ગણિતના સૌથી અઘરા દાખલા જેવા ટાઈમ ટેબલ ને અનુસરીને વર્ગો ભરવા નીકળ્યા.
અહીં અનિચ્છાએ પણ મારી જાત અને કલમને અટકાવી દઉં છું કારણ કે આ વિષય પર પુસ્તક લખી શકાય ને મારી પાસે પુસ્તક છપાવવાના પૈસા નથી! કોઈ છોકરો સ્ત્રીઓના બાથરૂમ માં ઘુસી જાય અને છોકરાની જેવી હાલત થાય તેવી જ હાલત મારી એ સમયે હતી. અંગ્રેજી માધ્યમના છોકરાઓ ભોળા હોય છે એવું સાંભળ્યું પણ મારી એ ભ્રાંતિ અહીં આવીને તૂટી કારણ કે એ માત્ર ભોળા નહિ,અભિમાની અને નમાલા પણ હોય છે.અહીં અટકું છું,હો! (મારો આ ઉપકાર યાદ રાખજો.)