All is well - 4 in Gujarati Short Stories by Kamlesh K Joshi books and stories PDF | ઓલ ઈઝ વેલ - ૪

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ઓલ ઈઝ વેલ - ૪

ઓલ ઈઝ વેલ
અંજલિને ઉંઘ નહોતી આવતી. ન્યુ યર પાર્ટીમાં કરેલ મોજ-મસ્તી, હંગામો ક્યારના ભૂલાઈ ચૂક્યા હતા. જો કે પાર્ટી વીત્યાને હજુ ત્રણ જ કલાક થયા હતા. અત્યારે ચારેક વાગી રહ્યા હતા. બહુ વહેલી સવારનો, અંધકારભર્યો સમય હતો. એથીયે વધુ ઘેરું અંધારું અંજલિના દિમાગને ઘેરી વળ્યું હતું. થોડી કલાકો પહેલાં પોતે કેટલી ખુશ હતી, અને અત્યારે કેટલી દુ:ખી હતી!
મા ઉઠીને આવું કરે?
આ ઉંમરે? પિતાની ગેરહાજરીમાં મા જે કરી રહી હતી એ બહુ ખોટું અને ખરાબ હતું. અંજલિ પથારીમાં પડી પડી મમ્મીની બદલાયેલી ચાલઢાલને જોઈ ખરેખર ભાંગી પડી હતી.
છેલ્લા પંદરેક દિવસથી મમ્મીના રંગ-ઢંગ બદલાયેલા હતા. પહેલાં તો અંજલિને આશ્ચર્ય થયું પછી ગમ્યુંયે ખરું. પણ જ્યારે મમ્મીને પપ્પાના મિત્ર મોહનલાલ સાથે મેહુલ સિનેમેક્સમાંથી હસતી, વાતો કરતી, બહાર નીકળતી જોઈ, ત્યારે પહેલી વખત અંજલિને નવાઈ લાગી, શંકા સળવળી.
આ શું?
આ મમ્મી હતી?
અંજલિ તે દિવસે મેહુલ સિનેમેક્સમાં મિત્રો સાથે, શિલ્પા, રાહુલ, રોહન, મોના અને સંજીવ સાથે 'અજબ પ્રેમ કી ગજબ કહાની'ના રાત્રિના સાડા નવથી સાડા બારના શોમાં આવી હતી. ઘણી વખત એ આવી રીતે ફ્રેન્ડ સર્કલ સાથે અહીં ફિલ્મ જોવા આવતી. કેટલીક વાર છથી નવના શોમાં ફિલ્મ જોતાં, દસ-સાડા દસે હાઈવે પરની કેશવારા' કે આશાપુરા કે આશીર્વાદ રિસોર્ટમાં સૌ ડિનર કરતા અને અલક-મલકની વાતો કરી એક-બીજા વિશે વધુ જાણતાં.
નામ પાડ્યા વગરની અંજલિ-સંજીવ, શિલ્પા-રાહુલ અને મોના-રોહનની જોડી રચાતી. સૌ અંદરથી જાણતા હતા કે બહાર ભલે જે દેખાય તે પણ અંદર કંઈક પાકી રહ્યું છે.
સંજીવ છોકરોય હેન્ડસમ, હોશિયાર અને વ્યવસ્થિત હતો. કોલેજમાં હંમેશા આ ગ્રુપ સાથે જ રહેતું. ભણવું સાથે, ડેયઝ સાથે ઉજવવા, નિયમિત પરસ્પર એસ.એમ.એસ. કરવા, થોડી છેડખાની કરવી પણ લિમિટમાં રહીને.
હંમેશા પોઝીટીવ ફ્રેન્ડશીપના સહારે આનંદિત સમય પસાર કરતું આ નાનકડું ગ્રુપ એક બાબતે નારાજ રહેતું. કારણ પણ વ્યાજબી હતું. કોલેજ કેમ્પસમાં જે કાયદા-કાનૂન હતા એ હિટલરશાહી જેવા હતા. છોકરા - છોકરીઓ મળે એટલે જાણે 'અલકાયદાના આતંકવાદીઓ' ભેગા થયા હોય એમ પટ્ટાવાળાથી શરૂ કરી પ્રિન્સીપાલ અવંતિકા બહેન સુધીના સૌના નેણ ખેંચાતા. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓ પણ ચકળવકળ નજરે, વિચિત્રતાથી તાકી રહેતા.
એક પ્રકારની પાબંદી લાગી જતી. થોડી થોડી છૂટછાટ વચ્ચે અંજલિનું ગ્રુપ રચાયું હતું. યુવાની આવી હતી. સોળ સત્તર વર્ષની ઉંમર. લોહીમાં ગરમી આવી હતી, રોમાંચ આવ્યો હતો.
શરૂઆતના છ મહિનાની ગુલામી વેઠ્યા બાદ, હિટલરની જોહૂકમી વેઠ્યા બાદ, અંજલિ જેવા નવા નિશાળિયાઓને પણ ફાવટ આવવા માંડી હતી. કેમ કાયદો તોડવો, કયારે માફિ માંગી લેવી, કયારે ક્રાંતિકારી વિચારો રજૂ કરવા, કયારે મિત્રો સંગ બહેકવુ.. એ હવે સમજાવા માંડ્યું હતું.
જો કે હવે વિચારોય ઘણાં આવતાં. અવનવા વિચારો... રંગબેરંગી વિચારો...
પહેલીવાર અંજલિએ બ્લ્યુ જીન્સ અને લાલ ટીશર્ટ પહેરેલા ત્યારે તો કેવો વટ પડેલો! અંજલિએ નોંધેલુ, સૌ કોઈ ખાસ કરીને છોકરાઓ તો તાકી રહેતા હતા. અંજલિને કોણ જાણે કયો આનંદ થયો હતો. સસ બહુ મજા આવી હતી.
મજા....
આનંદ...
અચાનક અંજલિ વર્તમાનમાં પટકાઈ. આજની ન્યુ યર પાર્ટીમાં પોતે આનંદમાં જ હતી. સંજીવ, મોના, રાહુલ, શિલ્પા સૌ સાથે જ હતા.
રાત્રે બાર વાગ્યે પાર્ટી પૂરી કરી. સાડા બાર વાગ્યે ઘરે આવી. મમ્મી નહોતી ઘરમાં.
ક્યાં ગઈ હશે? એ વિચારતા અંજલિ કપડા બદલી, પોતાના રૂમમાં આવી. પપ્પા ઓફિશીયલ કામખ પંદર વીસ દિવસ માટે બહારગામ ગયા હતા. રાત્રિના એક વાગ્યો.
મમ્મી હજુ ના આવી...
અંજલિને પપ્પા યાદ આવ્યા.
સમજદાર, પ્રેકટિકલ પપ્પા. અંજલિને પપ્પા માટે ગૌરવ હતું, વિશેષ માન હતું. કમ્પ્યૂટર નિષ્ણાંત તરીકે પપ્પાનું આખા શહેરમાં નામ હતું. રિલાયન્સ, એસ્સાર જેવા મેગા પ્રોજેક્ટ શહેરથી થોડે દૂર ચાલતાં હતાં. ત્યાં ઘણીવાર પપ્પાને એઝ એ કમ્પ્યૂટર એક્સપર્ટ એડવાઈઝ આપવા માટે બોલાવવામાં આવતા.
અંજલિ નાનામાં નાની વાત પપ્પા સાથે ચર્ચી શકતી. મમ્મી પણ ડાહી અને સપોર્ટિવ હતી. પણ મમ્મી બહુ ફોરવર્ડ નહીં. પોતે પહેલીવાર સ્લીવલેસ ડ્રેસ પહેરીને કોલેજ ગયેલી ત્યારે મમ્મીએ સહેજ નારાજગી વ્યક્ત કરેલી. પપ્પાએ ના નહોતી પાડી. પછી તો મમ્મીની નારાજગી વધતી ચાલી. મિત્રોને મળવું, છોકરાઓ સાથે ફ્રેન્ડશીપ... અંજલિ મમ્મીને સમજાવી નહોતી શકતી કે યુગ બદલાઈ ગયો છે. હવે સ્ત્રી ગુલામ નથી, પરદા પાછળ રાખવાની વસ્તુ નથી. પુરૂષ સમોવડી બલ્કે એનાથી બે કદમ આગળ છે.
એમાંય નવરાત્રિ દરમ્યાન યશોદા માસીની મીનાનું પ્રકરણ બન્યું પછી તો મમ્મી એકદમ કડક થઇ ગઈ હતી.
એક દિવસ પપ્પાની હાજરીમાં બધા ખુલાસા થઈ ગયા. અંજલિએ કહ્યું, "વિશ્વાસ રાખો. હું મારી લિમિટ જાણું છું." પપ્પાએ ચુકાદો આપી દીધો. તે દિવસથી અંજલિને ટોકવાનું મમ્મીએ ઓછું કરી નાખ્યું.
પછી પપ્પાને બહારગામ જવાનું વધવા માંડ્યું. મમ્મીમાં પણ થોડો ઘણો ચેન્જ અંજલિ જોઈ રહી હતી. મમ્મી વ્યવસ્થિત તૈયાર થઈ હરવા ફરવા જતી. અંજલિને ગમ્યું. જડતા જઈ રહી હતી અને ફ્લેક્સિબિલીટી આવી રહી હતી. એકાદ વાર એણે મમ્મીને પપ્પા સાથે સ્ત્રી સ્વાતંત્ર્ય વિશે ચર્ચા કરતીયે સાંભળી.
"સ્ત્રી કંઈ ગુલામડી નથી." મમ્મી બોલેલી.
"પણ હું ક્યાં કહું છું કે સ્ત્રી ગુલામડી છે?" પપ્પા બોલેલા.
પપ્પા પર અંજલિને વિશ્વાસ હતો. એ મમ્મીને બહુ વ્યવસ્થિત હેન્ડલ કરતા, સમજાવતા અને ઘરનું વાતાવરણ સુસંવાદિતા વાળું બની રહેતું.
પણ આજે...
દોઢ વાગ્યે કારનો અવાજ સાંભળી અંજલિ રૂમની બારી પાસે પહોંચી. નીચે ગેટ બહાર થંભેલી કારમાંથી મમ્મી ઉતરી રહી હતી. બીજી બાજુથી મોહન અંકલને ઉતરતા જોઈ અંજલિને 'જાળ' લાગી.
પપ્પા બહારગામ ગયા છે અને મમ્મી....
ઉંઘ ઉડી ગઈ અંજલિની. હવે એક પછી એક દ્રશ્યો આંખ સામે આવવા શરૂ થઈ ગયા. મેહુલ સિનેમેક્સમાં જોયેલા મમ્મી - મોહન અંકલના દ્રશ્ય વખતે શિલ્પા - મોના સૌ કેવા તાકી રહ્યા હતા. ફિલ્મ નહોતી ગમી અંજલિને. દિમાગ મમ્મી અને મોહન અંકલ વિશે જ વિચારી રહ્યું હતું.
એકવાર સંજીવ અંજલિને એકાંતમાં લઈ ગયેલો અને ધીમા અવાજે વાત કરેલી કે એણે મમ્મી તથા મોહન અંકલને સાથે શોપિંગ મોલમાં જોયા હતા. અંજલિ નીચું જોઈ ગઈ. આજે પહેલીવાર એને નામોશી મહેસૂસ થયેલી. સાંજે ઘરે આવી પપ્પા ને એ ધરાર વોકિંગ કરવા ખેંચી ગઈ. એ દિવસે અંજલિએ પપ્પાને બધી વાત કહેલી. મોહન અંકલ અને મમ્મી વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હતું.
પપ્પાએ આઘાત તો વ્યક્ત કર્યો પણ સાથે કહ્યુંયે ખરું કે તેઓ બધું જ જાણે છે. પપ્પા તે દિવસે ઘણું બોલ્યા હતા. કુટુંબપ્રેમ, પરિવાર નિષ્ઠા, ઈજ્જત, સ્વાતંત્ર્ય, સંબંધ વગેરે પર.
એમણે કહ્યું હતું, "અંજુ, તારી મમ્મી બહુ સારી છે, ડાહી છે, અને આજે હું જે કંઈ છું એનું કારણ તારી મમ્મીનો પ્રેમ, ભરોસો, વિશ્વાસ છે. મને જ્યારે મોહન વિશેની વાત બહારથી જાણવા મળી ત્યારે તારી જેમ હું પણ સળગી ઉઠ્યો હતો, પડી ભાંગ્યો હતો. પણ મેં નિર્ણય કર્યો. હું મારા સંબંધોને, પરિવારને તૂટવા નહીં દઉ. આ અંગે તારી મમ્મી સાથે ચોખ્ખી વાત કરું તો એનો વિશ્વાસ, ભરોસો તૂટ્યો ગણાય. એનો અહંકાર, સ્વાભિમાન ઘવાય જાય. તો તો ઘવાયેલી એ બમણાં જોરથી લડત આપે અને ધારદાર દલીલોનો સહારો લે. મારે વિશ્વાસ ગુમાવવો નહોતો. તારી મમ્મીના સ્વાભિમાનને, ગૌરવને ઠેસ પહોંચાડવી નહોતી."
પપ્પાનો ચહેરો જોઈ અંજલિ ડઘાઈ ગઈ હતી. હારેલો, નામોશીભર્યો, લાચાર ચહેરો. અંજલિને બહુ ખૂંચ્યુ. "શું માને આવું કરવાની ચોખ્ખી ને ચટ ના ન પાડી શકાય?"
"પાડી જોઈ." પિતા બોલ્યા. "મેં એકવાર તારી મમ્મીને કહ્યું યે ખરું કે મને તારા પર ભરોસો છે, પણ છતાં મને શંકા પડે, ન ગમે એવું કાર્ય તું ન કરે એવું હું ઇચ્છું છું."
અંજલિ પ્રશ્નાર્થ નજરે પિતા સામે તાકી રહી. એ બોલ્યા. "તો એણે શું જવાબ આપ્યો ખબર છે? વિશ્વાસ રાખજો. તમારો ભરોસો હું ક્યારેય નહીં તોડું. મોહનલાલ અને મારી વચ્ચે કંઇ જ નથી. જસ્ટ.. જસ્ટ અમે ફ્રેન્ડઝ છીએ. માત્ર સારા મિત્રો.."
ખીજ ચડી અંજલિને. "મિત્રો..?"
પપ્પા આગળ બોલ્યા, "દીકુ.. સંબંધોમાં આવો સમય આવે ત્યારે માણસ ગજબની લાચારી અનુભવે છે. સાચું કહું તો હું જાણું જ છું કે મોહન અને તારી મમ્મી સમજુ છે, મોટી ઉંમરના પરિપક્વ વ્યક્તિઓ છે, તેઓ પોતપોતાની લિમિટ જાણે છે. પણ આમ ને આમ વધુ મળશે તો લાગણી ચોકકસ બંધાવાની.. અને કોઈ ખતરનાક નબળી ક્ષણ આવી પડશે તો? જો તેઓ પોતાના પરનો કાબૂ ગુમાવી બેસશે તો? આ વિચારમાત્ર મને કંપાવી જાય છે. હું સતત ફડકો અનુભવું છું. તારી મમ્મીએ કહ્યું છે, વિશ્વાસ રાખજો, પણ એ અસાધારણ ક્ષણો વખતે એ વિશ્વાસનું જોર ચાલશે? ક્યાંક વિશ્વાસ કાચો પડ્યો તો?"
પિતાની આંખમાં આંસું જોઈ શકી અંજલિ. લાચાર પિતાની મનોદશાએ, મમ્મીએ રચેલી અસામાન્ય રમતે જાણે બાપ-દિકરી બંનેના પ્રાણ પીંખી નાખ્યા. અંજલિને સ્પષ્ટ લાગ્યું. "મમ્મીએ સમજવું જોઈએ, મમ્મીને સમજાવવી પડશે, ગમે તેમ મમ્મીને રોકવી પડશે."
એ દિવસ પછી અંજલિ જાગૃત બની હતી, સતત ધ્યાનપૂર્વક મમ્મીને જોઈ રહી હતી. એક-બેવાર અંજલિએ મમ્મી સાથે વાતેય ઉખેડી હતી. "મમ્મી.. આજે તું અને મોહન અંકલ શોપિંગ મોલમાં ગયેલાં?"
પ્રશ્ન પૂછી અંજલિએ ધારદાર નજરે મમ્મીની આંખમાં આંખ પરોવી હતી. પછી પ્રશ્ન વધુ ગંભીર બને એ માટે અંજલિએ ઉમેર્યું હતું. "મારી બે'ક ફ્રેન્ડઝ કહેતી હતી કે તેણે તમને જોયેલાં."
છાપું સંકેલી ટેબલ પર મૂકતાં ક્ષણાર્ધમાં ખુદને સંભાળી લઈ મમ્મી બોલેલી, "હા બેટા.. મોહન અંકલને થોડી ખરીદી કરવી હતી.. એટલે ગયેલાં.."
મમ્મી ઊભી થઈ રસોડામાં ચાલી ગઈ હતી. અંજલિ પણ ઊભી થઈ રસોડામાં ગઈ અને મમ્મી સામે અદબ વાળી હક્કથી બોલી. "મમ્મી.. આ શું યોગ્ય થઈ રહ્યું છે?" મમ્મીની આંખમાં અંજલિએ ધારદાર આંખ પરોવી રાખી હતી. માની વ્યાકુળતા જોઈ અંજલિ અંદરથી થોડી મજબૂત બની.
"શું બેટા? તું શાનું પૂછે છે?" મમ્મીએ અજાણ હોવાનો ડોળ કર્યો.
"મમ્મી.. તું આ રીતે મોહન અંકલ જોડે મોલમાં, સિનેમામાં જાય, એ યોગ્ય છે ખરું?"
અંજલિનો પ્રશ્ન વેધક હતો. મમ્મી વીંધાઈ ચૂકી હતી. "બેટા.." શબ્દો ગોઠવતી મમ્મી બોલી. "તને દુઃખ થયું હોય તો દીકરા.. આઈ એમ સોરી.. પણ તું જ કહે કે આમાં ખોટું શું છે? આમાં દુઃખી થવા જેવું કયાં કંઈ છે જ?"
ફરી છટકી રહી હતી મમ્મી. પણ આજે અંજલિ જાગૃત હતી. એણે ચોખ્ખું પૂછી નાખ્યું. "મમ્મી.. તું ક્યા નાતે મોહન અંકલ જોડે ફરે છે?"
"જસ્ટ ફ્રેન્ડ દીકરા.. એ તારા પપ્પાનાય મિત્ર છે." મમ્મી બોલી ગઈ.

મમ્મીની આંખમાં માસૂમિયત પાછળ છૂપાયેલી લુચ્ચાઈ અંજલિ સ્પષ્ટ જોઇ રહી હતી. ‘‘ફ્રેન્ડશીપ!’’ અંજલિનો ગુસ્સો શબ્દ સ્વરૂપે વહેવો શરૂ થયો. એ ચીપી-ચીપીને બોલવા માંડી. ‘‘ફ્રેન્ડશીપ! અને આ ઉંમરે? કોઈ અન્ય પુરૂષ સાથે? મા તું પરિણીતા છે, તારો પરિવાર છે, પતિ છે, પુત્રી છે અને પુત્રીયે કેવડી.... કોલેજમાં ભણે એવડી... અને આ ઉંમરે તને ફ્રેન્ડશીપ સૂજે છે? એય પાછી પુરૂષ સાથે? પર
પુરૂષ સાથે? તને કલ્પનાયે છે ખરી કે તારા આ સબંધની અમારા ઉપર શું અસર થશે? મારા પપ્પા... સતત ‘ફડકા’માં જીવે છે. વગર વાંકે, વગર ગુનાએ એ નામોશી ભરી હાલતમાં મૂકાઈ ગયા છે. તને જયાં ને ત્યાં જોનારા પરિચિતોના પ્રશ્નોનો જવાબ શું આપવો, અમે તો એ જ સમજી શકતા નથી. માથું શરમથી ઝૂકી જાય છે. આ ઉંમરે તું આ શું માંડીને બેઠી છે મા? તારી ભૂલ, તારી મૈત્રી, તારી મોજમસ્તીને લીધે અમારી હાલત કેટલી ખરાબ - પીડાદાયક બનવા માંડી છે એનો તને વિચારેય નથી
આવતો? અમારો ગુનો તો કહે? ભૂલ વિના, અપરાધ વિના અમને સજા શાની?

અંજલિના છેલ્લા શબ્દો સાથે રૂમમાં બે ક્ષણ ખામોશી છવાઈ ગઈ. મમ્મી ફાટી આંખે પુત્રીનું આ રૌદ્ર રૂપ તાકી રહી. થોડી ક્ષણો બાદ રડમસ ચહેરે, તૂટતા અવાજે મા બોલી, ‘‘અંજુ... બેટા... એવું કાંઈ નથી કર્યું અમે. તારા સોગંદ ખાઈને કહું છું અમારા મનમાં જરાય ‘ખોટ’ નથી. અમે સો ટચના સોના જેવા મિત્રો છીએ. કેવળ મિત્રો....’’
મમ્મીનો આવો લૂલો જવાબ સાંભળી અંજલિ કંપી ઊઠી.

અંતે અંજલિએ બ્રહ્માસ્ત્ર છોડયું.
‘‘મમ્મી... શું પપ્પા અને મારી ખુશી માટે તું મોહન અંકલ સાથેના સબંધો ‘કટ’ ના કરી શકે?’’
હવે મમ્મી અંજલિ સામે તાકી રહી. પછી એણે નજર ઝૂકાવી. ક્ષણ બે ક્ષણ બાદ મમ્મીની આંખ પલળેલી હતી. એણે ફરી અંજલિની આંખમાં જોઈને કહ્યું, ‘‘ચોકકસ દિકરા... તમે બન્ને કહેતા હો તો, જો તમને બન્નેને અમારી ‘મિત્રતા’થી ઠેસ પહોંચતી હોય, માનહાનિ થતી હોય, લાંછન જેવું લાગતું હોય તો હું હવે નહીં મળું મોહન અંકલને.’’
મમ્મીએ ઊંડો નિઃશ્વાસ મૂકયો. બે ક્ષણ પછી એ ફરી બોલી હતી.
‘‘પણ દિકરી... તું મને ઓળખે છે, તારા પપ્પા મને ઓળખે છે, તો મને એક પ્રશ્નનો જવાબ - સાચો જવાબ આપીશ દિકરા કે ‘મોહન અંકલ અને મારી મિત્રતા છે, અમે હરીએ ફરીએ છીએં, એનો વાંધો દુનિયા ઉઠાવે છે - સમાજ ઉઠાવે છે - એટલા ખાતર અમે અમારા ‘આનંદ’નો અંત લાવીએ? જે સમાજ - જે દુનિયા અમને હજુ સાચી રીતે સમજી નથી શકતી એના માટે અમે ‘આનંદ’ કુરબાન કરીએ એ કેટલા અંશે વ્યાજબી છે? સમાજ તને અને પપ્પાને પ્રશ્નો પૂછે છે, એમાં ઇજ્જત ગુમાવવા જેવું, અસન્માનનીય કે નામોશી અનુભવવા જેવું છે શું ? શા માટે આપણે આ બંધિયાર સમાજની
પરવાહ કરવી? દિકરી... તારા પપ્પા મને - એક સ્ત્રીના મનને ના સમજી શકે એ તો સમજયા, પણ દિકરી મારી... તું તો એક સ્ત્રી છે ને? મારો આનંદ, મારો ઉત્સવ, મારે આ બંધિયાર સમાજની ગુલામી સામે ઝૂકીને જતો કરવો, કુરબાન કરવો એ એક સ્ત્રી તરીકે તને વ્યાજબી લાગે છે ખરું?’’
અંજલિ વિચારમાં પડી ગઈ. માનો પ્રશ્ન સાચો જ હતો. માએ સમાજ માટે બહુ વિચારવાની કયાં જરૂર હતી. આમ છતાં મા જે કંઈ કરી રહી હતી એ ગેરવ્યાજબી કેમ લાગતું હતું અંજલિને?
તે દિવસે તો અંજલિ માને કંઈ કહી ના શકી. વિચારતી રહી. શા માટે મોહન અંકલ અને પોતાની મમ્મીની મૈત્રી હૈયાને ખૂંચી રહી હતી? શાનો ‘ભંગ’ થતો હતો?

શું ખોટું હતું આ સબંધમાં? ખૂબ વિચારવા છતાં અંજલિને કંઈ જ ખોટું દેખાતું નહોતું. બીજી તરફ આ સબંધનો ક્ષણાર્ધ માટેનો વિચાર પણ એના તન-મનને દઝાડતો હતો. શું પપ્પાનો ‘ફડકો’ સાચો હતો? મોહન અંકલ અને મમ્મીની આ ‘મસ્તી’ ભરી મૈત્રીમાં કોઈ ‘નબળી ક્ષણ’, ‘મદહોશ ક્ષણ’ આવે એવી એક ટકોય સંભાવના ખરી? અને આ નબળી ક્ષણે પરિવાર પ્રત્યેનો, પતિ પ્રત્યેનો, પુત્રી પ્રત્યેનો ‘વિશ્વાસ’ મદદે આવે ખરો? એના ચાન્સીસ કેટલા? એકવાર ‘વિશ્વાસ' મદદ કરે, ફરી વાર પેલી ‘ક્ષણ’ આવે ત્યારે? આવા વારંવારના હળવા-મળવામાં આવી ક્ષણો તો આવવાની જ, અને એકાદવાર ‘વિશ્વાસ’ મદદ ના કરે અને નબળી ક્ષણ જીતી જાય, વિશ્વાસહારી જાય તો? પછી શું? મમ્મી પોતાને કદી માફ કરી શકે ખરી? એમની ‘ભૂલ’ એમના બાકીના આખા જીવનને કેટલી હદ સુધી વિખેરી નાખે? અને એની અસર તળે મારું અને પપ્પાનું જીવનેય કેટલું બધું ડામાડોળ થાય?અંજલિ જેટલું વિચારતી ગઈ એટલું સમસ્યાનું ઉંડાણ વધતું ચાલ્યું. બિચારા પપ્પા... આ લાંછનભર્યું જીવન સહી જ ના શકે. જે છાપ, જે સ્વચ્છ ઇમેજ, જે નામના સાથે આ માણસ જીવ્યો છે, એના માનસ પર આ લાંછનનો ઘા મરણતોલ હોય એમાં બેમત નથી.
છેલ્લા દસ દિવસમાં અંજલિ જયારે જયારે એકલી પડી ત્યારે ત્યારે મમ્મીના વિચારોએ એને ઘેરી લીધી હતી. સારું હતું કે શિલ્પા, સંજીવ, મોના, રાહુલનો સાથ હતો.
સમજદાર સંજીવ આ સમસ્યાથી વાકેફ હતો. રાહુલ, રોહન વગેરેનેય ખબર હતી. આથી જ સૌ બને ત્યાં સુધી અંજલિને માનસિક આધાર આપી રહ્યા હતાં.
અંજલિને યાદ આવ્યું. બીજા સેમેસ્ટરની પરીક્ષામાં સંજીવ સાથે એણે શરત કરેલી. બન્નેમાંથી જે વધુ પર્સન્ટેજ મેળવે, બીજાએ એનું કહ્યું એક કામ કરવાનું. સંજીવને વધુ માર્ક આવ્યા હતા. એણે અંજલિ સાથે જોગવડ મંદિર સુધીની સિંગલ બાઇકમાં રાઇડીંગ માંગી હતી. મંદિર, પવિત્ર સ્થળ. સંજીવની બાઇકમાં પોતે પાછડ બેઠેલીયે ખરી. શિલ્પા, રોહન સૌ સાથે હતા. કેવું હસીન હતું એ દૃશ્ય. જાણે હવામાં ઊડી હતી પોતે.

ત્રીજા સેમેસ્ટરમાં ફરી શરત એ જ હતી. આ વખતેય સંજીવ જીત્યો હતો. એણે માંગણી કરેલી. ‘ગઝની’ ફિલ્મ, પરસ્પરનો હાથ ત્રણ કલાક પકડેલો રાખીને જોવાની. ત્રણ કલાક... કેવો ગરમ લાગેલો એ સ્પર્શ! અને આજની ન્યુ યર પાર્ટીમાં ફરી એ જ શરતે સંજીવ અને અંજલિ બંધાઈ ચૂકયા હતાં. રોહન, શિલ્પા, મોના, રાહુલ સૌ સાક્ષી હતા. હવેની સંજીવની માંગણી કેવી રોમાંચક સફરે લઈ જશે એની કલ્પના માત્ર અંજલિના તન-મનમાં લાલ-ગુલાબી સ્વપ્નો જગાવતી હતી. નસોમાં લોહીનો પ્રવાહ ગતિમાન થઈ જતો હતો. આખી પાર્ટી દરમિયાન અંજલિ મમ્મીના પ્રશ્નને ભૂલી ગઈ હતી.
છેક ઘરમાં પ્રવેશી ત્યારે એને બધું યાદ આવ્યું. મમ્મીની ગેરહાજરી એને ડંખી હતી. મમ્મી મોહન અંકલ સાથે કયાંક ગઈ હશે?પોતે જે ફુલગુલાબી સ્વપ્નમય મહેફિલ છોડીને ‘બહાર’ આવી ગઈ હતી, મમ્મી હજુ એ જ - એવી જ કોઈ મહેફિલમાં - સ્વપ્નમય ક્ષણોમાં ‘ખોવાયેલી’ હશે?
‘‘ક્ષણ’’ શબ્દએ ફરી અંજલિને પેલી નબળી ‘‘ક્ષણ’’ની અને તેની પાછળ પાછળ આવી રહેલી લાખો દુઃખદ ક્ષણોની યાદ અપાવી. અંજલિની ઊંઘ હરામ થઈ ગઈ. મમ્મી કેમ નથી સમજતી? ગમે એટલો ‘વિશ્વાસ’ , ગમે એટલી ‘પરિપકવતા’, ગમે એટલી ‘લિમિટ’ પ્રત્યેની ‘સજાગતા’ કરતા પુરૂષ અને
સ્ત્રીમાં મૂકાયેલા પરસ્પરના પ્રચંડ આકર્ષણને કારણે - અસામાન્ય સંજોગોમાં ઉદ્‌ભવતી પેલી ‘નબળી ક્ષણ’ લાખો ગણી વધુ તાકાત ધરાવે છે. મદહોશીની એ ક્ષણના ‘તાંડવ નૃત્ય’ સામે ‘વિશ્વાસ’, ‘પરિપકવતા’, ‘લિમિટ‘ કે ‘સજાગતા’ના પાયાઓ કડડભૂસ કરતાં ઢેર થઈ જાય છે અને બાકી બચે છે ભસ્મીભૂત થયેલી ‘રાખ’, લૂંટાઈ ચૂકેલું ‘ખંઢેર’ જે કેવળ રુદન કરી શકે છે, કેવળ રુદન. દિવસો સુધી, વર્ષો સુધી, કદાચ... કદાચ... જિંદગીના છેલ્લા શ્વાસ સુધી.. અને એટલે જ આ ‘ક્ષણ’ને આસપાસ ફરકવા ન દેવી જોઈએ. એક નબળો ‘શ્વાસ' બાકીના તમામ શ્વાસોને અર્થહીન, સ્વાદહીન, રસહીન બનાવી નાંખે એમ છે.

‘સમાજ’ માટે નહીં, ‘સ્વ’ને માટે અટકવું જોઈએ. દુનિયા પ્રશ્નો પૂછે છે એટલા માટે નહીં પણ ‘સ્વ’ના સન્માનનીય જીવન માટે, ‘સ્વજનો’ના ગૌરવમય જીવન માટે આ નાદાનિયત- આ બાલિશતા અટકાવવી જોઈએ.
એક સ્ત્રી તરીકે અંજલિને માએ પૂછેલા છેલ્લા પ્રશ્નનો એકદમ સચોટ જવાબ મળ્યો હતો. ‘‘મા, અમને તારા પર ‘વિશ્વાસ’ છે જ, તું તારી ‘લિમિટ’ જાણે જ છે, એમાં અમને જરાય શંકા નથી, તારી અને મોહન અંકલની વચ્ચે ‘પવિત્ર મૈત્રી’ પણ કબૂલ, પણ પેલી ‘ખતરનાક’ નબળી ‘ક્ષણ’નો જીવલેણ હુમલો ટાળવા માટે આ ક્ષણે અટકી જવું જરૂરી છે. મૈત્રી તો સ્ત્રી અને સ્ત્રી પ્રત્યેની જ શોભે, પુરૂષ અને પુરૂષ વચ્ચેની જ શોભે. હા, ખપ પૂરતી, જાહેર રીતે સ્ત્રીપુરૂષ વચ્ચે સંવાદિતા સર્જાય એમાં કંઈ ખોટું
નથી, પણ સ્ત્રીપુરૂષ વચ્ચે પ્રગાઢ થઈ રહેલી જાહેરમાંથી ખાનગી થઈ રહેલી મિત્રતા, તમામ દૃષ્ટિએ, આધ્યાત્મિક દૃષ્ટિએ, માનસશાસ્ત્રીય દૃષ્ટિએ, ધાર્મિક દૃષ્ટિએ, વૈયક્તિક દૃષ્ટિએ અહિતકારી , દુઃખદ અને પ્રશ્ન સર્જક છે.’’

આખી રાત અંજલિ પડખાં ઘસતી રહી. બધું સ્પષ્ટ હતું એની પાસે. મમ્મીને પોતે સવારે ઉઠ્યા બાદ બધું વ્યવસ્થિત સમજાવી શકવાની હતી, એનો વિશ્વાસ
અંજલિમાં જાગી ચૂક્યો હતો. એક એવું સત્ય પોતે સમજી ચૂકી હતી કે જે સનાતન હતું. આ સત્ય પોતે મમ્મી સાથે ચર્ચશે અને મમ્મીના ગળે ‘વાત’ બરોબર ઉતારી શકશે એ બાબતે અંજલિને કોઈ શંકા રહી નહોતી.

મમ્મી, દોઢ વાગ્યે મોહન અંકલ સાથે જે રીતે આવી, થોડી બેહોશ અવસ્થા હતી. એ જોઈ અંજલિના ગાત્રો શિથિલ થઈ ગયા હતા. મોહન અંકલના મોં પરથી નૂર ઊડી ચૂક્યું હતું. ટેકો દઈને એ મમ્મીને દરવાજા સુધી લાવ્યા હતા. દરવાજો ખોલી જેવી અંજલિએ મમ્મીને સંભાળી કે તરત જ મોહન અંકલ ઉતાવળે પાછા વળી ગયા હતા. અંજલિ આઘાતજનક અવસ્થામાં મૂકાઈ ગઈ હતી. મમ્મીને એના કમરામાં બેડ પર સુવડાવી ત્યારે મમ્મી બેહોશ જેવી, નીંદરમય હાલતમાં આઈ એમ સોરી... બેટા
મને માફ કરજે... એવું કંઈક તૂટક તૂટક બોલી હતી.

શું હતો આ બધાનો અર્થ? શું અંજલિ મોડી પડી? મમ્મી પેલી ‘નબળી ક્ષણ’ પાસે પરાસ્ત થઈ ગઈ? થોડી વાર મમ્મીના બેડ સામે અંજલિ બેઠી રહી. મમ્મી ગાઢ નિદ્રામાં હતી. આખરે અંજલિ પોતાના રૂમમાં આવી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી.

‘‘અરે...રે! મારી મા... આવતીકાલ બહુ ‘ભારે’ ઉગવાની હતી. શા માટે તું ન માની? હવે શું થશે? આપણે આ ‘વાત’ છુપાવીશું તોયે તું ખુદને કેમ
સમજાવીશ? ક્યા આધારે તું ટકી શકીશ? જીવી શકીશ? તું સ્વત્વ ગુમાવી બેઠી? જીવનનો આધાર ગુમાવી બેઠી? મારી મા.... તારી આ નાની અમથી મોજમસ્તીએ કેટલાં જીવનોના ગળાં ટૂંપ્યા, એની તને કલ્પના છે ખરી?’’

આખી રાત અંજલિ ખુદની સાથે આવી જ વાતો કરતી રહી. કાલે મમ્મી ઉઠીને જયારે ‘વાત’ કરશે, માફી માંગશે ત્યારે? કે પછી આ વાત જ નહીં ઉખેડે? કોણ જાણે કયારે અંજલિને ઊંઘ આવી ગઈ?
એ જાગી ત્યારે ચોંકી પડી. આંખ સામેનું દૃશ્ય નવાઈ પમાડે તેવું હતું. કમરો રંગબેરંગી ફુગ્ગાઓથી સજાવોયેલો હતો. સજી-ધજીને મમ્મી-પપ્પા ઊભાં હતાં. બાજુમાં સૂટેડ બૂટેડ મોહન અંકલ અને મીરાં આન્ટી ઊભાં હતાં.

નવાઈ, અજ્ઞાનતા અને અવઢવમાં ડૂબેલી અંજલિએ દિવાલ પર લગાડેલું ‘હેપી બર્થ ડે ટુ ડિયર અંજલિ’ વાંચ્યું અને હજુ ‘આજે કયાં મારો બર્થ ડે..’ બોલવા
ગઈ ત્યાં ચારેય વડીલોએ તાળીઓ પાડતા ‘હેપ્પી બર્થ ડે ટુ યુ’ના નાદથી આખો ઓરડો ગજવી નાંખ્યો.

અંજલિને સમજાતું નહોતું. પપ્પા પાસે બેઠા, બોલ્યા, ‘‘બેટા, આખી રાત જાગી? ઘણું બધું વિચાર્યુ?’’ અંજલિ પપ્પાના ખુશખુશાલ ચહેરાને તાકી રહી. ‘‘અમારા માટે બેટા આટલું કાફી હતું. હવે અમે તારા બાબતે નિશ્ચિંત છીએ.’’ હજુ અંજલિ તાજુબ્બીથી જોઈ જ રહી હતી.

‘‘યસ, માય બેબીડોલ... આ એક નાટક હતું. જેમાં મુખ્ય પાત્ર તારી મમ્મીએ, કાળજાં પર પથ્થર મૂકીને ભજવ્યું હતું, મોહન અંકલની નકારાત્મક ભૂમિકા, મીરાં આન્ટીની સાયકોલોજીકલ ગોઠવણ અને મારું ડાયરેકશન હતું. નાટકનો સાર માત્રને માત્ર એટલો જ કે જે તે વિચાર્યો. હવે અમે અમારી ભૂમિકા પૂરી કરી નાંખી છે. નાટકનું પરિણામ એ જ કે જે તેં છેલ્લા પંદર દિવસ દરમિયાન અનુભવ્યું, વિચાર્યું. તારા ઉપર અમને પૂરો ભરોસો છે, પૂરો વિશ્વાસ છે, તારી સ્વતંત્રતાની સૌથી પહેલી માંગણી અમે કરીએ છીએ. પણ અમે ભૂલથીયે એવું નથી ઇચ્છતા કે જીવનમાં તું કયારેય પણ પસ્તાવો અનુભવે.
મારી ડાહી દિકરી.....આજે તારો નવો જન્મ થયો છે. તારું નવું જીવન શરૂ થયું છે. તારું સાચું હેપ્પી ન્યૂ યર થયું છે. હેપ્પી બર્થ ડે ટુ યુ. લીવ લોંગ લાઇફ. નાઇસ લાઇફ. લાઇફ વીથ ડયુ રિસ્પેકટ. ઓનર એન્ડ સ્વીટ રીગાર્ડસ્‌... ઓલ ઇઝ વેલ..

===========================