Navvadhu in Gujarati Short Stories by Jasmina Shah books and stories PDF | નવવધૂ...

Featured Books
Categories
Share

નવવધૂ...

રાજા રજવાડા સમયની આ વાત છે.
નાનું પણ સુંદર અને સ્વચ્છ રાજ્ય, રાજ્યનું નામ રત્નાવતી....

ખૂબ જ સુખી તેમજ પ્રતિષ્ઠા ધરાવનાર રાજા વેણીચંદ અને પત્ની અહલ્યાદેવી ખૂબ જ પ્રેમથી રહેતા અને પોતાના નાનકડા રાજ્ય ઉપર રાજ કરતાં... ગામના લોકોને પણ રાજા તેમજ રાણી ખૂબ જ પ્રિય....

રાજાના લગ્ન થ‌એ છ વર્ષ પૂરા થઈ ચૂક્યા હતા અને સાતમું વર્ષ બેઠું હતું પણ રાણી અહલ્યાદેવીને કોઈ સંતાન ન હતું. રાણી અહલ્યાદેવીએ તેમજ રાજ્યના ઘણા બધા હોદ્દેદારોએ રાજાને ફરીથી લગ્ન કરવા માટે ખૂબ ફોર્સ કર્યો પણ રાજા વેણીચંદ ધર્મનિષ્ઠ અને નીતિવાન રાજા હતા તેથી તેમણે ફરીથી લગ્ન કરવા માટે સાફ ઇન્કાર કર્યો....

પણ અચાનક, આ રાજ્ય ઉપર અને રાજ વાસીઓ ઉપર ઈશ્વરની મહેર થઈ અને રાજમહેલમાં સુખનો સૂરજ ઊગ્યો અને રાણી અહલ્યાદેવીને સારા દિવસો જતા હતા રાજા તેમજ પ્રજા બધાની ખુશીનો કોઈ તોટો ન હતો... આમ, સમગ્ર પંથકમાં સુખની લહેર છવાઈ ગઈ હતી. રાણીની તબિયતની ખૂબજ ધ્યાનથી અને પ્રેમપૂર્વક કાળજી રાખવામાં આવતી હતી.

નવ મહિના ક્યાં પૂરા થઈ ગયા તેની ખબર જ ન પડી...!! અને રાણીએ ખૂબજ સ્વરૂપવાન દેખાવડા એવા રાજકુંવરને જન્મ આપ્યો. આખા રાજ્યમાં ખુશીની લહેર છવાઈ ગઈ. આખા રાજ્યમાં રાજાએ મીઠાઈ વહેંચી અને રાજ વાસીઓએ આખા રાજ્યને સજાવ્યું.... અને જોરશોરથી રાજકુંવરના આગમનની ઉજવણી કરી.

સમયની સાથે સાથે રાજકુંવર મોટો થતો ગયો.... સારા સમયની સાથે સાથે રાજાનો અને રાજ વાસીઓનો ખરાબ સમય પણ આવ્યો બે વર્ષ સુધી બિલકુલ વરસાદ ન પડ્યો. રાજાએ જ્યોતિષીઓને બોલાવી જોષ જોવડાવ્યા તો જ્યોતિષીના કહેવા પ્રમાણે રાજ્યમાં એક વાવ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.



રાજાએ કાબેલ અને હોંશિયાર કારીગરોને બોલાવી ને રાજ્યમાં એક સુંદર વાવની રચના કરાવી... સમગ્ર પંથકમાં ન હોય તેવી આ સુંદર અને રળિયામણી વાવ હતી જ્યાં ઊભા રહીએ તો એક અદ્ભુત શાંતિ અને ઠંડકનો અહેસાસ થતો હતો પણ કર્મનું કરવું... રાજાને અને રાજ વાસીઓને હેરાન થવાનું લખ્યું હશે તો ઘણાં પ્રયત્ન કરવા છતાં આ વાવમાં પાણી ન આવ્યું તે ન જ આવ્યું...!!

રાજા અને પ્રજા બધાજ ચિંતામાં ડૂબી ગયા.રાજાએ ફરીથી જ્યોતિષીને તેડાવ્યા અને જોષ જોવડાવ્યા તો રાજાને એમ કહેવામાં આવ્યું કે તમારો એકનો એક દીકરો અને તેની પત્ની લગ્નના પહેલા જ દિવસે લગ્નના જોડામાં જ પોતાના જીવનું બલિદાન આપશે તો જ આ વાવમાં પાણી પૂરાશે અને રાજ્યમાં પાણીની શાંતિ થશે...!!

રાજા-રાણી અને સમગ્ર પ્રજાને ખૂબજ દુ:ખ થયું... હવે શું કરવું...? તે વિચારમાં બધાજ ડૂબી ગયા પણ રાજા નો દીકરો નેમીચંદ પોતાના રાજ્ય માટે પોતાના જીવનું બલિદાન આપવા તૈયાર હતો પણ તેની સાથે લગ્ન કરવા માટે અને પોતાના જીવનું બલિદાન આપવા માટે કોઈ કન્યા પણ તો તૈયાર હોવી જોઈએ ને...??
એ પ્રશ્ન હતો.

આ વાતની જાણ સમગ્ર પંથકમાં ફેલાવવામાં આવી રાજાના અને પ્રજાના સારા નસીબે એક ખંતીલી અને બાહોશ રૂપસુંદરી જેવી કન્યા રત્નાવતી આ રાજકુમાર સાથે લગ્ન કરવા માટે અને પોતાના જીવનું બલિદાન આપવા માટે તૈયાર થઈ.





ખુબજ ધામધૂમથી રાજકુંવર નેમીચંદના લગ્ન રત્નાવતી સાથે કરવામાં આવ્યા આનંદથી વધારે દુઃખનો માહોલ આખાય પંથકમાં છવાયેલો હતો પણ રાજકુંવર નેમીચંદ અને તેની નવવધૂ રત્નાવતીનો ભોગ લીધા વગર છૂટકો પણ ન હતો અને પાણીના પ્રશ્નનો ઉકેલ આવે તેમ ન હતો તેથી વાવના ઘુમ્મટની નીચે જ નેમીચંદ અને રત્નાવતી ના લગ્ન થયા... સાથે પ્રખર જ્યોતિષીઓને પણ હાજર રાખવામાં આવ્યા અને લગ્નવિધિ પૂર્ણ થયા બાદ સાંજના સાત વાગ્યે રાજકુંવર નેમીચંદ અને નવવધૂ રત્નાવતીએ વાવમાં સજોડે એકબીજાનો હાથ પકડીને લગ્નના જોડામાં જ પોતાના જીવનું બલિદાન આપ્યું...!!

સમગ્ર રાજવાસીઓ અને રાજા-રાણી દુઃખ સાથે પોતાના રાજ્યમાં પાછા વળ્યા... બરાબર ત્રણ દિવસ પછી આ વાવમાં પાણી ભરાઈ ગયા અને રાજાની અને રાજ વાસીઓની પાણીની ચિંતા દૂર થઇ ગઇ...

ત્યારથી આ ગામનું નામ રત્નાવતી રાખવામાં આવ્યું...

આમ રાજકુંવર નેમીચંદ અને રત્નાવતીના ભોગના કારણે પ્રજા સુખી બની....

વર્ષોના વર્ષો સુધી રાજકુંવર નેમીચંદ અને રત્નાવતીનું આ બલિદાન લોકો યાદ કરશે....

~ જસ્મીના શાહ ' જસ્મીન ' દહેગામ