sundari chapter 63 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૬૩

Featured Books
Categories
Share

સુંદરી - પ્રકરણ ૬૩

ત્રેસઠ

“હલ્લો?” સોનલબાએ કૉલ રીસીવ કરતાં જ સુંદરી બોલી પડી.

“હા મેડમ, કેમ છો?” સોનલબાએ પૂરતાં ઉમળકાથી જવાબ આપ્યો.

“હું મજામાં છું સોનલ, તું કેમ છે?” સુંદરીએ પણ ઔપચારિકતા પૂરી કરી, પણ તેનું હ્રદય તો હજી પણ જોરથી ધબકી રહ્યું હતું.

તે દિવસે વરુણ બાબતે સોનલબા સાથે તેણે રૂક્ષતાથી વર્તન કર્યું હતું તે સુંદરીને સતત ડંખી રહ્યું હતું, અને હવે તેને સોનલબાની એવી જરૂર પડી હતી કે તેમના સિવાય બીજો કોઈ રસ્તો પણ ન હતો. આથી સુંદરીને સોનલબા કદાચ તેને પોતાની તકલીફ સરળ કરવામાં મદદ નહીં કરે અને એ પણ તેને રુક્ષતાથી ના પાડી દે તેવી મનના ઊંડાણમાં તેને બીક લાગી રહી હતી. પરંતુ સોનલબાના ઉમળકાથી તેનું મન થોડું રાહત જરૂર અનુભવી રહ્યું હતું.

“હું પણ મજામાં, બોલો બોલો, આજે તમને તમારી આ બેનપણીની યાદ કેમ આવી ગઈ? અને એ પણ અચાનક?” સોનલબાના અવાજમાં હજી પણ ઉમળકો જ હતો.

“સોનલ, ખરાબ ન લગાડતી પણ મારે કિશન અંકલનું કામ છે અને મારે અને શ્યામલભાઈને એમને મળવું છે, બને તો આજે જ.” સુંદરીએ વધુ કોઈ ભૂમિકા બાંધ્યા વગર જ સોનલબાને પોતાના મનની વાત કહી દીધી.

“ચોક્કસ, તમે મને થોડો ટાઈમ આપો, હું પપ્પાને મેસેજ કરી લઉં. આવતીકાલે ફાવશે? કારણકે અત્યારે તો સાંજ પડી ગઈ છે.” સોનલબાએ સુંદરીને પૂછ્યું,

“હા, કાલે કૉલેજ પત્યા પછી ગમે ત્યારે.” સુંદરીને હવે રાહત થઇ કારણકે સોનલબા તેને વ્યવસ્થિતપણે જવાબ આપી રહ્યાં હતાં.

“બસ, તો દસેક મિનીટમાં તમને કૉલ બેક કરું?” સોનલબાએ પ્રશ્ન કર્યો.

“હા, પણ સોનલ મારે તારા પાસેથી એક ફ્રેન્ડ તરીકે એક વચન લેવું છે.” સુંદરીએ કહ્યું.

“બોલોને મેડમ!” સોનલબાને ઇન્તેજારી થઇ.

“અમે કાલે અંકલને મળવાના છીએ અને આવતીકાલે અંકલ સાથે અમારી જે પણ વાત થાય તે તું વરુણને ન કહેતી પ્લીઝ?” સુંદરીએ સોનલબાને વચને બાંધવાની કોશિશ કરી.

“મેડમ, તમે તો મને તકલીફમાં મૂકી દીધી. જુઓ, તમારાથી હું કશું જ નહીં છુપાવું. હું મારા ભઈલાથી કોઇપણ વાત છુપાવતી નથી. તમે અને તમારા ભાઈ અહીં જરૂર આવો, તમે તમારી તકલીફ પણ જરૂર રજુ કરો, પણ હું ભઈલાથી વાત છુપાવું એ જરા મારા માટે...” સોનલબા ત્યાં જ અટક્યાં.

“મને ખબર છે કે તું અને એ કેટલાં ક્લોઝ છો, પણ મારે મારા ભાઈને બહુ બહાર પાડવા નથી દેવો, યુ નો? તને ખબર જ છે કે એ જેલમાં જઈ આવ્યો છે અને હવે નવી જિંદગી શરુ કરી રહ્યો છે... હવે જો એને કોઈ એમની આગલી જિંદગી વિષે ટોન્ટ મારશે તો કદાચ એનાથી સહન નહીં થાય એવી મને બીક છે. અંકલની સલાહ લેવી ખૂબ જરૂરી છે પણ બીજું કોઈ જાણે એવી મારી ઈચ્છા બિલકુલ નથી.” સુંદરીએ સોનલબા સમક્ષ પોતાનો મુદ્દો આગળ ધર્યો.

“હું સમજી શકું છું મેડમ. ચાલો, તમને હું વચન આપું છું કે આ વાત હું ભઈલાને સામેથી નહીં કહું. જો એને ક્યાંક બહારથી ખબર પડશે તો જ હું એને બધું એક્સ્પ્લેઇન કરીશ. ઈઝ ધીસ ઓકે?” સોનલબાએ સુંદરી સામે પોતાનો પ્રસ્તાવ મૂક્યો.

“ઠીક છે, મને લાગે છે આ જ બરોબર રહેશે. એને તો મારા શ્યામલભાઈ વિષે બહારથી તો ક્યાં કશી ખબર પડવાની? અને તું એને સામેથી તો નહીં જ કહે બીકોઝ તેં મને હમણાંજ પ્રોમિસ આપ્યું છે. ઓકે, મને મંજૂર છે. તો હું તારા કૉલની રાહ જોવું છું, આવતીકાલની મિટિંગ માટે.” સુંદરી સોનલબાની ઓફરથી સંતુષ્ટ જણાઈ.

“હું તમને જેવો પપ્પાનો રિપ્લાય આવે કે તરત જ જવાબ આપું છું.” સોનલબા બોલ્યા.

“શ્યોર, અને હા, અંકલને પણ જરા કહી દેજે કે એ પણ આ વાત પોતાના સુધી જ રાખે.” સુંદરીએ વિનંતીના સૂરમાં કહ્યું.

“ચોક્કસ, તમે ચિંતા ન કરતા.” સોનલબાએ સુંદરીને સધિયારો આપતાં કહ્યું.

==::==

“આવ આવ બેટા. કેમ છે શ્યામ? ઓલ વેલ?” બેઠકમાં રાહ જોઈ રહેલા સુંદરી અને શ્યામલને જોતાની સાથેજ કિશનરાજ બોલી પડ્યા.

“બસ મજામાં. સોરી, તમારી જરૂર પડે ત્યારેજ તમને યાદ કરું છું.” સુંદરી જરા ઓસંખાઈ.

“ના, ના, પોલીસ, ડોક્ટર અને વકીલ જેટલા દૂર એટલા જ સારા.” આટલું કહીને કિશનરાજ હસી પડ્યા.

જવાબમાં સુંદરી અને શ્યામલના ચહેરાઓ પર પણ સ્મિત આવી ગયું.

“સર, શ્યામલભાઈ હવે હરતી ફરતી ચ્હાની શોપ શરુ કરી રહ્યા છે.” કિશનરાજ વરુણ અંગે કોઈ વાત વિચારે એ પહેલાંજ સુંદરી મુદ્દા પર આવી ગઈ.

“વેરી ગુડ! શ્યામ... શ્યામલની બનાવેલી ચ્હાનો ફેન તો હું પણ છું. ઘણીવાર પીધી છે.” કિશનરાજના ચહેરા પર આનંદ હતો.

શ્યામલને એણે હમણાંજ પૂરી કરેલી સજાને યાદ કરાવીને એને તકલીફમાં ન મુકવાના ઈરાદે કિશનરાજે ફક્ત તેની ચ્હા વિષે જ ઉલ્લેખ કર્યો.

“અમે એના માટે એક મોડિફાઇડ રિક્ષા પણ ખરીદી લીધી છે, પણ એક તકલીફ છે અને અમે એટલેજ તમને અહીં મળવા આવ્યા છીએ અંકલ.” સુંદરીએ કહ્યું.

“અરે વાહ! આ બહુ સારું કર્યું. બોલો, હું શું હેલ્પ કરી શકું.!” કિશનરાજને વિગતો જાણવી હતી.

“અમારે હવે અમદાવાદમાં એવી જગ્યા જોઈએ છીએ જ્યાં અમારી આ રિક્ષા દબાણનો કાયદો ભંગ ન કરે.” સુંદરીએ પોતાની સમસ્યા કહેવાની શરુ કરી.

“હમમ... તમે કોઈ ખાસ જગ્યા જોઈ રાખી છે?” કિશનરાજે સવાલ કર્યો.

“હા, મારી કોલેજની સામેનો ખુલ્લો પ્લોટ જે વર્ષોથી ખાલી છે, એટલે હું કોલેજમાં ભણતી ત્યારથીજ. પણ શ્યામલભાઈ કહે છે કે ત્યાં ઉભા રહેવું કદાચ ગેરકાયદેસર હોય તો? એટલે તમારી સલાહ લેવા અમે અહીં આવ્યા.” સુંદરીએ મૂળ સમસ્યા રજુ કરી.

“તમારી એટલેકે સોનલબેનની જ કોલેજ... હમમ... સોનલબેન તમારી કોલેજથી થોડે ચાલીને જાવ ત્યાં જે સાત રસ્તા છે ત્યાં હનુમાનજીના મંદિરે જવાના રસ્તે કોર્નરમાં એક ખુલ્લો પ્લોટ છે, તમને ધ્યાન છે? સુંદરી તમને?” કિશનરાજે સુંદરી અને સોનલબા એમ બંનેને પૂછ્યું.

“હા પપ્પા એ કોર્ડન કરેલો છે. ઉપર કોર્પોરેશનનું બોર્ડ પણ છે. ત્યાં ઘણીબધી લારીઓ હોય છે. ભાઈ... અમારી કોલેજના ઘણા સ્ટુડન્ટ્સ ત્યાં નાસ્તો કરવા જતા હોય છે.” પહેલાં સોનલબા વરુણ વિષે કહેવા જતાં હતાં પરંતુ સુંદરીની હાજરીનું ભાન થતાં તેમણે વાત જરા બદલી નાખી.

“એક્ઝેક્ટલી. સુંદરી એ કોર્પોરેશનનો નોમિનેટેડ એરિયા છે. ત્યાં લારી કે શ્યામલ પાસે છે એવા મોડિફાઇડ વેહિકલ્સ સાથે ફૂડ કોર્ટ જેવું ચાલે છે. સવારે નવ વાગ્યાથી મોડી રાત સુધી એ જગ્યા ભરાયેલી રહેતી હોય છે. આઈ થીંક એની મંજૂરી લઇ લઈએ તો શ્યામલ ત્યાં પોતાનો બિઝનેસ વગર કોઈ બીકે આરામથી કરી શકશે અને આઈ એમ શ્યોર કે એ સફળ પણ રહેશેજ.” કિશનરાજે આઈડિયા આપતાં કહ્યું.

“વાહ! તો તો બહુ સારું.” સુંદરીએ શ્યામલ સામે જોયું.

શ્યામલ જે અત્યારસુધી સાવ મૂંગો રહ્યો હતો તેણે પણ આ વાત સાંભળીને પોતાનું ડોકું હલાવ્યું અને સ્મિત કર્યું.

“શ્યામલ તું આવતીકાલે એસ્ટેટ ડીપાર્ટમેન્ટમાં રાજમોહનભાઈને મળી લેજે. હું અત્યારેજ એમની સાથે વાત કરી લઉં છું. તારું કામ થઇ જશે. એક વખત પરમીશન મળી જાય પછી, ફૂડ કન્ટ્રોલમાં પણ મારી ઓળખાણ છે એની પરમીશન અપાવી દઈશ. શરુ કરી દે તારી ચ્હાની દુકાન.” કિશનરાજના ચહેરા પર ગૌરવપૂર્ણ સ્મિત હતું.

“થેન્કયુ અંકલ. તમે અમને અત્યારસુધી ખૂબ મદદ કરી છે.” સુંદરી સોફા પરથી ઉભા થતાં જ બોલી.

સુંદરીને હવે ત્યાં વધુ રહેવું ન હતું, કારણકે કિશનરાજ વરુણ વિષે તેને કોઇપણ પ્રશ્ન કરે તે તેને ગમવાનું ન હતું અને શ્યામલ સામે આ વાત બહાર ન જ આવે એની ખાતરી તેણે રાખવાની હતી.

તો બીજી તરફ કિશનરાજ પણ સમજતા હતાં કે સુંદરી અને વરુણ વચ્ચે જ બન્યું છે એની વાત કરવાનો આ સમય અને સ્થળ બંને ન હતાં અને સોનલબાએ પણ તેમને શ્યામલ સમક્ષ વરુણની કોઇપણ વાત ન છેડવાનું કહ્યું હતું એટલે એ એમ પણ એ વાત કરવાના ન હતા અને એટલે એમણે ફક્ત સ્મિત સાથે પોતાનું ડોકું જ હલાવ્યું, પરંતુ સુંદરીને તેનો ખ્યાલ ન હોવાથી આ ગૂંચવાડો ઉભો થયો હતો.

સુંદરીના ઉભા થવાની સાથે કિશનરાજ પણ પોતાની જગ્યાએથી ઉભા થયા. સુંદરી અને શ્યામલે એમની સામે હાથ જોડ્યા અને ત્યાંથી નીકળી ગયા. એમનાં ગયા બાદ કિશનરાજે સોનલબા સામે સ્મિત કર્યું અને પોતાના રૂમમાં જતાં રહ્યા અને સોનલબા પોતાની જ જગ્યાએ કશું વિચારતા વિચારતા ઉભા રહ્યા.

==::==

“બોલો સોનલબેન, આજે મને અચાનક જ બોલાવ્યો?” બસ સ્ટેન્ડ તરફ ચાલતાં ચાલતાં કૃણાલે સોનલબાને પૂછ્યું.

“હા, એક ગૂંચવણ ઉભી થઇ છે મારા મનમાં અને મારા ખ્યાલથી તમે મને મદદ કરી શકશો કૃણાલભાઈ.” સોનલબાએ પોતાનો દુપટ્ટો માથા પર સરખો કરતાં કહ્યું.

“હા, હા બોલોને? કેમ નહીં?” કૃણાલ એકદમ એટેન્શનમાં આવી ગયો કારણકે સોનલબા સામાન્યતઃ ગંભીર વાતો વરુણ સાથે જ શેર કરતાં.

વરુણે કોલેજ છોડી તેને અઢી વર્ષ થઇ ગયાં હતાં પરંતુ સોનલબાએ હજી સુધી એની સાથે કોઈ એવી મોટી વાત શેર નહોતી કરી એટલે પણ કૃણાલ તેને ધ્યાનથી સાંભળવા માટે તૈયાર થઇ ગયો.

“કૃણાલભાઈ, મને સો ટકા ખાતરી છે કે હું તમને જે કહેવા જઈ રહી છું એ તમને નહીં જ ગમે પણ...” સોનલબાએ વાત અધુરી મૂકી.

કૃણાલ એમની સાથે ચાલતાં ચાલતાં જ એમની સામે જોઈ રહ્યો.

==:: પ્રકરણ ૬૩ સમાપ્ત ::==