Personal Diary - Double Roll in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - ડબલ રોલ

Featured Books
Categories
Share

અંગત ડાયરી - ડબલ રોલ

અંગત ડાયરી
============
શીર્ષક : ડબલ રોલ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૩૧, જાન્યુઆરી ૨૦૨૧, રવિવાર
તમને દિલીપકુમાર વાળી રામ ઓર શ્યામ ફિલ્મ યાદ છે? એક જ ચહેરા મહોરાવાળા પણ સાવ ભિન્ન પ્રકૃતિના બે વ્યક્તિઓની લાઈફનો રોમાંચક ડ્રામા જોવાની પબ્લિકને ખૂબ મજા પડેલી. એમાં દિલીપકુમાર ડબલ રોલમાં હતા. તમે શું માનો છો? તમે કદી ડબલ રોલ કર્યો છે?
જો તમારો જવાબ ‘ના’ હોય તો તમે જગતના સૌથી સુખી માણસોની યાદીમાં ટોપ ટેનમાં છો, એમ સમજી લેજો. પણ તમે ‘ના’ કહો એ પહેલા અત્યાર સુધીની લાઈફનો એકવાર ફેરવિચાર કરી લેજો. કારણ કે રીયલ લાઈફમાં ડબલ રોલ પકડી પાડવો સહેલો નથી. જીવનના તમામ દુઃખોનું કારણ જ આ ડબલ રોલમાં રહેલું છે. જેટલા જલ્દી સિંગલ રોલમાં આવી જઈએ એટલા જલ્દી આપણે સુખી થઈ શકીએ. ભીતરે કંઈક જુદું હોય અને બહાર કંઈક જુદું હોય એ ડબલ મન:સ્થિતિ જ બધી પરેશાનીઓના મૂળમાં રહેલી છે. જે દિવસે હિંમતપૂર્વક, જે ભીતરે છે એ જ બહાર વ્યક્ત કરવાની શરૂઆત તમે કરશો એ દિવસથી ખરી જિંદગી શરુ થશે.
આપણે ડરપોક હોઈએ અને બહાદુર દેખાવાની, બદમાશ હોઈએ અને સંત દેખાવાની, આડા હોઈએ અને સીધા દેખાવાની, ગરબડીયા હોઈએ અને સરળ દેખાવાની, બેઈમાન હોઈએ અને ઈમાનદાર દેખાવાની કોશિષ કરીએ એ કોશિષ જ આપણા જીવનની બધી સમસ્યાઓનું મૂળ છે. ભોળા ગ્રાહકને જોઈ વેપારીની ભીતરે બેઠેલો ચાલાક લૂંટારો જાગી જાય એ ગ્રાહક કરતા ખુદ વેપારી માટે વધુ ઘાતક છે. એક ભોળા મિત્રે મસ્ત કહ્યું. મેં સાતસોનું જીન્સ પેન્ટ મને ગમ્યું એટલે લીધું, હું ખુબ રાજી થયો અને મિત્રોને બતાવ્યું. મિત્રોએ મને બેવકૂફ કહ્યો. આ તો ચારસો-પાંચસોમાં મળી જાય. ભોળા મિત્રે મને કહ્યું ‘મને વેપારીએ સાતસો કહ્યા, મેં સાતસો આપ્યા એમાં મારી ભૂલ કે વેપારીની? હું તો સાચો ભાવ નહોતો જાણતો, વેપારીને તો ખબર હતી ને? હું તો છેતરાયો છું, પણ છેતરપીંડી તો વેપારીએ કરી છે ને? તો ભૂલ મારી, પાપ મારું કે વેપારીનું? અપરાધ મેં કર્યો કે વેપારીએ?’ આ ઉદાહરણ જેટલું એ વેપારીને લાગુ પડે છે એટલું જ મને અને તમને પણ લાગુ પડે છે. આવા વેપારીના રોલમાં બેઠેલા લૂંટારા અને સાધુના રોલમાં સીતાનું હરણ કરવા આવેલા રાવણમાં ફરક શો?
આપણી આસપાસ ઘણા લોકો ગરીબ કે સામાન્ય સ્થિતિમાં હાડમારી ભર્યું જીવન જીવી રહ્યા છે. એમનો રોલ અઘરો છે. પણ એથી વધુ અઘરો રોલ બંગલાઓમાં, રાજમહેલોમાં રહેનારાઓ ભજવી રહ્યા છે. ગરીબ તો રાત્રે ઘસઘસાટ ઊંઘી જાય છે જયારે બંગલાઓની લાઈટો લગભગ સવાર સુધી બળતી રહે છે. ઊંઘ વેંચીને બેડ ખરીદનાર ડબલ રોલના દાવપેંચ રમતા એ વેપારીને (કે મને કે તમને) આખી જિંદગી આ પરેશાનીનું કારણ સમજાતું નથી. અને જયારે કોઈ પૂછે કે તમે કદી ડબલ રોલ કર્યો છે? ત્યારે ‘હા’ ને બદલે ‘ના’ જ કહીએ છીએ.
એક મિત્રે કહ્યું: ‘એમ જેવા ભીતરે હોઈએ એવા જ બહાર દેખાવું સહેલું નથી’. એની વાત સાચી છે. સિંગલ રોલ છે તો અઘરો. જેવા છીએ એવા, ડરપોક તો ડરપોક, ઠોઠ તો ઠોઠ અને ગરીબ તો ગરીબ, જેવા છીએ એવા દેખાવું અઘરું તો છે, પણ સાથે સસ્તું પણ છે. મીઠી ઊંઘ આવી જાય છે. ખાધેલું પચી જાય છે. ખુલ્લા મને હસી શકાય છે અને ચોધાર આંસુએ રડી શકાય છે. ઘસઘસાટ ઊંઘતા કે ખડખડાટ હસતા ધનવાન બહુ ઓછા જોવા મળે છે. જે આવું કરી શકે છે એમને સલામ.

ઘણાં લોકો અર્જુનના વ્યક્તિત્વમાં રહેલા વિષાદ અંગે પ્રશ્નો કરતા હોય છે. જિંદગીના સાચા સિલેબસનું પ્રથમ ચેપ્ટર વિષાદયોગ છે. તમે પણ જે દિવસે તમારો ડબલ રોલ છોડશો તે દિવસે તમારી પણ શરૂઆત વિષાદયોગથી જ થશે. તમારી આંખોમાં ભલે આંસુ આવશે પણ તમારા જીવનરથનું સુકાન ખુદ કૃષ્ણ કનૈયો સંભાળી લેશે. હાકલા પડકારા કરતા ડબલરોલીયા દુર્યોધનો અને વિષાદમાં ડૂબેલા સિંગલરોલીયા અર્જુનોની વચ્ચે ફરક માત્ર એટલો જ છે કે કૃષ્ણકનૈયો સિંગલરોલીયાની સાથે છે અને ડબલરોલીયાઓની સામે. બાકી તમે ખુદ સમજદાર છો.

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)