લેખાંક 5
આગામી યાત્રાની ઝલક
ઓરા, કુંડલિની, નાડી, ચક્રો વિષે પ્રાથમિક સમજ મેળવ્યા બાદ હવે દરેક ચક્રને વિસ્તૃત રીતે સમજવા વિષે આગળ વધી રહ્યા છીએ. ચક્રયાત્રા શરુ કરીએ તે પહેલાં એ જાણીએ કે હવેના દિવસોમાં કઈ રીતે આગળ વધવાના છીએ. આગામી પુસ્તકની એક ઝાંખી લઈએ.
(પ્રકરણ 1) શરીરમાંથી વિદ્યુત તરંગો (Electromagnetic Waves) સતત વહેતા રહે છે, જેની તસ્વીર 'કિર્લિયન કેમેરા' નામે ઓળખાતા એક વિશિષ્ટ પ્રકારના કેમેરાથી લઈ શકાય છે. આ વિદ્યુત તરંગો દ્વારા જે શરીરની આભા બને છે તેને 'આભામંડળ' અથવા 'ઓરા(Aura) કહે છે. ઓરા વ્યક્તિની શારીરિક, માનસિક સ્થિતિ, અત્યારના અને ભવિષ્યમાં થનાર રોગની સંભાવના તેમ જ અન્ય અત્યંત અગત્યની માહિતી આપે છે.
(પ્રકરણ 2) ‘કુંડલિની' કુદરતદત્ત એવી શક્તિ છે કે દરેક મનુષ્ય તેની સાથે જ જન્મ લે છે, ગર્ભાધાન સમયે જ આ શક્તિ માતાના શરીર દ્વારા બાળકના શરીરમાં પ્રવેશી જાય છે, માતાનાં ચક્રોની સ્થિતિ મુજબ બાળકનાં ચક્રો વિકસિત થાય છે. ગર્ભાવસ્થા દરમ્યાન શાંત અને ખુશ રહેવાનું, સાત્વિક વાંચનનું મહત્ત્વ આ કારણથી જ છે. મનુષ્ય સમગ્ર જીવન દરમ્યાન આ કુંડલિની શક્તિના ખજાનાનો અત્યંત થોડી માત્રામાં ઉપયોગ કરે છે. વિવિધ માર્ગ દ્વારા આ ખજાનાનો વિશેષ ઉપયોગ શક્ય છે.
(પ્રકરણ 3) ઊર્જાનો પ્રવાહ શરીરમાં મુખ્ય ૩ નાડી થકી વહેતો રહે છે. જમણી તરફની નાડીને પિંગળા , ડાબીને ઈડા અને મધ્યમાં સ્થિત નાડીને સુષુમ્ણા નાડી કહે છે. 'ઈડા', શીતળ; 'પિંગળા', ઉષ્ણ અને સુષુમ્ણા સંતુલિત નાડી છે. આ ઉપરાંત હજારો સૂક્ષ્મ નાડી છે જે આ નાડીઓમાંથી ફૂટેલી શાખા છે.
(પ્રકરણ 4) ચક્રોને નાડીઓના જંક્શન સાથે સરખાવી શકાય. ત્રણ મુખ્ય નાડીઓ અને અનેક ગૌણ નાડીઓ દ્વારા શરીરમાં ઊર્જાવહનની પ્રક્રિયા થાય છે. આ નાડીઓ અનેક જગ્યાએ એકબીજીને મળે છે, ક્રોસ કરે છે. જ્યાં ઘણી બધી નાડીઓ ક્રોસ થાય છે તે બધાં મિલનસ્થાનને ચક્ર કહે છે. આવાં મુખ્ય ૭ ચક્ર છે. આ એવાં ઊર્જા કેન્દ્ર છે, જે સંપૂર્ણ ઊર્જાનું નિયમન કરે છે, શરીરના જૂદા-જૂદા ભાગ સુધી પહોંચાડે છે. ઇમ્યુન સિસ્ટમ પૂર્ણ રીતે તેમના પર આધારિત છે. કરોડરજ્જુના સૌથી નીચેના છેડાથી શરૂ કરી માથાના તાળવા સુધીમાં આ ચક્રો ગોઠવાયેલાં છે. સૌથી નીચે મૂલાધાર, ત્યાર બાદ સ્વાધિષ્ઠાન, નાભિ, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સૌથી ઉપર સહસ્ત્રાધાર ચક્ર આવેલ છે.
વિવિધ ચક્રો એક-બીજા સાથે જોડાયેલ છે, શરીરના વિવિધ અંગો સાથે સંકળાયેલ છે. ચક્રો કેટલાં સંતુલિત છે, તેના પર મનુષ્ય જીવન સંપૂર્ણપણે આધારિત છે. દરેક ચક્ર વિશિષ્ટ છે; દરેકને સંબંધિત રંગ, શારીરિક અંગ, રોગ, બીજમંત્ર, વૈકલ્પિક નામો, અસંતુલનને કારણે ઉભી થતી શારીરિક અને ભાવનાત્મક સ્થિતિ, પૃથ્વી પર ચક્રનું સ્થાન, ચક્રનું મહત્ત્વ વિગેરે પ્રકરણ 5, 7, 9, 11, 13, 15 અને 17માં આવરેલું છે; આ પ્રકરણને અંતે આપેલ કોષ્ટકમાં, સંક્ષિપ્તમાં જોઈ શકાશે.
ચક્રોને સંતુલિત કરવાના વિવિધ રસ્તાઓ છે, પ્રકરણ 6, 8, 10, 12 ,14, 16, 18માં જે-તે ચક્ર સંબંધિત ક્રોમોથેરાપી (કલર થેરાપી), આહાર, યોગાસનો, મુદ્રા, સાઉન્ડ થેરાપી, ક્રિસ્ટલ, એરોમા થેરાપી, એફર્મેશન્સ, વિઝ્યુઅલાઈઝેશન, ધ્યાન, તત્ત્વ આધારિત ઉપાયો તથા ભાવનાત્મક ઉપાયો દર્શાવાયેલ છે. તે ઉપરાંત, વિશિષ્ટ ચક્રને માટે લાગુ પડે, તેવા ઉપાયોનું 'અન્ય ઉપાયો' તરીકે વિસ્તૃત નિરૂપણ થયું છે.
(પ્રકરણ 19) મનુષ્યનાં મનમાં જાગૃત અથવા અજાગૃત રીતે અનેક પ્રકારના વિચારોની હારમાળા સતત ચાલતી રહે છે. આ વિચારો જન્મ આપે છે અનેક પ્રકારની ભાવનાઓને. વિવિધ ભાવનોની અસર ચક્રોની સ્થિતિ પર થાય છે. ચક્રોની સ્થિતિ પર સમગ્ર જિંદગીનો આધાર છે. માટે અંતમાં તો વિચારોનો સમગ્ર જીવનને આકાર આપે છે. ફોર્મ્યુલા એવી બને કે વિચારો > લાગણીઓ> ચક્રોની સ્થિતિ > જીવનમાં પરિસ્થિતિ. સાર તો એ જ કે જેવા વિચારો તેવું જીવન.
ડો.મિકાઓ યુસાઈ નામના વિશ્વવિખ્યાત જાપાની વૈજ્ઞાનિકે 'પાણી પર વિચારો અને શબ્દોની અસર' વિષે હજારો પ્રયોગો કરી વિજ્ઞાનજગતમાં સાબિત કરી દીધું છે કે આ અસર અત્યંત ગહન છે. શરીરમાં 70% પાણી છે; મગજ માં તો 80%. માટે સ્વાભાવિક છે કે વિચારો અને શબ્દોની ગહન અસર શરીર અને મન પર છે. અર્ધજાગૃત મનની શક્તિઓ (Power of subconscious mind) વિષે વિશ્વરભરમાં જે જાગૃતિ આવી છે તેનો પાયો વિચારોની દુનિયા છેઆ વિષયની વૈજ્ઞાનિક રીતે છણાવટ અહીં થયેલી છે. ચક્રસંતુલનના ઉપાયો વાંચતા પહેલાં આ પ્રકરણ વાંચવું અતિ આવશ્યક છે. બાળકો માટે પણ આ માહિતી અત્યંત અગત્યની છે. તે પ્રકરણમાં બાળકો માટે અતિ ઉપયોગી, ૩૦ ભાષામાં નિઃશુલ્ક ઉપલબ્ધ એક ચિત્રમય પુસ્તકની લિંક આપેલ છે, જે તેમની સંપૂર્ણ વિચારશરણીને વૈજ્ઞાનિક અને રસપ્રદ રીતે સકારાત્મક સ્વરૂપ આપી શકે.
(પ્રકરણ 20) પ્રકરણ 6, 8, 10, 12, 14, 16, 18માં દર્શાવેલ ઉપાયો વિષે અહીં સમજણ આપેલી છે.
ક્રોમોથેરાપી (રંગ ચિકિત્સા):. સૂર્યનાં સફેદ કિરણોમાં 7 રંગ સમાયેલ છે - લાલ, નારંગી, પીળો, લીલો, આસમાની, ઘાટો વાદળી (ઈન્ડિગો Blue) અને જાંબલી. આ 7 રંગ 7 ચક્ર વચ્ચે વહેંચાયેલ છે. તે રંગનાં ઉપયોગ દ્વારા જે-તે ચક્રને સંતુલિત કરી શકાય. સૂર્યનાં સફેદ કિરણોમાં 7 રંગ સમાયેલ છે - લાલ, નારંગી, પીળો, લીલો, આસમાની, ઘાટો વાદળી (Indigo Blue) અને જાંબલી. આ 7 રંગ 7 ચક્ર વચ્ચે વહેંચાયેલ છે. સંબંધિત રંગનાં ઉપયોગ દ્વારા જે-તે ચક્રને સંતુલિત કરી શકાય.
મુદ્રા: મુદ્રાઓના ઉપયોગ દ્વારા શરીરમાં પંચતત્ત્વોને બેલેન્સ કરી શકાય, ચક્રો સંતુલિત કરી શકાય, રોગોને આસાનીઓથી દૂર કરી શકાય.
સાઉન્ડ થેરાપીમાં અનેક આવિષ્કાર છે, જેના વિષે સામાન્ય રીતે જાણકારી હોતી નથી. ભારતીય શાસ્ત્રીય સંગીત તો બેનમૂન છે જ, તે સિવાય સોલફ્રેજીઓ ફ્રીક્વન્સી, બાઈનોરલ બિટ્સ, તિબેટી સિંગિંગ બાઉલ્સ, સબલીમિનલ રેકોર્ડિંગ વિગેરે ઉપલબ્ધ છે, જેની મદદથી ધ્યાનની સ્થિતિમાં સરળતાથી સરી પડી શકાય.
અરોમા થેરાપી: સુગંધની અસર દરેક વ્યક્તિ પર અનેક રીતે થાય છે. તે લક્ષ્યમાં લઈ આ પદ્ધતિ વિકસેલી છે. જુદા-જુદા પ્રકારના વૃક્ષ, છોડ અને ફુલોના અર્ક દ્વારા ઈલાજ કરવામાં આવે છે. આ અર્કને એસેન્શિયલ ઓઇલ કહે છે.
ક્રિસ્ટલ એક પ્રાકૃતિક પદાર્થ છે, જેમાંથી નીકળતી ઊર્જા ચક્રો સંતુલિત કરી શકે, ઘણી બીમારી દૂર કરી શકે,, ઘરમાં સુખ-શાંતિ લાવી શકે. 100થી વધુ પ્રકારના ક્રિસ્ટલ વિશ્વમાં પ્રાપ્ત થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં રાશિ મુજબ રત્ન પહેરવાનું સૂચવવામાં આવે છે તે રત્ન પણ ક્રિસ્ટલ છે. ફેંગશુઈમાં પણ વિવિધ પ્રકારનાં ક્રિસ્ટલ ઉપયોગમાં લેવાય છે.
જેમ લૉ ઓફ ગ્રેવીટી છે, લૉ ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ છે તેમ જ Law of Attraction છે. તેનો પાયાનો સિદ્ધાંત છે: 'જેના પર ધ્યાન હશે તે મળશે.' અર્થાત, દુઃખ, અછત, નાદુરસ્તી, મંદી, સમસ્યા વિગેરે પર ધ્યાન હશે તો કુદરત તે સ્થિતિમાં પહોંચાડી દેશે. તે મુજબ જ ખુશી, છત, તંદુરસ્તી, તેજી, ઉકેલ વિગેરે પર ધ્યાન હશે તો બ્રહ્માંડની શક્તિ તેમાં તથાસ્તુ કહેશે. આ સિદ્ધાંત પર એફર્મેશન અને વિઝ્યુઅલાઈઝેશનના ઉપાયો આધારિત છે.
આગામી દિવસોમાં એક એવી યાત્રા શરુ કરીશું જે મનુષ્યની ખુદની જીવનયાત્રા છે, નામ છે તેનું ચક્રયાત્રા.
(ક્રમશઃ)
✍🏾 જીતેન્દ્ર પટવારી ✍🏾
FB Page: https://www.facebook.com/Self-Tune-In-274610603329454/
FB Profile : https://www.facebook.com/jitpatwari
jitpatwari@rediffmail.com
7984581614: