જીવલો અને રમલો ખુશ થતા ગામના ચોરે બેઠા હતા. બંનેના હૈયામાં હરખ માતો નહોતો. હાસ્તો, એ ખુશીનું કારણ ય હતું. બંનેની સગાઈ થઈ ગયી હતી. જીવલો થોડોક બેઠી દડીનો અને ફૂલેલા ગાલવાળો ચહેરો ધરાવતો અને રમલાની ઊંચાઈ તેનાથી થોડીક વધુ હતી અને તે મૂછો રાખતો.
એંસીના એ દશકામાં લગ્ન પહેલા કન્યા જોવાનો રિવાજ એ પંથકમાં નહોતો. આ બન્નેના સમાજમાં તો એ રિવાજ બિલકુલ નહોતો. તેમ છતાં ય બન્નેનું પસંદગીની છોકરી સાથે ગોઠવાઈ ગયુ હતું, તેથી બન્ને બહુ ખુશ હતા.
વાત આમ બની હતી.
ગામના જ એક યુવાન રાજવીરનું લગ્ન વાઘેલ(પાટણ નજીક) ગામમાં થયેલું. જીવલો અને રમલો રાજવીરની જાનમાં વાઘેલ ગયેલા. ત્યાં તે બન્નેએ લીલા અને ગજરીને જોયેલા. બન્ને રાજવીરની વહુ રમીલાના બે કાકાઓની દીકરીઓ થાય. બંનેને આ કન્યાઓ ગમી ગયેલી. પણ, બંનેમાંથી એકેયને એકેય કન્યાના નામ ખબર નહોતી. જે સૌથી મોટી તકલીફ હતી.
તેઓએ ઘેર આવીને પોતપોતાની માતાને કહેલું કે અમને છોકરી ગમી છે. જીવલાએ છોકરીના વર્ણનમાં પોતાની માતાને બે નિશાની આપેલી. એક તો છોકરી રાજવીરની વહુના રમીલાના કાકાની દીકરી થાય. અને બીજું કે તેણે રાજવીરના લગ્નમાં લીલી ચણિયાચોળી પહેરેલી.
આવું જ કંઈક રમલાએ પોતાની માતાને કહેલું. બસ તેની રજુઆતમાં ચણિયાચોળીના કલરનો જ ફરક હતો. તેના વાળી કન્યાની ચણિયાચોળીનો રંગ પીળો હતો.
આમ, વાત આગળ વધતી વધતી જીવલા અને રમલાના બાપાઓ જોડે ગયી. તેમાંથી ય આગળ વધીને મોરવઈ (વચ્ચેવાળો વડીલ, વચેટિયો) જોડે ગયી. (લગ્નની વાતમાં બંને પક્ષની વચ્ચે હોય તેના માટે ત્યાં મોરવાઈ શબ્દ વપરાતો.)
બધા, વડીલોને થયું કે ચાલો વાઘેલ ગામ ય જાણીતું છે. ખોરૂડું ય જાણીતું તેમ જ સારું છે. જાણીતા ફળ ખાવા સારા. એવું વિચાર્યા બાદ તેમના સમાજના રિવાજ મુજબ જીવલા અને રમલાના બાપા સગાઈનો રૂપિયો અને નાળિયેર લઈને લીલા અને ગજરીને ઘેર પહોંચી ગયા.
આ બન્નેના પિતા, એક બ્રાહ્મણ, એક મોરવાઈ(વચેટીયો) અને સામેની બાજુ(કન્યાપક્ષ)ના વડીલોની હાજરીમાં વાઘેલ ગામમાં સગાઈ થઈ ગયી. લગ્નના કોલ અપાઈ ગયા. જીવલા, રમલા, લીલા અને ગજરીના ભાવિના લેખ લખાઈ ગયા.
પણ,
આ બન્ને નંગમાંથી એકેયને એમ ખબર નહોતી કે લીલી અને પીળી ચણિયાચોળીની નિશાનીવાળી વાત આગળ વધતી વધતી મોરવઈ(વચેટીયા)ની શરતચુકથી એ રીતે બદલાઈ ગયી હતી કે બન્નેની જીવનસંગીની બદલાઈ ગયી હતી. જોડી હોવી જોઈતી હતી જીવલો-ગજરી અને રમલો- લીલા.
પણ, બની ગયી અલગ અલગ. તમે સમજી જાઓ.
પોતાના આવા ભવિષ્યથી બિલકુલ અજાણ એવા જીવલો અને રમલો કૈક અજીબ મસ્તીથી જીવન જીવી રહ્યા હતા.
તેઓ એટલા બધા ખુશ હતા કે જે દિવસે સગાઈ થઈ ગયી, તે દિવસથી ગામલોકોના ધક્કા સાવ મફતમાં ખાઈ આવતાં. ગામની કોઈ પ્રૌઢ મહિલા એમ જ બે કિલો ય વજન લઈને નીકળી હોય તો,"લાવો કાકી, અમારા બેઠા તમારે કામ થોડું કરવાનું હોય.?" આમ તેઓ ગાંડપણ કર્યા. અને રાજવીરને કહ્યા કરતા,"રાજવીર, ભાઈબંધ તું ના હોત તો અમારું શુ થાત..?
અહીં,
રાજવીરને અલગ દુઃખ હતું. લીલા અને ગજરી રૂપાળી હતી. જયારે રાજવીરની વહુ રમીલા જરાક ભીને વાન હતી. તેથી રાજવીર આ બેઉથી ઈર્ષ્યાએ બળતો.
એક દિવસ આમની વધારે પડતી વેવલાઈ જોઈને રાજવીરે કંટાળીને બન્નેને સંભળાવ્યું કે ,"વાઘેલની કન્યા આવીને ગળે બંધાશે એટલે ખબર પડશે, વીસ વીસ નખવાળી વાઘણો છે એ વાઘેલની કન્યાઓ..લહુરીયા ભરશે ને..ત્યારે ખબર પડશે. વેવલીનાઓ..સાલા વહુઘેલાઓ..!"
આટલુ બોલતો'કને રાજવીર તો ગયો.
પણ પેલા બંનેને થયું કે "આને વળી શુ થયું..?"
ખેર, જે હોય તે. પણ એ બન્નેએ એ દિવસ પછી રાજવીરને રૂબરૂ મળવાનું તો ટાળ્યું. બસ, તેઓ પૂજયભાવથી દૂર રહીને રાજવીરના દર્શન કરી લેતા.
બીજી એક નવાઈની વાત એ હતી કે તેઓ વિવેકાનંદજીના જીવન પર લખાયેલા લેખવાળી એક ચોપડી ક્યાંકથી લઇ આવેલા અને આખી વાંચી ગયેલા.
એ ચોપડીના લેખોને તે બન્ને પોતાના જ દ્રષ્ટિકોણથી સમજેલા. અને તેના પ્રતાપે તેઓએ એકપત્નીવ્રતાનું વચન લઈ લીધેલું.અને બન્ને પોતપોતાની પત્નીઓના ચેહરાની ઝલક યાદ કરીને જીવતા.
સવારે ઉઠવું. ગામના બધા જ મંદિરના તમામ ભગવાનના પૂર્ણભાવથી દર્શન અને પૂજાવિધિ કર્યા બાદ, રાજવીરને દૂરથી બે મિનિટ માટે ભજવો અને કોઈપણ પ્રકારની ઉપજ વિનાની ગ્રામસેવા કર્યા કરવી.
સાંજે ખેતરે જઈને ટયુબવેલની ઓરડીમાં મૂકી રાખેલી વિવેકાનંદજી પરના લેખવાળી પેલી ચોપડી વિસ્તારથી વાંચવી અને તેના પર જ્ઞાનગોષ્ઠિ કર્યા કરવી. રાત્રે પોતપોતાની પત્નીઓનાં સપના જોતા સુઈ જવું.
આ તેમની દિનચર્યા હતી.
એકવાર રમણશેઠનો છોકરો સતીશ સુરતથી ગામડે આવ્યો. તે જીવલા અને રમલાનો સહાધ્યાયી હતો. તેણે જીવલા અને રમલાને શહેર આવવાનું આમંત્રણ આપતા કહ્યું," ભાઇબંધુઓ, ચાલો એકવાર મારી સાથે શહેરમાં.. તમારા બન્નેનું દિલ ખુશ કરાવી દઈશ. પેલું પિક્ચરોમાં બતાવે છે ને એવા મસ્ત કોઠા પર લઈ જઈને તમને સ્વર્ગનો આનંદ અપાવીશ..!" સતીશ આવું બોલ્યો જ હતો કે જીવલાએ કહ્યું,"હાય..રામ..અઘોર પાપ.. આવુ ના બોલ..સતીશ..હવે આવું ના બોલ. નહીં તો અમે તારા પર થું થું કરીશુ. અમે બન્ને એક પત્નીવ્રતા છીએ. અમે અમારી પત્નીઓને મનથી વરી ચુક્યા છીયે. અમે એક લેખમાં વાંચ્યું છે કે તન , મન, કર્મ અને વચનથી એક જ સ્ત્રી સાથે સંબંધ બાંધીયે તો આપણા ઘેર વિવેકાનંદજી જેવો પુત્ર જન્મે. તું જોજે, આપણા ગામમાં બહુ જ જલ્દી બે વિવેકાનંદજી જેવા પવિત્ર આત્માઓ જન્મશે..!" જીવલાની દરેક વાતમાં રમલાએ એક્સો એક ટકાનો હાજીયો પુરાવ્યો. તે પણ આમ વચને બંધાઈને બેઠો હતો.
સતીશ આ બન્નેની વાતોથી હસી હસીને બેવડ વળી ગયો. અને તેમની મશ્કરી કરતો જતો રહ્યો.
તેના ગયા પછી રમલો જીવલા સાથે વાત કરતા બોલ્યો," આ દુરાચારીને આપણાં પવિત્ર પ્રેમમાં શુ ખબર પડે.?"
જીવલોય નિર્દોષભાવે બોલ્યો,"અને આવા વ્યક્તિ સાથે આપણે દોસ્તી કરેલી બોલ , પણ કાઈ નહિ.હવે આનાથી દૂર રહેવાનું. ને આપણાં ભાવિ સંતાનો પર આવા વ્યક્તિનો પડછાયો ય નહિ પડવા દેવાનો..!"
જે હોય તે.જીવલા અને રમલાની દુનિયા પવિત્ર, અલૌકિક અને અદભુત બની ગઈ હતી.
તેમની આવી ઘેલછાના ચક્કરમાં તેઓ કયારેક પોતપોતાની જીવનસંગીનીઓની તસવીર મંગાવી આપવાની જીદ કરતા અથવા પોતપોતાની માતા અને બાપુજીને કહેતા રહેતા કે અમારે સાસરીમાં જવું છે.
જેના પરિણામે તેમને બન્નેના ઘરેથી અપશબ્દો સાથેનો ઠપકો મળતો. કેમ કે લગ્ન પહેલા કન્યાને જોવા કે મળવાનો રિવાજ આખા પંથકમાં તેમની નાતમાં નહોતો. જ્યારે આ બે કપૂતો તો સાસરે જવા માટે જીદે અડયા હતા. સમાજના નક્કર નિયમોના ચક્કરને લીધે રમલા અને જીવલાના શ્વસુર ગુહે જવાના સપનાઓ રોળાઈ જતા.
પણ,
તેમની વેવલાઈ અને વિચિત્ર ઘેલછાઓનું એક પરિણામ સુંદર આવ્યું.બન્નેના માતાપિતા અને વડીલોએ મોરવઈ (વચેટીયા)ને મળીને આ બન્નેના ઘડિયા લગ્ન ગોઠવી આપ્યા.
વડીલોએ એમ વિચાર્યું કે એમ કરતાંય આ બન્નેની મન ઠેકાણે આવશે. એકવાર લગ્ન થાય એટલે કઈક ધંધે વળગશે. વળી સૌનું લોહી પીતા ય મટશે.
અને લગ્ન થઈ ગયા.આખરે લીલા અને ગજરી આવી ગયા.
રમલો અને જીવલો પોતપોતાના ખોરડામાં પ્રવેશ્યા. પોતાના સપનાઓમાં લાખો વાર જોઈ રાખેલી પોતાની એ જીવનસંગીનીઓને જોવા માટે ઘૂંઘટ ઉઠાવ્યો.
અને જાણે કે વિસ્ફોટ થયો .
બંનેએ ધમાલ મચાવી. નિયત કરેલ કન્યા આ નથી. કન્યા બદલવામાં આવી છે. અમને છેતરવામાં આવ્યા છે.
તેમની ધમાલ અને બૂમોથી લોક ભેગું થયું.
આ નવાઈની ધમચકડીની મજા આખું ગામ લઇ રહ્યું હતું. વાત હજુ ઘણી લાંબી ચાલત.
પણ, જ્યાં જીવલો બોલ્યો ,"વાઘેલના લોકો લુચ્ચા છે અને મારો સસરો એ લુચ્ચાઓનો સરદાર છે..!"
અને, તેની વહુ લીલા વિફરી. નવી આવેલી વહુને રાખવી પડે એવી તમામ મર્યાદાઓને નેવે મૂકતા તે બોલી," રોયા.. આ શું નાટક માંડયું છે..?ને મારા બાપને કેમ બોલે છે..?તારા આ બાપને અને પેલા વચેટીયાને ભાંડને જેટલી ગાળો ભાંડવી હોય એટલી.. મેં ય રમલીમાં લગનમાં જોઇને ગમાડેલો એ લાંબડો અને મૂછડ પેલો તારો ભાઈબંધ હતો, પણ..પૈણવા બેઠી ત્યારે તને જોયો,બટકો અને ફૂલેલા ગાલવાળો. તો ય તને પરણીને આવીને.? તને તો ઘુંઘટ ઉઠાવ્યો ત્યારે ખબર પડીને..? મેં અને ગજરીએ તો ચોરીમાં જ તમને બેઉને જોઈને પોતપોતાના નસીબના નામનું નાહી નાખેલું. હાસ્તો, બાપના બોલની કિંમત હતી. માબાપના સંસ્કારની વાત હતી.બાકી , મારી બહેન ગજરીના મનગમતો તું મને ભટકાયો અને મારો મનગમતો આ તારો ભાઈબંધ ગજરીના લમણે લખાયો. અને,હા.. અમે વાઘેલની કન્યાઓએ તો અમારા ગામની અને બાપની ઇજ્જત સાચવી લીધી. પણ તમે રોયાઓએ તમારા ભેગી અમારી આબરૂનો ય ધજાગરો કર્યો..!"" આટલું બોલતી'કને ગજરીનો હાથ પકડતીકને વિફરેલી વાઘણ જેવી લીલા મોરવઈ (વચેટીયા)ના ઘર તરફ ગયી. વડીલોએ સૌ ગામલોકને પોતપોતાના ઘેર જાવા કહ્યું.
રાજવીર મૂછમાં હસતો હસતો ઘેર જઈને સુઈ ગયો. જીવલો અને રમલો સીધા ખેતરમાં ગયા.ખેતરમાં પેલી વિવેકાનંદના લેખવાળી ચોપડી સળગાવતા સળગાવતાં બોલતા હતા," વિવેકાનંદજી જેવા સંતાનો તો આવતા આવશે, પણ..પેલો રાજવીર સાચું જ કહેતો હતો, આપના બેઉના ઘરમાં બે વાઘણો આવી ગયી છે...!" વળી સળગતી ચોપડીની એ જ આગની સાક્ષીએ પોતાના એકપત્નીવ્રતા વ્રતને બન્નેએ ફોક કર્યું. હાસ્તો, કેમ કે તેમની મનની માનેલી પત્નીઓ જ બદલાઈ ગયી હતી.
બાદમાં, બન્ને એકબીજાને વળગીને ખૂબ રડ્યા. એકબીજા સમક્ષ પોતપોતાના પ્રેમનું બલિદાન આપ્યું. બન્નેએ એક બીજાની પ્રેયસી જોડે પતિ તરીકે આખું જીવન જીવવુ પડશે તે માટે અન્યની માફી ય માંગી.
અને , આ વખતે સતીશ આવે એટલે તેની સાથે શહેરમાં મજા કરવા જવું જ., તેવા સંકલ્પ સાથે ગામ તરફ પ્રયાણ કર્યું.
-- અનિરુદ્ધ ઠક્કર "આગંતુક"