Basketball in Gujarati Short Stories by Krutika books and stories PDF | બાસ્કેટબૉલ

The Author
Featured Books
Categories
Share

બાસ્કેટબૉલ

બાસ્કેટબૉલ




ટપ....ટપ....ટપ...!”


“પપ્પાં-પપ્પાં....! મારી જોડે બાસ્કેટબૉલ રમોને....!” નાનકડો મિત ખાખી કલરનો બ્લેક લાઈનીંગવાળો બાસ્કેટબૉલ પોતાનાં બંને હાથવડે ટપારતો-ટપારતો તેનાં પપ્પાં પાસે આવીને બોલ્યો.


છ વર્ષનો મિત આમતો એકદમ ક્યૂટ છોકરો હતો. મસ્ત મજાનો ગોરોચિટ્ટો ગોળમટોળ ચેહરો, બાબરી ઉતાર્યા વગરના લાંબા અસ્તવ્યસ્ત વાળ, કાંચ જેવી મોટી કાળી આંખો અને સહેજ ભરાવદાર રસગુલ્લાં જેવું શરીર. હાલ્ફ સ્લીવની મિકી માઉસની પ્રિન્ટવાળી બ્લેક ટી-શર્ટ, નાની જીન્સની ચડ્ડી અને નાનકડાં પગમાં સ્પોર્ટ્સ શૂઝ પહેરેલાં મિતને જોઈને કોઈ અજાણ્યાને પણ પરાણે વ્હાલ ઊભરાઈ આવે અને તેની સાથે રમવાનું મન થઈ આવે.


બેટાં....! હું બીઝી છું....! મારે એક્સઝામનું રીડિંગ ચાલુ છે....! પછી....!” મિત સામે જોયાં વિનાજ તેનાં પિતા રાજેન્દ્ર અગ્રવાલ “ડિસ્ટર્બ” થયાં હોય એમ સહેજ ચિડાઈને બોલ્યાં.


માત્ર ચોવીસ વર્ષની ઉમ્મરમાં પરણી ગયેલાં રાજેન્દ્રનું IAS બનવાનું સપનું હતું. અને છેલ્લાં બે વર્ષથી તે એ સપનું પૂરું કરવાં માટે UPSCની પરીક્ષાની તૈયારી કરી રહ્યો. રાજેન્દ્રની જેમ IAS બનવા માંગતી તેની પત્ની રીતિકા પણ એજ સપનું લઈને રાજેન્દ્રને પરણી હતી. પતિ-પત્ની બંને એકસાથે UPSC જેવી સૌથી અઘરી કહેવાતી એક્ઝામની તૈયારીઓ કરી રહ્યાં હતાં.


સવારે સાત વાગ્યાથી શરૂ થતાં UPSCના કોચિંગ ક્લાસ બપોરે અઢી વાગ્યે પૂરાં થતાં. ક્લાસ પૂરાં થાય એ પછી કોચિંગ ઇન્સ્ટીટ્યુટનાં કેન્ટીનમાંજ જમીને બંને ઇન્સ્ટીટ્યુટ સાંજે લગભગ સાડાં આઠ સુધી રીડિંગ કરતાં. આખાં દિવસનું આજ રૂટિન પૂરું કર્યા બાદ બંને રાત્રે લગભગ સાડાં નવ-દસ વાગ્યે ઘરે આવતાં અને ઘરે આવી ફ્રેશ થઈને બારેક વાગ્યા સુધી રિવિઝન કરતાં.


આમ, મિત સવારે સૂતો હોય ત્યારે તેઓ ઘરેત નીકળતાં અને રાત્રે પણ મિત સૂઈ ગયો હોય ત્યારે પરત આવતાં. મિતનો આખો દિવસ મોટેભાગે તેની દેખભાળ માટે રાખવાંમાં આવેલ આયા સાથે પસાર થતો. કોચિંગ ઇન્સ્ટીટ્યુટ ક્યારેક જો કોઈ જાહેર રજા કે અન્ય કોઈ કારણસર બંધ હોય ત્યારે રાજેન્દ્ર અને રીતિકા આખો દિવસ ઘરે બેસીને તૈયારીઓ કરતાં. નાનકડો મિત જ્યારે મમ્મી-પપ્પા રજાના દિવસે ઘરે હોય ત્યારે તેમની જોડે રમવાનું “એડવાન્સ” પ્લાનિંગ કરી રાખતો.


મમ્મી જોડે ટેન્ટ હાઉસમાં રમવાનું, પપ્પા જે બાસ્કેટબૉલ રમવાનો વગેરે પ્લાનિંગ તે પોતાનાં નાનકડાં હાથો વડે પેન્સિલથી એક નોટબૂકના કાગળમાં આડાંટેડા અક્ષરોમાં પોતાની ભાષાંમાં લખી રાખતો. જોકે UPSCની પરીક્ષાની તૈયારી કરતાં રાજેન્દ્ર કે રીતિકા બેયમાંથી એકેયની જોડે મિત સાથે રમવાનો સમય નહોતો બચતો કે તેઓ સમય આપી નહોતાં શકતાં.


“પણ પપ્પા....! આજે તો હોલીની છુટ્ટી છે....! તો રમોને...!?” પોતાની મોટી-મોટી ભાવભરી આંખે પપ્પા સામે જોઈ રહી નાનકડો મિત ભોળાંભાવે બોલ્યો.


“મિતુ….! બેટાં પપ્પાને હેરાન ના કર....!” મિતની દેખભાળ કરતાં આયા સંગિતાબેન બોલ્યાં અને મિતને ત્યાંથી લઈ જવા લાગ્યાં.


“તમે મારી જોડે કોઈ દિવસ કેમ નઈ રમતાં...!?” નાનકડો મિત કાલો ગુસ્સો કરતો હોય એમ મોઢું બગાડીને બોલ્યો.


“ટાઈમ નથી બેટાં...! કીધુંને અત્યારે....! મારે અને તારી મમ્મીને બેયને એક્ઝામ છે...!” એટલું કહીને રાજેન્દ્રએ ફરીવાર પોતાની ચોપડીમાં મોઢું “ઘુસાડી” દીધું.


જોડે બેઠેલી રીતિકાએ પણ કોઈ જાતની પ્રતિક્રિયા આપ્યાં વિના પોતાની બૂકમાં જોયે રાખ્યું.


છેવટે મિતને સમજાવી આયા સંગિતાબેન ત્યાંથી લઈ ગયાં.


સમય વિતતો ગયો અને રાજેન્દ્ર અને રીતિકાની એક્ઝામ પણ પૂરી થઈ ગઈ અને રિઝલ્ટ પણ આવી ગયાં. જોકે બંનેમાંથી એકેયનું UPSCમાં સિલેક્શન ના થયું.


જોકે IAS બનવાનું ઝનૂન બંનેના માથા ઉપર એટલું બધુ સવાર હતું કે બંનેએ છએ છ ટ્રાયલમાં UPSCની એક્ઝામ આપી દીધી. દર વખતે થોડાં માટે તેમનું નસીબ દગો દઈ જતું અને બંનેનું સિલેક્શન ન થતું.


છેવટે છેક છેલ્લાં એટ્લે કે છઠ્ઠા વર્ષે છેલ્લાં ટ્રાયલમાં બંનેનું IAS માટે સિલેક્શન થઈ ગયું. હસબંડ વાઈફ બંનેએ સારાં રેન્કથી એક્ઝામ ક્લિયર કરી લીધી અને ગુજરાત કેડરના IAS ઓફિસર માટે તેમનું સિલેક્શન થયું.


ત્યારબાદ મસુરીમાં આવેલાં સરકારના સિવિલ સર્વિસ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટમાં બે-વર્ષની તાલીમ બાદ બંનેનું પોસ્ટિંગ ગુજરાતના બે અલગ-અલગ શહેરોમાં થયું. ટ્રેનીંગ દરમિયાન બંનેનું અદ્ભુત પેરફોર્મન્સ જોઈને સરકારે વધુ બે વર્ષની સઘન ટ્રેનીંગ માટે સિલકેટ કર્યા.


પોતાનું સપનું પૂરું કરવાના ઝનૂનમાં બંને પતિ-પત્ની એકબીજાથી તેમજ પોતાનાં એકના એક બાળક મિતથી ઘણો લાંબો સમય દૂર રહેતાં. આટલાં વર્ષો દરમિયાન ભાગેજ તેઓ મિત સાથે સમય ગુજારતાં એ પણ ઔપચારિકતા પૂરતો.


છેવટે લગભગ આઠેક વર્ષ બાદ બંનેનું એક જ શહેરમાં પોસ્ટિંગ થયું.


“હાશ.....! હવે શાંતિ થઈ....!” આટલાં વર્ષોની એકધારી દોડધામ પછી થાકેલાં અને કંટાળેલાં રાજેન્દ્રએ પોતાનાં ઘરે આવી શાવરમાંથી બહાર નીકળીને હાશકારો અનુભવતાં કહ્યું.


એકજ શહેરમાં બે-ત્રણ દિવસ પહેલાજ પોસ્ટિંગ થતાં બંને હવે રિલેક્ષ ફીલ કરી રહ્યા હતા. અને એકબીજા માટે સમય કાઢી શકાય એવી મહેચ્છાથી બે-ત્રણ દિવસની રજા રાખી ઘરે આવ્યા હતા. નાહી-ધોઈને ફ્રેશ થઈને બંનેએ છેવટે મિત જોડે ટાઈમ સ્પેન્ડ કરવાનું નક્કી કર્યું.


બંને જોડેજ મિતના બેડરૂમમાં આવ્યા.


મિતુ....! બેટાં....! ચાલ બાસ્કેટબૉલ રમીયે....!” બેડરૂમમાં દરવાજાની જોડેજ પડેલાં મિતના બાસ્કેટબૉલને હાથમાં રમાડીને રાજેન્દ્ર સસ્મિત બોલ્યો અને જોડે ઊભેલી રીતિકા પણ સ્માઇલ કરીને મિત સામે જોઈ રહી.


“ટાઈમ નથી ડેડ….! મારે એક્સઝામનું રીડિંગ ચાલુ છે....! પછી....!” મમ્મી-પપ્પાની સામે એક નજર નાંખીને મિતે એટલું કહ્યું અને પાછું ચોપડીમાં મોઢું નાંખી દીધું.


રાજેન્દ્ર અને રીતિકા મિત સામે તાકી રહ્યાં. બંનેની આંખો એક સાથે ભીની થઈ ગઈ. તેમની આંખો સામે અગિયાર વર્ષ પહેલાંનો હાથમાં બાસ્કેટબૉલ લઈને ઉભેલાં નાનકડાં મિતનો એ માસૂમ ચેહરો તરવરી ઉઠ્યો.


“પપ્પાં-પપ્પાં....! મારી જોડે બાસ્કેટબૉલ રમોને....!” પોતાનાં નાનકડાં હાથમાં બાસ્કેટબૉલ લઈને ઉભેલાં મિતે કેટલી કાલી ભાષામાં તેમની સામે જોઈ રહીને પૂછ્યું હતું.


ત્યારે રાજેન્દ્રએ પણ મિતને આજ જવાબ આપ્યો હતો -“ટાઈમ નથી બેટાં...! કીધુંને અત્યારે....! મારે અને તારી મમ્મીને બેયને એક્ઝામ છે...!”




“પપ્પાં-પપ્પાં....! મારી જોડે બાસ્કેટબૉલ રમોને....!”


બંનેના કાનમાં મિતનો એ સ્વર ગુંજવા લાગ્યો અને રાજેન્દ્રએ આપેલો જવાબ પણ


“ટાઈમ નથી બેટાં...! કીધુંને અત્યારે....! મારે અને તારી મમ્મીને બેયને એક્ઝામ છે...!”


સાત વર્ષ UPSCની પરીક્ષા પાછળ, બે વર્ષની પ્રારંભિક ટ્રેનીંગ અને ત્યારબાદ બીજા બે વર્ષની સઘન ટ્રેનીંગ, એમ કુલ અગિયાર વર્ષ.


અગિયાર વર્ષથી તેઓ પોતાનું સપનું પૂરું પોતાનું ઝનૂન પૂરું કરવાં મથતાં રહ્યાં. ઘરેથી દૂર રહેતાં બંનેને ખબરજ ના રહી કે તેમનો એકનો એક દીકરો મિત ક્યારે સત્તર વર્ષનો થઈ ગયો અને બારમાં ધોરણમાં સાયન્સમાં આવી ગયો.


બંને યાદ આવ્યું કે એ દિવસે, અગિયાર વર્ષ પહેલાં મિતે છેલ્લીવાર બાસ્કેટબૉલ રમવા માટે તેમને પૂછ્યું હતું. ત્યારબાદ એક્ઝામની તૈયારી કરતાં મમ્મી-પપ્પાને “ડિસ્ટર્બ” ના થાય એટ્લે મિતે ક્યારેય પણ તેમને બાસ્કેટબૉલ રમવા નહોતું પુછ્યું.


“પપ્પાં-પપ્પાં....! મારી જોડે બાસ્કેટબૉલ રમોને....!”


“ટાઈમ નથી બેટાં...! કીધુંને અત્યારે....! મારે અને તારી મમ્મીને બેયને એક્ઝામ છે...!”


રાજેન્દ્ર અને રીતિકા બંને ભીની આંખે મિત સામે જોઈ રહ્યાં. મિત હવે બેડમાંથી ઊભાં થઈને પોતાનાં બેગપેકમાં બુક્સ ભરી રહ્યો હતો. તેની હાઈટ હવે તેનાં પિતા રાજેન્દ્રને “મેચ” થતી હતી.


પહેલાં મિત સામે પછી રાજેન્દ્ર અને રીતિકા બંને એકબીજા સામે ભીની આંખે જોઈ રહ્યાં. બંનેને આજે સમજાઈ ગયું હતું કે પોતાનું સપનું પૂરું કરવાની લ્હાયમાં તેઓ પોતાનાં એકનાં એક દીકરાનું બાળપણ ખોઈ બેઠાં હતાં.


પોતાનાં ખભે બેગ લટકાવી પોતાનો ફોન જીન્સનાં પોકેટમાં નાંખીને મિત ચાલતો થયો.


હું ટ્યુશન જાવ છું....!” જતાં-જતાં દરવાજા પાસે ઉભેલા પોતાનાં મમ્મી-પપ્પા ઉપર એક ઔપચારિક નજર નાંખીને મિત બોલ્યો અને બેડરૂમમાંથી બહાર નીકળી ગયો.


પોતાનાં બંને હાથમાં બાસ્કેટબૉલ પકડી રાખીને રાજેન્દ્ર રડી પડ્યો અને જોડે-જોડે રીતિકા પણ.


******


“તમારાં સપનાઓ ક્યારેય પોતાનાથી કે પોતાનાં લોકોની ખુશીઓથી મોટાં ના હોવાં જોઈએ”


પોતાની મહત્વકાંક્ષાઓ કે સપના પૂરા કરવાં “અમે જે કઈંપણ કરીએ છે...! એ પોતાનાં બાળકોની ખુશી માટેજ તો કરીએ છે....!” એવું કહીને પોતાનો લૂલો બચાવ કરતાં માં-બાપે એટલું સમજવુંજ જોઈએ કે બાળકોના બાળપણમાં તમે જોડે હોવ એજ એમની સૌથી મોટી ખુશી છે. એવું ના થાય કે પોતાની મહત્વકાંક્ષાઓ કે સપના પૂરા કરવાની હોડમાં તમે તમારાં બાળકોનું બાળપણ “MISS” કરીદો.


******


સત્યઘટના પર આધારતી-પત્રોનાં નામ અને સ્થળ બદલ્યા છે.


Follow me on


Instagraam


Instagram@krutika.ksh123