પ્રકરણ-ચૌદમું/૧૪
ધ્રુજતા સ્વરે અને રડતી આંખે મેઘનાએ પૂછ્યું...
‘અથવા..’
‘અથવા.. વર્ષો પહેલાં.. હમેંશ માટે તમારી લાઈફ માંથી રાજન નામના નડતરનું પત્તું કાપવાં તમે રાજનનું ઠંડે કલેજે મર્ડર કર્યું છે, તેની નિખાલસતાથી કબુલાત કરો....
જો.. જો... જો.. તમે લલિત અને અંતરાને જીવિત જોવા ઇચ્છતા હો તો.
રાક્ષસ જેવા અટ્ટહાસ્ય સાથે સરફરાઝ બોલ્યો......
‘એય....હરામખોર, બસ હો, હવે તારી જબાન પર લગામ રાખજે હો. તું શું બોલે છે તેનું તને ભાન છે ? બોલતી નથી એટલે ક્યારનો મન ફાવે તેમ ભસ્યે રાખે છે. ખબરદાર જો રાજન વિષે એક શબ્દ પણ એલફેલ બક્યો છે તો તારી ખેર નહીં રહે એટલું સમજી લેજે.’
છંછેડાયેલી નાગણની માફક ફૂંફાડો મારતાં ભડકીને તેની ભડાસ કાઢતાં મેઘના બોલી.
‘અચ્છા, તો મને એકવાત કહો, જો રાજન વિષેની એક શંકાશીલ ટીપ્પણી માત્રથી તમે આટલાં ગુસ્સે થઇ જાઓ છો, તો વીસ વર્ષમાં તમે એ રાજનની ભાળ મેળવવા કોઈ વ્યર્થ કોશિષ પણ કરી ખરી ? ક્યાં છે ? જીવે છે કે મૃત્યુ પામ્યો છે ? રાતોરાત કોઈ વ્યક્તિ હવામાં ઓગળી જાય ? કેમ કે એ રહસ્ય માત્ર તમને જ ખબર છે કે રાજન ક્યાં છે ? અથવા છે કે નહીં. બસ મારે એ જ જાણવું છે કે રાજન છે કે નહીં ?
આટલું જાણવા માટે જ મેં આ તરકટ રચ્યું છે સમજ્યા.’
‘તમે મને પાંચ મિનીટ પછી કોલ કરો એટલે કહી દઉં કે રાજન ક્યાં છે. પણ એક શરત છે કે, અંતરા તમારી પાસે છે તેનું મને પ્રૂફ જોઈએ તો જ હું કહીશ કે રાજન ક્યાં છે.’ મેઘના બોલી.
‘ડન, હું તમારાં કોલની રાહ જોઉં છું. અને બીજી એક સલાહ... પોલીસ તમને કોઈ હેલ્પ કરશે એ આશા ઠગારી નીવડશે, કારણ કે પોલીસ કંઈ પણ પગલું ભરતાં પહેલાં મારી પરવાનગી લેશે એટલે એવી ફાલતુની બેવકૂફી કરવામાં સમય ન વેડફતા.’
ધમકીનાસ્વરમાં આટલું કહ્યા પછી કોલ કટ થતાંની સાથે મેઘના અટકળના ચકડોળ પર ચડતાની સાથે જ ચકરાવે ચડી ગઈ.
કોણ છે આ ? જેને મારા પપ્પા ષડ્યંત્રના શિકાર થયા છે તદુપરાંત તેની પાછળ કોણ માસ્ટર માઈન્ડ છે, તેની પણ જાણ છે, લલિતના કરતૂતોની કુંડલી પણ તે જાણે છે. લલિતનું ભવિષ્ય મારી પર નિર્ભર છે, અને એ વ્યક્તિ એક તરફ લલિતને મને માધ્યમ બનાવીને બચાવવા પણ માંગે છે. સરફરાઝ હોય તો આટલા વર્ષો ચુપ કેમ રહ્યો ? અને જો અંતરાના અપહરણના નાટકનું તરકટ જ રચ્યું હોય તો શા માટે ? અંતરા, લલિત અને સોહમનું અપહરણ ? અને આ કુંદન કોઠારી અને સોહમ કોણ છે ? આ લોકોની સાથે આ કહાનીની કોઈ કાળે એકપણ કડી જોડતી નથી. અને અંતે વાત તો રાજન પર જ આવીને અટકી જાય છે કે જેનો ક્યાંય પતો જ નથી. મેઘના ને લાગ્યું કે વધારે વિચારીશ તો મગજની નશો ફાટી જશે. એકી શ્વાસે આંખો બંધ કરીને એક આખી ચિલ્ડ પાણીની બોટલ ગટગટાવી ગ્યા પછી થોડી શાંતિ થઇ.
હવે આ ભેદી ભેજબાજની સામે તેને પણ ભ્રમમાં રાખવામાં જ મજા છે. પણ એકવાર અંતરા સેઈફ ઝોનમાં આવી જાય પછી. થોડીવાર સુધી ઉખાણાં જેવી ઉપાધિનો ઉકેલ લાવવા આડા ઊભા ચોકઠાં બેસાડીને કોલ લગાવ્યો એ જાણભેદુને.
‘તારા ધડ માથા વગરના સવાલોનો હું.. જવાબ આપીશ પણ..મને અંતરાનો કબજો મળી જાય પછી. બોલ.’ મક્કમતાથી મેઘનાએ પૂછ્યું.
‘જુઓ મેડમ, તમારું કીડનેપીંગ કરવું એ પણ મારા ડાબા હાથનો ખેલ છે. એટલે કોઈપણ જાતના ઓવર કોન્ફિડેન્સના આધારે તમારી જાતને કે મને અંધારામાં રાખવા કોઈ સસ્પેન્સ સીરીયલના પ્લોટની ઉઠાંતરી કરીને ગેમ રમવાની ગુસ્તાખી કરશો તો...તમારા એકને કે એક લાખેણા લલિતના, કોડીના ભાવમાં રામ રમી જાય તો પછી... મને ન કહેતા..અને અંતરા સાથે તમારો સંપર્ક થઇ જાય તો મને જાણ કરજો અને સાથે સાથે રાજનની પણ.’ એમ કહ્યા પછી કોલ કટ થયો.
ખુબ મોટી સંગીન અને ગંભીર રમત રમાઈ રહી છે. હવે મેઘનાને લાગ્યું કે, ષટ્કોણ જેવા વાદસંવાદ સાથે ઉભાં કરાયેલા આભાસી ચિત્ર જોડે મને જોડીને જાણે કે કોઈ ભજવાઈ રહેલી ભેદી ભવાઈમાં મારી ભૂમિકાનો ભાગ બનાવીને ભોગ લેવાનો કારસો ઘડાઈ રહ્યો છે. મેઘનાને એટલો અંદાજો તો આવી ગયો કે આ મગજના મિજાગરા ઢીલાં કરી નાખે એવી ભેદી ભેદભરમ વાળી ભયજનક વળાંક તરફ આગળ વધતી વાર્તાને વાસ્તવિકતાની લગોલગ લઇ જનાર જે કોઈ પણ ભેજાબાજ છે, પણ તે છે જરૂર કોઈ જાણભેદુ જ.
અને રહી વાત લલિતની તો.... લગ્નની પ્રથમ રાત્રીથી લઈને આજ સુધીમાં અનેકોવાર પરિસ્થિતિ વશ જે ભૂલ થઇ ગઈ તેના ખરાં હ્રદયથી અશ્રુંજલી અને પાવન પ્ર્યાસ્ચિત સાથે માફી માંગી ચુક્યા પછી પણ તે બેવડો વળીને કટાઈ ગયો છતાં અંત સુધી તેનો વળ ન છોડ્યો. અને વીસ વર્ષ ઈશ્વરને સાક્ષી રાખીને ભરી જુવાનીના દિવસો ચાર દીવાલો વચ્ચે ચણીને પારદર્શક પત્નીધર્મ નિભાવ્યો. મેઘનાએ લલિત પ્રત્યે એ હદ સુધીની નિષ્ઠા સાથેની વફાદારી નિભાવી કે કયારેય રાજનને તેના ધબકારો ધણી નથી બનવા દીધો. પત્ની તરીકે નહીં પણ માણસાઈ દાખવીને માનવતાના ધર્મે પણ લલિતે મેઘનાનો સ્વીકાર કરીને તેના હાલ અને હાલાત શેર કર્યા હોત તો આજે લલિતની આવી ભૂંડી દશા ન હોત.
હજુ મેઘના... ઊભી થઈને કિચન તરફ જાય ત્યાં ડોરબેલ રણકી. એક અણધાર્યા ડર સાથે બારણું ઉઘાડ્યું... અને સામે જોયું તો અંતરા. હજુ અંતરા અંદર આવે એ પહેલાં તો મેઘનાની આંખો માંથી અશ્રુવર્ષા બહાર આવી ગયા. લટકતી તલવાર જેવી ઘાતકી ઘાતના આઘાત માંથી બહાર આવતાં રીતસર એક ઝીણી ચીસ સાથે અંતરાને ભેટીને બસ થોડીવાર રડ્યા જ કરી.
‘અરે.. અરે,, મમ્મી પ્લીઝ. સ્ટોપ ક્રાઈંગ પ્લીઝ. આઈ એમ ઓ.કે. આવ બેસ.’
એમ કહીને અંતરા કિચન માંથી પાણી લાવીને મેઘનાને પીવડાવીને શાંત પાડી.
મેઘના અંતરા સામું જોઈને સરકતા આંસું લુંછતા પૂછ્યું.
‘આ બધું શું ચાલી રહ્યું છે, અંતરા ? તું ક્યાં અને કેવી રીતે..?
‘અરે મમ્મી.. સોહમએ કહ્યું કે, તારી જિંદગી પર કોઈ મોટું સંકટ તોળાઈ રહ્યું છે, અને તેના તળ સુધી પહોંચવા માટે એક એવા કીડનેપીંગના નાટકનો ભાગ બનવાનું છે જેની અંતિમ કડીનો સંકેત તારા કોઈ અંગત તરફ અંગુલીનીર્દેશ કરે છે. એ પછી મને જે લોકો આંખે પાટો બાંધી ને લઇ ગયા અને અત્યારે મને એ જ હાલતમાં અહીં છોડી ગયા બસ.’
‘બસ ? તને આ આટલી ગંભીર બાબત બસ લાગે છે ? અને તારા કીડનેપીંગ નાટકની અંતિમ કડી તારા કોઈ અંગત તરફનો સંકેત કરતાં અંગુલીનીર્દેશ કરે છે તેનો મતલબ.....? એ પછી મેઘના મનોમન બોલી.. ‘ઓહ્હ માય ગોડ.. તો શું અંતરાનો ભોગ લેનાર ભાગીદારની ભૂમિકામાં લલિત છે ? બન્ને હથેળી તેના મોં પર મુકતા લલિતના અકલ્પનીય અમર્યાદિત ક્રિમીનલ માનસનું અનુમાન લગાવતાં મેઘનાને કંપારી છૂટી ગઈ. ધીમે ધીમે મેલીમુરાદની મતિલીલા પાછળ લલિતની મંછાનું ચિત્ર મેઘનાના ચિતમાં ક્લીયર થવા લાગ્યું. પણ એક સેકંડ માટે થયું કે, આ ધારણા ક્યા આધારભૂત ધરી પર ફરી રહી છે ? એટલે પૂછ્યું..
‘અંતરા આ સોહમ કોણ છે. અને આવડી મોટી મુર્ખામીનું પ્રદર્શન પાથરતાં પહેલાં મારી જોડે વાત કરીને મને અવગત કરવું તને જરા પણ મુનાસીબ ન લાગ્યું ?
‘સોહમ..ઈઝ માય ટુ મચ ક્લોઝ ફ્રેન્ડ. અને તેના પપ્પા આ શહેરના ખુબ મોટા ઇન્ડાસ્ટ્રીયાલીસ્ટ અને વગદાર વ્યક્તિ છે. અને મને સોહમ પર મારા કરતાં વધુ ટ્રસ્ટ છે.. અને જો કંઈ થયું ? સાવ બેફીકરાઇથી અંતરા એ જવાબ આપ્યો.
‘ કોણ છે તેના ડેડ ? મેઘનાએ પૂછ્યું
‘ કુંદન કોઠારી નામ છે તેમનુ.’
એટલે તરત જ મેઘના મનોમન બોલી..
‘ઓહ માય ગોડ... તો પેલા સરફરાઝ નામના ભેજાબાજે સોહામનું અપહરણ થયું છે એમ કેમ કહ્યું ? હજુ મેઘના આગળની આંટી ઘૂંટી સમજવાની કોશિષ કરે ત્યાં મેઘનાનો મોબાઈલ રણક્યો....
‘શું હું મેઘના નાણાવટી સાથે વાત કરી શકું ? સામા છેડેથી એક ભારે ભરખમ અવાજમાં કોઈ પુરુષે પ્રશ્ન પૂછ્યો.
‘જી, હું મેઘના નાણાવટી જ બોલી રહી છું. આપ કોણ ?
‘જી, હું શિવાજી સર્કલ પોલીસ સ્ટેશનથી ઇન્સ્પેક્ટર સૂર્યદેવસિંહ જાડેજા બોલી રહ્યો છું.’
પોલીસ સ્ટેશનનું નામ સાંભળતા માંડ માંડ ગુઢ રહસ્યની ગુંચ ઉકેલવાની હજુ શરૂઆત કરી હતી ત્યાં ફરી એક ધડાકા અને ધ્રાસકા જેવો ધક્કો લાગવાની લાગણીથી આહત થઈને મેઘનાએ પૂછ્યું.
‘જી કહો. શું કામ છે આપને ?
‘મેડમ શક્ય હોય એટલા જલ્દી આપ સીટી હોસ્પિટલ પહોંચો.’ ઇન્સ્પેક્ટર બોલ્યો .
‘સીટી હોસ્પિટલ ? પણ કેમ ? શા માટે ? ’
અનિયંત્રિત ગતિમાં ધારણાની ધરા ધણધણવા લાગી. ક્ષણમાં તો કંઇક અમંગળ અટકળની અસંખ્ય આકૃતિ મેઘનાના ચીત અને ચક્ષુમાં આકાર લેવા લાગી.
‘જી, એક મૃતદેહની ઓળખ માટે.’
‘મૃતદેહ.... કોનોનોનોનો........નો.’
આટલું બોલતા તો મેઘનાના કંઠમાંથી એક કારમી ચીસ ફાટી ગઈ...
‘જી, લલિત નાણાવટી નો.’
ઇન્સ્પેક્ટરના આ ચાર શબ્દોથી મેઘના અસીમિત અત્યાઘાતની પારાવાર પીડાથી નિશબ્દ થઈને તેના હોંશ ખોઈ બેઠી. આ જોઇને અંતરાના ગળામાંથી પણ એક ચિત્કાર જેવી ચીસ નીકળી ગઈ. મેઘનાના હાથમાંથી પડી ગયેલો ફોન ઉઠાવીને ઇન્સ્પેકટર સાથે વાત પૂરી કર્યા પછી અંતરા ચોધાર આંસું એ રડતાં રડતાં મેઘનાને ઢંઢોળીને ભાનમાં લાવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ વ્યર્થ એટલે બીજી જ પળે ફટાફટ વાહનની વ્યવસ્થા કરીને અંતરા મેઘનાને લઈને આવી પોહંચી સીટી હોસ્પિટલ.
એ દરમિયાન અંતરાએ કોલ કરીને સોહમને આ અણધારી આફતની ટૂંકમાં જાણકારી આપીને વાકેફ કરી દીધો.. એટલે સોહમ પણ.. પહોંચ્યો સીટી હોસ્પિટલ અને સંપૂર્ણ માહિતીથી અવગત કરાવ્યા તેના ડેડ કુંદન કોઠારીને.
બીજી જ ક્ષણે કુંદન કોઠારીએ બે થી ચાર કોલ કરીને સમગ્ર મામલાને શક્ય એટલા ઓછા સમય અને પેપર પ્રોસીજરમાં સંકેલી લેવાની લાગતાં વળગતા અધિકારીઓને સૂચના આપી.
સૌ પહેલાં સોહમે અંતરાને હૈયાંધારણ આપીને મૂર્છિત મેઘનાનાને ભાનમાં લાવવાના પ્રયત્ન કરતાં મેઘનાએ આંખો ઉઘડતાં જ રુદન શરુ કર્યું. પછી મહા મુશ્કિલથી સ્થિતિ સામાન્ય થતાં ઇન્સ્પેક્ટર સૂર્યદેવસિંહ જાડેજા, તેના રાઈટર અધિકારી અંતરા, સોહમ અને મેઘના સૌ આવ્યાં..શબઘર કક્ષમાં જ્યાં અનેક મૃતદેહો તેના વારસદારની પ્રતીક્ષામાં કતાર બંધ પડ્યા હતા.
આ દ્રશ્ય જોઇને અંતરાને ઉબકાં આવવાં લગતા તે દોડીને ઓરડાની બહાર જતી રહી. સોહમે ઇશારાથી બહાર બેસવાનું કહ્યું.
મેઘનાના દિલ અને દિમાગની દુર્દશા એ હદ સુધી બેકાબુ હતી કે, હવે પછીની મેઘનાની આવનારા અવસ્થાની મનોદશાનો લગીરે અંદેશો લગાવવો લગભગ અશક્ય હતો.
એક સ્ટ્રેચર પાસે આવીને અટકતાં ઇન્સ્પેકટરએ ઈશારાથી સોહમને મેઘનાને સંભાળવાનું કહીને.. શબ પરથી કફન હટાવતાં જ....થોડી વિકૃત થઇ ગયેલી લાશને જોતાંની બીજ જ ક્ષણે.... ‘લલિતતતતતતતત................ત’ ના નામની એક રૂંવાડા ઉભાં કરીદે એવા આક્રંદ સાથે મેઘનાના મોઢેથી રાડ ફાટી ગઈ.
એક જ ક્ષણમાં મેઘના જાણે કોઈ ઘાતક પ્રત્યાઘાતના કુઠારાઘાતથી ઘાયલ થતાં ઢગલો થઈને ફસડાઈને સાવ અચેતન અવસ્થામાં પડી રહી.
તરત જ હોસ્પિટલના ફરજ પરના સ્ટાફની મદદથી મેઘનાને પ્રાથમિક સારવાર આપવાનું શરુ કર્યું. આ તરફ સોહમે અંતરાને અંગત સ્નેહીથી વિશેષ લાગણીસભર સાંત્વનાના સહારે અંતરાની ડામાડોળ થવા જઈ રહેલી મનોસ્થિતિને સાંચવવાની જવાબદરી બખૂબી નિભાવી.
ભાનમાં આવ્યા પછી મેઘના વજ્રઘાત જેવા આઘાતથી આહત થઈને સાવ બુત બની ગઈ. એ પછી ઇન્સ્પેકટર એ સોહમ અને અંતરાને સમજાવીને કાગળ પર ખાતાકીય તપાસની પૂરી કરીને લલિતના મૃતદેહના વિશ્વસનીય અધિકારીની દેખરેખ હેઠળ પોસ્ટમોર્ટમની કામગીરી પૂરી કરીને મૃતદેહ સોંપવાની કાર્યવાહી કરતાં...
અંતરાને સંબોધતા ઇન્સ્પેકટર બોલ્યો.
‘એક અગત્યનું કામ અધૂરું રહી જશે.’
માંડ માંડ શાંત થયેલી અંતરાએ પૂછ્યું,
‘શું ?’
‘મિસિસ નાણાવટીનું સ્ટેટમેન્ટ. તેના નિવેદનનું મહત્વ એટલાં માટે છે કે, કારણ કે જો ભવિષ્યમાં કોઈપણ ઇસ્યુને લઈને તેઓ પોલીસની કાર્યવાહી પર શંકા ઊભી કરીને કોઈ ફરિયાદ કરે તો મારી જોબ જોખમમાં મુકાય જશે.’ ઇન્સ્પેક્ટરે કહ્યું
‘પણ મમ્મી તો અત્યારે કોઈ નિવેદન આપી શકે એવી સિચ્યુએશન માં જ નથી ? અને આ પેપર વર્ક મારી સમજણ બહારનું છે. તો હવે શું કરીશું ?
સોહમ સામે જોતા અંતરાએ પૂછ્યું.
‘જસ્ટ એ મિનીટ..’ એમ કહીને સોહમે કોલ લાગવાયો કુંદન કોઠારીને અને જે સિચ્યુએશનના કારણે પોલીસ ખાતાની કાર્યવાહી અટકી હતી તેની જાણ કરીને કોલ આપ્યો ઇન્સ્પેકટરને.
‘ હેલ્લો..’
પાંચ થી સાત મિનીટ ચર્ચા કર્યા પછી ઇન્સ્પેકટર બોલ્યો,
‘ઠીક છે, જયારે મિસિસ નાણાવટી નોર્મલ આઈ મીન ફુલ્લી કોન્સીયસ થઇ જાય ત્યારે મને કોલ કરજો. એ પછી હું બાકી રહેતી પ્રોસીજર પૂરી કરી આપીશ. હાલ હવે આપ ડેડ બોડીનો કબ્જો સંભાળી શકો છો અને હોસ્પિટલ તરફથી અન્ય કોઈ હેલ્પ જોઈતી હોય તો હોસ્પિટલના અધિકારીને હું સૂચના આપી દઉં છું.’
અંતરાની ઉંમર ને જોતા જે રીતે અનાયાસે આફત રૂપે આવેલાં અંતવેદનાના વાદળ તેના પર તૂટી પડ્યા હતા તે અપદશામાં અંતરા માટે સ્વને માનસિક અને શારીરિક દ્રષ્ટીએ સંતુલન કરવું ખુબ જ કઠીન હતું.
મેઘના અને લલિતની તેના મર્યાદિત સંબંધોથી જોડાયેલા આઠ-દસ સગા સંબંધી અને સોહામના બે-પાંચ મિત્રોની હાજરીમાં સોહમની આંતર સૂજ બુઝથી લલિતની અંત્યેષ્ઠીની વિધિ સંપ્પન થઇ છેક ત્યાં સુધી મેઘના અન્કોન્સીસ્ય્સ જ હતી.
એ પછીના બે દિવસ...
સવારથી લઈને છેક મોડી રાત સુધી સોહમ સતત અંતરા અને મેઘનાની સાથે પડછાયાની જેમ ખડે પગે ઊભો રહીને માહોલને મહત્તમ સામાન્ય કરવાની જીમ્મેવારી એક પીઢ અને કોઈ અંગતથી પણ વિશેષ વ્યક્તિ તરીકે નિભાવીને મેઘનાની દ્રષ્ટિ એ માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને તેના ભાગે આવેલું ઉત્તરદાયિત્વ બખૂબી નિભાવી જાણ્યું.
સુખડના હાર ચડાવેલી લલિતના સસ્મિત ચહેરા સાથેની છબીને જોઇને મેઘના બસ.. ચુપચાપ રડ્યા જ કરતી. આંખના પલકારામાં લલિત સુવાસમાં ભળી ગયો એ વાત હજુ મેઘનાનું ચિત સ્વીકારવા તૈયાર નહતું. લલિતની આડા પંથે ફંટાયેલી કેડીનું આયુષ્ય આટલું ટૂંકું હશે એવી અવાસ્તવિક કલ્પના તો મેઘનાને કોઈ કાળે ન આવે.
અચાનક જ કંઇક યાદ આવતાં તરત જ અંતરાને કહ્યું,
‘ચલ. આપણે જઈએ.’
‘ક્યાં ?’
‘લલિત મર્યો નથી પણ..તેને મારવામાં આવ્યો છે, એ વાત નક્કી છે. ચલ ફટાફટ તૈયાર થઇ જા આપણે પોલીસ સ્ટેશન જવું છે, હમણાં જ.’
મેઘનાના તેજ દિમાગમાં ત્વરિત તર્કના તણખાં એટલા માટે જર્યા કેમ કે, લલિતના મૃત્યુના ઠોસ કારણથી હજુ મેઘના અન્કોન્સીય્સ હોવાથી અજાણ જ હતી. અને જે રીતે વાર્તાનો પ્લોટ ઘડીને લલિતને રીતસર ઉઠાવી જવાયો તે પછી... આંટી ઘૂંટી ભરેલા શંકાસ્પદ સવાલ જવાબના તાણાવાણા ગૂંથીને જેણે ગુંચ ઊભી કરી તે જોતા લલિતની હત્યા જ થઇ હોવી જોઈએ એવું મેઘનાના દિમાગમાં ઠસી ગયું.
અચાનક મેઘનાને અંતરાના અપહરણના નાટકની અધુરી કડી યાદ આવતાં લલિતના આકસ્મિક અને શંકાસ્પદ મૃત્યુનું કારણ જડી ગયું. પોલીસ સ્ટેશન પહોંચતા સુધીમાં તો મેઘનાએ મનઘડત અનુમાનશૃંખલા જોડીને એક ડિટેકટીવની માફક મનોમન આરોપીનું એક ધૂંધળું રેખાચિત્ર પણ ચીતરી માર્યું.
ઉતાવળેથી શિવાજી સર્કલ પોલિસ સ્ટેશનમાં દાખલ થઈને એન્ટર થયાં ઇન્સ્પેકટર સૂર્યદેવસિંહ જાડેજાની કેબીનમાં. જોતાં વેત ઓળખી જતાં ઈન્સ્પેકટરે કહ્યું,
‘દસેક મિનીટ બહાર વેઇટ કરો, પછી હું તમને બોલવું છું.’
દસ મીનીટમાં તો દસેય દિશામાંથી સેંકડોની સંખ્યામાં સવાલોની સેના એ જાણેકે રીતસર મેઘનાના વિચારવૃતિ પર હુમલો કરીને કબ્જો કરી લીધો હોય એવી દશા મેઘનાની હતી.
ઇન્સ્પેકટરના આદેશ પછી બન્ને એન્ટર થયાં તેની કેબીનમાં.
‘એક્ચ્યુલી હું તમારી જ રાહ જોતો હતો.’
મેઘના અને અંતરા ચેરમાં બેસતાં જ ઇન્સ્પેકટર બોલ્યો.
‘કેમ ?’ મેઘનાએ પૂછ્યું.
‘કારણ કે મી, લલિત નાણાવટીના આકસ્મિક મૃત્યુના તપાસની ફાઈલ આપના સ્ટેટમેન્ટ વગર અધુરી છે એટલે.’
‘સર, સૌ પહેલાં મને તમે જેને આકસ્મિક મૃત્યુ કહી રહ્યા છો તેની...’ હજુ મેઘના તેનું વાક્ય પૂરું કરે તે પહેલાં જ સૂર્યદેવસિંહ તેના અસલી મિજાજમાં આવીને બોલ્યો,
‘હેલ્લો.. મેડમ તમારી જાણ ખાતર હું નથી કહેતો...આઈ હેવ પ્રૂફ ઓન પેપર.’ એમ કહીને તેના ટેબલના ડ્રોઅરમાંથી લલિતના કેસની ફાઈલ કાઢીને મેઘનાની સામે મુકતા બોલ્યો..
‘આ ફાઈલના પેપર્સની એક એક લાઈન આપ બારીકાઈથી વાંચો ત્યાં સુધીમાં હું આવું છું.’ એમ કહીને ઇન્સ્પેક્ટર બીજા કક્ષમાં જઈને તેના તામસી તેવરનો પરિચય આપતાં તોપ તાકી કુંદન તરફ. કોલ કર્યો કુંદનને.
‘ હેલ્લો... આ મેઘના મેડમને કારણ વગર ગરજવાની લત તો નથીને ?’
‘શું થયું ? કુંદનએ પૂછ્યું.
‘અરે..માલિક તમારા આદેશ મુજબ કેસને મારી ખુરશીને ખતરામાં મુકીને શક્ય હોય ત્યાં સુધી સરળ અને પારદર્શક રીતે પાર પાડવાની કોશિષ કરું છું. પણ આ તો જાણે સી.બી.આ.ઈના ગવર્નર હોય એમ શંકાની સોય મારી સામે તાકવાની પરેવીમાં છે.
‘કૂલ.. કૂલ મી. જાડેજા.. લીસન તમને એવું લાગે કે એ લીમીટ ક્રોસ કરીને આર્ગ્યુમેન્ટ કરે છે. તો પછી પેલું લલિતના અસલી ચરિત્રનું ચલચિત્ર બતાવી જ દેજો એ પછી કંઈપણ બોલે તો મને કહેજો.. એન્ડ ડોન્ટ વરી.’ કુંદન બોલ્યો.
‘જી ઠીક છે.’ એમ કહીને ઈન્સ્પેકટરે કોલ કટ કર્યો.
ફરી તેની કેબીનમાં આવીને ચેર પર બેસતાં મેઘનાને સંબોધીને કંઈ બોલવા જાય એ પહેલાં જ મેઘના ચહેરા પર આશ્ચય અતિરેકના ભાવ સાથેના ઉદ્દગાર સાથે બોલી..
‘પણ...આ કઈ રીતે શક્ય છે... ? આઈ કાન્ટ બીલીવ ધીઝ..’
સૂર્યદેવદેવ સિંહને થયું કે પહેલી અને છેલ્લી વાર શાંતિથી સમજાવી દઉં નહીં તો અંતે ગુપ્ત અને ગુઢ ભેદનો ભડકો કરવો જ પડશે.
‘જુઓ, મેડમ..આ સમયે હું તમારી માનસિક મનોસ્થિતિનો તાગ લગાવી શકું છું. હવે હું તમને એ ફાઈલના અમારી ઓફિસિયલ લેન્ગવેજનો શબ્દચિતાર તમારી સમક્ષ રજુ કરીને વાસ્તવિકતા સમજાવવાની કોશિષ કરું છું.’
‘જે દિવસે આ બનાવ બન્યો તે દિવસે અમને એક અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો કે, ફલાણા સ્થળ પર એક ઈજાગ્રસ્ત વ્યક્તિ પડી છે. એટલે અમે સૂચનાને અનુસરતા જે સ્થળ પર પહોચ્યાં. એ સ્થળ હતું શહેરથી થોડે દુર આવેલી એક અંડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગ સાઈટ. સ્થળ પર પહોચતાં લોહીલુહાણ હાલતમાં એક વ્યક્તિને જોતાં તરત જ એમ્બુલેંસની વ્યવસ્થા કર્યા પહેલાં ત્યાં હાજર લેબરના નિવેદન લેતાં માલુમ પડ્યું કે
અચનાક અવાજ આવતાં અમે સૌ દોડ્યા તો માલુમ પડ્યું કે, કોઈ અજાણી વ્યક્તિ ખુબ ઉંચેથી નીચે પટકાઈ છે, એટલે તેમણે અમને જાણ કરી. એ પછી રાઈટરે બે પાંચ લોકોના નિવેદન પેપરમાં ટપકાવ્યા એ પછી તેના ખિસ્સામાં રહેલાં આઈ કાર્ડ અને મોબાઈલ ફંફોસતા તમારો સંપર્ક થયો. એ પછી તેને સીટી હોસ્પિટલ લાવતા ફરજ પરના ડોકટરે ઓફિસિયલ નિવેદન આપતાં મી, લલિતને મૃત જાહેર કર્યા. અને આ ફાઈલમાં જોડેલા ટ્રાન્સપરન્ટ એવાં પોસ્ટમોર્ટમ રીપોર્ટને તમે કોઈપણ કોર્ટમાં ચેલેન્જ કરી શકો છો.’
સળંગ આટલું બોલ્યા પછી ઈન્સ્પેકટરે પાણીનો ગ્લાસ ઉઠાવ્યો.
થોડીવાર તો મેઘના અને અંતરા બંને નિશબ્દ થઇ ગયા.
અચાનક કંઇક યાદ આવતાં મેઘના બોલી,
‘પણ..સર એવું પણ બની શકેને કે, કોઈએ લલિતને કાવતરું ઘડીને એ સ્થળ પર લઇ જઈને પછી ઉંચાઈએ થી.....’ આટલું બોલતાં મેઘના રડી પડી.
મેઘના તરફ પાણીનો ગ્લાસ ધરતાં ઇન્સ્પેક્ટર બોલ્યા.
આપ પાણી પી લ્યો પછી આપની એ સચોટ શંકાનું નિવારણ કરી આપું.’
આટલું બોલીને સૂર્યદેવસિંહ એ નક્કી કરી લીધું કે, હવે આ લોકોને લલિતના લીલાની ફિલ્મ બતાવ્યેજ છુટકો થશે.
‘આવો મારી જોડે.’ ઉભાં થતાં સૂર્યદેવસિંહ બોલ્યો.
એટલે જે કક્ષ તરફ તે ચાલવા લાગ્યો મેઘના અને અંતરા પણ તેની પાછળ પાછળ અચરજ સાથે ચાલવા સાથે લાગ્યા.
એક રૂમમાં આવ્યાં પછી..સૂર્યદેવસિંહ એ ત્યાં પડેલા ચાર થી પાંચ લેપટોપ અને ડેસ્ક ટોપમાંથી એક લેપટોપમાં નું એક હિડન ફોલ્ડર ઓપન કરીને રન કરતાં બોલ્યો..
આરામથી આ વીડીઓ કલીપ જોઈ લો. એ પછી હું આવું છું. ત્યાર બાદ આપણે નિરાંતે ડિસ્કશન કરીશું. એમ કહીને તે રૂમની બહાર જતો રહ્યો અને.. મેઘના અને અંતરા જેમ જેમ એ વીડીઓ ક્લીપ જોતા ગયા તેમ તેમ વધુ ને વધુ પરસેવો છૂટતો ગયો....
-વધુ આવતાં અંકે.....
© વિજય રાવલ
'હમેં તુમસે પ્યાર ઇતના’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484