" ઓફકોર્સ.....તને મારા સિવાય બીજુ કોણ ઓળખે છે.....! " પ્રગતિએ રજતની આંખોમાં જોઈને કહ્યું ને પછી આઈસ્ક્રીમની ટ્રે ઉઠાવીને ત્યાંથી જતી રહી.....
આઈસ્ક્રીમ ખાઈને થોડીવાર મસ્તી મજાક કરી. રાત ઘણી થઈ ચૂકી હતી એટલે રજતએ રોહિત અને આયુને ત્યાં જ રોકી લીધા અને પ્રગતિ અને વિવેક બધાની વિદાય લઈને નીકળી ગયા.....
સમય એની ગતિએ વિતતો જતો હતો. લગભગ એક મજબૂરીમાં જ બંધાયેલા સંબંધમાં પ્રગતિએ શ્વાસ પરોવવાનું કાર્ય ચાલુ જ રાખ્યું હતું. એની નાની મોટી કોશિશ વિવેકને હંમેશા ખુશ કરી દેતી પરંતુ વિવેકને એ પણ ધ્યાનમાં હતું કે પ્રગતિ જ્યારે રજત સાથે રહેતી ત્યારે એ સૌથી વધારે ખુશ રહેતી. ધીમે ધીમે વિવેકને ક્યાંક અંતરમાં એવું લાગતું રહેતું કે પ્રગતિ પોતાની સાથે ક્યારેય આટલી ખુશ નહીં રહે. દિવસે દિવસે એના એ જ વિચારો એના મગજમાં તીવ્રતાથી ચાલતા રહેતા ફરી ફરીને એને સંજયભાઈએ પોતાને કહેલી વાત યાદ આવતી રહેતી પરિણામે વિવેકની આ માનસિકતાની સામે પ્રગતિની જુદી જુદી કોશિશો પર પાણી ફરી વળતું.....
રોહિત આયુનું ખૂબ જ ધ્યાન રાખી રહ્યો હતો. રોહિત સવારથી સાંજ સુધી કામ પર જતો અને સાંજે આયુ અને રોહિત બંને એકસાથે ભણવા બેસતા. આયુને જે કંઈ ન સમજાય એમાં રોહિત એની મદદ કરતો રહેતો.....એકવખત આમ જ બંને વાંચવા બેઠા હતા.....આયુ આખું પલંગ ભરીને બેઠી હતી અને રોહિત સ્ટડી ટેબલ પર બધું વ્યવસ્થિત ગોઠવીને વાંચી રહ્યો હતો....
આયુએ હાથમાં પકડેલી પેન્સિલ જોરથી પલંગ પરથી નીચે ફેંકી અને મોઢું પલંગ પર પડેલી ચાદરમાં ખોંસીને બેઠા બેઠા જ સુઈ ને મોટા મોટા ડૂસકાં ભરવા લાગી......" નથી થતું....."
" અરે.....આટલો બધો સ્ટ્રેસ નહિ લે....." રોહિત ઉભો થઈને એની પાસે આવ્યો. " બોલ શું નથી થતું ? " આયુએ બાજુમાં પડેલી ચોપડી સુતા સુતા જ ઉપર કરી. રોહિત એ ચોપડીને લઈને એની બાજુમાં બેસી ગયો....
પંદર વીસ મિનિટ પછી ચાદર હટાવીને આયુ ઉભી થઇ. એણે પોતાની આંખો સાફ કરી. રોહિત હજુ આયુની પ્રૉબ્લેમ જ સોલ્વ કરી રહ્યો હતો......આયુએ બરાબર આંખો સાફ કરી અને ચોપડીમાં એક નજર કરી. " એ લાવ તો....." એણે રોહિત પાસેથી એ બુક લઈ લીધી....
" યસ......" પાંચ જ મિનિટમાં આયુએ એ પ્રોબ્લેમ સોલ્વ કરી લીધો. એનો ચહેરો ખુશીના મારે ખીલી ઉઠ્યો હતો. જે પ્રોબ્લેમ રોહિત સોલ્વ ન કરી શક્યો એ આયુએ કરી લીધો. આયુ આટલી બધી હોંશિયાર છે એવી રોહિતને ખબર નહતી. રોહિતને મનમાં એની જિંદગી ખરાબ કરવા માટે અપરાધભાવ જન્મવા લાગ્યો. અનાયાસે જ એનો જમણો હાથ પોતાના મોઢા પર આડો મુકાય ગયો....
" એય..... શું થયું ? " ખુશ ખુશ થયેલી આયુએ રોહિતનો હાથ પકડીને ખેંચ્યો.
" કંઈ નહીં....." રોહિતનો અવાજ સાવ ધીમો અને રડમસ હતો.
" એય....." આયુ ગોઠણ પર ઉભી થઈને એને ભેટી. " આઈ લવ યુ...." પછી એણે રોહિતના ગાલ ખેંચીને સાવ બાળક બોલીમાં કહ્યું , " શું થયું ? "
" મેં તારી જિંદગી બગાડી નાખી હેને...." રોહિતએ આયુના હાથ પકડીને એને નીચે બેસાડી અને પોતે પલંગ પરથી ઉભો થવા ગયો.
" આવું કેમ બોલે છે....? જે કંઈ પણ થયું એને તું ગુનો માને છે ખરું ને....! " આયુએ એનો હાથ પકડીને એને પાછો પલંગ પર બેસાડ્યો.
" રોહિત, દરેકના જીવનમાં સંઘર્ષ હોય જ છે.....ફેર માત્ર એટલો છે કે એના પ્રકાર જુદા જુદા હોય છે......જે કંઈ થયું હતું એટલીસ્ટ હવે તો હું એને ભૂલ નથી જ ગણતી......હું ખુશ છું..... એન્ડ આઈ મીન ઇટ. તું શું કામ ખોટી ચિંતા કરે છે.....? " આયુ બે પગ વાળીને રોહિતની સામે ગોઠવાય. " જો...." આયુએ રોહિતનો હાથ લઈ પોતાના પેટ પર મુક્યો. " ફિલ ઇટ. હાવ લકી વી આર.....! ઇટ્સ અ ગોડ ગિફ્ટ. " આયુ આંખો પલકારીને સહેજ હસી. રોહિતએ એને પકડીને સીધું જ પોતાના બાહુપાશમાં લઈ લીધી.....
શનિવારે પ્રગતિ બા ને મળવા ગઈ હતી એટલે રવિવારની સવારે એણે તેડવા આવેલી કારમાં એ બંસલ મેન્શન પાછી જઈ રહી હતી. અડધા રસ્તાની વચ્ચે બે ત્રણ જાટકા સાથે કાર બંધ પડી ગઈ....
" શું થયું ? " પાછળ બેઠેલી પ્રગતિએ પૂછ્યું.
" લગતા હૈ ખરાબ હો ગઈ. મેડમ, આપકો ઘર પે છોડ કે સર્વિસ મેં હી દેની થી.....લેકિન્ન યે તો પહેલે હી...." ડ્રાઇવરે કહ્યું.
" અચ્છા....અબ ? " પ્રગતિએ પૂછ્યું.
" દેખતા હું " ડ્રાઇવર ગાડીની બહાર નીકળ્યો. બે મિનીટ પછી પ્રગતિ પણ ત્યાંથી નીકળીને બહાર ઉભી રહી. આજુબાજુ નજર ફેરવતા એને એક કેક શોપ દેખાય એટલે એને યાદ આવ્યું કે એકવાર સુમિત્રાએ કહ્યું હતું કે વિવેકને આ બેકરીની કેક બહુ ભાવે છે.....
" ભૈયા મેં ઝરા દો મિનિટ મેં આયી...." પ્રગતિ એ કેક શોપમાં અંદર ગઈ. એણે બે પેસ્ટ્રી પાર્સલ કરવાનો ઓર્ડર આપ્યો. જ્યાં સુધી પાર્સલ આવે ત્યાં સુધી એ આસપાસની વસ્તુઓ જોઈ રહી હતી.
" આ ચોકલેટ પણ આપજો ને...." કહ્યા પછી પ્રગતિને યાદ આવ્યું કે હવે આયુ એની સાથે નથી રહેતી. પ્રગતિની આંખ ભરાય આવી પછી એણે એક સ્મિત કર્યું.
" તમારું પાર્સલ મેડમ " પ્રગતિએ હેન્ડબેગમાંથી ચોકલેટ પાછી કાઢી...." આ નથી જોઈતી. થેક્યું " પ્રગતિ પાછળ ફરી ત્યારે સામે ઉભેલા રજતએ પ્રગતિને ડરાવી. પ્રગતિ સહેજ પાછળ ખસી ગઇ.
પ્રગતિએ માથે હાથ દીધો અને પછી કહ્યું, " રજત, તારા આવા જ ખેલથી એકદિવસ કોઈને હાર્ટ અટેક આવી જશે. "
" આવ્યો તો નહીં ને....મતલબ સિચ્યુંએશન ઇસ ઇન કંટ્રોલ..." રજતએ નખરા કર્યા.
" તું નહિ જ સુધરે....અહીંયા ક્યારે આવ્યો ? " પ્રગતિએ પૂછ્યું.
" કાલે જ......ગમે ત્યાં રખડો પણ રવિવારે તો ઘર ભેગા જ થવાનું....." રજતએ કહ્યું.
" હમ્મ....સાચું " પ્રગતિ હસી. " પેસ્ટ્રી ખાવી છે ? " પ્રગતિએ પૂછ્યું.
" હવે....મહોતરમાં, આપ ખવડાવશો તો જરૂર ખાઈશું...." રજતએ કહ્યું.
" વેઇટ..." પ્રગતિ ઊંઘી ફરીને ફરીથી ઓર્ડર આપવા ગઈ. " એ...રે....હું તો એમ જ કહેતો હતો....." રજતએ પ્રગતિનો હાથ પકડીને એને પાછી ફેરવી.
" કેમ....ખાઈએ એમાં શું ? " પ્રગતિએ કહ્યું.
" ના રે ના....આવા અંગ્રેજી સામાન અમને ન પચે...." રજતએ કહ્યું. આ વખતે પ્રગતિનો ચહેરો સહેજ અકડાયો.
પ્રગતિ ત્યાંથી જતી હતી. રજત ઉતાવળે પગે એની બાજુમાં ચાલવાના પ્રયત્ન કરતો રહ્યો...." મારી સામે છે ને બહુ હોંશિયારી કરતો જ નહીં....સમજાયું."
" પરી....."
" તને શું શું પચે છે ને....એ હું બરાબર જાણું છું....." બંને એ દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા.
" મેડમ યે તો નહીં હો પાયેગા....દુસરી ગાડી મંગવાલું ? " પ્રગતિને બહાર આવતા જોઈને ડ્રાઇવરે પૂછ્યું.
" ક્યોં ? ક્યાં હુઆ ? " રજતએ કુતૂહલવશ ડ્રાઇવરને પૂછ્યું.
" ગાડી ખરાબ હો ગઈ હૈ સાહબ....." એણે કહ્યું.
" અચ્છા....." રજતએ પ્રગતિની સામે જોયું..." મેં છોડ દેતા હું...."
" કોઈ જરૂર નથી. હું જતી રહીશ...." પ્રગતિએ કહ્યું.
" મેં તને પૂછ્યું નથી કહ્યું છે....ફાલતુમાં રસ્તા વચ્ચે સીન ક્રિએટ નઈ કર.....ચાલ.....પ્લીઝ " રજતએ ખૂબ જ શાંતિથી કહ્યું. પ્રગતિ ચુપચાપ ગાડીમાં જઈને બેસી ગઈ. સ્વભાવ મુજબ રસ્તામાં હસાવી હસાવીને રજતએ પ્રગતિને મનાવી જ લીધી. રજતની કાર બંસલ મેન્શનની બહાર ઉભી રહી ત્યારે વિવેક સુમિત્રાના રૂમમાં બેઠો હતો. સુમિત્રા હંમેશાની જેમ સવારમાં ઠાકોરજીની માળા તૈયાર કરી રહ્યા હતા અને વિવેક ઉભો ઉભો ચા પી રહ્યો હતો.
પ્રગતિ કારમાંથી હસતા હસતા બહાર નીકળી. " આવ ને...." પ્રગતિએ રજતને કહ્યું.
" પછી ક્યારેક......બાય...." રજતએ કહ્યું અને પ્રગતિ અંદર આવી. મા ની બાલ્કનીમાં ઉભા ઉભા વિવેકએ આ જોયું. એ સીધો જ પોતાના રૂમમાં ગયો. વિવેકને આમ અચાનક ચાલ્યા જવાથી સુમિત્રાને નવાઈ લાગી. પ્રગતિ ખુશ થઈને રૂમમાં પહોંચી ત્યારે વિવેક બેઠક રૂમમાં એમ જ એક મેગેઝીન લઈને એની રાહ જોતો બેઠો હતો....
" અ.... મા એ મને કહ્યું કે તને તેડવા ગાડી મોકલી હતી....." વિવેકએ અચકાતા અચકાતા કહ્યું.
" હા......પણ "
" તો....તો રજત સાથે કેમ આવી ? તને દુનિયામાં એના સિવાય કોઈ દેખાતું જ નથી ને....." વિવેકનો અવાજ સહેજ ઊંચો થઈ ગયો.
" વિવેક હું...." પ્રગતિ આગળ બોલે એ પહેલાં વિવેક ફરીથી બોલવા લાગ્યો...." પ્રગતિ, તને કોઈની કંપની જ જોઈતી હતી તો મને ફોન કરી દેવો જોઈએને....હું આવી જાત તને તેડવા....જ્યારે હોય ત્યારે બસ રજત રજત...." પ્રગતિ અવાચક નજરે વિવેકને જોઈ રહી. હવે એને ચૂપ રહેવામાં જ સમજદારી દેખાય.
" હવે આમ ઉભી છે શું.....બોલતી કેમ નથી...." વિવેકનો અવાજ હજુ એટલો જ ઊંચો હતો. આખાય સંવાદમાં એણે પ્રગતિ સાથે નજર મેળવવાનું ટાળ્યું હતું.
પ્રગતિએ એક નિસાસો નાખ્યો. ચુપચાપ વિવેક જ્યાં બેઠો હતો એની સામે પોતે લાવેલી પેસ્ટ્રીનું બોક્સ મૂકીને પ્રગતિ ત્યાંથી જતી રહી.....હજુ સુધી પોતાની જ ધૂનમાં બોલતા વિવેકનું ધ્યાન પ્રગતિએ પોતાના હાથમાં પકડેલા બોક્સ પર હતું જ નહીં. હવે એને આ બોક્સ પોતાની નજર સમક્ષ જોઈને અજુગતું લાગ્યું. એણે બોક્સ ખોલ્યું. પ્રગતિ ખાસ એના માટે એની ફેવરિટ પેસ્ટ્રી લાવી હતી એ જોઈને વિવેકને પોતાના વર્તન પર પારાવાર અફસોસ થયો....પેસ્ટ્રીનું બોક્સ ત્યાં જ છોડીને વિવેક પ્રગતિ સાથે વાત કરવા એની પાછળ ગયો......
To be Continued
- Kamya Goplani