Pati Patni ane pret - 14 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | પતિ પત્ની અને પ્રેત - ૧૪

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પતિ પત્ની અને પ્રેત - ૧૪

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૪

નરવીર નાગદાને પત્ની તરીકે સ્વીકારી રહ્યો ન હતો. નાગદા એની પત્ની તરીકેનો હક્ક ભોગવવા ઉતાવળી બની હતી. નાગદાએ પોતાના રૂપનો જાદૂ ચલાવી જોયો એમાં સફળ થઇ ન હતી. નાગદાને થયું કે આ કમાલનો પુરુષ છે. રૂપનો જામ એના મોં સુધી આપું છું છતાં તરસ્યો જ રહે છે. હું રૂપનો કટકો છું. મારો લટકો સવા લાખનો છે. કોઇપણ પુરુષને દિલથી ઘાયલ કરે એવી મારી કંચનવર્ણી કાયા છે. એનાથી નરવીર મોહિત થઇ રહ્યો નથી. મારા અંગેઅંગ ખીલતી ગુલાબની પાંખડીઓ જેવા છે. બીજો કોઇ પુરુષ હોય તો આવું દઝાડતું રૂપ જોઇને મારી કાયાને ભીંસી નાખે. આ નર દૂર ભાગે છે. નરવીર શરીરથી ઘાયલ છે એટલે મારી સાથે સંબંધ બાંધતાં અચકાય છે. હજુ એને પોતે મારો પતિ હોવાનો વિશ્વાસ પણ આવી રહ્યો નથી. હું એને પતિના રૂપમાં લાવીને જ છોડીશ. આ જ તો મારું ધ્યેય છે. સમય ઓછો છે પણ ઉતાવળ કરવાથી બાજી બગડે એમ છે.

ઘણો બધો વિચાર કરીને નાગદાએ યોજના બદલી. નાગદાએ નક્કી કર્યું કે એ થોડા દિવસ પોતાના રૂપને ઢાંકેલું રાખશે. નરવીર અજાણતાં એના રૂપનો દીવાનો બને એવું કંઇક કરવું પડશે. સામે ચાલીને બધું ધરી દેવાથી એને કિંમત સમજાઇ નથી. હું મારું રૂપ એના પર લૂંટાવી દેવા અધીરી બની એ વાતને એ બીજો કોઇ ઇરાદો સમજી રહ્યો છે. નાગદા બીજા રૂમમાં જઇને થોડીવાર માટે આડી પડી. તેણે પોતાના કપડાં અસ્તવ્યસ્ત રાખ્યા હતા.

નાગદાની ગણતરી સાચી પડી. નરવીર એકલો કંટાળ્યો એટલે ધીમે ધીમે ચાલતો તે સૂતી હતી એ રૂમમાં પ્રવેશ્યો. નાગદાને ઊંઘતી જોઇ તેને ખલેલ પહોંચાડવી નથી એમ વિચારી નરવીર પાછો ફરવા જતો હતો. નાગદાએ ચાલાકીથી પડખું ફર્યું અને તેના પગની ગોરી પીંડીઓ દેખાવા લાગી. તેની ખુલ્લી કમર પરનો કંદોરો આકર્ષક લાગી રહ્યો હતો. નરવીરની આંખો ત્યાં ચોંટી ગઇ. તેને દિલમાં કંઇક થવા લાગ્યું. તે ધીમે ધીમે નજીક આવ્યો અને નાગદાને પગથી માથા સુધી જોઇ રહ્યો. તેનું ગોરું મદમાતું શરીર નરવીરને નજીક ખેંચી રહ્યું હોય એમ લાગ્યું. નરવીર એકદમ નજીક ગયો અને તેના ખુલ્લા પગ અને કમર પરનાં કપડાં સરખા કરી બહાર નીકળી ગયો. નાગદા ફરી નિરાશ થઇ. એક કલાક સુધી તે પડી રહી. પછી ઉભી થઇને રસોડામાં જઇ ચા બનાવવા લાગી. તેણે ગીત ગણગણવાનું શરૂ કર્યું.

આવી જા...પ્રિયવર, આવી જા...

તું મારા દિલમાં સમાઇ જા...

તારા પ્રેમમાં તડપું રાતદિન,

તું મારા તનમાં સમાઇ જા...

તેનું ગીત સાંભળી નરવીર રસોડા સુધી ખેંચાઇ આવ્યો. તેની હાજરીથી અજાણ હોવાનો ડોળ કરતી નાગદા મનમાં ખુશ થઇ રહી હતી.

નરવીરે આવીને અટકાવતાં કહ્યું:"સુંદર ગીત ગાતાં ચા બનાવી રહી છે એટલે તેનો સ્વાદ વધી જશે એમ લાગે છે..."

નરવીરે તેના અવાજના કે રૂપના વખાણ કરવાને બદલે ચાના વખાણ કર્યા એ વાતથી નાગદાને આંચકો લાગ્યો. એ તેણે કળાવા દીધું નહીં.

તે બોલી:"અરે પ્રિયવર! તમે આરામ કરો. અહીં સુધી કેમ આવી ગયા?"

"તારા અવાજના જાદૂથી ખેંચાઇ આવ્યો. અહીં આવીને ચાની સુગંધ લલચાવી રહી છે. ચાલ જલદી લઇને આવ..." કહી નરવીર જતો રહ્યો.

નાગદા સાથે ચા પીને નરવીરને તાજગીનો અહેસાસ થયો. મન ખુશ કરી દે એવી ચા હતી.

નરવીરે બારીમાંથી દેખાતું નજીકનું જંગલ ચીંધીને કહ્યું:"આપણે ત્યાં જઇને ફળફૂલ લાવીએ છીએ?"

"હા..."

"અને વેચવા ક્યાં જઇએ છીએ?"

"જંગલમાંથી બહાર નીકળીને એક શહેરમાં વેપારીઓને આપી આવીએ છીએ..."

"ચાલ આજથી ફરી આપણો ધંધો શરૂ કરીએ..."

"પ્રિયવર! તમે હજુ સંપૂર્ણ સાજા થયા નથી. હમણાં થોડા દિવસ હું એકલી જ કામ સંભાળીશ. તમે આરામ કરો."

ત્યાં ઘરની બહાર ચારે તરફ વાડની વચ્ચે બનાવેલા લાકડાના દરવાજાની ઘંટડી વાગી. નાગદા ચમકી ગઇ. સહજ બનીને પોતાને જ પૂછતી હોય એમ બોલી:"અત્યારે કોણ આવ્યું હશે?"

નરવીર કહે:"ચાલ આપણે જોઇ આવીએ..."

નાગદા એકદમ બોલી:"તમે આરામ કરો. પગમાં દુ:ખાવો વધશે અને જલદી સાજા નહીં થાવ."

નરવીરના જવાબની રાહ જોયા વગર નાગદા દોડતી બહાર ગઇ. જેથી નરવીર તેની સાથે આવી ના શકે.

તેણે બહાર જઇને દરવાજા પાસે જોયું. આવનારનો ચહેરો જોઇ નાગદા ચોંકી ગઇ.

***

જામગીરે કહ્યું કે ચિલ્વા ભગતના મંત્રેલા ધૂળ-પાંદડાથી જયનાની લાશ સળગવા લાગી હતી. જયનાને એ પછી મોક્ષ મળી ગયો કે નહીં એ જાણવાની ઉત્સુક્તા દરેકના ચહેરા પર હતી. રિલોકે જ્યારે પૂછ્યું ત્યારે જામગીર કંઇક વિચારમાં પડી ગયા હતા. કંઇક વિચારીને તે બોલ્યા:"મને લાગે છે કે હવે પછીની વાત તમે ચિલ્વા ભગત પાસેથી જ જાણો એ વધારે સારું રહેશે..."

રેતાને નવાઇ લાગી:"કાકા, અમે વિરેનને શોધવા માટે તમારી પાસેથી કોઇ કડી મળે એવું માનતા હતા. અમને તો સમજાતું જ નથી કે અમને કેમ ફેરવી રહ્યા છો. તમે કહ્યું કે વિરેનને સારવાર આપનાર નર્સ ડૉ.ઝાલનની છોકરી જયના હતી. એ તો મરી ગઇ છે. તો શું એ છોકરી ભૂત બનીને અહીં આવી હતી? અને એ વિરેનને ક્યાં લઇ ગઇ?"

જામગીરને અચાનક ખાંસી ચડી. તે હાંફતાં બોલ્યા:"બેટા, એ માટે જ હું તમને ચિલ્વા ભગતને મળવાનું કહું છું. એમની મદદ લેવી જ પડશે...જયનાનું મોત, અહીં તેનું દેખાવું અને તમારા પતિનું ગૂમ થવું એ બધી જ ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલી છે..."

"કાકા, જયનાના મોતને મારા પતિના ગૂમ થવા સાથે શું લાગેવળગે? એ તો જયનાને ઓળખતા જ ન હતા..."

રેતા પૂછતી હતી ત્યારે તેના મોબાઇલની રીંગ વાગી. ઘરેથી વિરેનના માતા દક્ષાબેનનો ફોન હતો. રેતાએ ફોન ઉઠાવ્યો એ સાથે જ પૂછવા લાગ્યા:"બેટા... વિરેન મળી ગયો ને?"

"મા, અમે શોધીએ છીએ...." રેતાએ વિરેનના અકસ્માત અને દવાખાનામાં દાખલ થયા અંગેની વાત છૂપાવીને કહ્યું:"એક જગ્યાએ એ ગયા હોવાનું રિલોકે કહ્યું એટલે ત્યાં તપાસ માટે જ આવ્યા છે. પોલીસની મદદ લીધી છે. તમે ચિંતા ના કરશો. વિરેનને લઇને જ પાછા આવીશું..."

"વિરેન હજુ મળ્યો નથી? ગિનિતા પણ ચિંતા કરે છે. એનું વાંચવામાં મન લાગતું નથી. ક્યારના તારો સંપર્ક કરવા પ્રયત્ન કરતા હતા. ફોન જ લાગતો ન હતો. તું અમને સમાચાર આપતી રહેજે અને સાચવજે..."

"હલ્લો..." રેતા વધારે કંઇ કહે એ પહેલાં જ નેટવર્ક જતું રહ્યું અને ફોન કપાઇ ગયો. રેતાને થયું કે થોડી વાત થઇ ગઇ એ સારું થયું.

રેતાએ સમય બગાડવાને બદલે જામગીરને કહ્યું:"કાકા, ચાલો આપણે ચિલ્વા ભગત પાસે જઇએ..."

રેતાએ ડ્રાઇવર સુરેખ અને શીવલાલને ત્યાં જ રોકાવાનું કહ્યું. ચાલતાં-ચાલતાં જવાનું હતું એટલે થોડો સમય લાગ્યો. રસ્તામાં બધાં ચૂપ જ રહ્યા. જામગીર એમને નજીકમાં જ આવેલા ચિલ્વા ભગતના ઘર પાસે લઇ ગયા. ચિલ્વા ભગતનું ઘર રેતાને થોડું અજીબ લાગ્યું. ઘર ઉપર છાપરા જેવું હતું પણ આખા છાપરા પર મોરનાં પીછાં પાથરેલા હતા. દરવાજા પર રુદ્રાક્ષની માળાના તોરણ લટકેલા હતા. ઘરની બાજુમાં અગ્નિકુંડ હતો. જેમાં થોડા લાકડા અર્ધબળેલા હતા. ઘરની આસપાસની વસ્તુઓ પરથી અંદાજ આવતો હતો કે ચિલ્વા ભગત મંત્ર-તંત્રનો સાધક છે.

જામગીરે દરવાજો ખખડાવ્યો. થોડીવાર પછી હાથમાં ચિપિયો ખખડાવતા ચિલ્વા ભગત બહાર આવ્યા અને બોલ્યા:"બોલો બમ બમ બમ... બલા ભાગે રમ રમ"

રેતાએ ચિલ્વા ભગતને પ્રણામ કર્યા. ચિલ્વા ભગતે રેતા પર એક નજર નાખી. તેના ચમકતા મંગળસૂત્ર પર ત્રાટક કરતાં હોય એમ જોઇ રહ્યા પછી બોલ્યા:"આ મંગળસૂત્રને સાચવજે..."

રેતાને નવાઇ લાગી. ચિલ્વા ભગત આમ કેમ કહી રહ્યા છે? ત્યાં તે આગળ બોલ્યા:"મને ખબર હતી કે તું અહીં આવશે..."

રેતાનું વધારે આશ્ચર્ય થયું અને સાથે ડર પણ વધ્યો. તો શું ચિલ્વા ભગતને વિરેન વિશે કંઇ ખબર છે?

વધુ પંદરમા પ્રકરણમાં...

***