THE GOLDEN SPARROW - 10 - Last part in Gujarati Love Stories by Rahul Makwana books and stories PDF | THE GOLDEN SPARROW - 10 - Last part

Featured Books
Categories
Share

THE GOLDEN SPARROW - 10 - Last part

10.

 

(કિશોરભાઈ, રંજનબેન અને ભાર્ગવીને ડૉ. રાહુલની મદદ દ્વારા ખરી વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે કે તેનો પુત્ર રાજ એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ તે સૂર્યપ્રતાપગઢનાં રાજકુમાર વિક્રમસિંહનો જ પુનર્જન્મ છે, ત્યારબાદ ડૉ. રાહુલ જ્યારે રાજનાં શરીર પર વિક્રમસિંહનો પ્રભાવ હતો, એ દરમિયાન રાજ પાસેથી ઘણી બધી માહિતી મેળવવામાં સફળ રહે છે...પરંતુ હજુસુધી રાજનો કેસ ઉકેલવા માટે અમુક કડીઓ ખૂટી રહી હોય તેવું  ડૉ. રાહુલ અનુભવી રહ્યાં હતાં..)

 

સો વર્ષ પહેલાં

 

સમય : રાત્રીનાં 9 કલાક.

સ્થળ : સૂર્યપ્રતાપગઢની બહાર ટેકરીઓમાં આવેલ બાબા અઘોરાની ગુફા

 

બાબા અઘોરા ઘનઘોર ગુફામાં બેઠા હતાં, તેની સામે એક મોટી ધૂણી સળગી રહી હતી, જેનો પ્રકાશ એ અંધકારમય ગુફામાં ચારે બાજુએ ફેલાય ગયેલો હતો, બાબા અઘોરા હાલ ધ્યાનમુદ્રામાં બેસેલા હતાં, અને સાથો સાથ તેઓ મનમાં કોઈ મંત્રોચ્ચાર કરી રહ્યાં હતાં. તેની બરાબર સામે આવેલાં આસન પર એક પહાડી, અને મજબૂત બાંધો ધરાવતો વ્યક્તિ બાબા ધ્યાનમાંથી બહાર આવે તેની રાહ જોઈને બેસેલ હતો...થોડીવાર બાદ બાબા અઘોરા ધ્યાનમાંથી બહાર આવે છે, હળવે હળવે પોતાની બંને આંખો ખોલે છે. પોતાનાં ચહેરા પર હળવેકથી હાથ ફેરવતાં ફેરવતાં બોલે છે.

 

"શું વાત છે ! આજે સેનાપતિ ભાનુપ્રતાપને બાબા અઘોરાની શું આવશ્યકતા આવી પડી..?" - ભાનુપ્રતાપ સામે જોઇને બાબા અઘોરા પૂછે છે.

 

"બાબા ! વાત જ એવી છે કે મારે તમારી મદદની આવશ્યકતા આવી પડેલ છે!" ભાનુપ્રતાપ પોતાનાં બે હાથ જોડીને પોતાની વાતની શરૂઆત કરતાં બોલે છે.

 

"હા..બોલો વત્સ..!" બાબા પોતાનો હાથ ઊંચો કરતાં બોલે છે.

 

"બાબા ! એક યુવતી કે જેનું નામ ઈંન્દુમતી છે જે કુન્તલપ્રદેશની રાજકુમારી છે તે મારા મનમાં વસી ગઈ છે અને હું કોઈ પણ ભોગે તેને મેળવીને કાયમિક માટે મારી બનાવવા માંગુ છું પણ…!" ભાનુપ્રતાપ થોડુંક અટકતા બોલે છે.

 

"પણ...શું વત્સ..!" બાબા અઘોરા ભાનુપ્રતાપ સામે જોઇને પૂછે છે.

 

"જી ! બાબા વાત એવી છે કે હું જે ઇન્દુમતીને ચાહી રહ્યો છું, તે અને અમારા રાજકુમાર વિક્રમસિંહ એકબીજાને પ્રેમ કરી રહ્યાં છે...અને આવતીકાલે ઇન્દુમતી રાજકુમારને મળવા માટે સૂર્યપ્રતાપગઢ આવવાની છે."

 

"ચિંતા ના કરીશ વત્સ ! હું તને આ મંત્રીત પાણી આપું છું, જે તું ઇન્દુમતીને પીવડાવી દઈશ એટલે રાજકુમારી ઇન્દુમતી તારા વશમાં થઈ જશે અને કાયમિક માટે તારી જ બનીને રહશે..!" બાબા અઘોરા એક નાની બોટલમાં મંત્રીત પાણી આપતાં જણાવે છે.

 

"બાબા અઘોરાની જય હો…!" ભાનુપ્રતાપ પોતાનાં બે હાથ જોડીને અઘોરાબાબાનો આભાર માની  ઊભાં થતાં બોલે છે.

 

◆◆◆◆◆◆◆◆

 

બીજે દિવસે

 

સમય : સવારનાં 11 કલાક.

સ્થળ : સૂર્યપ્રતાપગઢની સરહદ.

 

ભાનુપ્રતાપ પોતાનાં અમુક અમુક અંગત અને વિશ્વાસુ સૈનિકોને લઈને સૂર્યપ્રતાપગઢની સરહદે ઘોડાઓ સાથે ઊભેલાં હતાં. જ્યારે આ બાજુ વિક્રમસિંહ ઇન્દુમતી પોતાનાં રાજમહેલે ક્યારે પહોંચે તેની  ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. વિક્રમસિંહ ઇન્દુમતી મળવા માટે ખૂબ જ બેબાકળો થતાં  હોવાથી,  તેઓએ પોતાનો વિશ્વાસુ મિત્ર અને સેનાપતિ એવાં ભાનુપ્રતાપને સૂર્યપ્રતાપગઢની સરહદ પર રાજકુમારીને આવકારવા માટે મોકલી દીધેલ હતાં. પરંતુ આજે વિક્રમસિંહને જે વાસ્તવિકતાનો સામનો કરવાનો થશે તે વિશે તેણે સપનામાં પણ નહીં વિચારેલ હશે..તેણે ક્યારેય નહીં વિચાર્યું હશે કે પોતે જેનાં પર આંધળો વિશ્વાસ કરી રહ્યાં છે, એ વિક્રમસિંહ પોતાની સાથે વિશ્વાસઘાત કરી બેસશે.

 

હજુપણ ભાનુપ્રતાપ પોતાનાં સૈનિકો સાથે સૂર્યપ્રતાપગઢની સરહદ પર તૈનાત હતાં, તેઓની નજર દૂર દૂર ક્ષિતિજો તરફ રાજકુમારી ઇન્દુમતી આવે તેની કાગડોળે રાહ જોઈ રહી હતી.જેવી રીતે વર્ષોના દુકાળ બાદ ધોધમાર વરસાદ આવે અને ખેડૂતોનાં ચહેરા પર ખુશીઓ છવાય જાય, તેવી જ રીતે દૂર દુરથી આવી રહેલ ઘોડાનાં પગલાંનો "તબડક - તબકડ" એવો અવાજ સાંભળી, અને આકાશમાં ઊંચે ઊંચે ચડેલી ધૂળની ડમરીઓ જોઈને તે બધાનાં ચહેરા પર ખુશીઓ છવાય ગઈ.

 

જોત - જોતામાં એક પાણીદાર,સફેદ અને સ્ફૂર્તિલા ઘોડાં પર સવાર થઈને રાજકુમારી ઇન્દુમતી ભાનુપ્રતાપ પોતાનાં સૈનિકો જે સ્થળે ઊભેલાં હતાં, ત્યાં આવી પહોંચે છે, ઇન્દુમતીને જોઈને તેને સન્માન આપવાં માટે બધાં જ સૈનિકો જમીન પર બેસીને સલામી ભરે છે.

 

"મનમોહક, સુંદર અને હરીયાળા સૂર્યપ્રતાપગઢમાં તમારું હાર્દિક સ્વાગત છે...હું સેનાપતિ ભાનુપ્રતાપ મારા સૌનિકો સાથે રાજકુમાર વિક્રમસિંહની આજ્ઞાનુસાર તમારી ખીદમતમાં હાજર છું." ભાનુપ્રતાપ પોતાનો પરિચય  આપતાં રાજકુમારી ઇન્દુમતીની સામે જોઇને થોડું ઝૂકીને બોલે છે.

 

સૂર્યપ્રતાપગઢની સરહદ પર પોતાનો આવો મીઠો અને ભવ્ય આવકાર જોઈને ઇન્દુમતી ખુશખુશાલ થઈ ગઈ. પોતાનાં ખાસ આવકાર માટે વિક્રમસિંહે સેનાપતિ ભાનુપ્રતાપને મોકલ્યાં...આ જોઈ ઇન્દુમતીને વિક્રમસિંહ પર વધુ માન થઈ આવ્યું.

 

"રાજકુમારી ! આ લો આ પાણી પીઓ, જે ખાસ તમારા માટે વિક્રમસિંહે મોકલાવેલ છે. જે અલગ અલગ પ્રકારની આયુર્વેદિક જડ્ડીબુટીઓ યુક્ત છે, જે પળવારમાં તમારો મુસાફરીનો થાક દૂર કરી દેશે.." - ભાનુપ્રતાપ બદઈરાદા સાથે ઇન્દુમતીને પાણીની બોટલ આપતાં જણાવે છે. રાજકુમારી ઇન્દુમતી પણ વિક્રમસિંહનાં પ્રેમમાં એટલી બધી મોહાંધ બની ગયેલ હતી કે તે ભાનુપ્રતાપનાં બદઈરાદાને પારખવામાં નિષ્ફળ રહી…

 

જ્યારે આ બાજુ વિક્રમસિંહ  ઇન્દુમતીનાં વિચારોને વિચારોમાં પોતાનાં રાજમહેલમાં આમતેમ આંટા મારી રહ્યાં હતાં, હાલ તેને એક ક્ષણ પણ કલાક જેટલી લાંબી લાગી રહી હતી. હાલ બપોરનાં 1 કલાક જેટલો સમય થઈ ગયો હોવાં છતાંય રાજકુમારી ઈંન્દુમતીનાં કોઈ જ સમાચાર મળેલ હતાં નહી.. ખૂબ જ વિચાર્યા બાદ વિક્રમસિંહ પોતાની જાતને વધુ રોકી ના શક્યા, આથી વિક્રમસિંહ પોતાનાં ઘોડાને લઈને વાયુવેગે સૂર્યપ્રતાપગઢની સરહદ  તરફ આગળ ધપવાં માંડે છે.

 

 

◆◆◆◆◆◆◆◆◆◆

 

વર્તમાન સમય...

 

સમય : સાંજનાં 6 કલાક.

સ્થળ : સૂર્યપ્રતાપગઢની સરહદ

 

એક ઇનોવા કાર સૂર્યપ્રતાપગઢ તરફ પુરઝડપે આગળ ધપી રહી હતી, જે કાર પર "ડોકટર" નો સિમ્બોલ હતો, આગળની તરફ ડૉ. રાહુલ બેસેલા હતાં, તેની બાજુમાં એટલે કે ડ્રાઇવર સીટ પર કમલેશ બેસેલ હતો, જે કાર ચલાવી રહ્યાં હતાં...જ્યારે પાછળની સીટ પર કિશોરભાઈ, રંજનબેન, ભાર્ગવી અને રાજ બેસેલા હતાં.

 

આ કાર પુરઝડપે આગળ ધપી રહી હતી, થોડીવારમાં તે લોકો સૂર્યપ્રતાપગઢની સરહદ પાસે પહોંચી જાય છે, તે લોકો સૂર્યપ્રતાપગઢની સરહદ પાસે પહોંચ્યા ત્યારે લગભગ રાત્રીનાં 8 કલાક જેટલો સમય થયો હશે...એવામાં તે લોકોનાં કાને કોઈ વ્યક્તિ જોર જોરથી અટ્ટહાસ્ય કરી રહ્યું હોય તેવો અવાજ સંભળાય છે. આ અવાજ સાંભળીને કમલેશ એકદમથી ગભરાય જાય છે, અને ડરને લીધે કારમાં એકાએક જોરદાર બ્રેક લગાવે છે. બરાબર એ જ સમયે તેમની કારની પાછળનો દરવાજો એક ધડાકાભેર ખુલ્યો હોય તેવો અવાજ સંભળાય છે. આથી ડૉ. રાહુલ પાછળ ફરીને જોવે છે, તો હાલ રાજ કારની પાછળની સીટમાં બેસલે હતો નહીં...આથી તે આજુબાજુ નજર દોડાવવા માંડે છે, એવામાં તેની નજર રાજ પર પડે છે, જે ગુસ્સામાં લાલચોળ થતાં થતાં સૂર્યપ્રતાપગઢની નજીક આવેલ એક ટેકરી તરફ આગળ વધી રહ્યો હતો. આથી ડૉ. રાહુલ, ડ્રાઇવર કમેલેશ, કિશોરભાઈ, રંજનબેન અને ભાર્ગવી રાજ જે દિશામાં આગળ વધી રહ્યો હતો તે દિશા તરફ રાજને અનુસરતા આગળ વધવા માંડે છે. જેમ-જેમ  તે લોકો આગળ વધી રહ્યાં હતાં, તેમ - તેમ  પેલો અટ્ટહાસ્ય વાળો અવાજ વધુને વધુ પ્રચંડ બની રહયો હતો.

 

ટેકરી પાસે પહોંચ્યા બાદ તે બધાં એ જે દ્રશ્ય નિહાળ્યું તે જોઈને તે લોકોનાં હોશ ઉડી ગયાં, કારણ કે હાલ રાજનાં સંપૂર્ણ શરીર પર વિક્રમસિંહ પુરેપુરી રીતે હાવી થઈ ગયેલાં હતાં, તેની બરાબર સામેની તરફ ટેકરી પાસે રહેલાં એક મોટી પથ્થરની શીલા પર રાજકુમારી ઇન્દુમતી સુતેલા હતાં, અને ભાનુપ્રતાપે પોતાનાં બંને હાથ વડે ઇન્દુમતીનાં હાથ પકડેલાં હતાં, અને ઇન્દુમતી સાથે બદ ઈરાદાપૂર્વક બળજબરી કરવાં માટે આગળ વધી રહ્યો હતો.

 

આ જોઈ રાજ એટલે કે હાલ વિક્રમસિંહના ગુસ્સાનો કોઈ જ પાર ના રહ્યો, તેનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયેલ હતો જેથી તેની આંખો લાલચોળ બની ગયેલ હતી, જેમ દેવોનાં દેવ મહાદેવે ગુસ્સામાં તાંડવ નૃત્ય કરેલ હતું, તેમ જાણે આજે રાજ તાંડવ નૃત્ય કરવાનો હોય તેવું લાગી રહ્યું હતું. બરાબર એ જ સમયે જાણે સૂર્યપ્રતાપગઢની ધરતી રાજની વર્ષોથી પ્રતીક્ષા કરી રહી હોય તેમ એક ધારદાર તલવાર જમીનને ચીરતાં ચીરતાં રાજનાં હાથમાં આવી ગઈ. તલવાર હાથમાં આવતાની સાથે જ રાજ કોઈ મહાન યોદ્ધાની માફક એ તલવાર ભાનુપ્રતાપ તરફ ઘા કરે છે. આ જોઈ ભાનુપ્રતાપ પોતાની પાસે રહેલ તાવીજ ઇન્દુમતીના ગળામાં પહેરાવે છે, એ સાથે જ ભાનુપ્રતાપ તરફ આગળ વધી રહેલ તલવાર એક જ ઝાટકામાં ભાનુપ્રતાપનું  ધડથી માથું અલગ કરી નાખે છે. એ સાથે જ ઇન્દુમતી જોતજોતામાં સોનાની ચકલીમાં ફેરવાઈ જાય છે.

 

આ બધું ડૉ રાહુલ અને રાજનો પરીવારજનો દૂરથી જોઈ રહ્યાં હતાં, હાલ તેઓને ધીમેં ધીમે બધું સમજાય રહ્યું હતું, અને ડૉ. રાહુલ પોતે મકવાણા પરીવારને સૂર્યપ્રતાપગઢ લાવવાનો જે નિર્ણય લીધો એ કારગત પુરવાર થઇ રહ્યો હતો, એવું વિચારીને પોતાની જાત પર ગર્વ અનુભવી રહ્યો હતો.

 

આ સાથે એક જ ઝબકારા સાથે પળવારમાં બધું આપમેળે જ અદ્રશ્ય થઈ ગયું. હાલ તે લોકોએ જોયુ તે ખરેખર શું હતું, એ સમજાય નહોતું રહ્યું. બીજી જ પળે જાણે કંઈ બન્યું જ ના હોય તેમ બધું અગાવની માફક જ નોર્મલ બની ગયું...ત્યારબાદ તે બધાં ફરી પાછા કારમાં ગોઠવાય જાય છે, અને સૂર્યપ્રતાપગઢના મહેલ તરફ આગળ ધપે છે. વર્ષો પહેલાં જે રાજમહેલ એકદમ આકર્ષક અને મનમોહક લાગી રહ્યો હતો, તે જ મહેલ હાલ એટલો જ જર્જરિત અને ડરામણો લાગી રહ્યો હતો.

 

"બસ ! હવે આપણે બે જ બાબતો વિશે જાણવાનું છે, "એક કે પેલાં કપટી, વિશ્વાસઘાતી અને દુષ્ટ ભાનુપ્રતાપનો કેવી રીતે અંત કરવો..અને ઇન્દુમતી કે જે હાલ સોનાની ચકલી બનીને ભટકી રહી છે, તેને કેવી રીતે મુક્ત કરવી...!" - જો આ બે બાબતો વિશે આપણે જાણી લઈએ એટલે આ કેસ સોલ્વ થઈ જશે.!" ડૉ. રાહુલ એક આત્મવિશ્વાસ સાથે બધાની સામે જોઇને બોલે છે.

 

ત્યારબાદ તે બધાં સૂર્યપ્રતાપગઢનાં એ જર્જરિત અને ડરામણા મહેલમાં પ્રવેશે છે, વર્ષો પહેલાં જ્યાં આકર્ષક બગીચો આવેલ હતો ત્યાં હાલ ઘનઘોર જંગલ બની ગયેલ હતું, ત્યારબાદ તે બધા મહેલ તરફ આગળ વધે છે..જેવા તે લોકો મહેલ પાસે પહોંચે છે, એ સાથે જ રાજ એકાએક બોલી ઉઠે છે.

 

"ઓહ માય ગોડ… આ એ જ મહેલ છે કે જે મને સપનામાં વારંવાર આવે છે.!" રાજ ગભરાયેલા અવાજે બધાંની સામે જોઇને બોલે છે.

 

એટલાં એક સોનાની ચકલી ઊડતી ઉડતી આવે છે, અને રાજનાં હાથ પર બેસી જાય છે, અને રાજ સાથે પ્રેમપૂર્વક રમવા માંડે છે. હવે પોતાની સાથે શું બનશે આ બાબત વિશે રાજ અને બધા ખૂબ જ સારી રીતે પરિચિત હતાં, બરાબર એ જ સમયે એક અઘોરીબાબા ત્યાં આવી ચડે છે, જેનું શરીર એકદમ ગળી ગયેલ હતું, દાઢી અને માથાનાં વાળ એકદમ લાંબા હતાં, જે જમીન સુધી પહોંચેલા હતાં.

 

"બેટા ! આ તાવીઝ! આ સોનાની ચકલીને પહેરાવી દે...અને આ પાણી પેલો ભાનુપ્રતાપ તારી પાસે આવે એટલે ડર્યા વગર તેનાં પર છાંટી દે જે…!" અઘોરીબાબા રાજનાં હાથમાં  તાવીઝ અને પાણીની બોટલ આપતાં આપતાં બોલે છે.

 

"પણ..બાબા તમેં..?" બધાં અચરજભર્યા આવજે એકસાથે પેલાં બાબાને પૂછે છે.

 

"હાલ ! તમારે એ જાણવું મહત્વનું નથી..!" બાબા બધાની સામે જોઈને બોલ્યાં.

 

બરાબર એ જ સમયે પેલાં ભાનુપ્રતાપનું માથું કપાયેલ ધડ  તે લોકો તરફ બંને હાથમાં તલવાર લઈને આગળ વધી રહ્યું હતું, આથી રાજે કંઈપણ વિચાર કર્યા વગર જેવો પેલો ભાનુપ્રતાપ તેની નજીક આવ્યો, એ સાથે જ બાબાએ આપેલ  પાણી ભાનુપ્રતાપનાં ઘડ પર છાંટી દીધું… આ સાથે જ પોતાનાં પુરેપુરા શરીરમાં અસહ્ય પીડા અને વેદના થઈ રહી હોય એમ ભાનુપ્રતાપ ચીસાચીસ અને બૂમ બરાડા પાડવા લાગ્યો, અને થોડી વારમાં તેનું પૂરેપૂરું શરીર રાખમાં ફેરવાય ગયું, આ બાજુ રાજ બાબાએ આપેલ તાવીજ પેલી સોનાની ચકલીનાં ગળામાં પહેરાવે છે, આ સાથે જ જોત જોતામાં  પેલી સોનાની ચકલી રાજકુમારી ઇન્દુમતીમાં ફેરવાય જાય છે.

 

"તમે ભલે આ જન્મમાં રાજ મકવાણા હોવ, પરંતુ મારા માટે તો તમે વિક્રમસિંહ જ છો, હાલ ભાનુપ્રતાપ જેવાં વ્યક્તિઓને લીધે આપણો પ્રેમ અધુરો રહી ગયો, પણ તમે ચિંતા ના કરો...ખૂબ જ થોડા જ સમયમાં હું તમારા જીવનમાં આવીશ…!" ઇન્દુમતી પોતાનાં બે હાથ જોડી બધાનો આભાર માનતાં બોલે છે, અને થોડીવારમાં તે અદ્રશ્ય થઈ જાય છે.

 

"જી ! હું છું બાબા અઘોરા...આ બધું થવા પાછળ હું પણ એટલો જ જવાબદાર છું, જેટલો જવાબદાર ભાનુપ્રતાપ હતો, ભાનુપ્રતાપને મદદ કરીને જાણતાં અજાણતાં જ મેં એટલી મોટી ભૂલ કરી દીધેલ છે કે જેને લીધે મને હજુસુધી મોક્ષ પ્રાપ્તિ થયેલ નથી, ઇન્દુમતી મારા મંત્રેલા તાવીજની મદદથી જ સોનાની ચકલી બની ગયેલ હતી, જે હાલ મારા તાવીજની મદદથી ફરી પાછી રાજકુમારી ઇન્દુમતીમાં ફેરવાઈ ગઈ...આથી હવે મને મુક્તિ મળી જશે...આટલું બોલી અઘોરાબાબા પેલાં ઘનઘોર અંધકાર તરફ ચાલવા માંડ્યા અને એ જ ઘનઘોર અંધકારમાં ગાયબ થઈ ગયાં.

 

આ બાજુ ડૉ. રાહુલ, કમલેશભાઈ, કિશોરભાઈ, રંજનબેન, ભાર્ગવી અને રાજ ફરી પાછા પોતાની કારમાં બેસે છે, અને પોતાનાં શહેર તરફ આવવા પાછા ફરે છે, હાલ તે બધાં ખૂબ જ ખુશખુશાલ લાગી રહ્યાં હતાં, તે બધાનાં ચહેરા પર આનંદ અને ખુશીઓની લકિરો છવાય ગયેલ હતી...જ્યારે આ બાજુ પાછળની સીટ પર બેસેલાં કિશોરભાઈ મનોમન ઈશ્વરનો આભાર માનતાં પ્રાર્થના કરતાં વિચારી  રહ્યાં હતાં કે , "ઉપરવાલે કે ઘરમેં દેર હે લેકિન અંધેર નહીં" કદાચ તે વાત સો ટકા જ સાચી હશે...બાકી ક્યાં મારો મકવાણા પરિવાર અને ક્યાં આ સૂર્યપ્રતાપગઢ...અને અંતે તમે બધું જ સારાવાના પણ કરી દીધું...ઈશ્વર તમારા ખેલ પણ નિરાળા છે…!"

 

આ બાજુ મકવાણા પરીવારના તમામ સભ્યો ઉપરાંત રાજ ડૉ. રાહુલ જૈનનો પોતપોતાના બે હાથ જોડીને સહૃદય આભાર વ્યક્ત કરી રહ્યાં હતાં, તો બીજી બાજુ  હજુપણ કમલેશ એ અંધકારમય રસ્તાને ચીરતાં ચીરતાં પોતાનાં શહેર તરફ કાર આગળ ચલાવી રહ્યો હતો, ધીમે ધીમે એ કાર પેલાં ઘનઘોર અંધકારમાં દેખાતી બંધ થઈ ગઈ.

 

----------અંત-----------

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

મકવાણા રાહુલ.એચ

મોબાઈલ નં - 9727868303