Mari Shikhan yatrani 2 daykani Safare - Bhag 17 in Gujarati Fiction Stories by Jagruti Vakil books and stories PDF | મારી શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરે - ભાગ ૧૭

Featured Books
Categories
Share

મારી શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરે - ભાગ ૧૭

ગાણિતિક ક્રાંતિ :
બે હસ્તલિખિત અકો :
ગણિત હાઈકુ અને ગણિત સુવાક્યો :
'બેન ગુજરાતી અને ગણિત નો કોઈ સંબંધ ખરો? '
એક દિવસ એક દીકરીના નિર્દોષ પ્રશ્ને એ મને એક નવા પ્રોજેક્ટ ની દિશા મળી ગઈ.
નવાઈ લાગે એવી વાત ની વિગત કહું તો ,એવું બન્યું કે એક વખત ધોરણ નવ માં પ્રોક્સી તાસ માં ગઈ, ત્યારે મારી હંમેશની આદત મુજબ મારી દીકરીઓ સાથે અવનવી વાતો કરતી હતી. ત્યાં આવો પ્રશ્ન આવ્યો અને હંમેશ મુજબ કંઈક નવું કરવા કરાવવા મારું મન દોડતું થઈ ગયું અને દીકરીઓને પૂછ્યું કે હાઇકુ વિશે જાણો છો ?? આ તો ખૂબ હોશિયાર દીકરીઓ ! તરત જ જવાબ આપ્યો કે બેન ,એ તો આવડે જ ને ? ત્રણ લીટી માં ૫, ૭, ૫ અક્ષરો થી બને એ હાઈકુ... મેં કહ્યું ઓકે તો ચાલો, આજે વર્ગમાં નવી રમત રમીએ, 'હાઇકુ હાઇકુ'. નવી રમત માં તો બધા ખુશ જ હોય પણ આમાં વિચારવું પડે એટલે થોડા એકલા તૈયાર થયા અને થોડા કહે બીજા મળીને કરીએ તો? મેં કહ્યું તમને જે મ મજા આવે એમ ..પણ શરત એ કે આજે હાઇકુ ગણિતને અને તેના શબ્દો ને આવરીને જ બનાવવાનું છે! એ
થોડું અઘરું લાગ્યું પણ પડકાર સ્વીકારવા હમેશ તૈયાર એવી મારી નાનકડી દીકરી કિંજલ તરફથી જેને હું ગણિતશાસ્ત્રી જ કહેતી કેમ કે તેની ગણિત પ્રત્યે ખૂબ લગાવ અને દાખલાઓમાં નવી નવી રીતો કે શોર્ટકટ રસ્તો શોધી એ ઉંમરે પણ સંશોધન કરતી રહેતી કિંજલે પ્રથમ હાઇકુ આપ્યું
"ગણિત ગણો,
ગણતા ગણતા રે,
માણતા શીખો."
અદ્ભુત કહી શકાય એવી શરૂઆત થઈ. ગણિતના હાઇકુ બનાવવા દીકરીઓ પ્રયત્ન કરવા મંડી. નવી શરૂઆત હતી એટલે ભૂલો તો થાય જ અને ખાસ તો ૫, ૭, ૫ ને ગોઠવવાની મોટી મથામણ ! હાસ્યની છોળો વચ્ચે હસતા-રમતા બાળકો ની અંદર ની નવી શક્તિની ખીલવવાની તક મળી ગઇ.
" બિન્દુ, રેખા ને
ચોરસ, ત્રિકોણ છે,
ભૂમિતિ મૂળ"
જેવા થોડા હાઈકુ બન્યા ..
પણ તાસ તો 40 મિનિટનો જ હોય... ને આવી મજાની રમત માટે કેમ પૂરો થાય? એટલે વિદ્યાર્થિનીઓએ થોડો વધુ સમય માગ્યો. મેં કહ્યું એક અઠવાડિયા પછી આ જ દિવસે આ જ તાસમાં આપણે ફરી મળીશું, ત્યાં સુધી વિચારતા રહો અને બનાવતા રહો ગણિતના હાઇકુ ....આ સમયગાળામાં એ દીકરીઓએ બીજા મિત્રોને પણ ચેપ લગાવ્યો.. ધોરણ નવ અ અને બ ની વિદ્યાર્થીઓ સાથે મળી ગણિત શબ્દ સાંકળી હાઇકુ બનાવવા લાગી. એક દિવસ ગુજરાતી ના તાસમાં ગણિતના હાઇકુ બનાવતા ઝડપાઈ ગઈ. પણ એ શિક્ષક ખૂબ સારા અને એમને પણ આ નવી રમત ગમી, એટલે એ બાળકોને મદદ કરવા લાગ્યા. બાળાઓને સાચી રીતે હાઇકુ બનાવવાની રીત સમજાવતાં ગયા.. એમની મદદ મ લતા વિદ્યાર્થીઓ નો ઉત્સાહ ઔર વધ્યો અને ગણિત ના નવા નવા હાઇકુ બનવા લાગ્યા.
હવે કેટલીક વિદ્યાર્થિનીઓ મારી પાસે આવી અને કહેવા લાગી કે,વિજ્ઞાનના શબ્દોની લઈને પણ આવા હાઇકુ બનાવી શકાય ને? તો કેટલીક વિદ્યાર્થીનીઓ કહે બેન ગણિત ના ગીતો, પ્રાર્થના, કંકોત્રી એવું પણ બનાવી શકાય ને? અથવા ક્યાંય વાંચેલું હોય તો તેનું કલેક્શન પણ હું કરી આપું તમને?મને તો ખૂબ ગમ્યું. મારો હેતુ માત્ર એટલો હતો કે તેઓ ગણિતને રસપ્રદ સમજી ગણિતના વિષય થી દુર ન ભાગે. પરિણામે કેટલીક વિદ્યાર્થિનીઓએ ગણિતના અને વિજ્ઞાનના હાઇકુ બનાવ્યા. કેટલાકે તેના ગીતો ભેગા કર્યા ,કેટલાક મિત્રોએ ગણિતકંકોત્રી જાતે બનાવી,તો કેટલાકે ગણિત ના સુવાક્યો તૈયાર કર્યા અને કેટલાકે આ સુવાક્યો વાંચન દ્વારા ગણિત-વિજ્ઞાનના વિષયને અનુરૂપ તૈયાર મેળવ્યા. કેટલાકે એ અન્ય વર્તમાનપત્ર અને સામયિકોમાં થી આ બધું એકઠું કર્યું .પરિણામે થોડો વાંચન ગુણ પણ કેળવાયો. મારા માટે આ પ્રોજેક્ટની આડઅસરનો નફો હતો!
એક અઠવાડિયા પછી દરેકે એક પાનામાં લખીને મને આ સંદર્ભે કંઈ ને કંઈ આપ્યું. ત્યારે થયું કે આનું કંઈક દસ્તાવેજીકરણ કરવું જરૂરી છે. એ અંગે સલાહ પણ વિદ્યાર્થીઓ પાસેથી જ મેળવી અને તેમણે કહ્યું કે "હસ્તલિખિત અંક બનાવીએ કોમ્પ્યુટર માં ટાઈપ કરેલું નહીં" ફરી એક પછી એક નવી ટુકડીઓ બનવા લાગી. કોઈએ લખાણ, કોઈ એક પાનાની ડિઝાઇન અને કોઈ મુખપૃષ્ઠ તૈયાર કરવાનું સ્વયમ સમજથી અને સ્વયંને ઓળખીને પોતાની શક્તિ ને કલા મુજબ સ્વીકારી અને સુંદર મજાના બે હસ્તલિખિત અંક તૈયાર કર્યા... તેનું મુખપૃષ્ટ ગણિત અને વિજ્ઞાનના સંકેતોથી સુંદર મજાના સજાવટ સાથે બન્યું.હાઈકુના અંકમાં દરેક પાનામાં એક સુંદર મજાનું ગણિત કે વિજ્ઞાન નું સાધન,જે તે હાઈકુના શબ્દો અનુરૂપ સજાવવામાં આવ્યું.અને સુંદર હસ્તલિખિત અંક "ગણિત-વિજ્ઞાન ગીતો હાઈકુ" નામથી તૈયાર થયો..તો બીજો અંક "ગણિત સુવાક્યો" નામથી બન્યો જેમાં સુંદર મજાના સુવાક્યોનું ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી ભાષામાં કલેક્શન થયું..
જાણે "ગાણિતિક ક્રાંતિ" સર્જાઈ હોય એવો માહોલ શાળામાં ઊભો થયો. આચાર્ય, ટ્રસ્ટી ને દીકરીઓના લાડીલા દાદાજી સહિત સમાજના દરેક વર્ગ દ્વારા ગણિતના બંને વિશિષ્ટ હસ્તલેખિત અંકોને ખૂબ આવકાર મળ્યો.
' રમતા રમતા શિક્ષણ ' આપ્યાનો અને 'બાળકોની આંતરિક શક્તિ ખીલવવાની કેળવણી ' આપ્યાનો શિક્ષક જીવને અંતરનો રાજીપો થયો..