Mangal-26 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 26

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

મંગલ - 26

મંગલ
Chapter 26 -- પરિણય
Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com
M. 7567892860







-: પ્રસ્તાવના :-
નમસ્કાર
Dear Readers,

દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં છવ્વીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. આપણે જોયું કે કાનજી કાકા મંગલ અને ધાની વચ્ચે લગ્નસંબંધ બંધાય તેનાં માટે પ્રયત્નો કરે છે, જેમાં તે અમુક અંશે સફળ થાય છે. શું આ પ્રયાસો સફળ થશે ? જાણવા માટે વાંચો...
દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું છવ્વીસમું પ્રકરણ
મંગલ Chapter 26 – પરિણય







Chapter 26 –પરિણય
ગતાંકથી ચાલુ
દીવાળી આવી ચૂકી હતી. લાંબા અંતરાલ પછી આજે લાખીબહેન માટે હરખની દીવાળી હતી. યુગો પહેલા અયોધ્યાની ‘લક્ષ્મી’ સીતાનું આગમન થયું હતું. આ તહેવારનાં દિવસો પોતાનાં ઘરમાં લક્ષ્મીનાં આગમન માટે નિમિત્ત બનશે, એવા વિચારોથી તેનું હૈયું આનંદથી છલકાઈ ગયું. ઘરનાં આંગણે સુંદર રંગોળી અને લક્ષ્મીજીનાં પગલાં ઘર તરફ જતાં દોર્યાં. તેની આંખોમાં હરખ માતો ન હતો. ‘પણ હજું ધાનીનાં માબાપ સાથે તો વાત કરવાની જ બાકી છે. હું વધુ પડતાં હરખમાં તો નથી આવી ગઈ નથી ને ?’ એવા વિચારો પણ તેને ઘેરી વળ્યા હતા. ત્યાં જ જાણે તેનાં અંતરમાંથી અવાજ ઉઠ્યો, ‘એવું ન હોય, ભગવાને કેટલાંય વર્ષો પછી હરખનો દિવસ દેખાડ્યો છે. એમ જ થોડું એ ના પાડી દેશે ? મારા દીકરામાં શું ઘટે છે ? અંધારામાં દીવો લઈને ગોતવા જાય તો પણ આવો દીકરો ન મળે.’ આવા વિચારોથી તે પોતાને સાંત્વના આપતાં રહ્યા.
રાત્રે આખું નગર દીવડાઓથી શોભી ઉઠ્યું. લાખીબહેને કોડિયામાં ઘી પૂરીને દીવાઓ કર્યા. મંગલ માડીનાં ઉત્સાહને જોઈ રહ્યો. તેણે તેને પૂછ્યું, “માડી, શું વાત છે ? આજે બહું મોજમાં છો ? ઘણાં દિવસો પછી તને આ રીતે જોઈ છે.”
લાખીબહેન બોલ્યા, “તું મારા આનંદને નહીં સમજે. એક મા જ આ સમજી શકે. આ પગલાં બરાબર થયા છે ને ?”
“માડી, આ ત્રીજી વાર પગલાંમાં ફેરફાર કર્યો. પહેલા પણ સરસ જ હતા.”
“અરે ગાંડા, આ તો લક્ષ્મીજીનાં પગલાં કહેવાય. લક્ષ્મી ઘરે આવે ને તો આખા ઘરને તારી દે. એનાં પગલાં જેવા તેવા ના હોય. આજે તારું નક્કી થઈ ગયું હોત ને તો ધાનીનાં જ પગલાંની છાપ અહીં પાડી દેત. આપણાં ઘરની લક્ષ્મી તો એ જ છે ને ?” લાખીબહેનનાં ઉત્સાહનો પાર ન હતો. મંગલનાં ચહેરા પર ઘડીભર સ્મિત આવી ગયું પણ બીજી પળે ‘જો એ લોકો ના પાડશે તો ? માડી જે આશા માંડીને બેઠા છે, એનું શું થશે ?’ એવાં વિચારોથી તે દુ:ખી થઈ જતો હતો.
નવું વર્ષ આવ્યું ને નવી આશાઓ અને ઉમંગ પણ લાવવાનાં હતા. માડીને પગે લાગીને મંગલે આશીર્વાદ મેળવ્યા. લાખીબહેને કહ્યું, “મંગલ, આજે આપણે રંભાબેનનાં ઘરે જવું છે, ધાનીનો હાથ માંગવા. તું તૈયાર રહેજે.”
“માડી, પણ આજે ?”
“હા તો બીજે ક્યારે ?” લાખીબહેને કહ્યું, “હમણાં તો તારી રજા પૂરી થઈ જશે. પછી ક્યારે પાછો આવીશ ? આજે મૂહુર્ત પણ સારું છે ને દિવસ પણ સારો છે. ભગવાનની દયા હશે તો આજે બધુ સમુંસૂતરું પાર પડી જશે.”
તે કશું બોલ્યો નહીં. શાંતિથી તેણે માડીની વાત સાંભળી. બે ત્રણ કલાકમાં તેઓ તૈયાર થઈને ધાનીનાં ઘરે પહોંચ્યા. નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે બે ય પક્ષે થઈ. મંગલ ધાનીનાં પિતા કેશવજી માલમને પગે લાગ્યો. રંભાબેને તેમને ચા બનાવવાનું કહ્યું. ધાની રસોડામાં જઈને ચા બનાવવા લાગી.

“અરે મંગલ ! ઘણાં દિવસે જોયો તને. આવ આવ બેસ અહીં.” બેસવાનો ઢોલિયો આપતાં કેશવજીભાઈએ કહ્યું, “ધાનીની મા કહેતી હતી કે તું હમણાં ત્રણ ચાર દિવસ પહેલા પણ આવેલ ?”
“હા, ઘણો સમય થઈ ગયો તમને મળ્યા એને. થયું કે લાવ મળતો આવું.” મંગલે કહ્યું. આમ તો તેનાં ઘરે જવું એ મંગલ માટે સામાન્ય હતું પણ આજે તે થોડો અંદરથી ગભરાટ પણ અનુભવતો હતો. ધાની સમજી ગઈ કે આજે માડી પોતાનો હાથ માંગવા આવ્યા છે.
તેનાં પિતા કેશવજી માલમ અને મંગલનાં પિતા વાલજી ટંડેલ આમ તો મિત્રો હતા. પણ વાલજી ટંડેલનાં કેદ થઈ ગયા પછી તેમનાં ઘરે આવવા જવાનું ઓછું થઈ ગયું હતું. શરૂઆતમાં મંગલને થોડી મદદ કરી હતી. ત્યાર બાદ મંગલ બહાર કમાવવા માટે ચાલ્યો ગયો. ત્યાર પછી તેને મળવાનું લગભગ બંધ થઈ ગયું. કેશવજી માલમ આમ તો પોરબંદરનાં ખારવા સમાજમાં જાણીતું નામ. કુટુંબમાં એક ભાઈ રાજકારણ સાથે જોડાયેલા. મંગલે પણ એક વાર પોતાનાં પિતાને છોડાવવા માટે તેની મારફતે ઉપર સૂધી આજીજી કરેલી. જો કે હજું તો એમાં તે સફળ થયો ન હતો.
વાત ચાલતી હતી ત્યાં ધાનીએ સૌને ચા પીરસી.
“હા, એ કામથી બહાર ગયો હતો. તો કામકાજ કેમ ચાલે છે, મંગલ ? શું કરે છે આજે ? સાંભળ્યુ હતું કે વહાણ ભાંગવાની મજૂરીમાં લાગી ગયો હતો ?” કેશવજીભાઈએ પૂછ્યું.
“હા, તેમાં હતો પણ હવે ત્યાં ફર્નિચરની દુકાન છે, ત્યાં હિસાબ કિતાબ સંભાળવાનું કામ કરું છું.”
“એટલે વહાણ ચલાવતા હાથ મુનિમની જેમ કલમ ચલાવતા થઈ ગયા, એમ ને ?” કેશવજીભાઈએ હસતાં હસતાં કહ્યું, “સારું સારું. આપણી નાતમાં ભણેલાં છોકરા બહુ ઓછા છે. તું એમાંથી એક છો. બહું સરસ.”
બાપુંને મંગલનાં વખાણ કરતાં જોઈને ધાનીને મન થોડી રાહત તો થઈ પણ મુદ્દાની વાત નીકળશે ત્યારે બાપું શું વિચારશે એ વિચારે તે ચડી ગઈ.
“લાખીબેન, મંગલનાં બાપું મારા ખાસ ભાઈબંધ જેવા. એ નથી એની ખોટ હજું સાલે છે. એનાં માટે હું બનતું કરી ના શક્યો એનું દુ:ખ જરૂર છે. પણ મંગલ હવે કમાતો થઈ ગયો છે, સમજુ થઈ ગયો છે, એટલે તમારે દુ:ખનાં દહાડા હવે બહું જોવા નહીં પડે.” કેશવજી માલમે કહ્યું.
ત્યાં જ રંભાબહેન વચ્ચે બોલ્યા, “હવે સારી છોકરી જોઈને એનાં લગ્ન કરાવી દો. તમને ય ટેકો રહેશે.”
તેનાં શબ્દો સાંભળીને લાખીબહેન થોડી વાર તો શાંત થઈ ગયા. મંગલે ધાની સામે જોયું.
અંતે લાખીબહેને કહ્યું, “રંભાબેન, સાચી વાત છે. આ તમારી ધાની પણ મોટી થઈ ગઈ છે. બહું ડાહી દીકરી છે. મારુ પણ એટલું જ ધ્યાન રાખે છે. તેને લાયક કોઈ મૂરતિયો જોયો છે ?”
“હા એકાદ બે જોયા પણ દહેજ બહું માંગે છે. થોડા વધારે દૂર પણ હતા. મારુ તો મન નથી માનતું દીકરીને આટલું દૂર મોકલતાં. તમે શું કહો છો ?” રંભાબેને કહ્યું.
“તમારી વાત તો સાચી છે. દીકરી ભલે બીજા ઘરે જવાની હોય, પણ એમ કંઈ થોડી ગમે એને ગળે વળગાડી દેવાય છે ?” લાખીબહેને કહ્યું.
ત્યાં કેશવજીભાઈ બોલ્યા, “અરે ! એમાં શું ? દીકરા વાળા છે તો દહેજ તો માંગે ને ! એમાં નવું શું છે ? ધાની વખતે દહેજ દેશું તો આપણો રાજુ પરણશે ત્યારે દહેજ નહીં આવે શું ? અરે, હું હમણાં વેરાવળ કામે ગયેલો ત્યાં એક છોકરો પણ જોયેલો. માછીમારી કરે છે ને ઠીક ઠીક સુખી ઘરબાર છે. પૈસે ટકે પણ સારું છે. મારા મગજમાં તો એ બેસી પણ ગયેલું. હવે એમાં થોડું દહેજ દેવું પડે તો શું ખોટું ? દીકરી ત્યાં જઈને સુખી તો થશે જ ને ?”
“ભાઈ, તમે તો ધાનીનાં બાપું છો. એનું ભલું જ ઈચ્છતાં હો ને ! પણ એ પૈસે ટકે સુખી છે તો દહેજ માંગવાની શું જરૂર છે ?” લાખીબહેને કહ્યું.
“હા, લાખીબહેન સાચું કહે છે.” રંભાબહેન બોલ્યા.
“અરે, એ તો રિવાજ છે. બધા પાળતા હોય. એમાં નવું શું છે ? આપણે પણ એક જ વાર દેવું છે ને !” કેશવજીભાઈએ પોતાનો તર્ક રજૂ કર્યો.
“ભાઈ, જો તમારે લગ્નમાં દહેજ પણ ના દેવું પડે અને દીકરી નજર સામે જ રહે એવું થાય તો ?” લાખીબહેને કહ્યું.
“હું સમજ્યો નહીં તમારી વાત, લાખીબહેન ?” કેશવજીભાઈ થોડા ગૂંચવણમાં ચડી ગયા.
“વાત એમ છે કે... ખોટું ન સમજશો. ધાની તમારી દીકરી છે. તમે એનાં મા- બાપ છો. એટલે તમે જે નક્કી કરશો એ અમને મંજૂર છે.” લાખીબેને કહ્યું.
“જરા ફોડ પાડીને કહો, બેન.” રંભાબેન બોલ્યા.
“વાત એમ છે કે…હું... મારા મંગલ માટે તમારી દીકરી ધાનીનો હાથ માંગવા આવી છું. તમને કોઈ વાંધો ના હોય તો હું મારા ઘરની એને લક્ષ્મી બનાવવા માંગુ છું.” અંતે લાખીબેને મુદ્દાની વાત કરી દીધી.
થોડી વાર તો ઘરમાં શાંતિ ફેલાઈ ગઈ. રંભાબહેને ધાની સામે જોયું. ધાની લજ્જાથી નીચું જોઈ રહી હતી. તેનાં ચહેરા પર હળવું સ્મિત જોઈને રંભાબેન થોડું ઘણું સમજી ગયા પણ ત્યારે એ શાંત રહ્યા અને તેનાં બાપુંનાં બોલવાની રાહ જોતાં રહ્યા. થોડી વાર વિચાર કર્યા પછી કેશવજીભાઈએ કહ્યું, “લાખીબેન, મંગલ છોકરો તો સારો છે, પણ ખોટું ના લગાડશો. મારે થોડું વિચારવું પડશે. વિચારીને તમને જવાબ આપું તો કેમ રહે ?”
“ભાઈ, દીકરી તમારી છે, એ તમારે જોવાનો અધિકાર છે. તમે નિરાંતે જવાબ આપજો.” લાખીબેને કહ્યું.
“ચોક્કસ. વિચારીને તમને જવાબ આપીશું.” કેશવજીભાઈએ કહ્યું.
“સારું, તો ચાલો અમે નીકળીએ. રામ રામ.” હાથ જોડીને લાખીબહેન ઊભા થયા. મંગલ પણ તેની સાથે ઊભો થયો અને કેશવજીભાઈને ફરીથી પગે લાગ્યો.
“રામ રામ.” કેશવજીભાઈએ કહ્યું.
બંને ત્યાંથી નીકળી ગયા. તેનાં ગયા પછી કેશવજીભાઈએ આ પ્રસ્તાવ પર શાંતિથી વિચાર કરવાનું શરૂ કર્યું. રંભાબેન ધાનીને ઓરડીમાં લઈ ગયા અને પૂછ્યું, “ધાની, સાચું કહેજે. મંગલ તને ગમે છે ? જો, અમે તેને સારી રીતે ઓળખીએ છીએ અને એનાં વિશે બહારથી ક્યાંય પણ પૂછવાની જરૂર નથી. હું તારી ઈચ્છા પૂછું છું. લાખીબેને તારો હાથ તેનાં માટે માંગ્યો છે, એ તને મંજૂર છે ? જો હા, તો હું તારા બાપુંને સમજાવું. એ હજું વિચારમાં જ છે.”
ધાનીએ થોડી સંકોચ સાથે ‘હા’ માં માથું ધુણાવ્યું. ‘ધાનીની મરજી તો જાણી લીધી પણ હવે એનાં બાપુને કેમ સમજાવવું ?’ રંભાબહેન એ વિચારમાં પડી ગયા. સાંજ પડી ગઈ. રંભાબેને તેનાં બાપુને આ અંગે વાત કરવાનું નક્કી કરી નાખ્યું. તે તેની પાસે ગયા અને કહ્યું, “સાંભળો છો ? તમે શું વિચાર્યું છે ?”
“શેમાં ?”
“ધાનીની વાત કરું છું. લાખીબેનને જવાબ તો દેવો પડશે ને ?” રંભાબેને કહ્યું.
“જો, મને તો મંગલમાં બીજો કોઈ વાંધો નથી. પણ...”
“પણ શું...”
“જો મંગલમાં કે લાખીબેનમાં તો મને કંઈ વાંધો નથી. પણ હવે એની પૈસે ટકે સ્થિતિ પહેલા જેવી રહી નથી. મેં વેરાવળ વાળી વાત કરેલી એમાં ક્યાં ખોટું છે ? છોકરો અને એનું ખોરડું પૈસે ટકે સુખી છે. ચાર ચાર હોડીઓ છે. આમ પણ વેરાવળ ક્યાં એટલું બધુ દૂર છે ? થોડા કલાકોનો જ રસ્તો છે.” કેશવજીભાઈએ કહ્યું.
“એટલે તમે બધુ નક્કી તો કરી નથી આવ્યા ને ?” રંભાબેને સંશયથી પૂછ્યું.
“અરે ના ના. આ તો છોકરાનાં બાપાનાં ભાઈબંધ મને મળેલા એટલે એની પાસેથી જાણ્યું.”
“તેણે કહ્યું ને તમે માની પણ લીધું ? તમે તો જોવા નથી ગયા ને ! આ મંગલ તો નાનપણથી તમારી મારી સામે મોટો થયો છે. હું તો કહું છું એનાં જેવો છોકરો ક્યાંય નહીં મળે. આપણે હા પાડી દઈએ.” રંભાબેન ઉતાવળા સૂરે કહેવા લાગ્યા.
“અરે ! તું તો ભારે ઉતાવળી. એમ થોડું નક્કી કરી લેવાય ?”
“મને તો છોકરો ગમે છે અને ધાનીને પણ...” રંભાબેન બોલી ગયા.
કેશવજીભાઈ ચોંકી ગયા. તેણે કહ્યું, “હેં... ! આ શું કહ્યું ? ધાનીને...? ધાનીને મંગલ ગમે છે ?” તેણે ધાની તરફ નજર ફેરવી. “ધાની... ! અહીં આવ તો.”
ધાની થોડા ડર સાથે તેની પાસે ગઈ. કેશવજીભાઈએ થોડી કડકાઈથી પ્રશ્ન પૂછ્યો, “આ તારી મા કહે છે એ સાચું છે ?”
“બાપું… હ... હા.” નીચું જોતાં ધાની બોલી.
માથે હાથ મૂકીને સસ્મિત કેશવજીભાઈએ કહ્યું, “મારી દીકરી એટલી મોટી થઈ ગઈ કે કાલે અમને છોડીને સાસરે ચાલી જશે ? તને મંગલ ગમે છે તો હું પણ કેમ ના પાડી શકું ? હા, એક બાપ તરીકે મારે એ જોવું પડે કે છોકરો શું કરે છે. એ આડા ધંધા કરતો હોત તો હું ના જ પાડત. બસ એક જ વાતની ચિંતા છે કે ત્યાં થોડી પૈસાની ખેંચ રહેશે.”
“પણ દીકરી તો સુખેથી રહેશે ને ? ધાની આમ પણ દિવસમાં એકાદ કલાક ત્યાં જ હોય છે. અને કંઈ ઘટે તો આપણે પણ બેઠા છીએ ને ! તો શું કહો છો, આપણે હા પાડી દઈએ ?” રંભાબહેન બોલ્યા.
ધાની સામે જોઈને સ્મિત સાથે કેશવજીભાઈએ એક જ શબ્દ બોલ્યા, “હા”.
રંભાબહેને બીજે દિવસે મંગલનાં ઘરે જઈને હા પાડી. તે જ દિવસે મૂહુર્ત જોઈને સવા રૂપિયો શુકન અને નાળિયેર દઈને જલની વિધિ પણ કરી નાખી. બંને પ્રેમી હૈયાઓ માટે હવે લગ્નનાં દ્વાર ખૂલી ચૂક્યા હતા. સાંજે મંગલે કાનજીકાકાને બધી વાત કરી. કાનજીકાકા મન મૂકીને તે દિવસે નાચ્યા. પોતાનું જીવન બે પ્રેમીઓનાં મિલનમાં કારણભૂત બન્યું તેનાંથી રૂડું તેનાં જીવનમાં બીજું કશું જ ન હતું.
આખા વર્ષમાં તો દરિયો ખેડતાં રહેવાનું હોય એટલે અષાઢ મહિને જ નવરાશ રહે. આથી લગ્નનું મૂહુર્ત પણ અષાઢ મહિનામાં જ ગોઠવ્યું. લગ્નની ખરીદી માટે પૈસા ભેગા કરવાનો સમય પણ મળી જશે એમ વિચારીને અષાઢ માહિનાની શુક્લ પક્ષની સાતમનાં દિવસનું લગ્નનું મૂહુર્ત ગોઠવ્યું. રજા પૂરી થઈ. મંગલનાં જવાનો સમય થઈ ગયો. તે દિવસે ધાની, તેનાં માતા પિતા અને ભાઈ તેનાં જ ઘરે હતા. બધા સાથે જમ્યા. મંગલે બધાની રજા લીધી. છેલ્લે તે ધાનીની રજા લેવા આવ્યો. ધાનીની આંખોમાં અધીરાઈ હતી, ફરી પાછું મળવાની.
“હું જઉં છું.” મંગલ એટલું બોલ્યો.
“જલ્દી આવજે. રાહ જોઈશ.” ધાનીએ કહ્યું.
હંમેશા તેની સાથે લડાયક સૂરમાં જ વાતો કરતી ધાનીનાં સૂરમાં તેનાં માટે પ્રેમ છલકાઈ રહ્યો હતો. મંગલ ત્યાંથી બધાને રામ રામ કહીને નીકળી ગયો.

***
સ્થળ : ભાગ્યલક્ષ્મી ફર્નિચર માર્ટ, અલંગ ( સુરેશચંદ્ર મહેતાની દુકાન )
“શું મંગલ ? બે વર્ષો પછી ઘરે ગયો હતો. કંઈ નવીનમાં છે ? ઘરે બધા મજામાં ?” સુરેશભાઈએ પૂછ્યું.
“શેઠ જી, ઘરે તો બધા મજામાં છે. તમને એક સારા સમાચાર આપવાનાં છે.”
“શું વળી ?”
“મારો સંબંધ નક્કી થઈ ગયો છે અને આવતા અષાઢ મહિનામાં લગ્ન પણ ગોઠવ્યા છે.” મંગલે કહ્યું.
“અરે વાહ ! શું વાત કરે છે ? બહું સરસ ભાઈ.” શેઠે ખુશ થતાં કહ્યું, “ક્યા ગામ નક્કી થયું ?”
“ત્યાં જ. અમારા ઘરની નજીકમાં જ. તેનાં અને મારા બાપુ બે ય ભાઈબંધ. અમે બંને પણ સાથે જ ભણ્યા અને મોટા થયા.” મંગલે કહ્યું.
“સરસ. જો લગ્નમાં પૈસાની જરૂર પડે તો સંકોચ વગર માંગી લેજે. મૂંઝાતો નહીં.” શેઠે બાહેંધરી આપી.
“પાકું શેઠજી. હજું તો ઘણો સમય છે. ત્યાં સૂધીમાં પૈસાની વ્યવસ્થા પણ થઈ જશે. જરૂર પડે તો તમને કહીશ અને લગ્નમાં તમારે ખાસ આવવાનું છે. અને સાંભળો બધા...” મંગલે દુકાનમાં મજૂરી કરતાં માણસોને સંબોધીને કહ્યું, “તમારે પણ લગ્નમાં આવવાનું છે. અષાઢ મહિનામાં લગ્ન રાખ્યા છે.”
“હોવ... મંગલભાઈ, લગ્ન પહેલા જ પહોંચી જશું. શેઠજી, રજા આપી દેજો.” કામ કરતાં માણસે મશ્કરી કરતાં કહ્યું.
“અત્યારે તો કામ કરો. રજા જ માંગતા હોય.” શેઠે હસતાં હસતાં કહ્યું.
મંગલ અને ધાની એ પળની આતુરતાથી પ્રતીક્ષા કરવા લાગ્યા. તે ક્યારેક ક્યારેક પત્રો લખીને પોતાનાં વિચારો વ્યક્ત કરતો. ધાનીએ એ કાગળોને સાચવવાનું શરૂ કર્યું. મંગલે લગ્ન માટે પૈસા બચાવવાનું શરૂ કર્યું. થોડા ઘણા ઘટ્યા એ શેઠ પાસેથી ઉછીના માંગ્યા. દુકાનનું બધુ કામ પતાવી લગ્નનાં દસ દિવસ પહેલાં જ તે પોરબંદર પાછો ફર્યો. લગ્નની તૈયારી પૂરજોશમાં ચાલવા લાગી.
આખરે લગ્નનો દિવસ આવી ગયો. માંડવાનાં દિવસે ઘરે તોરણ બંધાયા. વર અને કન્યાને પીઠી ચોળાઈ. સગાઓ સંબંધીઓ આવ્યા. મંગળ લગ્ન ગીતો ગવાયા. મામેરું ભરાયું. બીજે દિવસે સવારે ઘોડી પર સવાર, માથે સાફો અને હાથમાં તલવાર સાથે વરરાજા અને પાછળ જાનૈયાઓ રંગેચંગે કન્યાનાં આંગણે પહોંચી. ત્યાં સામૈયું કરી અને વરરાજાને સાસુ દ્વારા પોંખવામાં આવ્યા. લગ્નગીતો અને ગોર મહારાજનાં મોઢેથી બોલતા સંસ્કૃત શ્લોકો વાતાવરણને નવપલ્લિત કરી રહ્યા હતા. ગોર મહારાજ બોલ્યા, “કન્યા પધરાવો સાવધાન...” અને લાલ ઘરચોળામાં શોભતી નમણી વધુ તેની સખીઓ અને ભાઈઓ સંગ મંડપમાં પધારી. લજ્જામય આંખો, લાલ વસ્ત્રો અને તેમાંય ઉભરાતી તેનાં ચહેરાની લાલાશ મનમોહક રીતે શોભતી હતી. હાથોમાં લાગેલી મંગલનાં નામની મહેંદી આજે ખૂબ નિખાર લાવતી હતી. મંગલ તેનાં આ રૂપને જોઈને મુગ્ધ થઈ રહ્યો હતો. ગોર મહારાજ એક પછી એક વિધિ કરી રહ્યા. કન્યાનાં પિતાએ મંગલનાં ચરણ ધોયા.
અગ્નિકુંડ તૈયાર કરવામાં આવ્યો અને અગ્નિ પ્રગટાવવામાં આવી. કન્યાનાં ભાઈએ જઉં તલ હોમ્યા અને વર વધૂએ અગ્નિની સાક્ષીએ પોતાનાં દાંપત્યજીવનની પ્રતિજ્ઞાઓ લીધી. સ્નેહીજનોએ બંને પર પુષ્પવર્ષા કરી. અંતે મંગલે ધાનીનાં ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું અને સેંથામાં સિંદૂર પૂર્યો. આ સાથે બાળપણનાં મિત્રોમાંથી જીવનસાથી બની ગયા.
અંતે ઘડી આવી વસમી વિદાયની. પોતાનાં ઘરે રમતી અને નાના નાના પગલાં પાડતી દીકરી આજે પારકા ઘરે જાય છે. ધાની તેનાં મા બાપને અને ભાઈને વળગીને રડવા લાગી. રંભાબહેને લાખીબહેન સામે હાથ જોડીને કહ્યું, “મારી દીકરીથી ભૂલચૂક થઈ જાય તો માફ કરી દેશો.” લાખીબહેન પણ આ વિદાય ટાણે ગળગળા થઈને બોલ્યા, “આજથી ધાની મારા ઘરની વહુ બની છે, પણ એનાં પહેલાં તો એ મારી પણ દીકરી જ હતી ને !” ભીની આંખે જાનને વિદાય આપી.
દાંપત્યજીવનનાં ઉંબરે પોતાનાં પગલાં પાડી રહેલા નવદંપતિને દૂરથી ઊભીને મનોમન આશીર્વાદ આપતાં આંખમાં હરખનાં આંસુ સાથે કાનજી વાઘેર હાથ જોડીને ઉપર જોઈને આટલું બોલ્યા, “હે ભગવાન, આજ સૂધી તારા પાસે કંઈ માંગ્યું નથી પણ એટલું જરૂર માંગીશ કે તેઓનું જીવન બીજો કાનજી વાઘેર ન બની જાય એનું ધ્યાન ખાસ રાખજે.”
To be Continued…
Wait For Next Time…