Affection of Sarita in Gujarati Short Stories by Dipika Chavda books and stories PDF | સરિતા નો સ્નેહ

Featured Books
Categories
Share

સરિતા નો સ્નેહ


શ્યામલી અને સરિતા બેઉ સાથે જ નોકરી કરતાં હતાં. એક જ શાળામાં શિક્ષિકા હતાં. અને ભાવનગર શહેર માં રહેતાં હતાં. અને ભાવનગર જિલ્લાના હાથબ ગામે રોજ અપ ડાઉન કરીને નોકરી પર જતાં આવતાં. બેઉને સગી બહેન કરતાંય વધારે બનતું. સુખ દુઃખ ની તમામ વાતે અને પળોએ એકબીજાની સાથે જ રહેતાં, જાણે શરીર જુદાં જુદાં હતાં પણ આત્મા એક એવો એમનો સંબંધ હતો.
શ્યામલી નાં લગ્ન થઈ ગયા છે. તેનો પતિ દીપેશ ભાવનગર માં જ એક બેંકમાં નોકરી કરે છે. શ્યામલી ને બે સંતાનો છે.એક ‘ મોન્ટુ ‘ ચાર વષૅનો અને ‘ દીયા ‘ તો હજુ છ મહિના ની જ છે. બેઉ બાળકો ને પણ એ સાથે જ લઈને જાય છે. ત્યાં ગામમાં જ એક બેનનાં ઘરે બાળકો ને સાચવવા મૂકીને નોકરી પર જાય છે ને વળતાં છૂટીને બેઉને સાથે ઘરે લેતી આવે.
સરિતા પણ મોન્ટુ ને સંભાળી લેતી ને દીયા ને શ્યામલી. સરિતા ની પણ સગાઈ થઈ ગઈ હતી. પણ એનાં જ મંગેતરે એક દિવસ એની મરજી વિરુદ્ધ એની ઉપર રીતસર બળાત્કાર જ કર્યો અને સરિતા તો હેબતાઈ જ ગઈ ! પણ પોતાનો જ મંગેતર હતો એટલે ચૂપ રહી. પણ પછી તો એનાં મંગેતરે મિત્રો ની સામે જ એની પાસે અજુગતી માંગણીઓ મૂકવા માંડી. ને એકવાર સરિતા એ મક્કમ બનીને ના પાડી તો એનાં મંગેતરે મિત્રો સાથે મળીને બળાત્કાર કર્યો ને પછી એને મારી નાંખવાની ધમકી આપી.
સરિતા ને નવી મા હતી. અને એનાં જ દૂરનાં સગા નાં દીકરા સાથે સગાઇ કરાવી હતી. એટલે માં પણ સરિતા નાં પક્ષમાં નોતી. સરિતા સાવ ભાંગી ગઈ. એનાં સપનાં ચૂરચૂર થઈ ગયા. એણે શ્યામલી ને અને દીપેશ ને બધી વાત કરી. અને શ્યામલી થોડા દિવસ સરિતા ને પોતાનાં ઘરે લઇ આવી. અને એને ખુશ રાખવાનાં પ્રયાસો કરવા લાગી. થોડાજ સમયમાં સરિતા ‘ મોન્ટુ અને દીયા ‘ ની સાથે રહેતાં રહેતાં પોતાનું દુઃખ ભૂલતી ગઈ. એણે સગાઇ તોડી નાંખી હતી. સરિતા ને એની સાથે બનેલી એ ઘટના એ એટલો બધો આઘાત આપ્યો હતો કે એને સમગ્ર પુરુષ જાત માટે નફરત થઈ ગઈ હતી. અને એણે આજીવન લગ્ન નહીં કરવાનું નક્કી કર્યું.
બેઉ સખીઓ હવે સાથે જ રહે છે ને સાથે જ જીવે છે. પણ અચાનક જ એક દિવસ નોકરી પરથી પાછાં ફરતાં એમની રીક્ષા ની સામે એક ભેંસ ઓચિંતા ની આવી ચડે છે ને રીક્ષા ની બ્રેક ફેલ થતાં રીક્ષા એક ઝાડ સાથે જોરથી અથડાય છે. ને સાઈડમાં બેઠેલી શ્યામલી ઉછળીને બહાર ફેંકાઈ ગઈ. ને એનાં ખોળામાં બેઠેલી દીયા પણ જોરથી ઉછળી , પણ એક રાહદારી એ સમયસૂચકતા વાપરીને દોડીને દીયાને ઝીલી લીધી. ને એ બચી ગઈ. શ્યામલી ને માથામાં ખૂબજ વાગ્યું ને બીજા બધાને નાની મોટી ઈજાઓ થઈ હતી.
એમ્બ્યુલન્સ આવીને શ્યામલી ને ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી. સરિતા એ દીપેશને ફોન થી જાણ કરી દીધી હતી એટલે એ પણ ત્યાં હોસ્પિટલમાં પહોંચી ગયો. ડોકટરે ઓપરેશન નું કહ્યું પણ શ્યામલી સમજી ગઈ હતી કે એની પાસે વધારે સમય નથી એટલે એણે ના પાડી .અને સરિતા ને ઈશારાથી પોતાની પાસે બોલાવીને પોતાના બેઉ બાળકોને એનાં હાથમાં સોંપતાં તૂટક શબ્દે બોલી,
“ આજથી મારાં આ બેઉ બાળકો તારા જ છે. મારી પાસે વધારે સમય નથી મને વચન આપ કે તું એની માં બનીને એને સાચવીશ. અને દીપેશ નાં હાથમાં સરિતા નો હાથ આપે છે.”
આંખો માંથી આંસુ ની ધારા વહેતી રહી છે ને શું બોલવું એ સમજાતું નથી સરિતા ને અને દીપેશને. પણ પોતાના હૈયાની વાત સરિતા ને સંભળાય છે અને શ્યામલી ને વચન આપે છે કે હું તારા બાળકો ની માં બનીશ. અને દીપેશ પણ વચન આપે છે કે ,
“ શ્યામા હું તારી સખી – બહેન સરિતા નું જીવનભર ધ્યાન રાખીશ એને કદી દુ: ખી નહીં થવા દઉં. “ ને એટલું સાંભળતાં જ શ્યામલી ની આંખો સદાય ને માટે મીંચાઇ ગઈ. !
દીપેશ નો હાથ પકડીને સરિતા પોક મૂકીને રડી પડી. પછી બંને બાળકો ને છાતી સરસાં ચાંપીને એટલું જ બોલી , “ આજથી હું જ તમારી માં છું .”
આજે પાંચ વર્ષ વીતી ગયાં છે એ વાત ને ! સરિતા એની સખીને આપેલું વચન નીભાવે છે. દીપેશ ની પત્ની બનીને નહીં પણ શ્યામલી નાં બાળકો ની માં બનીને ! મોન્ટુ અને દીયા ની સાચી માં બનીને !
દીપિકા ચાવડા ‘ તાપસી ‘