Final Ashram - 10 - The last part in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | અંતિમ આશ્રમ - 10 - છેલ્લો ભાગ

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અંતિમ આશ્રમ - 10 - છેલ્લો ભાગ

રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૦

સાધુ જીવનસ્ય એટલે કે જીવનકુમાર અને અલ્પના વચ્ચેના પ્રેમના મેળાપથી મન એટલું નિરાશ થયું હતું કે ઉજેશભાઇને લખેલું ફરી વખત વાંચવાની ઇચ્છા થતી ન હતી. એમાં વ્યાકરણની કે બીજી ભૂલો હશે એ 'જીવનલેખા' વાળા સુધારશે એમ વિચારી મન અને દિલને હળવું કરવા બહાર નીકળ્યા. જેવા બહાર નીકળ્યા કે પહેલી નજર અલ્પનાના આવાસ પર પડી. હવે એ એક સપ્તાહની જ મહેમાન છે. જીવનકુમાર સાથે નવું જીવન શરૂ કરશે. અલ્પના મારી દુઆ તારી સાથે છે. જીવનસ્ય બહુ સારા માણસ છે. એ મારા કરતાં તને વધારે સુખી રાખશે. એ મારા કરતાં વધારે ભલા માણસ છે. ઉજેશભાઇ મનમાં જ જીવનસ્યના વખાણ કરતાં આગળ વધતા હતા ત્યારે પાછળથી સ્ત્રીસ્વર સંભળાયો:"ઉજેશભાઇ, ક્યાં ચાલ્યા?"

એ મનોમન બબડ્યા:"હવે મને જ મારી મંઝિલની ખબર નથી..."

"ઉજેશભાઇ... કહું છું સાંભળો છો?"

આ શબ્દોએ એમના પગને અટકાવ્યા. એક પત્ની જાણે પતિને કહેતી હોય એટલી સહજ રીતે અલ્પના પોતાને બોલાવી રહી હતી. હવે આવી કલ્પનાનો પોતાને અધિકાર નથી. એમની આંખોની ધાર પર પાણી આવવાના હતા. એમણે દિલ મજબૂત કરી આંસુઓને અટકાવી દીધા. પછી પાછળ ફરીને બોલ્યા:"હા અલ્પના, કંઇ કામ છે? હું બહાર જઉં છું.." જાણે અલ્પનાને મોં બતાવવા માગતા ન હોય એમ ઉજેશભાઇ બહારની તરફ ડગ માંડવા જતા હતા ત્યાં દોડીને આવેલી અલ્પનાએ એમનું બાવડું પકડી લીધું:"શું થયું છે? આમ ચાલ્યા જ જાવ છો? કોઇ અગત્યનું કામ છે?"

"હં..ના..પણ તારે કંઇ ખાસ કામ છે?" ઉજેશભાઇ અસંબધ્ધ બોલવા લાગ્યા.

"હા, એમ જ માનો. મારા ઘરમાં આવો. અને ના આવવું હોય તો હું તમારે ત્યાં આવું?"

અલ્પનાએ કોઇ વાત કરવી હતી. જગ્યાનો એણે વિકલ્પ આપ્યો. પણ વાત પછી કરવાનો વિકલ્પ ના આપ્યો. ઉજેશભાઇએ ભારે હ્રદયે બોલતાં કહ્યું:"મારા ઘરે જ બેસીએ..."

"કેમ, મારા ઘરમાં પગ મૂકી શકાય એમ નથી? હવે પારકું લાગે છે?" અલ્પનાએ હસીને પૂછ્યું. ખરેખર તો તે એમ બોલવા માગતી હતી કે 'હવે તમારું ઘર એ મારું જ છે'

ઉજેશભાઇને મનમાં થયું કે એક અઠવાડિયા પછી તું પારકી થઇ જવાની છે. મારા ઘરે ચૂલો સળગાવવા આવવાની હતી એના બદલે મારું દિલ સળગવાનું છે. તું જીવનસ્યની જીવનસાથી થઇ જવાની છે.

"ના-ના એવું નથી. હું બહાર કામથી જતો હતો એટલે પછી વાત કરીએ એમ થયું." ઉજેશભાઇએ અલ્પનાને અસ્પષ્ટ જવાબ આપ્યો.

ઉજેશભાઇ ઘર ખોલીને પોતે બેઠા અને અલ્પનાને ખુરશી પર બેસવા ઇશારો કર્યો.

અલ્પના બોલી:"આજે હું એક એકરાર કરવા આવી છું. કુંવારી છોકરીઓની જેમ શરમાવાની ઉંમર નથી. મારા ભવિષ્યમાં કોઇ બીજો જ પુરુષ લખ્યો હોવાની વાત મેં તમને કહી હતી પણ મને ખબર છે કે મારું જ્યોતિષ મારા જીવનમાં જ બહુ ઓછું સાચું પડ્યું છે. ભવિષ્યની કલ્પના કરીને હું વર્તમાનને બગાડવા માગતી નથી. હું તમને પ્રેમ કરું છું અને જીવનસાથી બનાવવા માગું છું.."

બોલીને અલ્પનાએ આંખો મીંચી દીધી હતી. તેના ચહેરા પર શરમના શેરડા હતા અને સાથે અઢળક ખુશી છલકાતી હતી.

ઉજેશભાઇને થયું કે અલ્પના કેવા અશક્ય સપનાં જોઇ રહી છે? એને ખબર નથી કે તેના અને મારા ભવિષ્યમાં શું લખાયું છે?

"અલ્પના, તારી લાગણીઓ બદલ આભાર. મારી સલાહ છે કે તારા આ શબ્દો એક સપ્તાહ માટે તું સાચવી રાખ. તારા અને મારા જીવનના ગ્રહોમાં જબરી ઉથલપાથલ થવાની છે. તું એ ભવિષ્ય જોઇ શકે એમ નથી. તું પોતાને મોટી જ્યોતિષ સમજતી નહીં હોય પણ હું મને જ્યોતિષ સમજું છું. હું તારું તો નહીં પણ મારું ભવિષ્ય જોઇ શકું છું. આપણે એક સપ્તાહ પછી વાત કરીશું. કદાચ એવી જરૂર પણ પડશે નહીં..."

"ઉજેશભાઇ, તમને શું થઇ ગયું છે. આમ સમજાય ના એવી ભવિષ્યવાણી કેમ કરી રહ્યા છો? વાત શું છે?" અલ્પના અચંબામાં હતી.

"પ્લીઝ, મને એક સપ્તાહનો સમય આપ..." કહી ઉજેશભાઇ ઊભા થઇ ગયા. અલ્પનાને જવાનો એ ઇશારો હતો.

અલ્પના રીસાઇ હોય એમ ચૂપચાપ પોતાના આવાસ પર ચાલી ગઇ.

ઉજેશભાઇને અફસોસ થયો. આજે સામે ચાલીને અલ્પના પોતાની પાસે આવી હતી. પણ પોતે જ પોતાના હાથે કલમ ચલાવી દીધી હતી. પોતાની ખુશીઓ પર પોતે જ પાણી ફેરવી દીધું હતું. હવે આ સહન થતું ન હતું. એમણે નક્કી કર્યું કે અત્યારે જ 'જીવનલેખા' ની ઓફિસ પર જશે અને છેલ્લું પ્રકરણ લખી આપીને 'અંતિમ આશ્રમ' નવલકથાનો અંત લાવી દઇ થોડા દિવસો માટે બધાંથી દૂર ક્યાંક ચાલી જશે. એમણે જયરામ શેઠને ફોન કર્યો અને કહ્યું કે તે હમણાં જ આવે છે. એમણે થોડીવાર પહેલાં લખેલું પ્રકરણ ફાઇલમાં મૂક્યું અને આવાસને તાળું મારી જયરામ શેઠને મળવા ચાલી નીકળ્યા.

'જીવનલેખા' ની ઓફિસ પર પહોંચ્યા ત્યારે જયરામ શેઠ એમને જોઇ ખુશ થઇ ગયા. એમને આવકાર આપ્યો. ઉજેશભાઇએ લખેલું પ્રકરણ જયરામને આપીને કહ્યું:"આ આખું વાંચી લો અને કોઇ ભૂલ હોય તો સુધારી લેજો. આપણે છેલ્લું પ્રકરણ લખવાની આજે જ શરૂઆત કરી દઇએ. અત્યારે હું કથાપ્રવાહમાં વહી રહ્યો છું તો એનો અંત ઝડપથી લાવી શકાશે. મારે હવે હવાફેર કરવા બહાર જવું છે."

"ઉજેશભાઇ, થોડો થાક તો ઉતારો. તમે તો સૂરજ પર મુસાફરી કરીને આવ્યા હોય એવા દેખાવ છો. હું એસી વધારું છું. તમે આરામથી બેસો. હું પ્રકરણ વાંચી લઉં..." કહી જયરામ શેઠ હાથમાં ફાઇલ લઇ વાંચવા બેસી ગયા.

થોડી થોડી વારે તે 'વાહ!' અને 'અદભૂત!' જેવા શબ્દો વારંવાર બોલતા રહ્યા. અને એટલી વાર ઉજેશભાઇને દિલમાં સણકા ઉપડતા રહ્યા.

અડધા કલાક પછી જયરામ કહે:"ઉજેશભાઇ, તમે કમાલ કર્યો છે. આ પ્રકરણ દિલથી લખાયું છે. આ ચોંકાવનારો ઘટસ્ફોટ વાંચીને વાંચકો ચોંકી જશે. પણ મારે વાચકોને વધારે ચોંકાવવા છે. છેલ્લું પ્રકરણ એવું લખો કે એની વાચકોને તો શું એના લેખક યુ.આર. 'ફ્રેન્ડ' ને પણ કલ્પના ના હોય. મેં તમને કહ્યું હતું કે હું તમને પણ એક સરપ્રાઇઝ આપવાનો છું...."

"મેં મારા જીવનમાં એક મોટો આંચકો અનુભવ્યો છે. હવે બીજો જોઇતો નથી. તમે કાગળ મંગાવો આપણે લખવની શરૂઆત કરીએ..."

"હા, છેલ્લા પ્રકરણમાં તમને અમારા ચીફ એડિટર શંકરદાસ મદદ કરશે. એ આવે ત્યાં સુધીમાં આપણે સરસ ચા પી લઇએ." કહી જયરામે ઇન્ટરકોમ પર ફોન કરી બે ચા લાવવા માટે કહ્યું.

પાંચ જ મિનિટમાં ચા આવી ગઇ. ઉજેશભાઇને ચાની તલબ લાગી હતી. તેમણે ગરમ ગરમ ચા હોઠે માંડી. પણ પીવા જતાં અટકી ગયા. ચામાંની સુગંધ પરિચિત લાગી. અગાઉ અહીં આવી ચા પીધી હોય એવો ખ્યાલ ન હતો. ચાનો એક ઘૂંટ ગળે ઉતાર્યો અને ખાતરી થઇ ગઇ કે આ ચા અહીંની નથી. ઉજેશભાઇ કહે:"ચા લાજવાબ છે! ક્યાંથી મંગાવી?"

"એક નવી ચાવાળી આવી છે. તું કહે તો મળવા બોલાવું!"

"ના-ના, આ તો ચા સારી લાગી એટલે કહું છું."

"છેલ્લું પ્રકરણ લખવા તૈયાર છે ને? હું શંકરદાસને બોલાવું છું. એ મદદ કરશે. અમે છેલ્લે એક વાત ઉમેરવાના છે..."

"વાધો નહીં. હું કરારમાં બંધાયેલો છું. એક વાત તમને કહીં દઉં કે હવે પછી આવો કરાર કરવાની ભૂલ નહીં કરું. મેં મારા હાથે મને નુકસાન પહોંચાડ્યું છે. લેખકે પોતાની સ્વતંત્રતાને વેચવાની ભૂલ ના કરવી જોઇએ. કોઇ જગ્યાએ લેખક તરીકે નોકરી કરતા હોઇએ એ વાત અલગ છે. આ રીતે સર્જનમાં કોઇને હસ્તક્ષેપ કરવાનો અધિકાર આપવો ના જોઇએ...."

"ઉજેશભાઇ, ખરેખર તો તમે વાર્તામાં હસ્તક્ષેપ કર્યો છે. તમે અલ્પનાના પ્રેમમાં પડયા..." જયરામે જવાબ આપી દીધો.

"હા, કેમકે આ જીવાતા જીવનની નવલકથા હતી. જે ઘટનાઓ બને એને સમાવવી જોઇએ...." ઉજેશભાઇએ હકથી કહ્યું.

"ઓકે, ઓકે...આ લો શંકરદાસ આવ્યા. તમે પહેલી વખત મળતા હશો એટલે પરિચય કરાવી દઉં..." જયરામે શંકરદાસને આવતા જોઇને કહ્યું.

શંકરદાસ કહે:"જય હો! એમને પરિચયની જરૂર નથી. અમે મળી ચૂક્યા છે!"

ઉજેશભાઇને શંકરદાસનો સ્વર જ નહીં ચહેરો પણ પરિચિત લાગ્યો. પોતે શંકરદાસને તો ક્યારેય મળ્યા જ નથી. તો પછી એ કેમ ઓળખીતા જેવા લાગે છે? અચાનક દિમાગની બત્તી થઇ હોય એમ ઉજેશભાઇ બોલી ઊઠયા:"તમે...તમે જીવનસ્ય તો નથી ને?!"

"ના, હું જીવનસ્યની ભૂમિકા ભજવનાર શંકરદાસ છું."

"જયરામ શેઠ આ શું છે? શંકરદાસ સાધુ બનીને કેમ આવ્યા હતા? મતલબ કે મને વરદાન આપનાર જીવનસ્ય ખોટા છે. એ વરદાન પણ ખોટું છે..."

ઉજેશભાઇ ખુશીથી ઉછળી ઉઠયા.

જયરામ શેઠ કહે:"ઉજેશભાઇ, પહેલાં તો અમે તમારી માફી માગીએ છીએ. તમારી જાણ બહાર અમે વાર્તાનો નવો પ્લોટ ઉભો કર્યો અને સાધુ જીવનસ્યનો પ્રવેશ કરાવ્યો. એમાં તમે માનસિક યંત્રણામાંથી પસાર થયા. અસલમાં મને લાગ્યું કે વાર્તામાં કોઇ મોટા વળાંકની જરૂર છે. એટલે મેં શંકરદાસને સાધુ બનવા તૈયાર કર્યા. એમની સાથે જ રૂપરેખા તૈયાર કરી. હસમુખભાઇને મળીને હકીકત કહી સહકાર આપવા વિનંતી કરી. એ તૈયાર થઇ ગયા. એમણે સારો સાથ આપ્યો. અલ્પનાએ પણ અમને સાથ આપ્યો. અમને ખબર હતી કે તમે અને અલ્પના એકબીજાને ચાહવા લાગ્યા છો. પણ અલ્પના મળવાની નથી એ વાતની ખબર પડ્યા પછી તમારી કલમ સારી ચાલી. સાચી વાતથી તમે બેખબર હતા એટલે એક અલગ જ રંગમાં વાર્તા રંગાઇ. વાચકો જ્યારે છેલ્લા પ્રકરણમાં આ રહસ્ય જાણશે ત્યારે ચોંકી જશે. આજ સુધી કોઇએ નવલકથામાં આવો પ્રયોગ કર્યો નથી. તમે લાઇવ નવલકથા લખી અને અમે એમાં અણધાર્યા આંચકા આપ્યા. હવે છેલ્લું પ્રકરણ લખવાની શરૂઆત કરતાં પહેલાં ફરી ચા મંગાવીએ?"

"ના, ચાવાળીને જ બોલાવી લો! ઘરે તો રોજ એના હાથની જ ચા પીવાની છે ને!" ઉજેશભાઇને ખ્યાલ આવી ગયો કે અલ્પના અહીં આવી ચૂકી છે અને તેના હાથની ચા એમને પીવડાવવામાં આવી હતી.

ઉજેશભાઇની વાત સાંભળીને બધાં હસી પડ્યા.

અલ્પના આવી અને બોલી:"ઉજેશભાઇ, જીવનસ્ય અહીં હાજર છે. એમને કાઢી મૂકીએ!"

ઉજેશભાઇ કહે:"ના-ના, એમની તો ખાસ જરૂર છે. સાધુના પાત્રને એમણે ખરેખર ભજવી બતાવ્યું. પણ મને બનાવી ગયા!"

અલ્પના કહે:"ચાલો, 'અંતિમ આશ્રમ' ના અંતિમ પ્રકરણના શ્રીગણેશ કરો. એનો જલદી અંત આવે તો આપણે જીવનની નવી શરૂઆત કરી શકીએ."

જયરામ શેઠ હસીને બોલ્યા:ઉજેશભાઇ, તમે તો ચોથા અને અંતિમ સંન્યાસ આશ્રમમાં જવાને બદલે બીજા આશ્રમમાં પરત ફરી રહ્યા છો. ગૃહસ્થાશ્રમ તમને મુબારક!"

ઉજેશ રાજપરા એટલે કે યુ.આર. 'ફ્રેન્ડ' ની ખુશીની કોઇ સીમા ન હતી.

સમાપ્ત.