ભણતર ના મૂલ્ય ને જરાય ઓછું આંક્યા વગર,ઓછું ભણેલા માણસો પણ જીવનમાં કંઇક સફળતા હાંસલ કરી શકે છે અને આર્થિક સમૃદ્ધિ ની ઊંચાઈએ પહોંચી શકે છે તે વાત ઉપર ભાર મૂકીને હું મારી વાત ની શરૂઆત કરું છું,જેને ચઢાણ ચઢવું હોય છે તેને હિમાલય પણ નડતો નથી, જે ભણે તે જ સારું કમાઈ શકે અને સારું ભણતર જ સારી આર્થિક સમૃદ્ધિ તરફ દોરી જાય..તે વાત ખોટી પડતી હોય તેમ હું આજે તમને એવી વ્યક્તિ ની ઓળખ આપીશ કે જેણે ભણ્યા વગર ફકત પોતાની કોઠા સૂઝ થી બિઝનેસ એમ્પ્યાર ખડું કરી દીધું..વર્ષો પહેલાની વાત છે ખેતી કામ કરતા અને ખેતી ની આવકમાંથી ગુજારો કરતા ભગવાન બાપા એ પોતાના પુત્ર માનસ ને ભણવા માટે બીજા ગામની હોસ્ટેલ માં મૂક્યો, ગામમાં ભણવાની કોઈ જ સગવડ ન્હોતી, ધોરણ સાતમું માંડ માંડ ધકેલ પંચા ની જેમ પાસ કરી માનસે સ્કૂલ માં ધોરણ ૮ માં પ્રવેશ લીધો..પરંતુ રખડ પટ્ટી માં જેનો જીવ ઘૂસેલો છે, તેવા માનસ ને ભણવામાં જીવ ચોંટ્યો નહિ અને હોસ્ટેલ માંથી વારંવાર ભાગી ને ઘેર આવી જતો, અને ભગવાન બાપા દંડો લઈ ને મારવા દોડતા અને બન્યું પણ એવું કે ધોરણ ૮ નું ભણવાનું અડધું છોડી ને માનસ ઘેર આવી ગયો અને ખેતી કામ માં મજૂરી કરવા લાગ્યો,ગામમાં લોકો વાતો કરવા માંડ્યા કે માનસ પાછો આવ્યો..જાણે કોઈ વહુ રિસામણે આવી હોય તેમ..,ભગવાન બાપા ને માનસ ખેતી કામ કરે તે મંજૂર ન્હોતું,લોકો કહેતા કે માનસ ને તો હવે કોદાળી પાવડો અને હળ..હવે તે ભગવાન બાપાની જેમ ખેતી કરી ખાશે, ભગવાન બાપા એ પરાણે માર મારી ને મામા ના કારખાને લોઢા ટીપવા મોકલી દીધો, કુદરતનું કરવું અને કહેવાય છે કે વિધાતા એ જે લેખ લખ્યા હોય, તેની શરૂઆત થતી હોય તેમ માનસ ને ગમતું કામ મળવાથી, તનતોડ મહેનત કરવા લાગ્યો, લોખંડ ના કારખાના માં એને એટલો બધો રસ પડ્યો કે સમયનું તેને ભાન રહેતું નહિ, ખાવાનું ટિફિન એમને એમ પડ્યું રહેતું , માનસ ની આંખો અને હ્રદય લોઢા ના જુદા જુદા દાગીના માં ખોવાયેલી રહેતી, જુદા જુદા લોખંડ ના સ્પેરપાર્ટ ને જોયા કરતો અને તેની સાઇઝ,માપ, કિંમત આંકતો રહેતો, અને દરેક સ્પેર પાર્ટ માં ઊંડાણ થી રસ લેતો રહેતો,ભણ્યો ન્હોતો પરંતુ કોઠા સૂઝ તેની આગવી કુદરતી બક્ષિસ હતી, ઉડી ને આંખે વળગે તેવી તેની વાતચીત ની શૈલી હતી, જે કુશળતા, સહૃદયતા અને મૃદુતાથી કોઈ વેપારી જોડે વાત કરે તેમાં વેપારી ને પોતાપણું લાગતું અને ધંધાકીય વિશ્વસનીયતા ઉભી થતી. આવા દરેક ગુણો માનસ ના સ્વભાવ માં હતા જે આગળ જતાં તેના માટે બહુ મોટી સફળતા તરફ દોરનાર પરિબળો બનવાના હતા,
ધીરે ધીરે મામા ના બિઝનેસ માં 15 વર્ષ પસાર કર્યા, જેમ સોના ને ટીપી ટીપી ને એક સુવર્ણ અલંકાર બનાવી શકાય છે તેમ માનસ.. મામા ના કારખાના માં ટીપાઈ ટીપાઇ ને એક જબરદસ્ત ઉર્જા બની ગયો હતો, જે ઉર્જા તેને સફળતા ની ટોચે લઈ જવાની હતી
આખરે એક શુભ દિવસે નાનકડા લેથ મશીન સાથે ગાયત્રી એન્જિનિયરિંગ સર્વિસ નામનું નાનું સાહસ અમરાઈવાડી વિસ્તારમાં ચાલુ કર્યું..નવા ધંધા માં જે તકલીફો હોય છે તે તમામ તકલીફો માનસ ને પડવા માંડી, એક એવી લોબી કામ કરતી હતી કે જે નાના ધંધાર્થી ઓને આગળ આવવા દેતી ન્હોતી, માનસ પણ તેનો શિકાર બન્યો અને લાખો રૂપિયાનું નુકસાન થઇ ગયું,જોતા જોતામાં તો ઉઘરાણી કરવા વાળા આવવા માંડ્યા,જે શેડ ભાડે રાખ્યો હતો તે ખાલી કરવા માટે અલ્ટીમેટમ આવી ગયું, જબરદસ્ત તનાવ માં ઘેરાઈ ગયો, દેવું ચૂકવવા માટે પોતાનું એક રૂમ રસોડાનો મકાન વેચી નાખ્યું..રહેવા માટે જગ્યા નહિ અને કારખાનું ચાલતું નહોતું, પરંતુ એક પુંજી એની જોડે હતી અને તે હતો આ ચક્ર વ્યૂહ માંથી બહાર નીકળવાનો જબરજસ્ત આત્મવિશ્વાસ, અને આ જ પાવર.. આજ એનર્જી એને માટે ઊર્જાનો સ્ત્રોત હતો. નાણાકીય ભીડ અનુભવતો માનસ નિરાશ થયો નહિ અને એમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવા માંડ્યો, ધીરે ધીરે સમય જવા લાગ્યો અને માનસ આ ચક્રવ્યૂહ માંથી બહાર આવવા માંડ્યો, એણે શેડ ખાલી કરીને નવો શેડ ભાડે રાખ્યો..ગુણવતા વાળો માલ અને ખાસ તો દરેક પાર્ટી સાથે તેની સૌજન્ય પૂર્ણ વાતચીત તેની માર્કેટ માં ઈમેજ શાખ વધારતા હતા અને આજ વસ્તુ તેને બધાથી અલગ કરતા હતા,ક્યારેક બનતું એવું કે રાત્રિ ના ૧ વાગ્યા સુધી માનસ કારખાના માં કામ કરતો હોય, હાર્ડ વર્ક એટલું કે આંખો માં અંધારા આવી જતા,છતાં માનસ મંડ્યો રહેતો.. વળગ્યો રહેતો, એક જ ધ્યેય.. એક જ લક્ષ.. બસ આગળ વધતા રહેવું અને ટોચે પહોંચવું..સમય પસાર થવા મંડ્યો અને એક દિવસ આવ્યો કે સમૃદ્ધિ તેને આંગણે રમવા મંડી,એક કંપની...બીજી કંપની અને આખરમાં ત્રીજી કંપની એમ એક પછી એક સમૃદ્ધિ અને સફળતા ના શિખરો ચડતો રહ્યો..એક મોટું બિઝનેસ એમ્પાયર ખડું કરી દીધું, માનસ નો એક ગુણ એવો હતો કે જેને તે બીજા બિઝનેસ મેનો થી અલગ કરતા હતા અને તે એ કે સમૃદ્ધિ ના શિખરે હોવા છતાં તેના પગ જમીન ઉપર જોડાયેલા રહેતા હતા,કોઈ ઘમંડ નહિ કોઈ અભિમાન નહિ, નાના માં નાના કર્મચારી જોડે સૌજન્યતા થી લાગણીપૂર્વક વાત કરવાની, પ્રેમ નો નાતો અને માનસ નું નેતૃત્વ એવું હતું કે દરેક કર્મચારી ને કંપની પોતાની લાગતી,ધાર્મિક કાર્યક્રમો માં પણ માનસ નું આર્થિક યોગદાન ખૂબ રહેતું તે એવું માનતો કે ભગવાને આપ્યું છે તો ભગવાનને પાછું આપવું, ઘણી બધી કંપનીઓ સમાજિક દાયિત્વ ની જવાબદારી ના ભાગ રૂપે આર્થિક યોગદાન આપતી રહેતી હોય છે, તેમાં માનસ ની કંપનીઓનું ઘણું મોટું યોગદાન રહેતું હતું, કોઈ પણ સફળતા હાંસલ કરવા માટે સાધનો કરતા "સાધના" ની આવશ્યકતા હોય છે જે માનસે પુરવાર કર્યું હતું માનસ ની જ જોડે પ્રાથમિક શિક્ષણ લીધેલા અને આજના ટોચના એન્જિનિયરો આજે માનસ ની કંપની માં કામ કરે છે,દુનિયામાં કશું જ અશક્ય નથી તે વાત ફરી માનસે પુરવાર કરી છે,