sabarmati na Sant in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | સાબરમતીના સંતને ભાવાંજલિ

Featured Books
Categories
Share

સાબરમતીના સંતને ભાવાંજલિ

આજે શહીદ દિને સમગ્ર દેશમા રેડિયોમાં કવિ પ્રદીપજી નું આ ગીત જરૂર વાગશે:
' દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ !' એ સાવ સાચી વાત છે, કમાલની જ વાત છે કે કોઈપણ જાતના શસ્ત્રો ઉપાડયા વગર,હિંસાથી દૂર રહી અને માત્ર સત્ય અને દેશપ્રેમ ના હથિયાર વડે બ્રીટીશ સલ્તનતની બેડીમાંથી ખરેખર આપણને આઝાદી અપાવી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સંસ્કારી શ્રદ્ધાળુ માતા પૂતળીબાઈ અને દરબારના વહીવટમાં વ્યસ્ત પિતા કરમચંદ ના પુત્ર બીજી ઓક્ટોબર 1869 માં પોરબંદરમાં જન્મ્યા હતા. તેમનું નામ મોહનદાસ પાડવામાં આવ્યું હતું. દેશની આઝાદી મેળવવા તેમણે માત્ર સત્ય અને અહિંસાના શસ્ત્રો વાપરી જે રીતે દેશસેવા નું અનોખું કાર્ય કર્યું તેથી તેઓ રાષ્ટ્રપિતા તરીકે પ્રખ્યાત થયા.
નાનપણથી જ સત્ય, અહિંસાના પૂજારી એવા મોહનને ઉપવાસનું શસ્ત્ર માતા પાસેથી મળ્યું હતું. 1991માં બૅરિસ્ટર બની, વિદેશથી ભારત આવ્યા. પણ 1893 માં એક કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા.ત્યાં ભારતીય મજૂરો પર અન્યાય સહન ન કરી શકતા, ત્યાં જ રોકાઈ અહિંસક આંદોલનની શરૂઆત કરી. ૧૮૯૪માં નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ સ્થાપી, સત્યના પ્રયોગો કરી દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં અમર થઈ ગયા. ભારતમાં ગોપાલકૃષ્ણ ગોખલે ને ગુરુ માની લોકમાન્ય ટિળક સાથે રાજકારણમાં ઝંપલાવ્યું.ગામડે ગામડે ફરી ઓછું બોલી વધુ સાંભળીને લોકોના હૈયાના હાર બન્યા. મહાદેવભાઇ દેસાઇ અને કાકા કાલેલકરને સાથે રાખી ૧૯૧૫માં અમદાવાદમાં પાલકી જનકી કોચરબ આશ્રમ સ્થાપ્યો. સ્વદેશની ભાવના લોકોમાં જગાવવા ચળવળ ઉપાડી. ત્યારબાદ તો દાંડીકૂચ, અસહકારનું આંદોલન, જલિયાવાલા બાગ આંદોલન, રોલેટ એક્ટના કાળા કાયદા નો વિરોધ વગેરે ચળવળ ઉપાડી. દરેક વખતે લોકોને સમજાવ્યું કે શાંતિપૂર્ણ અને ન્યાય માર્ગ દ્વારા સ્વરાજ મેળવીને જંપીશું. 8 ઓગસ્ટ 1942ના હિન્દ છોડોની ચળવળમા અંગ્રેજોની દેશ છોડી દેવા માટેનું દેશ વ્યાપી બ્રહ્માસ્ત્ર હતું.
આટલા બધા સંઘર્ષો પછી 15 ઓગસ્ટ 1947ના આઝાદ કરાવેલ ભારતમાં સ્વતંત્રતા માણવા તેઓ ખુદ બહુ ન જીવ્યા! અહિંસા અને શાંતિના દૂત ગાંધી ધર્મના ભેદભાવ ના વિરોધી હતા. સર્વધર્મ સમભાવમાં માનતા હતા. પણ તેમને સમજી ન શકનારા તેમના વિરોધીઓ પણ ઘણા હતા. જેમાં એક નામ નથુરામ ગોડસેનું નામ દેશ ક્યારે પણ નહી ભૂલે. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના સાંજે પ્રાર્થના સભામાં જ હિંસક બનેલા નથુરામ ગોડસેએ દેશના પ્યારા બાપુની છાતીમાં સરેઆમ ગોળીઓ મારી હત્યા કરી. ત્યારે તેમના મુળી થી અંતિમ શબ્દો 'હે રામ' નીકળ્યા.આખો દેશ શોકમાં ડૂબી ગયો. પંડિત નહેરુનો દર્દ ભર્યો અવાજ રેડિયો પર ગૂંજ્યો: "હવે તો સર્વત્ર અંધારું ફેલાઈ ગયું છે, આપણી જિંદગીનો એકમાત્ર પ્રકાશ પણ ઓસરી ગયો છે."
દેશના પ્રેરણામૂર્તિ, નૈતિક તાકાત આપતા સૌના લાડલા પૂજ્ય બાપુની નિર્વાણતિથિએ શહીદ દિન તરીકે સમગ્ર દેશમાં આદરપૂર્વક આઝાદી માં શહીદ થયેલા તમામ ને ભાવાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ દિન તરીકે મનાવાય છે. આજે પણ મહાત્મા ગાંધીને બાપુના પ્યારા નામથી ઓળખાય છે અને તેઓ સૌના આદર્શ છે તેથી દિલ્હીના યમુના કિનારે આવેલા કેટલાય નેતાઓ ની સમાધી વચ્ચે મહાત્મા ગાંધી ની સમાધિ નું નામ 'રાજઘાટ' છે તેનું મહત્વ અનન્ય છે‌. રાજઘાટ પર સતત રહેતી વિદેશના પ્રવાસીઓની ભીડ વર્તમાન સમયમાં પણ બાપુ પ્રત્યે દેશ સહિત વિદેશી માં બાપુ પ્રત્યનો આદર સૂચવે છે.

આજે દેશનો વિકાસ ખૂબ આગળ વધ્યો છે, ત્યારે ગાંધીજીના સ્વદેશીના સિદ્ધાંતોની સમીક્ષા કરી, નાના અને કુટિર ઉદ્યોગો ને આગળ વધારવા હજુ પણ ગાંધીજીના વિચારો ઉપયોગી બની રહેશે.યંત્રોના વિરોધી એવા બાપુએ એ સમયે પણ સ્વદેશી ચળવળ કરી લોકોને જે ઉપદેશ આપ્યો તે આજે આટલા વર્ષો પછી પણ આપણે સૌ 'આત્મનિર્ભર ભારત' ના અર્થમાં યાદ કરી રહ્યા છીએ.
આપણા દેશના પ્રગતિ માટેના માપદંડો માટે સતત વિચારતા ગાંધીજીના વિકાસનો માર્ગ,દેશના ગામડાં અને ગલીઓમાંથી પસાર થતો હતો. આપણા દેશની કેટલીક વાસ્તવિકતા અને સત્યને ગાંધીબાપુએ સ્વતંત્રતા પહેલાં જ જાણી લીધા હતા તેમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી.
આપણા સૌના પ્યારા અને જેમના કારણે આપણે અત્યારે આઝાદી ભોગવી રહ્યા છીએ તેવા દેશના લાડલા બાપુને જો સાચી અંજલિ આપવી હોય, તો સૌ સાથે મળીને આ મુજબ કહેવું પડે અને કરવુ પડે :
"ઈન્કલાબ જીન્દાબાદ"સૂત્ર અતિ પ્યારું છે,
દેશને ગુલામીની તોડવાનું બારુ છે.
મુક્તિનું એ પ્યારુ છે ,
બાપુ ને વહાલું છે."
દેશની એકતા અને અખંડિતતાને સદાય અહિંસા અને સત્યના શસ્ત્ર દ્વારા જ બનાવી રાખીએ, એ જ આપણા પ્યારા બાપુને સાચા અર્થમાં અંજલિ આપી કહેવાય.