ચોપતા.... એડવેન્ચર માણવાની અદભુત જગ્યા. કોઈપણ આ જગ્યાનું થઈ જાય, જો એ અહીં એક વખત આવી જાય તો.. માત્ર એક રસ્તો અને એનો
નજારો જોઈ શ્રુતિ અહીંના પ્રેમમાં પડી ગઈ. લહેરાતી ઠંડી-ઠંડી હવા, બધે જ લીલોતરી, બર્ફીલા પહાડો અને હાથમાં એક ગરમ ચાનો પ્યાલો. બસ આટલી વસ્તુઓ હોય એટલે જાણે જીવનની અધૂરપ પુરી થઈ જાય. પણ શું કરી શકાય? શિમલા, મનાલી કે ઉટી જેટલુ મહત્વ આ જગ્યાને નથી મળ્યું. એટલે જ તો લોકો આ જગ્યાને ઓળખતા નથી. અને એટલે જ જેમને શાંતિથી પ્રવાસીઓના ધસારા વગર ફરવામાં રસ છે. એમની માટે આ યોગ્ય જગ્યા છે.
શ્રુતિએ પોતાની ચા પુરી કરી અને આ ઠંડા માહોલમાં એના હાથ ચાના જ સ્ટવ જોડે ગરમ કર્યા. ચારધામમાં એક ધામથી બીજે જતા રસ્તામાં એટલી ઠંડક નથી હોતી, એટલે કોઈએ પોતાનું જેકેટ બહાર રાખ્યું નહતું. પણ અહીં ઠંડી હતી, માત્ર ઠંડી જ નહીં કડકડતી ઠંડી હતી. એટલે થોડાક જ સમયમાં શ્રુતિનું નાક અને કાન ઠંડીથી લાલ થઈ ગયા. એ પછી તરત એ લોકો બસ તરફ જવા લાગ્યા. પણ બસ જ્યાં એમને ઉતારીને ગઈ હતી, ત્યાં નહતી.
ટુર મેનેજર પણ એમની જોડે આવ્યા અને જણાવ્યું કે, "બસ દોઢ-બે કિલોમીટર દૂર મુકવામાં આવી છે અને ત્યાં સુધી એમને ચાલીને જ જવું પડશે."
બાકી બધા ચાલતા થયા પણ શ્રુતિ એના મમ્મી-પપ્પા વિશે વિચારવા લાગી. ચોપતા 8000 ફૂટની ઊંચાઈએ આવેલું છે. શ્વાસની સમસ્યા સ્વાભાવિક જ રહેવાની. એની મમ્મી ચાની દુકાનથી અહીં સુધી આવવામાં જ હાંફી ગઈ હતી. બે કિલોમીટર કઈ રીતે કાપી શકાશે એ વિશે એ વિચારી પણ શકતી નહતી. છેવટે શ્રુતિએ ત્યાં સુધી લિફ્ટ લેવા વિચાર્યું. એણે મમ્મીનો હાથ પકડીને ચાલતા ઘણી ગાડીઓ રોકવાની કોશિશ કરી, પણ કોઈ રોકાઈ નહિ. છેવટે એક ગાડી રોકાઈ અને એણે એના મમ્મી-પપ્પાને એમા બેસાડ્યા. પણ થોડેક આગળ જ ગયા હશે કે ગાડી ઉભી રહી ગઈ.
શ્રુતિ ત્યાં પહોંચી ત્યારે એને સમજ આવ્યું કે એના પપ્પા બસ અહીં પાર્ક છે એમ સમજી ગાડીમાંથી ઉતરી ગયા. અને બાકીનું અંતર એમને ચાલતા જ કાપવુ પડ્યું. શ્રુતિની મમ્મી માંડ બસ સુધી પહોંચી શક્યા અને છેવટે એ બસમાં બેઠા પછી બસ ઉપડી.
આગળ રસ્તો ઢોળાવવાળા જંગલોમાંથી પસાર થઈ રહ્યો હતો. ઠંડકનું પ્રમાણ વધુ હતું, હવે એમને લાગ્યું કે એમને પોતાની સાથે સ્વેટર રાખવું જોઈતું હતું. પણ હવે પસ્તાવાનો શુ મતલબ? એ આખો ઢોળાવ અને જંગલોવાળો રસ્તો પૂરો થયો.
ત્યારબાદ ઉત્તરાખંડનું બીજું સુંદર શહેર આવ્યું, ચમોલી... દરવર્ષે વરસાદના સમયમાં એ જગ્યાનું નામ વધુ વરસાદને કારણે સમાચારોમાં છવાયેલું હોય છે. ક્યારેક વાદળ ફાટવાની ઘટના તો ક્યારેક શહેરનો સંપર્ક તૂટવાની ઘટના સામાન્ય છે અહીં. અહીં પણ આખા ઉત્તરાખંડની જેમ કેટલીક બાબતો સામાન્ય રીતે જોવામાં આવી. નદીની કોતરના ભાગમાં બધે ગેરકાયદેસર બાંધકામ હતું. જેમાં ગેસ્ટહાઉસ ઉપરાંત ઘરો પણ બાંધવામાં આવ્યા હતા. રસ્તાના ભાગે ઘરનો આગળનો ભાગ હોય અને નદીનો કોતરમાં બે કે ત્રણ મોટા થાંભલા ટેકવી પાછળનો ભાગ બનાવવામાં આવ્યો હોય. જયારે પણ નદીનું પાણી વધે કે તરત એ ઘર ધસવાની તૈયારી કરે. ઉત્તરાખંડમાં મોટાભાગના ઘરો આવી જ પરિસ્થિતિમાં બનેલા છે. કારણકે ઘર બાંધવા ત્યાં કોઈ સમતલ જમીન છે જ નહીં.
ચમોલીના પુરા થતા જ નદીનો પહોળો પટ શરૂ થયો અને એ સાથે જ રસ્તો પણ પહોળો થયો. વળી ક્યાંક નવા રસ્તા અને બોગદા બની રહ્યા હતા. આખો રસ્તો ખૂબ ઓછા સમયમાં પાર કરી શકાય એ કામગીરી શરૂ થઈ ગઈ હતી.
સાંજના 6 વાગ્યા સુધીમાં એ લોકો બદ્રીનાથથી 70-75 કિલોમીટર દૂરના પીપલકોટી ગામ પાસે પહોંચ્યા. ત્યાં એક વળાંક પરના ગેસ્ટહાઉસમાં આજનો દિવસ રોકાવા માટે બસ રોકવામાં આવી. બધા જ નીચે ઉતર્યા અને સામાન પણ નીચે ઉતારવામાં આવ્યો.
મૅનેજરે બધાને રૂમ આપતી વખતે જ સૂચના આપી દીધી, "જુઓ આપણે અહીંથી કાલે સવારે 6 વાગ્યે બદ્રીનાથ માટે રવાના થાશું, પણ સવારે તમારે એક જોડ કપડાં અલગ બહાર કાઢી દેવાના છે. સવારે ત્યાં ગરમ પાણીના કુંડમાં જ નહીં લેજો. તમને ત્યાં બસસ્ટેન્ડ પર મૂકી અમે બસ અને સામાન સાથે ગેસ્ટહાઉસમાં જતા રહીશું. પછી દર્શન કરી તમે ત્યાં જ આવી જજો."
બધાએ આ બાબત સમજી લીધી અને પોતપોતાના રૂમમાં જતા રહ્યા. ખાવાપીવાનું પૂરું કર્યું અને વહેલા જ સુઈ ગયા. આટલા દિવસના થાક અને ઠંડીને કારણે ઊંઘ સરખી આવી નહતી, એની ખોટ અહીં પુરી થઈ. અન્ય જગ્યાઓ કરતા અહીંનું વાતાવરણ ઠંડુ ન હતું, મોટાભાગના લોકો પડ્યા એવા જ સુઈ ગયા.
17 જૂન, 2020....
બધાએ સવારે 6 વાગ્યા સુધીમાં નાસ્તો કરીને બહાર સામાન લાવી દીધો. સૂચના પ્રમાણે બદ્રીનાથમાં જ નહાવાનું હોઈ કોઈને એની ચિંતા નહતી. છેવટે બધા જ બસમાં બેસી ગયા અને બસ ઉપાડવામાં આવી. બધા શાંતિથી બારીમાંથી બહારના નજારા જોવા લાગ્યા. પણ ખૂબ જલ્દી એમને અનુભવાઈ ગયું કે એમને બારી ખુલ્લી રાખી ભૂલ કરી છે. કારણકે બહાર રોડ બનતો હતો, અને રસ્તા પર મેટલીયા પથ્થર અને રેતીના ઢગલા હતા. પહાડો કોતરીને એ ધસી ન પડે એટલા માટે દુર્ઘટનાથી બચવા માટે મોટી પથ્થરની દીવાલો પણ બની રહી હતી.
શ્રુતિના માસી બારી આગળ જ બેઠા હતા, એક જગ્યાએથી એમણે પહાડનો કોરાયેલો ભાગ જોયો અને શ્રુતિને કહ્યું, "જો આ માટી ઠોસ નથી, નદીકિનારે જેવી હોય એવી છે. એટલે એવી શક્યતા છે કે કદાચ હજારો વર્ષો પહેલા નદીનું પાણી અહીં સુધી આવતું હોય..."
આ સાંભળ્યું કે શ્રુતિ તો માસીને જોયા જ કરે કે એમને પહાડો વિશે આટલી જાણકારી કઈ રીતે? પછી યાદ આવ્યું કે એના માસા જંગલખાતામાં ઓફિસર હતા અને માસી પણ એમની સાથે જ રહ્યા છે. એટલે એમને આટલી તો જાણ હોય જ. એ પછી એમણે પહાડ ધસવાનું કારણ પણ સમજાવ્યું કે આવી માટી હોય તો વધુ વરસાદને કારણે પહાડની રેતી ફસકી જાય અને એટલે જ વારંવાર અહીં પહાડ ધસી પડે છે અને રસ્તા બંધ થઈ જાય છે.
થોડોક સમય પસાર થયો અને પંદર કિલોમીટર પછી સારો રસ્તો આવ્યો. ક્યાંક રસ્તો એકદમ સાંકડો થઈ જાય કે માંડ ત્યાંથી એક બસ પસાર થઈ શકે. ઉપરથી પહાડોને કોતરેલા રસ્તા એટલે બસની છતની થોડીક ઉપર જ પહાડનો ભાગ આવી જાય. આવા રસ્તા પર એ બધાને ડર ખૂબ લાગતો પણ સાથે સાથે મજા પણ આવી. પહાડ નીચે બસના દબાઈ જવાનો ડર અને આટલા મોટા એડવેન્ચરની મજા. ક્યાંક દૂર સુધી ગાડીઓના હોર્ન ગાજતા સંભળાતા અને ક્યાંક સોનેરી તડકો આંખોમાં ચુભવા લાગતો.
આ આખા રસ્તા પર એક જ વસ્તુ હતી જેમણે એમનો સાથ છોડ્યો નહતો. એ હતા જીઓના નારંગી રંગના વાયર. કદાચ નેટ કનેક્ટિવિટી માટે નાંખ્યા હતા પણ હજુ ચાલુ થયા નહતા. એટલે જ બદ્રીનાથ નજીક પહોંચતા બધાના ફોનના ટાવર જતા રહયા. બદ્રીનાથ હજુ પંદર કિલોમીટર દૂર હતું, અને બરફના મોટા-મોટા ગ્લેશિયર (બરફનો એક મોટો ટુકડો કે જે શિયાળામાં થીજી તો જાય પણ ઉનાળામાં પીગળી ન શકે અને પથ્થર જેવો થઈ જાય) દેખાવા લાગ્યા. આખાને આખા પહાડો ઢાંકી દેતા ગ્લેશિયર જોયા અને શ્રુતિને અનુભવાયું કે હવે વાતાવરણમાં એક પ્રકારની ઠંડક થઈ ગઈ છે.
જેમ-જેમ બદ્રીનાથ નજીક આવ્યું એમ સોનેરી તડકો જતો રહ્યો અને ઘેરાયેલું વાતાવરણ આવવા લાગ્યું. છેવટે બદ્રીનાથ માટે એક કિલોમીટર બાકી રહ્યું અને સર્વેએ જોરથી બુમ પાડી... "જય બદ્રીવિશાલ.." અને પાંચ મિનિટના ઓછા સમયમાં જ એ લોકો પહોંચી ગયા, બદ્રીનાથના પાર્કિંગ સ્પોટમાં.
બસ પછી શું? સૌ પોતપોતાની બેગપેક લઈને નીચે ઉતર્યા. શ્રુતિએ એની બેગપેક લીધી, અને એના પપ્પાએ પોતાની. યોજના અનુસાર બસ ગેસ્ટહાઉસ પર જતી રહી અને મેનેજર દર્શન પછી બધાને ત્યાં લઈ જશે.
બધા નીચે ઉતર્યા અને વાતાવરણ ખરાબ થઈ ગયું. વરસાદ પડવાની તૈયારી થઈ રહી હતી. શ્રુતિના પપ્પાને ઊંચાઈને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. અને એમાં બેગપેકનું વજન. શ્રુતિએ પોતાની બેગ પાછળ ભરાયેલી હતી, પપ્પાની હાલત જોઈ એમની બેગ લઈ એણે આગળના ભાગ પર ભરાવી દીધી. અને મમ્મીનો હાથ પકડીને ચાલવા લાગી. બસ પછી એના પપ્પા ધીમે-ધીમે પાછળ ચાલવા લાગ્યા. અને વરસાદ પણ ચાલુ થઈ ગયો. ભૂખ તો લાગી જ હતી, અને બસ એ ચારેય એક જગ્યાએ રોકાઈને નાસ્તો કરવા લાગ્યા. ચા-મેગી-પકોડા બસ ત્રણેય મળ્યા એટલે ભગવાન મળ્યા. એમપણ સવારના 10 તો વાગ્યા જ હતા.
નાસ્તો પૂરો કરી એ લોકો આગળ ઢોળાવ પર નીચે ઉતર્યા, એ પછી ડાબી બાજુના વળાંક પર ગયા. થોડુંક નીચે ઉતર્યા કે એક મોટી રેલિંગ આવી અને એ સાથે જ બે લોખંડના મોટા પુલ. નીચેના ભાગમાં આવી અલકનંદા નદી. અને નદીની પેલે પાર ચોથું અને છેલ્લું મકામ, ત્રિદેવોમાં અનોખા રૂપ ધરનાર અને મહાદેવના સ્વભાવથી બિલકુલ વિપરીત, 'બદ્રીવિશાલ......'
(સાંભળ્યું હશે બધાએ, 'ભોળાના ભગવાન હોય...' પણ ચાલાકીની જરૂર હોય ત્યારે હંમેશા વિષ્ણુને યાદ કરવામાં આવે, અને વિષ્ણુના અનેકો રૂપ અને એ દરેકની અલગ વાર્તા અને અલગ તાકાત... બસ એમાંનું જ એક એટલે બદ્રીનાથ.. હવે આપણે બહુ જલ્દી અંત તરફ જઈ રહ્યા છીએ. જોડાઓ આ કથા સાથે અને માણો ચારધામના પ્રવાસને....)