Adhuru Sapnu in Gujarati Moral Stories by Manjula Gajkandh books and stories PDF | અધૂરું સપનું

Featured Books
  • YoYo प्रसंग!

    YoYo प्रसंग! "चल मैं निकलत हंव! ते लिख के डार दे! नए शहर को...

  • कहानी फ्रेंडशिप की - 3

    Friendship Story in Hindi : ‘‘साहब मैं आपका सामान उठा लूं क्...

  • बैरी पिया.... - 33

    शिविका ने फोन की स्क्रीन को देखा तो फोन उठा लिया । संयम " कौ...

  • Dard...e lotus

    दर्द का रिश्ता तो मेरा बचपन से रहा है और आज भी वही सिलसिला च...

  • You Are My Choice - 23

    जब जय पुलिस स्टेशन से निकल कर बाहर आया तो उसने देखा की आकाश...

Categories
Share

અધૂરું સપનું

" અરે મમ્મી ! તું હજી તૈયાર નથી થઈ?" મિથિલા ની તંદ્રા શૈલીના અવાજથી તૂટી. તેણે શૈલી તરફ જોયું, સાવ કોરી ભાવવિહીન આંખોથી. ફિક્કો ચહેરો, કોઈ જ તેજ નહીં. ફરીથી શૈલી એ કહ્યું, "મમ્મી મેં કાલે જ તને કહ્યું હતું કે સવારે વહેલી તૈયાર થઈ જજે. દસ વાગ્યા જો, હજી તું તૈયાર નથી થઈ?" "અરે પણ જવું છે ક્યાં એ તો કહે બેટા! કાલથી હું તને એ જ પૂછું છું કે ક્યાં જવું છે? ને તું છે કે!" મમ્મીએ હક્ક જતાવતાં ઉત્તર વાળ્યો." મમ્મી મારા કોલેજનું છેલ્લું વર્ષ છે ને તો ફંકશન એરેન્જ કર્યું છે. તેમાં બધા પોતપોતાની મમ્મી સાથે આવવાના છે. ચાલને ,જલ્દી કર ને ,મોડું થઈ જશે."શૈલીએ મીઠો છણકો કરતાં કહ્યું.
પણ મિથિલા ને તેની સાથે જવાની બિલકુલ ઈચ્છા નહોતી. એ ટાળતી રહી. આ રીતે મિથિલા શૈલી સાથે જવાનું હંમેશા ટાળતી. આજે પણ ઘણી આનાકાની પછી પણ શૈલી ન માની તે ન જ માની. આખરે દીકરીની જીદ સામે માએ પડતું મૂક્યું,ને મિથિલા નાછૂટકે તૈયાર થઈને શૈલી સાથે જવા રાજી થઈ.
બંને લગભગ અડધા કલાક પછી એક વિશાળ હોલમાં પહોંચ્યા. જે હોલમાં ખાસ્સી ભીડ જામી હતી. દરેક અપટુડેટ અને શુટબુટમાં હતાં. સ્ત્રીઓ પણ કાંજીવરમ જેવી ભારે સાડીઓમાં સજજ થઇને આવી હતી. સ્ટેજ પર મહાનુભાવો બિરાજમાન હતાં, જેમાં મૂઠી ઊંચેરા સાહિત્યકારો પણ દ્રશ્યમાન હતાં. શૈલી અને મિથિલા એ જેવો હોલમાં પ્રવેશ કર્યો તો બધાએ તાળીઓથી વધાવી લીધા. મિથિલા સાશ્ચાર્ય બધું નિહાળી રહી.શૈલી બધાના અભિવાદન ઝીલી ને પ્રત્યુત્તર આપી રહી હતી. બેઉ સ્ટેજ પર આવ્યાં અને શૈલીએ વ્યક્તિ વિશેષના સ્થાન પર મિથિલાને બેસાડી. મિથિલા હજીએ લાગણીઓથી અભિભૂત હતી. વિચારશૂન્ય આંખોથી માત્ર નિહાળી રહી હતી. ત્યાં જ શૈલીનો ભાવપૂર્ણ અને લાગણીભીનો મધુર અવાજ એના કાને પડ્યો, "મંચસ્થ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો! આજે આપણે એક ખાસ કાર્યક્રમ માટે ભેગા થયા છીએ. સૌ પ્રથમ તો આપ સૌનો હું અંતર પૂર્વક આભાર માનું છું કે આપ સૌ આપનો કિંમતી સમય મને આપ્યો. આજે એક પુસ્તકના વિમોચન માટે મેં સૌને આમંત્રિત કર્યા છે, જે મારી મમ્મી નું લખેલું વાર્તાસંગ્રહ છે."
આ શબ્દો મિથિલાના કાને પડતાં જ તે અચાનક ભાન માં આવી હોય એમ ચોંકી ઉઠી! ભાવવિભોર, અહોભાવથી એ દીકરીની આંસુ વહેતી આંખોને નિહાળવા તત્પર બની. એ શૈલીની પીઠને નજરથી પંપાળી રહી. શૈલીનો અવાજ સદંતર તેના અંતરને ભીંજવી રહ્યો હતો. "મિત્રો, મારી મમ્મી ઘણું સારું લખે છે. કાવ્યો, વાર્તાઓ,હાઈકુ,બધું જ... મેં એની રચનાઓ માત્ર વાંચી જ નથી, પણ હૃદયથી અનુભવી છે. જેમ જેમ હું વાંચતી ગઈ તેમ તેમ મમ્મી માટે મને ગર્વ મિશ્રિત અહોભાવ થતો ગયો. આ મમ્મી નો પ્રથમ વાર્તાસંગ્રહ 'લાગણીભીનો વાર્તાલાપ' બહાર પાડતાં હું અનહદ ખુશી અનુભવું છું! ને ગર્વ તો ખરો જ." શૈલીનું બોલવાનું અટકતાં જ હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. શૈલીએ મમ્મી તરફ ફરી, બે હાથમાં હાથ પરોવી, માઈક પાસે મમ્મીને લઈને આવી. મિથિલા હજી અનિમેષ શૈલી ને જોઈ રહી હતી. આંખો માં પાણી ભરાઈ ગયું હતું જે છલકાવવા માટે આતુર હતું, પણ જાણે દીકરી ની રજા માગી રહ્યું ન હોય! શૈલી એ ટેબલ પર પડેલું પુસ્તક ઉઠાવી મિથિલા સામે ધરતાં અતિ ભાવાવેશ અવાજે કહ્યું," મમ્મી, મમ્મી! જો, તારું સપનું આજે સાકાર થયું! મમ્મી, તારી ઇચ્છા હતી ને કે તારું લેખન છપાય. તારી કૃતિઓને આકાર મળે. તો જો મમ્મી, આ તારી પોતાની વાર્તાઓ આજે આ પુસ્તકમાંથી પોકારી પોકારીને વાંચવા માટે બધાને આકર્ષે છે! મમ્મી, આવ, આ પુસ્તકને તું જ તારા હાથે અનાવૃત કર, વિમોચન કર! મમ્મી, મમ્મી,"
અને મિથિલા દિકરીને ભેટી પડી ને દીકરીની જાણે મંજૂરી મળતા આંખોમાંથી આંસુનો વરસાદ વરસી પડયો. જેમાં શૈલી તરબોળ તનથી પોતાને સદભાગી માની રહી હતી. શૈલીએ માતાને ધીરજ બંધાવી, થાબડી, સહાનુભૂતિ ભર્યા શબ્દોથી થોડી અળગી કરી પુસ્તક મિથિલાના હાથમાં આપ્યું. મિથિલા સામે આટલા મોટા હોલમાં બહોળી સંખ્યામાં લોકોને જોતાં જોતાં કેટલા વર્ષો પાછળ જતી રહી, એ તો એને ખુદને પણ ભાન ન રહી.
એ કોલેજના છેલ્લા વર્ષમાં હતી ત્યારે પણ એ સુંદર રચનાઓથી સૌના દિલ હરી લેતી. કોલેજમાં શ્રેષ્ઠ લેખિકા તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. સૌની પ્રશંસા અને પ્રેમની માલિકણ બની ગઈ હતી. તેણે પ્રોફેસર બનવાની મહત્ત્વાકાંક્ષા સેવી હતી. સાથે સાથે લેખન ક્ષેત્રે પણ ખૂબ જ આગળ વધવાની તાલાવેલી વધતી છતી રહી ન હતી. કાવ્ય હોય, ગઝલ હોય, હાઇકુ કે પછી વાર્તા પણ કેમ ન હોય! એ તમામે તમામ પ્રકાર એને હસ્તગત હતા. એ તો જાણે જન્મી જ લેખન માટે હતી. તેની ભાષા પરની પક્કડ તેને લેખનમાં અવ્વલ પદ પર ખડી કરી દેતાં.
કોલેજ પૂરી થતાં થતાં તો તેના માંગા આવવા શરૂ થઈ ચૂક્યા હતાં. કુટુંબમાં પણ લાડકવાયી દીકરી શાલીન, સુશીલ અને ખૂબ જ સમજદાર ! હરકોઈના દિલ પર રાજ કરતી. આવી રાજકુમારીની આખરે એક રાજકુમાર સાથે સગાઇ કરી દેવાઈ. એકબીજાને જોઇને પસંદગીનો કળશ ઢોળ્યો હતો. બંને ખુશ હતાં. એ રાજકુમાર હતો, અખિલેશ! અખિલેશને પોતાનો બિઝનેસ હતો. સુખી-સંપન્ન હતો અને મિથિલા પર ઓળઘોળ તો ખરો જ! લગ્ન બાદ તો બન્ને એક બીજાને પામી સ્વર્ગમાં વિહાર કરતાં! બંને એકબીજાની પસંદ નાપસંદ સારી રીતે સમજી શકતા ને લવબડૅ ની જેમ લાઈફ જીવાતી ગઈ. પછી અખિલેશને બિઝનેસ ટૂર પર ચાર છ દિવસ બહાર રહેવાનું થતું. ત્યારે મિથિલાએ તેના અધૂરા સ્વપ્ન વિશે વાત કરી. પણ અખિલેશે એને સપ્રેમ સાવચેતીથી નકારી દીધી. મિથિલા ને થોડું દુઃખ તો થયું કે પોતે ભણેલી-ગણેલી છે, પ્રોફેશરની જોબ મળી શકે તેમ છે અને તેની ઈચ્છા પણ છે, તો પછી શા માટે આ બધું બરબાદ કરવું? પણ આ બધાથીયે પતિનો અખૂટ પ્રેમ સર્વોપરી જણાયો. તેથી તેણે મન મનાવી લીધું અને તેના લેખનમાં વ્યસ્ત થઈ ગઈ. એણે એનું દુઃખ કાવ્યમાં ઉતાર્યો. તો પ્રેમના તો ઢગલો કાવ્યો લખ્યાં હતાં. એ જાણતી હતી કે અખિલેશને લેખન કે વાંચનમાં બિલકુલ રસ ન હતો. તેણેે લખેલી કવિતાઓ, વાર્તાઓ અખિલેશને એ વાંચવા આપતી, શરૂ-શરૂમાં એ વાંચી લેતો. મિથિલાને ઈચ્છા હતી કે તેનાં લખાણનાં કવિતાના એ કાં તો વખાણ કરે, કાં તો એમાં થોડું કંઈક નવું ઉમેરવાનું કહે. પણ અખિલેશ માત્ર "હા સારું લખ્યું છે" એટલું જ બોલતો તે પણ ભાવવિહીન!
પછી તો ચાર વર્ષ પછી શૈલી નો જન્મ થયો અને મિથિલા તેના મા બનવાના નવીન અનુભવ કાગળ પર ચીતરતી. કાવ્યોમાં વાત્સલ્ય ઉભરાતું, જેવું ખરેખર શૈલી પર વરસતું. એ શૈલીના લાલન-પાલનમાં વ્યસ્ત રહેવા લાગી ને નવા નવા પ્રસંગો માં દીકરી ના હેત વહાલ પ્રસંગોને કાવ્ય વાર્તા સ્વરૂપે કાગળ પર ઉતારવા લાગી. શૈલી સમજણી થઈ ત્યાં સુધી આ જ દિનચર્યા રહેતી મિથિલાની.અખિલેશ બિઝનેસમાં વ્યસ્ત ને મિથિલા શૈલી ને લેખનમાં વ્યસ્ત. આ રીતે અજાણતાં જ બંને વચ્ચે અંતરાલ સર્જાયો હતો. એક વાર આઠ-દસ દિવસે અખિલેશ ટૂર પરથી ઘરે આવ્યો. નાની શૈલી સાથે રમ્યો, મિથિલા ને હાલચાલ પૂછ્યા. રાત્રે મિથિલા એ હોંશભેર તેનું લખેલું કાવ્ય ને શૈલી સાથેના પ્રસંગો વાંચવા આગ્રહ કર્યો તો અખિલેશ છંછેડાઈ ગયો ને બોલ્યો ,"આ બધા વેવલાઇવેળા હજી તારા ચાલુ છે?મૂક આ બધું હવે. મને આવું લખવાનો ને વાંચવાનોજરાય રસ નથી. અને તું પણ આમાં શું સમય વેડફે છે?"મિથિલાને નખશિખ લાગી આવ્યું. આ મારો અખિલેશ!!! આને સમયનો વેડફાટ કહે છે? છતાં તેણે થોડો વધુ સમજાવટ ભર્યો આગ્રહ કર્યો, ત્યાં તો ફટાક કરતી એક થપ્પડ આવી પડી મિથિલાના ગુલાબી ગાલ પર! અને અખિલેશનો ગુસ્સાવાળો અવાજ ગુંજી રહ્યો આખા બેડરૂમમાં! "છોડ, છોડ આ બધું લખવું વાંચવું. વેવલી ન થા કહું છું." મિથિલા તો ડઘાઈ જ ગઈ. અખિલેશ પડખું ફરી ગયો. મિથિલાની આંખમાંથી અશ્રુ પણ ન નીકળી શક્યા. આંખો એની કોરી સાવ સૂની થઈ ગઈ. આવી કોરીધાકોર નજર બારણા સુધી ગઈ તો શૈલી ઉભી ઉભી આ બધું જોઈને રડતી હતી. પરંતુ મિથિલા ને એ પણ ન સૂઝ્યું કે એ તેને પોતાના ખોળામાં પોતાની સોડમાં લઈ લે ને ફોસલાવીને ચૂપ કરાવે. એ આમ જ કોરી સૂની આંખે ટગર-ટગર જોતી રહી અને શૈલી આપોઆપ આવી તેના ગળે હાથ વીંટાળી રોતી રહી. મિથિલા એ દિવસથી આજ સુધી આવી જ જીવતી લાશ બની ગઈ હતી! લખવાનું તો એનું એ જ દિવસથી છૂટી ગયું હતું. અને શૈલીએ એ જ દિવસે નક્કી કર્યું મનોમન, 'કે મમ્મી તું ચિંતા ના કરીશ, તારું આ અધૂરું સપનું હું પૂરું કરીશ. એક દિવસ તારા આ લેખને સ્વરૂપ મળશે મમ્મી! હું છપાવીશ તારી કવિતાઓ વાર્તાઓ સ્વરૂપે પ્રગટ કરીશ. ને.... ને... આજે એ સપનું પૂરું થયું. શૈલીએ જે ધાર્યું'તું એ કરી દેખાડ્યું. ને એક જીવતી લાશ માં જાણે જીવ સંચાર થયો હોય એમ મિથિલા નું હૃદય સળવળ્યું. એણે અનેરા વહાલપ અને અહોભાવથી દીકરી ને પોતાના બાહુપાશ માં ભીંસી દીધી ને ચોધાર આંસુએ રડી રહી. શૈલી એ પણ મમ્મીને રડવા દીધી. થોડીવારે શૈલીએ મમ્મીને થોડી અળગી કરતાં કહ્યું, "રડ નહીં મમ્મી, હવે આજે તો તું હસ! તારું સપનું સાકાર થયું મમ્મી!" મિથિલાએ જવાબ આપ્યો, દીકરી આજે મન ભરીને જિંદગી ની કડવાશ ને વહાવી લેવા દે બેટા! બસ, હવે પછી ના આંસુ એ હશે ખુશીના! મારી દીકરીના વહાલના હશે બેટા! તું જ તું જ મારું સર્વસ્વ છે. હું આટલા વર્ષો જીવવાનું જ ભૂલી ગઈ હતી. તે આજે તેં મને શીખવાડ્યું બેટા! તેં મારા અધુરા સપનાને પૂરું કર્યું અને મને જીવનની મોંઘી મુડી આપી દીધી. "મમ્મી! મમ્મી! આઇ પ્રાઉડ ઑફ યુ, લવ યુ મમ્મી" કહીને શૈલી ભેટી પડી મમ્મીને....
અને બંને હર્ષાશ્રુ સાથે વિમોચનની વિધિ પતાવી હોલમાંથી બહાર નીકળ્યાં તો આજે પ્રભુ પણ આટલા વર્ષો પછી મન મૂકીને વરસી રહ્યો હતો જાણે આટલા વર્ષોની વેદનાને વરસાદમાં વહાવી દેવા માગતો ન હોય!!!
*** પૂણૅ ***