Locha in Love in Gujarati Love Stories by Er Twinkal Vyas books and stories PDF | લવમાં લોચા

Featured Books
Categories
Share

લવમાં લોચા

એલેક્સા પ્લેય માય પ્લેલિસ્ટ .

"જીગા મારી ચા જલદી લ‌ઇ આવ, આજે ઘણા સમય પછી દોસ્તોને મળીશ."પ્રિતમે એનાં રોબર્ટ જીગાને કીધું.

🎶🎶🎶🎶

રહેના તું પલ પલ દિલ કે પાસ,
જુડી રહે તુજસે દિલ કી આસ...

🎶🎶🎶🎶

જીગો ચા લઈને આવે છે અને પ્રિતમ એક ચૂસકી મારીને જીગાને કહે છે,

"જીગા અરિજિત સિંગ એટલે..." (પ્રિતમના બોલતા વચ્ચે જ જિગો બોલ્યો.)

"અરિજિત સિંગ એકવીસમી સદીનો જોરદાર ગાયક છે અને આ તમારું રોજનું પ્લેલિસ્ટ છે. એ ગાય એટલે કોઈ પણ માણસ ખોવાઈ જાય. જે તમે કોઈને યાદ કરીને સાંભળો છો. હું એક રોબર્ટ છું, મને ખબર નાં પડે એમાં એ તમારું રોજનું ભાષણ છે. " જીગાએ કહ્યું.

"હા ખાસ એટલે બહું જ ખાસ. જે હંમેશા ખાસ જ રહેશે" પ્રિતમ ચા પીતા પીતા બોલ્યો.

ટેકનોલોજી અને મશીનોની દુનિયા. માણસનું મહત્વ ઓછું અને મશીનનું વધારે.આંખના ઈશારે અને સેન્સરના સહારે સુવિધાઓ ઉપલબ્ધ થાય એવું વર્ષ,માણસો મળે પણ ઘરમાં વધુ.

પ્રિતમ એ પણ બાવીસમી સદીનો જ છોકરો પણ એકવીસમી સદીના અંતમાં જન્મેલો. ટેકનોલોજીથી નજીક પણ માણસોથી દૂર.હજું હમણાં હમણાં જ સોફ્ટવેર એન્જિનિયર બની સારી જોબ મેળવી. આખો દિવસ ફોનમાં વ્યસ્ત રહે અને પછી પોતાના કામમાં. દોસ્ત પણ ખાસ નહીં. ઓછાં બોલો સ્વભાવ અને જલ્દી કોઇમાં ભળે પણ નહીં. અંતર્મુખી એટલે કે introvert સ્વભાવ પણ આકર્ષક એટલે કે impression પાડે એવો ખરો.છ ફૂટની ઊંચાઈ અને ઘઉંવર્ણો રંગ, કરસત કરીને કસાયેલું શરીર. ભૂરી ભૂરી આંખો જાણે હંમેશા કોઈની વાતો કરવા તત્પર હોય. એની આંખોમાં ક્યાંક કોઈ કમી પણ વાંચી શકાતી હતી.

એનાં અંગતમાં પરિવાર ખરો પણ પોતાના રૂમમાં એનું પ્લે
સ્ટેશન અને એનાં વાયરલેસ ડેટા ગ્લવ એટલે કે હાથમાં પહેરવાના વાયરલેસ ઈલેક્ટ્રોનિક મોજા. બસ એ જ એની દુનિયા હતી હવે. ક્યારેક ક્યારેક પ્રકૃતિ સાથે એને જોડાવવું ગમતું. પ્રકૃતિ એને એનાં સોનેરી ભૂતકાળમાં લ‌ઇ જતી.

ક્યારેક પ્રકૃતિને માણવા માટે પોતાની ડ્રાઇવર લેસ કાર અને પ્લેલિસ્ટ ઓન કરી નીકળી પડતો અને મન ભરીને પ્રકૃતિને માણતો અને કંઇક યાદ કરીને મલકાતો.

રોજ કરતા આજે પ્રિતમ વધારે ખુશ હતો કેમ કે આજે દોસ્તો સાથે વીડિયો કોન્ફરન્સ નહીં પણ રૂબરૂ મુલાકાત ગોઠવી હતી. આજે બધાં કામ પડતાં મૂકીને બધાં ભેગાં થવાનાં હતાં. સ્કૂલની પૂરી બેચનું રિયુનિયન. એનાં ખાસ કોઈ દોસ્ત નહીં પણ એ મિતવા માટે જતો હતો જે એની ખાસ, એની લાગણી હતી. એ આવશે એવી આશા એનાં ચહેરા પર નૂર લાવતી હતી તો એનો સામનો ક‌ઇ રીતે કરીશ એ મૂંઝવણ પણ હતી.

પ્રિતમ : જિગા....(આગળ બોલવા જાય ત્યાં જિગો બોલવા માંડ્યો)

"સાંજનું તમારુ જમવાનું બનાવવાનું નથી, પ્લે સ્ટેશનને વ્યવસ્થિત મૂકી દેવાનું છે. આજનું ઓફિસ વર્ક પોર્ટલ પર અપલોડ કરવાનું છે. મારું કામ હું ભૂલું નહીં, હું માણસ નથી. " જિગા એ કહ્યું.

પ્રિતમ : હા તું માણસ નથી, તને અમે જ બનાવ્યો છે અને અમે બનાવેલા અમને જ બોલતા બંધ કરે છે. 😁

તૈયાર થઈને પ્રિતમ રૂમની તરફ જાય છે, દરવાજો 'જય શ્રી કૃષ્ણ' અવાજ સાથે ખુલીને જાતે જ બંધ થઇ જાય છે. એ જેવો બહાર નીકળે છે ત્યાં સામે જ પર્કિંગમાથી આવેલી કાર એની રાહ જોતી હોય છે.એનાં જતાં જ દરવાજો ઓટોમેટિક ખૂલે છે અને એનું મનપસંદ પ્લેલિસ્ટ પણ વાગવા લાગે છે. અહીં પ્રિતમ એની શાળાની યાદોમાં ખોવાઈ જાય છે.

કેવાં મસ્ત દિવસો હતો યાર! ભલે ડીજીટલ ક્લાસમાં ભણતાં પણ છતાં મિત્રો મળતાં. મિતવાની તો વાત જ ખાસ હતી. એની સાદગી, એનું ગોરી ગોરી નાજુક કાયા પણ લેડી સિંઘમ. હંમેશા બોલ્યા કરતી, રોજ કોઈ સાથે લડાઇ ઝઘડો તો ખરો જ! પ્રિતમ પૂરાં ક્લાસમાં એક મિતવા જોડે જ બોલતો, બાકી કોઈ છોકરી સામે જુએ પણ નહીં. મિતવા સાથે બોલવું, હસવું એને મનથી ગમતું. એનાં બોલવામાં એ ખોવાઈ જતો. કેટલી બધી યાદો તાજી થઈ જતી મિતવાની. એ છોકરી જે એનાં અંતર્મુખી સ્વભાવના હોવાં છતાં એના મૌનને વાંચી જતી હતી.

પ્રિતમને એ દિવસો યાદ આવી ગયા જ્યારે મિતવા એની એકદમ ખાસ દોસ્ત બનતી જતી હતી. શાળામાં પહોંચીને જ પહેલાં રોજ સવારે એને મિતવા મળતી જ. એની રાહમાં જ રસ્તો તાકતી રહેતી અને પ્રિતમના આગમન સાથે જ સ્મિત કરતી. એનું ગુડ મોર્નિંગ કહેવું, હંમેશા એનું આસપાસ રહેવું, નાની નાની વાતોમાં ચોરીછૂપીથી ખોવાઈ જવું. પ્રિતમને મિતવા માત્ર ખાસ દોસ્ત લાગતી અને મિતવા માટે પ્રિતમ સર્વસ્વ. મિતવા અને પ્રિતમ બંને ભણવામાં હોશિયાર. પ્રિતમ હંમેશા એક ફિક્સ બેન્ચ પર બેસીને ભણતો અને સિરીયસ જ રહેતો. કોઈ બોલાવે તો ખડુસતાથી જ જવાબ આપે. હા મિતવાની વાત અલગ હતી, એના શબ્દે શબ્દે એ પીગળી જતો.

લંચ બ્રેકમાં જ્યારે બધાં લંચ કરી દોસ્તો સાથે ગપ્પાં મારતાં ત્યારે પણ પ્રિતમ ચોપડીઓમાં જ જોવા મળે. એકવાર પૂરો ક્લાસ ખાલી હતો. માત્ર પ્રિતમ અને મિતવા જ ક્લાસમાં. મિતવા હંમેશા આવું કારણ શોધતી કે ક્યારે એની પાસે જઈને બેસે. એ એક બુક લ‌ઇને અચાનક પ્રિતમ પાસે બેસી ગ‌ઇ. એનાં હ્દયનાં ધબકારા તેજ હતાં અને પ્રિતમના પણ. એ અવાક થઈને બેસી ગયો હતો. મિતવા બોલે જતી હતી, કંઈક શીખવા આવી હોય એવો દેખાવ કરી રહી હતી. પ્રિતમને મિતવા સાથે મજાક મસ્તી અને બોલવાનું ફાવે ખરું, પણ પહેલીવાર આટલી નજીક એ બેસી હતી, એને સમજમાં ન આવતું કે શું બોલે!? એનાં ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું કે પ્રિતમને શરમ તો આવે જ છે પણ ભાગવુંય છે અહીંથી. પણ હા મિતવાને મજા પડી રહી હતી.

" We have arrived sir you will depart towards the hall ( આપણે પહોંચી ચૂક્યા છીએ સાહેબ તમે હોલ તરફ પ્રસ્થાન કરશો) કારના ઇન્ટેલિજન્ટ આસિસ્ટન્ટે કહ્યું. પ્રિતમ ત્યારે ભૂતકાળમાંથી બહાર આવ્યો. હોલની બહાર ઉભા રહીને એ વિચારતો હતો કે મિતવાની આગળ શું બોલશે!? અચાનક એને પાછળથી કોઈએ ધબ્બો માર્યો. " ઓહો સ્કોલર કોનો વેટ કરવા લાગ્યા! " આ અવાજ અને આ ઉપનામ સાંભળી પ્રિતમના શ્ર્વાસ જાણે રોકાયી ગયા.