Matru run in Gujarati Adventure Stories by Charmi Joshi Mehta books and stories PDF | માતૃઋણ

Featured Books
Categories
Share

માતૃઋણ

ફાયર....
કૃપાલસિંહ ચલા ગોલી...
મેં હું અભી તેરે સાથ...

ગોળીઓના અવાજ થી આખુંય વાતાવરણ એકદમ ભયાવહ બની ગયું હતું. મેજર વિજયકુમાર સિંહા અને તેનો એક જ સાથી કૃપાલસિંહ હવે બચ્યા હતા. હજુ પણ લગભગ ત્રણ જેટલાં આતંકવાદીઓ છુપાયા હોઈ તેવી આશંકા હતી.લગભગ ચોવીસ કલાક થી વધુ સમય થી માત્ર ગોળીઓ અને બોમ્બ ના જ અવાજો સંભળાઈ રહ્યા હતાં. આમ પણ કાશ્મીર નું પુલવામા શહેર આવા જ સૌથી વધુ ખતરનાક અવાજોથી હવે પરિચિત થઈ ગયું હતું. કૃપાલસિંહે ઈશારા થી વિજયકુમાર ને કહ્યું કે હવે તેની પાસે ગોળીઓ ખલાસ થઈ ચૂકી હતી. વિજયકુમાર ગોળીઓનો મારો ચલાવતાં- ચલાવતાં કૃપાલ સિંહ પાસે પહોંચ્યા પણ તેને બચાવી ના શક્યા.

મેજર વિજયકુમાર સિંહા એમ કંઈ હિંમત હારે તેમ નહોતા. પરંતુ તેમના બધાં જ સાથીઓને ગુમાવ્યાનું તેમને પારાવાર દુઃખ હતું. છતાં આતંકવાદીઓ સાથે બાથ ભીડી સાથીઓને શ્રદ્ધાંજલી આપવાનું તેમણે મનોમન નક્કી કર્યું.
સાથે તેમણે તેમના ઉપરી અધિકારીને પણ વાયરલેસ થી જાણ કરી.

હેલો... આપ જલ્દી સે મદદ ભીજવાઈએ...
મેરે પાસ ગોલિયા ખતમ હોને કો હૈ...
મેરી ટીમ મેં સે અબ મેં અકેલા હી બચ ગયા હું...
ઔર અભી ભી તીન આતંકી ઝિંદા હો શક્તે હૈ...

સામે છેડે થી અવાજ આવ્યો...

યહાં સે દૂસરી ટીમ નિકલ ચૂકી હૈ...
પર ભારી બર્ફ બારી કી વજહ સે દેર હો રહી હૈ...
આપ ડટે રહે....

ભૂખ, તરસ, થાક અને ડર એ ફૌજી ને ડગાવી ના શકે. મેજર વિજયકુમાર સિંહા એ તેની પાસે હતી તેટલી ગોળીઓથી સામનો કર્યો પણ આતંકીઓ પૂરી તૈયારી કરીને આવ્યાં હતા. અચાનક થયેલાં હુમલાથી આવેલી પરિસ્થતિ સામે પણ વિજયકુમાર ટકી રહ્યાં હતા. ડાબા પગ પર બે ગોળી અને ડાબી બાજુ ખભા પર એક ગોળી વાગી ચૂકી હતી. લોહીની ધાર થતી હતી ને વિજયકુમાર પાસે ગોળીઓ ખલાસ થઈ ચૂકી હતી. હવે તેમની પાસે માત્ર બે જ વિકલ્પો હતા. કાં તો આતંકીઓની ગોળીથી મરવું અને કાં તો જીવતો બોમ્બ બની ( શરીર પર બોમ્બ લગાડી) આતંકીઓને મારીને મરવું... મરવું એ તો હવે નિશ્ચિત હતું..... માતૃભૂમિ ની શાન માટે મૃત્યુ સ્વીકારનાર ફૌજી ને મૃત્યુ નો ડર ન હતો. મૃત્યુને આટલાં નજીક થી જોઈને પણ તેની ખુમરીમાં લેશ માત્ર પણ ઘટાડો નહોતો થયો. વિજયકુમાર એ પોતાના શરીર પર બોમ્બ લગાડ્યો.. મૌત ની આ અંતિમ ક્ષણે વિજયકુમાર એ આંખ બંધ કરીને ઈશ્વર ને યાદ કર્યા અને તેમના સ્વજનો એક પછી એક તેમના સ્મૃતિપટ પરથી પસાર થઈ રહ્યાં... અચાનક જ તેમની આંખ સામે એક દ્રશ્ય ખડું થઈ ગયું... તેને અવાજ સંભળાયો....

"ઓય વિજલા.... ઊભો રે તું... આજ તો આ લાકડી નઈ ને કાં તું નઈ... ભાગે છે ક્યાં ઊભો રે.... "

આજ તો માસ્તર સોટી હાથ માં લઈને વિજલા ની પાછળ દોડતા-દોડતા ગામનું આખું પાદર ને ચોરો વટી ને છેક તેના ઘર સુધી પહોંચ્યા હતા. વિજલો એટલે આખા ગામમાં તોફાનીમાં તોફાની છોકરો. તેનાથી મોટી એક બહેન મયુરી. વિજલો જેટલો તોફાની તેટલી જ મયુરી શાંત અને હોશિયાર પણ... તેના પિતા તો વિજલા થી સાવ ત્રાસી ગયેલા... પિતાની ઓળખાણ અને માસ્તર ની દયા થી 12 ધોરણ સુધી વિજલો પહોંચેલો પણ 12 મું ધોરણ પૂરું કરે એવી કોઈને આશા ના હતી. તેની મા તેના માટે ખૂબ ચિંતિત રહેતી. માસ્તર નો અવાજ સાંભળી વિજલા ના માતા-પિતા બંને બહાર નીકળ્યા. માસ્તર આજ ખૂબ ગુસ્સામાં હતા તે તેના અવાજ પરથી જ ઓળખાઈ આવતું હતું. વિજલો તેની મા પાછળ જઈને સંતાઈ ઊભો રહ્યો. તેને ખબર હતી કે એક મા જ છે જે તેને બચાવશે.

સંતોકબેન (માતા): અરે અરે... માસ્તર સાહેબ શું કામ મારા દિકરાને મારવા દોડો છો...??? એવું તે શું કર્યું છે આજે એણે...???

માસ્તર સાહેબ: એનું દફતર તપાસો. સ્કૂલમાં સૂતળી બોમ્બ લઈને આવ્યો છે આજ... અને પાછો તો ક્લાસ ની વચ્ચે સૂતળી બોમ્બ ફોળીને આખી સ્કૂલને બિવડાવી દીધી... તમારે એને ગુંડો બનાવવો છે...??? સંતોકબેન આ તો તમારા અને મનસુખભાઇ ના હિસાબે અમે આને સ્કૂલ માં આવવા દઈએ છે બાકી એક પણ દિવસ આને અમે તો શું કોઈ સ્કૂલમાં ના રાખે... વિજલા, કાલથી તારા પપ્પા આવે તો જ તું સ્કૂલે આવજે હવે....

આટલું બોલી અને લાકડીનો ઘા કરી માસ્તર સાહેબ ત્યાંથી ચાલ્યાં ગયાં... "તમારે એને ગુંડો બનાવવો છે...???" માસ્તર સાહેબ ના આ શબ્દો સંતોકબેન ના આત્માને પીંખી ગયા... આજે સંતોકબેન નો ગુસ્સો પણ આસમાને પહોંચ્યો... સંતોકબેન રડતાં ગયાં અને માસ્તર સાહેબની લાકડી વડે જ વિજલા ને ફટકારતાં ગયાં...મા કંઈ સાંભળવા તૈયાર ના હતી.... વિજલો મા ના કોપ થી બચવા ત્યાંથી ભાગી છૂટયો... સાંજ પડ્યે ફરી વિજલાએ ઘરે આવીને જોયું તો હજુ પણ સંતોકબેન ના આંસુ સુકાયા ના હતા...આજે તો વિજલા ની આંખમાં પણ પશ્ચાતાપના આંસુ હતાં... વિજલા ની ઘરે ફરીને જવાની હિંમત ન થઈ... સંતોકબેન ને જોઇને મનોમન એટલું બોલ્યો કે "મા, તારો દિકરો ગુંડો નહિ બને..." વિજલો ઘર છોડીને ભાગી ગયો...

સૌએ વિજલા ને ખૂબ શોઘ્યો પણ તેની કોઈ ભાળ મળી નહિ... આ વાત ને ચાર વર્ષનો સમય વીતી ગયો હવે તો બધાએ આશા મૂકી દીધી હતી કે વિજલો પાછો આવશે... પરંતુ સંતોકબેન ને પૂરી આશા હતી તેના સંતાન પર... એવામાં અચાનક જ ઘરના ફોન ની ઘંટડી વાગી. સંતોકબેન એ ફોન ઉપાડ્યો... કોઈ કઈ બોલ્યું નહિ છતાં માતૃહૃદય સામે છેડે કોણ હતું એ ઓળખી ગયું... લાગણીઓનો સમુદ્ર ચક્ષુ ના દ્વારેથી બંને તરફથી વહી રહ્યો અને સંતોકબેન એટલું જ બોલ્યાં, "વિજલા....."

સામે છેડે થી અવાજ આવ્યો, " મા, તારો વિજલો હવે મેજર વિજયકુમાર બની ગયો છે... મારું પોસ્ટિંગ પુલવામા, કાશ્મીર માં થયું છે... હું જલ્દી તને મળવા આવીશ, મા..."

મા ના આંસુ હરખ અને ચિંતાના આંસુ માં પરિવર્તિત થયા... મા રડતાં - રડતાં પણ ખુમારીથી એટલું બોલી શક્યા કે, " શાળામાં સૂતળી બોમ્બ ફોળનારો વિજલો આજ સરહદે ગ્રેનેટ બોમ્બ સુધી પહોંચી ગયો. મને ગર્વ છે તારા પર..."

મેજર વિજયકુમાર ને બોમ્બ નો અવાજ સંભળાયો અને તેમની આંખો ખુલી... શરીરના એક એક રક્તકણો માં જાણે એક એક ભારતીય નો વાસ હોય એમ સામી છાતીએ ગોળીઓ જીલીને મેજર વિજયકુમાર માનવ બોમ્બ બની આગળ વધવા લાગ્યા. ખુમારી અને હિંમત થી આગળ વધતા પગલાંઓ એ બધાં જ આતંકીઓને ઠાર કર્યા અને પોતે પણ શહીદ થયા...

જીવનદાત્રી મા એ વિજલા નું જીવન સુધાર્યું તો પાલક મા ભારતીએ મૃત્યુ.... આ જન્મારો સફળ થઈ ગયો...

સંતોકબેન નો જીવ આજ સવાર થી મૂંઝાતો હતો. તેઓને ક્યાંય ચેન પડતું ન હતું. એવામાં તેના ઘરની ઘંટડી વાગી. મનસુખભાઇ પણ ઘરે જ હતા. તેમણે દરવાજો ખોલ્યો... જોઈને અવાક્ બની ગયાં..

સંતોકબેન: કોણ છે...???

મનસુખભાઇ: સંતોક, તારો વિજલો આવ્યો છે... તિરંગામાં લપેટાઈને............

All © reserved