Hasta nahi ho bhag 12 in Gujarati Comedy stories by પ્રથમ પરમાર books and stories PDF | હસતા નહીં હો! - 12 - મારા મૃત્યુ પછી

Featured Books
Categories
Share

હસતા નહીં હો! - 12 - મારા મૃત્યુ પછી

(અહીં કોઈ મૃત્યુ વિશેની ફિલસુફી નથી,માત્ર હાસ્ય આપું છું.)




"એ ગયો....એ ગયો....એ ગયો....ખરેખર મર્યો મુઓ!" યમરાજે જેવા મારા પ્રાણ પોતાની પેટીમાં પૂર્યા ને મારો કહેવાતો અંગત મિત્ર મીઠાઈનું ખોખું (અલબત્ત ભરેલું ) સીમા પર આતંકવાદી મરાયો હોય એવા આનંદથી ઉપર મુજબના શબ્દો બોલતો હોસ્પિટલના ઓરડામાંથી બહાર આવ્યો.અડધી કલાકથી ડોકટર મને મારવાનો પ્રયત્ન કરતા હતા પણ હું સાલો એવો જીદી કે મરું જ નહીં ને!મારા એ અંગત મિત્રએ તો મને કહ્યું પણ ખરું કે,"ભાઈ,હવે દયા કર ને યાર પૃથ્વી પર!બસ હવે.કેટલુંક જીવવાનું હોય પછી! તારી ભાભીને લઈને ફિલ્મ જોવા જવાનું છે.નીકળ ને હવે તો સારું!"પણ પૃથ્વી મારા વિના કેમ નભશે?મારા વિના દેશ કેમ ચાલશે?એવા વિચારથી મેં પ્રાણને પકડી રાખ્યા હતા.

અનેક વખત 'गजेन्द्रमोक्षस्त्रोतम्' ના ગાણા મારી સામે ગાવામાં આવ્યા.પણ બિચાળો હાથી ગરોળી બની ગયો પણ હું મર્યો નહિ.મારા દોસ્તના ચહેરા પર પોતાનો પ્રિય નેતા ચૂંટણીમાં હારી ગયો હોય ને હવે દારૂની બાટલીઓ ન મળવાની હોય એવો નિરુત્સાહ વ્યાપી ગયો.પણ યમરાજે એને નિરાશ ન કર્યો.એને મને આત્મદર્શન કરાવવાનો પ્રયત્ન કર્યો,"જો ભાઈ,એક કિલો ખાંડના ઢગલામાંથી કોઈ એક દાણો કાઢી લે તો તેને કંઈ ફેર પડે નહીં એમ,અનેક સ્ત્રીઓ સાથે શરીર સંબંધ બાંધેલાને કોઈ એક સ્ત્રી ના પાડે ને કંઈ ફેર ન પડે એમ તું પૃથ્વી પરથી જઈશ તો કોઈને કંઈ ફેર પડે એમ નથી.તેથી ચાલ,ખોટું દવાખાનાનું બિલ ન વધાર."મને વિચાર આવ્યો કે હવે બહુ હેરાન કર્યા હવે નીકળવું જોઈએ એટલે આપણે બેસી ગયા યમરાજના ગાડીમાં.

ને આ સમાચાર મળતા જ ઉપરની ઘટના બની.બધે હર્ષ કિલ્લોલ થઈ ઉઠ્યો.દવાખાનાના તમામ કર્મચારીઓને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું.આ શુભ સમાચાર સાંભળતા જ મારા સ્વજનો તો હરખઘેલા બની ગયા."હેં... શું કહ્યું? ખરેખર ગયો? એ ઉતાવળિયો? એ ગધેડો ખરેખર ગયો? વાહ...વાહ...સવાર સુંદર બનાવી દીધી દોસ્ત!" જો મારા એ સ્વજનો કોઈ રાજા મહારાજા હોત તો એકાદ ઘરેણું મારા મિત્રને આપી દેત પણ મારે લીધે એ નહોતા 'મહાન' કે નહોતા 'રાજા'.હોસ્પિટલની આખી લોબી હર્ષનાદથી ધ્રુજી ઉઠી.

મારા માતાપિતાને તો આ સમાચાર સાંભળતા જ આંખમાં આનંદના આંસું આવી ગયા. એને એક ઊંડો 'હા... શ...'નો શ્વાસ ખેંચ્યો."એ સાંભળ્યું કે નહીં બુહાની મા? આપણો બુહો ગયો.હવે શાંતિથી જીવવા મળશે."મારા પિતાજીએ ગામઠી ભાષામાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો.મારા માતાએ પણ આંખમાં આંસું સાથે કહ્યું,"એ સાંભળ્યું ડોસા,સાંભળ્યું.આજે મારી ચોટીલાવાળીએ આ અરજ પુરી કરી.કેટકેટલી માનતા માની હતી આ બુહો મરે એના સાટુ! આજે પહેલી વખત યમરાજ ફળ્યા. બોલો મૃત્યુના અધિપતિ યમરાજની...."મને ઓળખતા બધા લોકોએ આસપાસના ઓરડામાં રહેલા દર્દી સાંભળવા માત્રથી ગુજરી જાય એવો જયઘોષ બોલાવ્યો.

પોતાને હૃદયનો હુમલો તો નથી આવ્યો ને એવી શંકાથી પોતાની છાતી પર હાથ રાખીને ઉભેલો,પોતે પૃથ્વી પરથી ઝેન્ડર દ્વારા કોઈ નવા જ બ્રહ્માંડના ગ્રહ પર પહોંચી ગયો હોય એવી રીતે ઉભેલો,પોતે પોતાના જ દવાખાનામાં ભૂલો પડી ગયેલો હોય એવી રીતે ઉભેલો ડોકટર આ બધું જોઈને નવાઈ પામ્યો.દોસ્તનું મૃત્યુ થવાથી કે પુત્રવિયોગથી થતી પીડાને બદલે અહીં તો મારા મૃત્યુથી આનંદની અવધિ ચાલતી હતી.આથી ડોકટર નવાઈ પામેલો.

એણે પોતાની સમસ્યા મારા મિત્રને જઈને પૂછ્યું ત્યારે મારા મિત્રએ ખુલાસો કર્યો,"જેને પોતાના વ્યાખ્યાનોથી પરાણે મિત્રોના કાન ધ્રુજાવી નાખ્યા હોય,પોતાના મિત્રો સાથે લાંબી વાતો કરી કરીને મોબાઈલના બિલ વધારી દીધા હોય,પોતાની કંજૂસાઈને લીધે કોઈ વખત પાંચ રૂપિયાનો નાસ્તો પણ
મિત્રને ન કરાવ્યો હોય એવા મિત્રના મૃત્યુ પર આનંદ ન હોય તો શું દુઃખ હોય?"ડોકટરને ખરેખર કાનના પડદામાં પેરેલીસીસનો હુમલો આવ્યો હોય એવું લાગ્યું.

તેને સારવાર લેવા જાણે મારા માતાપિતાને પૂછ્યું ત્યારે માતા પિતાએ કહ્યું કે,"જેને પોતાના બચપણમાં માત્ર ને માત્ર 'માંદગી' સેવીને અમને ખર્ચા કરાવ્યા,યુવાનીમાં પરણવાની પણ લાયકાત ન રાખીને અમને સંસાર સુખથી વંચિત રાખ્યા,વારંવાર છેતરાઈને અમારા પૈસાનો કચ્ચરઘાણ કરી નાખ્યો એવા હરામખોર 'બુહા'ના મૃત્યુ પર અમે ઉત્સવ ન મનાવીએ તો શું પોક મૂકીને રડીએ?"ડોકટર બેભાન!

યમરાજ બહુ લાલચુ છે.મને રસ્તામાં જતા જતા પૂછે છે કે,"ભાઈ,આવ્યો જ છું તો તારી સાથે આ ડોક્ટરને પણ...'' પણ મેં કહ્યું કે,"ડોક્ટરને સાથે લેવામાં જોખમ છે.રખે મને સાજો કરી..."યમરાજે એની ગાડી ૧૮૦ની ઝડપે દોડાવી.નીચે પૃથ્વી પર તો મારા મૃત્યુને લીધે સર્વે સ્થળ જ્યાં હું જોડાયેલ ત્યાં આનંદ વ્યાપી ગયો,પ્રજા ખુશખુશાલ થઈ ગઈ!સાહિત્યકારો અને ઇતિહાસકારોને 'હા... શ...' અનુભવાઈ. માતા પિતાનો બોજો પણ હળવો થઈ ગયો ને મિત્રોના કાનને પણ શાંતિ!

પણ આ બધું જોવા હું ક્યાં સમર્થ હતો?હું તો યમરાજની ભેટ એવા મૃત્યુ સાથે એકાકાર થઈ ગયેલો.