પાસવર્ડ.......દિનેશ પરમાર નજર
*********************************************
ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને
જે નથી મારાં બન્યાં એનો બનાવ્યો છે મને
હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને
-બરકત વિરાણી ‘બેફામ’
*********************************************
ધબકાર હાર્ટ હોસ્પિટલના પ્રથમ માળે કોરીડોરની સામે આવેલ ઓપન ટેરેસમાં , દર્દીઓની ખબર જોવા આવતા મુલાકાતીઓ, ગોઠવેલ બાંકડા પર છૂટાછવાયા બેઠા બેઠા વાતો કરતા હતા.
ટેરેસની રેલીંગ પાસે ઉભેલા, રજનીકાંતે સિગારેટનો કસ ખેંચી ધૂમાડો હવામાં ફંગોળતા, મનિષ સામે જોઈ બોલ્યો, " ભાઈ, તને શું લાગે છે? બાપુજીને સારું થઈ જશે ને?"
એટલામાં એક સ્ટાફનો માણસ દોડતો આવ્યો, "હેલો સર... અહીં ધુમ્રપાનની મનાઈ છે. ડોક્ટર સાહેબ જોઈ જશે તો અમારો ઉધડો લઇ નાંખશે."
સોરી કહીને રજનીકાંતે સિગરેટ બુઝાવી ડસ્ટબિનમાં ફેંકી અને જવાબની રાહ જોતો મનિષ સામે જોઈ રહ્યો.
" પપ્પાને સારું થશે, પણ રિકવરી આવતા થોડી વાર લાગશે, કારણ સિવીયર એટેકને કારણે તેમનું ડાબું અંગ ખોટું પડી ગયું છે તે વાત તો ડોક્ટર સાહેબે ગઈકાલે જ જણાવી છે. "
**********
નારોલ-નરોડા રોડ પાસે ઈસનપુર બાજુ ઘોડાસર કાંસ પર, નિર્મળ પાર્ક સોસાયટીની સામેની તરફ આવેલા સમર્પણ ફ્લેટથી થોડે આગળ આવેલી નવરત્ન કો. ઓ. હા. સોસાયટીમાં રહેતા જયંતિલાલ બેંકમાંથી ત્રણ વર્ષ અગાઉ નિવૃત્ત થયા હતા. તેઓ હાલ પત્ની સરસ્વતી સાથે રહેતા હતા.
લગ્ન જીવન દરમિયાન બે પુત્ર થયા હતા. મોટો રજનીકાંત, ઓટોમોબાઈલ ડીપ્લોમા કર્યા પછી એક જાણીતી ઓટો કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે લાગ્યો હતો. બે વર્ષ પહેલાં નવી શાખા લોન્ચ થતા તેની રાજકોટ ટ્રાન્સફર કરવામાં આવી હતી. તે પત્ની સાથે રાજકોટ રહેવા ગયો હતો.
મનિષ બારમું પાસ કરી, આગળ ના ભણતા, જયંતિલાલે તેને ખાસ મિત્રની ઓળખાણથી, ખારાઘોડા ખાતે હિંગળાજ સોલ્ટ કંપનીમાં લગાવડાવ્યો હતો. તે પાટડી રહેતો હતો અને ત્યાંથી રોજ નોકરી જતો હતો. તેના પણ લગ્ન થઈ ગયા હતા.
તેઓ પોતાની જોબમાં વ્યસ્ત રહેવાના કારણે કોઈ કામથી અમદાવાદ આવતા ત્યારે બા બાપુજીને મળવા જતા.
જયંતીભાઈ બેંકમાં હતા ત્યારે , મૂળ ફાઈનાન્સનું સારું નોલેજ હોવાથી, સમય સમય પર સારી ક્રીમ કંપનીઓમાં પહેલેથી રોકાણ કરતા હતા એટલે તેમની પાસે સારી એવી રકમના શેર હતા. વળી મિચ્યુઅલ ફંડમા પણ વ્યવસ્થિત આયોજન પૂર્વકનું રોકાણ કર્યું હતું. એટલે પૈસે ટકે કોઈ મુશ્કેલી ન હતી. અને નિવૃતિ પછી પણ રોજ શેર બજારની ઓફિસે એક ચક્કર મારતા.
તેઓ પોતે કમ્પ્યુટરનું સારું નોલેજ ધરાવતા હતા એટલે તેમના રોકાણની બધી વિગતો " મારું રોકાણ" નામના ફોલ્ડર માં સેવ કરી રાખી હતી.
એકવાર દિવાળીના તહેવારમાં ઘરે બંને દીકરા, તેમની પત્ની અને બાળકો સાથે આવેલા ત્યારે, પોતાના રૂમમાં, દીકરાઓને લઈ જઈ પોતાના લેપટોપમાં રાખેલા રોકાણની વિગતો બતાવી હતી. ભવિષ્યમાં તેઓને કંઈ થાય તો બન્ને ભાઈઓ તેઓની બાને મદદ કરી શકે અને છેવટે આ બધું તે ભાઈઓનું જ છે તેમ જણાવી બંનેને સિક્રેટ પાસવર્ડ આપ્યો હતો.
બન્ને ભાઈ તો બાપુજીનું, રોકાણ જોઈને આભા થઈ ગયા હતા. આંખો પહોળી થઈ ગઈ હતી.
**********
જયંતિલાલને એટેક આવ્યાની ખબર પડતાં જ બંને ભાઈઓ અમદાવાદ દોડી આવ્યા હતા.તેઓને ખબર પડી કે બાપુજીને બ્રેઈન સ્ટ્રોકને કારણે ડાબું અંગ રહી ગયેલ છે અને બોલી પણ શકતા નથી.
તેમને બાપુજી કરતા વધારે તેમના રોકાણની ચિંતા થઈ, બન્ને ઘરે પહોંચી ગયા અને બાપુજીનું લેપટોપ ખોલવા બેસી ગયા.
પરંતુ આ શું???
પાસવર્ડ નાખતા જ ' ડઝ નોટ મેચ.. સમથિંગ ઈઝ રોંગ' જેવો ડાઈલોગ સ્ક્રીન પર ડીસપ્લે થતો હતો. બંને હેરાન થઈ ગયા.
જયંતિલાલને રજા આપી ઘરે લાવ્યા.
બંને ભાઈઓએ તેમને લેપટોપ બતાવી પાસવર્ડ માટે ઈશારો કર્યો.
પણ....
જયંતિલાલ હવે લાચાર હતા.........
જયંતિલાલનો ખાસ લંગોટિયો મિત્ર રસિક સુથાર કાયમ તેમના સુખમાં ને દુઃખમાં સાથેને સાથે તેણે બેઉ ભાઈઓને કહ્યું " તમે અહીંની ચિંતા છોડો, હું છું ને? તેમને સવાર-સાંજ કસરત, જમવાનું, ઉઠવા બેસવાનું ત્થા ભાભીને બહારથી કંઇ લાવુ મેલવું તે સઘળી જવાબદારી મારી."
છેવટે બેઉ ભાઈ ઉદાસ થઈ નોકરી કરવા ચાલ્યા ગયા.
********
લગભગ બે મહિના પછી એક દિવસ સવારે બંને ભાઈઓ પર રસિકકાકાનો ફોન ગયો. જયંતિલાલ હવે નથી રહ્યા.
પછી તો ઘર, કુટુંબ, સગાસંબંધી અને આડોશી પાડોશીઓની હાજરીમાં બધી વિધિ સંપન્ન થઈ.
બારમાંની વિધી પત્યા બાદ ઘરમાં સરસ્વતીબેન, તેમના પુત્રો, તેમની પત્નીઓ અને રસિક કાકા બેઠા હતા. ત્યારે બે ભાઈઓએ બાપુજીની મિલકત અને નાણાંકીય ખાતા વિગેરે હવે બાના નામે કરવા અછડતી વાત છેડી, રસિક લાલ બોલ્યા, " એ બધુ હવે અશ્થિવિસર્જન પછી શાંતિથી કરીશું"
નાના મનિષથી ન રહેવાયું, " પણ.. કાકા...અમારા બાપુજીએ જે રોકાણ કર્યું છે તેની વિગતો તો લેપટોપમાં છે અને તેમાં પાસવર્ડ નાખેલો છે અને છેલ્લે બાપુજીની હાલત ન બોલી શકે કે ન લખી શકે તેવી હતી આથી..."
આગળ કંઈ બોલે તે પહેલાં રસિક લાલ બોલ્યા," બેટા તારા બાપુજીને એટેક આવ્યો તેના એક મહિના અગાઉ મને એક ચબરખીમાં લખી આપેલો. "
પાછા સહેજ અટકી આગળ બોલ્યા," મને કહેલું, રસિક હમણાં હમણાંથી તબિયત ઠીક નથી રહેતી, મને કંઈ થાય અને વહેલો ઉકલી જઉં તો આ ચબરખીથી લેપટોપ ખુલશે."
બંન્ને ભાઈઓ એક સાથે બોલી ઉઠયા, " કાકા એ ચબરખી ક્યાં છે? "
રસિકલાલે તરત જ ગજવામાંથી ચબરખી આપી.
ચબરખી જોતા જ બેઉના ચહેરા પર લોટરી લાગી હોય તેવા ભાવ ઉપસી આવ્યા. વધુ રાહ જોવા જેટલી ધીરજ નહતી, તરત બે ભાઈ તેમની પત્નીઓ સાથે બાજુના, બાપુજી વાળા રુમમાં ગયા.
લેપટોપમાં પાસવર્ડ નાખતા જ ખૂલી ગયુ. તેમાં ડેસ્ક -ટોપ પર ' મારા જીવનનું રોકાણ ' નામનું ફોલ્ડર હતું. તેમાં ચાર ફાઈલ્સ હતી.
પહેલી ફાઈલ ખોલી, તેમાં ફક્ત આટલું લખાણ હતુ 'રજનીકાંત મારો કહેવા ખાતરનો મોટો પુત્ર.. લબાડ, સ્વાર્થી'
બધાના ચહેરા ફરી ગયા.
બીજી ફાઇલ ખોલી, તેમાં પણ ટુંકુ લખાણ હતુ ' મનિષ મારો કહેવા ખાતરનો નાનો પુત્ર..લાગણી વગરનો લાલચુ "
ત્રીજી ફાઈલ ખોલી, ' સરસ્વતી મારી પત્ની...ખુબ ભલી અને કહ્યાગરી, મારી સેવા અને સુખ માટે તત્પર'
છેલ્લી ચોથી ફાઈલ ખોલી," બેટા રજનીકાંત અને મનિષ... મેં તમારા ઉછેરમાં અને તમારી બા એ સંસ્કારમાં કોઈ ખામી રાખી નહતી, તો આવા સ્વાર્થી અને લાગણી વગરના કેમ થઈ
ગયા??? મેં આખી જીંદગી તમારા માટે મહેનત કરી અને તમને ભણાયા - ગણાયા, તમે નોકરીએ લાગ્યા, લગ્ન થયા, ને મા-બાપને ભૂલી ગયા? તમારી બાને ઝેરી મેલેરીયા થયો ને અઠવાડીયુ તે હોસ્પિટલમાં રહી. તેને રોજ બાટલા ચઢાવવામાં આવતા હતા. આ ઉંમરે અમને તમારી હૂંફ જોઈએ ત્યારે ઉપરાઉપરી ફોન કરવા છતાં જુદા જુદા બહાના બતાવી તમારા બેઉમાંથી એકે જણ ના આવ્યો. ઠેઠ પંદર દિવસ પછી તમે પારકા સબંધીઓ જે રીતે ખબર જોવા આવે તે રીતે તમે આવ્યા અને સાંજે તો ચાલ્યા ગયા.
ત્યારે જ મેં નિર્ણય લઈ મારી ઉપાર્જિત બધી મિલકત અને શેર, મિચ્યુઅલ ફંડ અને અન્ય બધુ કાઢી નાખી, તે બધીજ રકમ, લાચાર વૃધ્ધોની સેવા અને સહાય માટે, વડોદરા થી ભરૂચ જતાં રસ્તામાં આવતા આશ્રમ ' જીવન અજવાસ વૃધ્ધાશ્રમ' ને દાન કરી છે. હું ન હોઉં તો સરસ્વતીની રહેવા, ખાવાની અને તેનું ધ્યાન રાખવાની જવાબદારી આ આશ્રમે લેખીતમાં સ્વીકારી છે. બસ તમે તમારી મનગમતી દુનિયામાં ખુશ રહો...
લી.. એક અભાગીયો બાપ "
ચારેયમાંથી એક પણ ચરિત્રમાં, આ ફાઈલના લખાણમાની હકીકતને ખોટી સાબિત કરી શકે તેવી પરિક્ષાને પાસ કરવા માટેના એક પણ વર્ડ ક્યાં હતો ?
તેઓ બીજે દિવસે જ, સરસ્વતીબેન અને રસિક કાકાની હાજરીમાં એક પણ વર્ડ બોલ્યા વગર ઘરમાંથી પાસ થઈ નીચી મૂંડીએ ચાલી નીકળ્યા.............
***********************************************