Women's Struggle - 10 - The Last Part in Gujarati Fiction Stories by Sujal B. Patel books and stories PDF | સ્ત્રીનો સંઘર્ષ - 10 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

સ્ત્રીનો સંઘર્ષ - 10 - છેલ્લો ભાગ

ભાગ-૧૦

 

હર્ષને કંપનીનાં કામથી મુંબઈ જવાનું થયું હતું. નિત્યાના લગ્નનાં બીજાં દિવસે હર્ષની કંપની શરૂ થવાની હતી. એટલે હર્ષને મુંબઈ જવું જરૂરી હતું. પણ પાર્થને જે માહિતી હાથ લાગી હતી. એ પાર્થ માટે હર્ષ સુધી પહોંચાડવી જરૂરી હતી. પાર્થ રોજ પંકજનો પીછો કરતો, ને હર્ષના આવવાની રાહ જોતો. હર્ષને ફોન પર કાંઈ કહી શકાય એમ ન હતું. હર્ષ ગુસ્સામાં આવીને કાંઈ આડાં અવળું કરી બેસે, ને હર્ષનાં પરિવાર કે કંપનીને કોઈ નુકશાન પહોંચે. એવું પાર્થ ઈચ્છતો ન હતો. એટલે તેણે હર્ષનાં આવવાની રાહ જોઈ.

 

દિવસો પછી દિવસો વિતતા ચાલ્યાં હતાં. નિત્યાના લગ્નને માત્ર પાંચ દિવસ જ બાકી રહ્યાં હતાં. હર્ષ કેટલાંય દિવસથી મુંબઈમાં જ હતો. અમદાવાદમાં પાર્થની રાહ જોવાની ધીરજ પણ જવાબ આપી ગઈ હતી. તેણે હર્ષને તરત જ અમદાવાદ આવી જવાં કોલ કર્યો.

 

પાર્થને કોઈ જરૂર ઇન્ફર્મેશન હાથ લાગી હશે. એમ સમજીને હર્ષ પોતાનું કામ એક જ દિવસમાં પતાવીને રાતોરાત અમદાવાદ આવવાં નીકળી ગયો. પાંચ દિવસમાં વધું એક દિવસ ઓછો થઈ ગયો. છતાંય હર્ષે હાર નાં માની. તે સીધો પાર્થ પાસે ગયો. પાર્થે હોટેલનાં સ્ટાફ પાસે મીરાં અને પંકજનો જે વિડિયો બનાવડાવ્યો હતો. એ હર્ષને બતાવ્યો. હર્ષ વિડિયો જોઈને ગુસ્સામાં લાલઘૂમ થઈને નિત્યા પાસે જવાં કારમાં બેઠો.

 

"ભાઈ, હવે વધું સમય નથી. આજે નિત્યાની હલ્દીની રસમ છે. ચાર દિવસ પછી તેનાં લગ્ન છે. તને એ લોકો નિત્યા સુધી પહોંચવા નહીં દે." પાર્થની વાત સાંભળીને હર્ષે દિમાગથી કામ લેવાનું વિચાર્યું.

 

હર્ષ કારમાંથી ઉતર્યો. એ સમયે જ પંકજના આદમીઓ પાર્થની ઘરે પહોંચી ગયાં. તેમણે હર્ષ પાસે રહેલ મોબાઈલ લઈને, તેને સળગાવી દીધો. હર્ષ કાંઈ સમજી શકે. એ પહેલાં જ નિત્યાના લગ્ન રોકી શકવાનું સબૂત બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. હર્ષ અને પાર્થે સબૂત લેવાં આવેલાં વ્યક્તિઓને ખૂબ જ માર્યા. પણ તેનો કોઈ ફાયદો ન હતો.

 

"હવે નિત્યાના લગ્ન કોઈ નહીં રોકી શકે. થાય એ કરી લો જાવ." પંકજના આદમીઓમાથી એક વ્યક્તિ બોલ્યો, અને હર્ષની પકડમાંથી છૂટીને ભાગી ગયો.

 

હર્ષ અને પાર્થ બધાંને ભાગતા જોઈ રહ્યાં. તેમને પકડવાનો કોઈ ફાયદો ન હતો. એમ સમજી હર્ષ કંઈક વિચારવા લાગ્યો. પાર્થે સળગતાં મોબાઈલ પર પાણી નાખ્યું. પણ મોબાઈલ આખો સળગી ગયો હતો.

 

"મારે કોઈ સબૂતની જરૂર નથી. નિત્યા મારો કોઈ સબૂત વગર પણ વિશ્વાસ કરશે." હર્ષ એક ઉંડો શ્વાસ લઈને બોલ્યો.

 

હર્ષને વિશ્વાસ હતો, કે નિત્યા કોઈ સબૂત વગર પણ તેનો વિશ્વાસ કરશે. પણ પાર્થને એવું લાગતું ન હતું. પંકજને અગાઉ જ વિડિયો વિશે ખબર હતી. મતલબ તેણે બધી તૈયારી કરીને જ રાખી હતી. એટલી તો પાર્થને પણ જાણ થઈ ગઈ હતી. પણ પાર્થ કાંઈ કહે, એ પહેલાં જ હર્ષ કાર લઈને નીકળી ગયો. પાર્થ પણ તેની પાછળ ગયો. બંને થોડીવારમાં નિત્યા જ્યાં રહેતી. એ સોસાયટીમાં પહોંચી ગયાં. બંને નિત્યાના ઘર તરફ જતી સીડીઓ ચડવા લાગ્યાં. પણ ઘરને તાળું મારેલું હતું.

 

"આન્ટી, આ ઘરનાં બધાં લોકો ક્યાં ગયાં છે??" પાર્થે સીડી ઉતરીને નીચે ઉભેલાં માનસીબેનને પૂછ્યું.

 

"નિત્યાના લગ્ન છે. તો એ બધાં જેની સાથે નિત્યાના લગ્ન થવાનાં છે. તેની ઘરે ગયાં છે. બધી રસમ અને લગ્ન છોકરાંની ઘરે જ છે." માનસીબેને જવાબ આપ્યો.

 

નિત્યા પંકજની ઘરે હતી. જ્યાં હર્ષ નિત્યા સુધી ક્યારેય પહોંચી શકે એમ ન હતો. હર્ષ સાથે પહેલી વખત મુવીમા થતું હોય. એવું થઈ રહ્યું હતું. હર્ષ પાર્થ સાથે પંકજના ઘર તરફ જવા નીકળી ગયો. ત્યાં પહોંચીને પણ હર્ષને નિત્યા નાં મળી. પંકજના ઘરનાં વોચમેને કહ્યું, કે પંકજના લગ્ન મુંબઈમાં રાખવાનું નક્કી થયું. તો એ લોકો મુંબઈ જતાં રહ્યાં.

 

પંકજ બહું ચાલાક હતો. એટલું તો હર્ષ સમજી ગયો હતો. એટલે પંકજ મુંબઈમાં નહીં. અમદાવાદમાં જ કોઈ બીજી જગ્યાએ છે. એ વાત હર્ષ જાણી ગયો હતો. પણ એટલાં મોટાં અમદાવાદમાં પંકજને શોધવો મુશ્કેલ કામ હતું. છતાંય હર્ષે તેનાં બધાં મિત્રોને જાણ કરીને, અમદાવાદમાં જે જે જગ્યાએ લગ્ન થઈ શકે એમ હોય. એ બધી જગ્યાએ જવાનું કહી દીધું.

 

સવારની રાત પડી ગઈ. પણ હર્ષ નિત્યા સુધી નાં પહોંચી શક્યો. કેમ કે, પંકજે તેનાં લગ્ન અમદાવાદની બહાર આવેલાં પોતાનાં ફાર્મ હાઉસ પર ગોઠવી દીધાં હતાં. પંકજે કંપનીનાં કામનું બહાનું કરીને, લગ્ન ચાર દિવસ પછીની જગ્યાએ આજ રાતે કરવાનું જ નક્કી કરી લીધું હતું.

 

પંકજ અને નિત્યા પંકજના ફાર્મ હાઉસ પર લગ્ન મંડપમાં ફેરા ફરી રહ્યાં હતાં. બીજી તરફ હર્ષ અને તેનાં મિત્રો આખું અમદાવાદ ફરી વળ્યા હતાં. પણ તેમને નિત્યા ક્યાં છે. એ ખબર પડી ન હતી.

 

હર્ષ આખી રાત પંકજના ઘરની બહાર જ છુપાઈને રહ્યો. રાતે હર્ષની બાંકડા પર બેઠાં બેઠાં આંખ મળી ગઈ. સવાર પડતાં જ હર્ષની આંખ ખુલી. તો પંકજનુ આખું ઘર ફુલો વડે સજાવેલું હતું. હર્ષ બાંકડા પરથી ઉભો થઈને, પંકજના ઘર તરફ આગળ વધ્યો. હર્ષે અંદર જે દ્રશ્ય જોયું. એ જોયાં પછી હર્ષનાં પગ નીચેથી જમીન સરકી ગઈ.

 

નિત્યા સાડી પહેરીને, સેંથામાં સિંદૂર ને ડોકમાં મંગળસૂત્ર પહેરીને, સોફા પર બેઠી હતી. ઘરનાં બધાં સભ્યો, ને મહેમાનો તેને ગિફ્ટ આપી રહ્યાં હતાં. નિત્યા બધાનાં આશીર્વાદ લેતી હતી. એ બધું જોઈને હર્ષ બસ બેભાન થવાની તૈયારીમાં જ હતો. ત્યાં જ પાર્થે તેને પકડી લીધો, ને ઘરે લઈ ગયો.

 

નિત્યા રસમ પૂરી કરીને રૂમમાં ગઈ. પંકજ ઓફિસે જવા તૈયાર થતો હતો. નીચે બધાં મહેમાનો હતાં. પણ પંકજ નીચે ગયો જ ન હતો. એ વાતથી નિત્યા થોડી દુઃખી હતી. પણ તે પંકજને કાંઈ કહી શકે. એ પહેલાં જ પંકજ ઓફિસે જતો રહ્યો.

 

નિત્યાને એમ હતું, કે લગ્ન પછી તેનાં જીવનમાં ખુશીઓ આવશે. પણ એવું કંઈ થયું ન હતું. નિત્યા કપડાં બદલાવીને નીચે ગઈ. ત્યાં સુધીમાં બધાં મહેમાનો જતાં રહ્યાં હતાં. હેમલતાબેન પણ ક્યાંક જવાની તૈયારી કરતાં હતાં. એ સમયે નિત્યાને આવતી જોઈને એ અટક્યાં.

 

"હું મારી સહેલીઓ સાથે બહાર જાવ છું. રાતે ડીનર કરીને જ ઘરે પાછી ફરીશ." હેમલતાબેન કહીને જતાં રહ્યાં.

 

નિત્યા પોતાની ઘરે પણ એકલી જ રહેતી. ને પંકજની ઘરે આવ્યાં પછી પણ તેને એકલાં જ રહેવું પડતું. પંકજ આખો દિવસ ઓફિસના કામમાં જ વ્યસ્ત રહેતો.

 

હર્ષ નિત્યા અને પંકજના લગ્ન થઈ ગયાં. એ જાણીને પાગલ જેવો થઈ ગયો હતો. નિત્યા પણ લગ્ન પછી કાંઈ ખુશ ન હતી. જ્યારે પંકજ પર તો કોઈ વાતની અસર થઈ ન હતી. ઘરેથી ઓફિસનુ કહીને, તે મીરાંની ઘરે તેનાં બેડરૂમમાં મીરાંને ચીપકીને સૂતો હતો.

 

નિત્યાએ લગ્ન પછી પંકજ સાથે રહેવાનાં જે સપનાં જોયાં હતાં. એ બધાં સપનાં ધીમે-ધીમે તૂટી રહ્યાં હતાં. નિત્યા રોજ મોડાં સુધી જાગીને પંકજના આવવાની રાહ જોતી. પણ પંકજ ક્યારેક રાતે બે વાગે આવતો. તો ક્યારેક સાવ આવતો જ નહીં.

 

નિત્યાએ પંકજ આખી રાત ક્યાં રહે છે. એ જાણવા અંગે ઘણી કોશિશ કરી. પણ પંકજ હંમેશા વાત બદલી નાંખતો. નિત્યા દેસાઈ...હતી તો પંકજની પત્ની...પણ દેસાઈ મેન્સનમા તેની સાથે એક નોકરાણી જેવું વર્તન કરવામાં આવતું. ઘરમાં કાંઈ પણ થાય. કોઈ પણ વ્યક્તિ નિત્યાને કાંઈ જણાવતું નહીં. નિત્યા બસ ઘરનું કામ કરતી, ને બાકી સમયમાં એકલાં બેસી રહેતી.

 

એક દિવસ નિત્યાને થયું, કે તેને પંકજ સાથે ફરીથી કોલેજે જવાં અંગે પૂછવું જોઈએ. સવારે પંકજ ઓફિસે જવા તૈયાર થતો હતો. ત્યારે નિત્યા પંકજની પાસે ગઈ.

 

"હું ઘરે એકલી જ હોવ છું. ઘરે નોકર પણ છે. તો હવે હું કોલેજે જવાનું શરૂ કરી દવ??" નિત્યાએ પંકજને પૂછ્યું.

 

"કેમ?? શું જરૂર છે??" પંકજે સામે સવાલ કર્યો.

 

"તમે કહ્યું હતું, કે લગ્ન પછી પણ હું ભણવાનું ચાલું રાખી શકીશ." નિત્યાએ શાંત સ્વરે કહ્યું.

 

"મેં જે કહ્યું હોય. એ કરવું જ પડે. એવું જરૂરી નથી." પંકજ એટલું કહીને જ ઓફિસે જતો રહ્યો.

 

પંકજનો જવાબ સાંભળીને નિત્યા ખૂબ રડી. છતાંય તેને એમ હતું, કે પંકજ એક દિવસ જરૂર માની જાશે. એવી આશાએ નિત્યા રોજ પંકજ સાથે સમય વિતાવવાની અને તેને પ્રેમ આપવાની કોશિશ કરતી. પણ પંકજ નાં તો નિત્યાને પ્રેમ આપી શકતો. નાં તો નિત્યાનો પ્રેમ સમજી શકતો.

 

હર્ષની કંપનીની શરૂઆત થઈ ગઈ હતી. જે મુજબ હર્ષે નક્કી કર્યું હતું. એ મુજબ જ અરવિંદભાઈએ કંપની શરૂ કરી દીધી હતી. પણ હર્ષ ઓફિસમાં નાં રહેતો. તેનું બધું કામ અરવિંદભાઈ જ સંભાળતાં. કેમ કે, હર્ષ તો રોજ નિત્યા ક્યારેક ઘરની બહાર નીકળે. તો તેની સાથે વાત કરવાની આશાએ પંકજના ઘરની બહાર નિત્યાની રાહ જોતો.

 

નિત્યાના લગ્નને એક મહિનો પસાર થઈ ગયો હતો. પણ નિત્યા એક મહિના દરમિયાન ક્યારેય બહાર નીકળી ન હતી. ઘરમાં પણ નોકરચાકર હંમેશા રહેતાં. જેનાં લીધે હર્ષ ઘરની અંદર નાં જઈ શકતો. પણ એક દિવસ નિત્યા કારમાં બેસીને ક્યાંક જતી હતી. એ હર્ષ જોઈ ગયો. હર્ષે નિત્યાનો પીછો કર્યો. નિત્યાની કાર શોપિંગ મોલ પર ઉભી રહી. નિત્યા કારનો દરવાજો ખોલીને અંદર ગઈ. હર્ષ પણ તેની પાછળ ગયો.

 

હર્ષની નિત્યા સામે જવાની હિંમત ન હતી. છતાંય હર્ષ નિત્યા પાસે ગયો. હર્ષને જોઈને નિત્યાની આંખો ભીની થઈ ગઈ. પણ હર્ષને એ વાતની ખબર પડે. એ પહેલાં જ નિત્યાએ આંખો સાફ કરી લીધી.

 

"મારે તને કંઈક બતાવવું છે. થોડીવાર માટે મારી સાથે આવીશ??" હર્ષે નિત્યાને પૂછ્યું.

 

હર્ષે પાર્થની મદદથી પંકજ ક્યાં હતો. એ જાણી લીધું હતું. પંકજ મીરાં સાથે ફરી એ જ હોટેલમાં હતો. જે હોટેલમાં પાર્થે તે બંનેનો વિડિયો બનાવ્યો હતો.

 

નિત્યા પાસે કાંઈ કહેવા શબ્દો ન હતાં. એટલે નિત્યાએ નજર ઝુકાવીને મૂક સહમતી આપી દીધી. હર્ષ નિત્યાને પોતાની કારમાં બેસાડીને પંકજ જે હોટેલમાં હતો. એ હોટેલે લઈ ગયો.

 

"આપણે અહીં કેમ આવ્યાં છીએ??" નિત્યાએ હર્ષની કાર હોટેલની સામે રોકાઈ. એ જોઈને પૂછયું.

 

"અંદર ચાલ. બધી ખબર પડી જાશે." હર્ષ નિત્યાનો હાથ પકડીને તેને અંદર લઈ ગયો. પાર્થ પણ અંદર જ હતો. પાર્થે બધી વ્યવસ્થા કરી લીધી હતી. કોઈનાં જીવનનો સવાલ હતો. એ વાત પાર્થ દ્રારા માલૂમ પડતાં. હોટેલનાં મેનેજરે પણ હર્ષ, નિત્યા અને પાર્થને પંકજ જે રૂમમાં હતો. એ રૂમમાં જવા એ રૂમની ડુપ્લીકેટ ચાવી આપી દીધી.

 

હર્ષ નિત્યાને એ રૂમ તરફ લઈ ગયો. જે રૂમમાં ફરી એકવાર પંકજ મીરાંને પોતાની બાહોમાં લપેટીને સૂતો હતો. હર્ષે ત્યાં પહોંચીને ચાવી વડે દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતાં જ સામેનું દ્રશ્ય જોઈને, નિત્યા સીધી જ બેભાન થઈને ફર્શ પર ઢળી પડી.

 

પંકજ મીરાંને પોતાની બાહોમાં ભરીને તેનાં હોઠોનું રસપાન કરી રહ્યો હતો. એક અઠવાડિયા પહેલાં જ પંકજના નિત્યા સાથે લગ્ન થયાં હતાં. એવામાં પોતાનાં જ પતિને એક પત્ની બીજી સ્ત્રીની બાહોમાં જોઈ લે. પછી તેની હાલત નિત્યા જેવી જ થાય.

 

નિત્યાને અચાનક આવેલી જોઈને પંકજ પણ ડરી ગયો. તેણે તરત જ ઉભાં થઈને કપડાં પહેરી લીધાં. મીરાં તો તરત જ કપડાં પહેરીને રૂમની બહાર જ જતી રહી. નિત્યા હજું પણ બેભાન અવસ્થામાં જ હતી. પંકજે સપનામાં પણ વિચાર્યું ન હતું, કે હર્ષ સાથે એટલું થયાં પછી પણ હર્ષ હાર નહીં માને. ને નિત્યાને હકીકત જણાવીને જ રહેશે.

 

પંકજ જેમતેમ પોતાની જાતને સંભાળીને નિત્યા તરફ આગળ વધ્યો. એ સમયે પાર્થે તેને રોકી લીધો. હર્ષ નિત્યાને લઈને, પાર્થ સાથે પોતાની ઘરે જતો રહ્યો. નિત્યાને એ હાલતમાં જોઈને દેવકીબેન પણ ડરી ગયાં. તેમણે નિત્યાના મોઢા પર પાણી છાંટીને તેને ભાનમાં લાવવાની કોશિશ કરી. નિત્યા ભાનમાં આવી, કે તરત જ હર્ષે તેને પાણી પાયું. પણ નિત્યા પાણી પીધાં વગર જ રડવા લાગી.

 

હવે તો નિત્યાના આંસુ પણ જવાબ આપી ગયાં હતાં. તેણે પણ બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. નિત્યા પોતાની જાત પર કાબુ મેળવીને ઉભી થઈ, ને તરત જ દરવાજા તરફ જવા ભાગી. હર્ષે ઉભાં થઈને તેને રોકી લીધી.

 

"ક્યાં જાય છે??" હર્ષે નિત્યાનો હાથ પકડીને, તેને રોકીને પૂછ્યું.

 

"મારી ઘરે...અમુક સવાલોનાં જવાબો માંગવા." નિત્યાએ હિંમત એકઠી કરીને કહ્યું.

 

નિત્યા જે રીતે બોલી રહી હતી. એ રીતે તે તેનાં જીવનમાં ક્યારેય બોલી ન હતી. નિત્યાનુ એ રૂપ જોઈને હર્ષે તેનો હાથ મૂકી દીધો. નિત્યા તરત જ પંકજના ઘર તરફ દોડવા લાગી. નાં કોઈ રીક્ષા... નાં કોઈ કાર... નિત્યા પગપાળા જ દોડતી દોડતી પંકજની ઘરે પહોંચી ગઈ. સતત બે કલાક દોડ્યાં પછી નિત્યા હાંફી ગઈ હતી. છતાંય તેની અંદર આગની જે ચિનગારી લાગી હતી. તેણે નિત્યાને બધું ભૂલાવી દીધું હતું. નિત્યાને બસ એક જ વસ્તુ યાદ હતી. પંકજ દ્વારા અપાયેલ દગો..!!

 

નિત્યા સીધી ઘરની અંદર પ્રવેશી. પંકજ હોલમાં જ હતો. નિત્યા તરત જ તેની પાસે ગઈ. પંકજને જોતાં જ નિત્યાને હોટેલમાં બનેલી ઘટના આંખો સામે તરવરવા લાગી. નિત્યાએ પંકજના ગાલે એક તમાચો ચોડી દીધો. એ સાથે જ આખું દેસાઈ મેન્સન ધ્રુજી ઉઠ્યું.

 

"તારી હિંમત કેમ થઈ??" પંકજ ગુસ્સામાં બરાડી ઉઠ્યો.

 

"તે જે કર્યું એ કરવાની તારી હિંમત જેવી રીતે થઈ. એવી રીતે મારી પણ હિંમત થઈ." નિત્યાના શબ્દોમાં એક આગ ઝરતી હતી. એક સ્ત્રી જ્યારે બધું સહન કરી લેતી હોય. બધાંને પ્રેમ પૂરો પાડતી હોય. ત્યારે કોઈ તેનો પ્રેમ, તેનો પતિ ને તેનાં પરનો હક છીનવી લેવાની કોશિશ કરે. ત્યારે એક સ્ત્રી રણચંડી બની જાય છે. એવી જ રીતે નિત્યા પણ પંકજ માટે નિત્યા શાહ કે નિત્યા દેસાઈ નહીં. પણ રણચંડી બનીને આવી હતી.

 

નિત્યાનો અવાજ અને પંકજને મરાયેલ તમાચાનો અવાજ સાંભળીને પારિતોષભાઈ અને હેમલતાબેન પણ હોલમાં આવી પહોંચ્યા. નિત્યાના હાથની આંગળીઓ પંકજના ગાલે પર છપાઈ ગઈ હતી. એ જોઈને પારિતોષભાઈ પણ ગુસ્સે થઈ ગયાં.

 

"તું આ ઘરમાં આવી તેને એક મહિનો જ થયો છે. એવામાં તે મારાં દિકરા પર હાથ ઉઠાવવાની હિંમત કેવી રીતે કરી??" પારિતોષભાઈએ ગુસ્સામાં લાલઘૂમ થઈને પૂછ્યું.

 

"તમારાં દિકરાએ એવું શું કર્યું છે. એ તમે જ તેને પૂછી લો." નિત્યાએ પંકજની આંખોમાં આંખો પરોવીને કહ્યું.

 

"તો આને ખબર પડી જ ગઈ!?" પારિતોષભાઈ પંકજ તરફ જોઈને બોલ્યાં. પારિતોષભાઈના શબ્દો સાંભળી પંકજ નીચું જોઈ ગયો. પારિતોષભાઈ પંકજ અને મીરાં વિશે પહેલેથી બધું જાણતાં હતાં. એ વાત નિત્યા તેમનાં શબ્દો પરથી સમજી ગઈ હતી. છતાંય તે પંકજ પાસે જવાબની આશાએ ઉભી હતી.

 

"મારાં દિકરા વિશે હું બધું જાણું છું. પણ તું હવે હકીકત જાણી જ ગઈ છે. તો બીજી વાત પણ જાણી લે. તારાં પંકજ સાથે લગ્ન ભલે થયાં. પણ એ તને પત્ની માનતો નથી. તારો તો તારાં બાપે મારી પાસે પચાસ લાખમાં સોદો કર્યો છે. તને પચાસ લાખમાં મારી પાસે વેંચી છે. જેથી તે તેની કંપનીનું નુકશાન ભરી શકે." પારિતોષભાઈ નિત્યાની એકદમ નજીક જઈને બરાડીને બોલ્યાં.

 

પહેલાં પંકજ અને પછી પોતાનાં જ પપ્પાની હકીકત જાણીને નિત્યાને મોટો આઘાત લાગ્યો. તેને કોઈ પણ જાતનાં જવાબની જરૂર જ નાં રહી. પંકજની હરકત અને પારિતોષભાઈના શબ્દોએ બધી હકીકત કહી સંભળાવી હતી. નિત્યા સાથે જે થયું. એ બધું પહેલેથી વિચારી રાખેલું હતું. એ વાત નિત્યા સમજી ગઈ હતી.

 

"મારો ઈરાદો તને મારાં ઈશારે નચાવીને, તારાં બાપની કંપની હાંસિલ કરવાનો હતો. પણ હવે મારે તારી કોઈ જરૂર નથી." પંકજે નિત્યાનો હાથ પકડી તેને ઘરની બહાર કાઢી મૂકી. નિત્યા ગાંડાની જેમ રોડ પર ચાલવા લાગી. તેની પાસે પોતાની ઘરે જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો.

 

હર્ષ પોતાનાં ઘરની બહાર ઉભો રહીને નિત્યાની રાહ જોતો હતો. નિત્યાને આવતાં ખાસ્સો એવો સમય લાગી ગયો હતો. હર્ષ નિત્યાને લેવાં પંકજના ઘર તરફ ગયો.

 

"નિત્યા અંદર છે??" હર્ષે પંકજની ઘરે પહોંચીને અંદર જવાને બદલે બહાર વોચમેનને જ પૂછી લીધું.

 

"નહીં..એ તો જતાં રહ્યાં. તેમને પંકજ સાહેબે હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂક્યાં." વોચમેન કહ્યું.

 

વોચમેનની વાત સાંભળીને હર્ષ નિત્યાને શોધવાં નીકળી ગયો. હર્ષ ગાંડાની જેમ નિત્યાને આખાં અમદાવાદની સડકો પર શોધતો હતો. સુરજ આથમી ગયો. ચારેતરફ અંધારું છવાઈ ગયું. છતાંય હર્ષને નિત્યા ક્યાંય નાં મળી. હર્ષ આખી રાત ઘરની બહાર રહીને નિત્યાને શોધતો રહ્યો. હર્ષનાં મમ્મી-પપ્પા પણ પરેશાન હતાં. આખરે થાકી હારીને ચાર વાગ્યે હર્ષ ઘરે ગયો.

 

હર્ષે ઘરે પહોંચીને ખુદને પોતાનાં જ રૂમમાં કેદ કરી લીધો. હર્ષે ફરી એકવાર નિત્યાને પોતાની ભૂલના લીધે ગુમાવી દીધી હતી. એ વાતને લઈને હર્ષ ખુદને જ કોસતો હતો.

 

દશ વર્ષ પછી.....

નિત્યા મુંબઈની હોસ્પિટલમાં પોતાની કેબિનમાં બેઠી હતી. તે એક મોટી ડોક્ટર બની ગઈ હતી. મુંબઈનાં બધાં જ ડોક્ટરોના મોંઢે નિત્યાના નામનાં વખાણ થતાં હતાં. ખૂબ જ ટૂંકા ગાળામાં નિત્યાએ ખૂબ પ્રસિદ્ધિ મેળવી લીધી હતી.

 

પોતાનાં નામ આગળ ડોક્ટર શબ્દ.... મુંબઈમાં મેળવેલી ખ્યાતિ.... રૂપિયા... ઈજ્જત...મોટો બંગલો.... બધું જ નિત્યા પાસે હતું. પણ નિત્યાનુ પોતાનું કહી શકાય. એવું કોઈ તેની પાસે ન હતું. આજેય નિત્યા દશ વર્ષ પહેલાં બનેલી ઘટના યાદ કરતી. ત્યારે ખૂબ જ રડતી.

 

"નિત્યા, હવે કેટલું કામ કરીશ?? આજે તારો જન્મદિવસ છે. હવે તો ઘરે ચાલ." અનંત જાદવે આવીને કહ્યું.

 

"ચાલો...બે મિનિટમાં આવું." નિત્યાએ કહ્યું.

 

એંશી વર્ષ વટાવી ચુકેલા અનંત જાદવ નિત્યાની અમદાવાદની કોલેજના ટ્રસ્ટી હતાં. નિત્યાને જ્યારે પંકજે ઘરમાંથી કાઢી મૂકી. એ સમયે જ અનંત જાદવની કાર રસ્તા પરથી પસાર થઈ. ત્યારે તેમણે નિત્યાને રડતાં જોઈ. પછી નિત્યાએ તેમને આખી કહાની કહી. ત્યારે અનંત જાદવે નિત્યાની મદદ કરી હતી. તેઓ નિત્યાને પોતાની ઘરે મુંબઈ લઈ આવ્યાં હતાં. તેમણે નિત્યાની કહાની સાંભળીને નિત્યાને પોતાનાં ખર્ચે ભણાવવાનું નક્કી કર્યું હતું.

 

અનંત જાદવની પત્નીના અવસાન પછી તેમનાં સંતાનો તેમને એકલાં મૂકીને લંડન જતાં રહ્યાં હતાં. નિત્યા જે હોસ્પિટલમાં ડોક્ટર હતી. એ હોસ્પિટલ અનંત જાદવનું જ હતું. તેઓ નિત્યાને પોતાની દિકરીની જેમ રાખતાં. નિત્યાને અનંત જાદવ પાસેથી એક પિતાનો પ્રેમ અને અનંત જાદવને નિત્યા પાસેથી એક દિકરીનો પ્રેમ મળી ગયો હતો.

 

"તારી બે મિનિટ થઈ ગઈ" અનંત જાદવે નિત્યાને ઘડિયાળ તરફ ઈશારો કરીને કહ્યું.

 

નિત્યા પોતાનું પર્સ લઈને ઉભી થઈ ગઈ. અનંત જાદવ હોસ્પિટલના પાર્કિંગ એરિયામાં જઈને કાર લઈ આવ્યાં. બંને કારમાં બેસીને ઘરે જવા નીકળી પડ્યાં.

 

અનંત જાદવે નિત્યા માટે બહું મોટી બર્થ-ડે પાર્ટી રાખી હતી. ઘરે પહોંચીને તેમણે નિત્યાને તૈયાર થવા મોકલી દીધી. નિત્યા તૈયાર થઈને આવી. ત્યારે બધાં મહેમાનો આવી ગયાં હતાં. અનંત જાદવ નિત્યાની બધાં સાથે ઓળખાણ કરાવવાં લાગ્યાં. મુંબઈ આવ્યાં પછી અને ડોક્ટર બન્યાં પછી આ નિત્યાની પહેલી બર્થ-ડે પાર્ટી હતી. નિત્યા દશ વર્ષ સુધી બધાં લોકોથી દૂર જ રહેતી. જેનાં લીધે અનંત જાદવે આજે ખાસ નિત્યા ફરી બધાં લોકોને મળે. એ માટે પાર્ટી રાખી હતી.

"આ હર્ષ ગુપ્તા છે. તેની અમદાવાદમાં બહું મોટી કંપની છે. એ પોતાની કંપની અંગે જરૂરી માર્ગદર્શન મારાં એક મિત્ર પાસેથી જ લે છે. એટલે મેં હર્ષને પણ પાર્ટીમાં આવવાં આમંત્રણ આપ્યું હતું." અનંત જાદવે નિત્યાને હર્ષ પાસે લઈ જઈને કહ્યું.

હર્ષ નામ સાંભળતાં જ નિત્યાને હર્ષ સાથે વિતાવેલી એક એક ક્ષણ યાદ આવી ગઈ. તે હર્ષને કહ્યાં વગર જ મુંબઈ આવી ગઈ હતી. એ પણ યાદ આવી ગયું. હર્ષ પણ નિત્યાને જોઈને ચોંકી ગયો. દશ વર્ષ પહેલાં પાગલોની જેમ આખાં અમદાવાદમાં જે નિત્યાને શોધી હતી. જેનાં મળવાની કોઈ ઉમ્મીદ જ વધી ન હતી. એ નિત્યાને પોતાની નજર સામે જોઈને હર્ષે તરત જ નિત્યાને ગળે લગાવી લીધી.

"મેં તને કેટલી શોધી. તને કાંઈ ખબર પણ છે?? તું શાં માટે કહ્યાં વગર જતી રહી હતી??" હર્ષ દશ વર્ષથી ભેગી કરેલી શિકાયત કરવાં લાગ્યો. નિત્યા માત્ર તેને સાંભળતી રહી. હર્ષને જોઈને નિત્યાને જાણે બધું મળી ગયું હોય. એવું લાગવા માંડ્યું.

નિત્યા અને હર્ષની મુલાકાત જોઈને અનંત જાદવ સમજી ગયાં, કે બંને એકબીજાને સારી રીતે ઓળખતાં હતાં. નિત્યાના બર્થ-ડેના દિવસે નિત્યા માટે એનાંથી મોટી કોઈ ખુશી નાં હોઈ શકે. એમ સમજીને અનંત જાદવે બંનેને એકલાં છોડી દીધાં.

હર્ષ અને નિત્યાએ બહું વાતો કરી. પણ અચાનક જ હર્ષ ગંભીર થઈ ગયો. નિત્યા તેનું બદલાયેલ રૂપ જોઈને કંઈ સમજી નાં શકી.

"શું થયું?? આમ અચાનક ગંભીર કેમ થઈ ગયો?? ક્યાંક તું પણ મને છોડીને તો નહીં જતો રહે ને??" નિત્યા હર્ષનો હાથ પકડીને પૂછવા લાગી.

છોડવાની વાત આવતાં જ હર્ષ રડવા લાગ્યો. તેની પાસે બોલવાં માટે કોઈ શબ્દો જ નાં વધ્યાં. દશ વર્ષ પછી તે નિત્યાને મળ્યો હતો. પણ તેને ફરી એકલી છોડવાં માટે મળ્યો હતો. એ વાત નિત્યા જાણતી ન હતી.

"બોલને હર્ષ...ચુપ કેમ છે??" નિત્યા હર્ષને ઢંઢોળીને પૂછતી રહી. પણ હર્ષ મૌન જ રહ્યો.

"તેને લાસ્ટ સ્ટેજ કેન્સર છે." અનંત જાદવે આવીને કહ્યું.

કેન્સર શબ્દ સાંભળીને નિત્યા ફરી એકવાર તૂટી ગઈ. ફરી એકવાર બધું મેળવીને તેણે બધું ગુમાવી દીધું. નિત્યાએ હર્ષને રડતાં રડતાં પોતાની બાહોમાં સમાવી લીધો. નિત્યા જાણતી હતી, કે બધી ખુશી બે પળ માત્રની જ છે. છતાંય તે એ ખુશી મન ભરીને જીવી લેવા માંગતી હતી.

અનંત જાદવનો ભાઈ અમદાવાદમાં ડોક્ટર હતો. હર્ષનો ઈલાજ તે જ કરતાં હતાં. આજે પાર્ટીમાં એ પણ આવ્યાં હતાં. અનંત જાદવને તેનાં ભાઈ પાસેથી જ જાણવાં મળ્યું, કે હર્ષને કેન્સર હતું.

નિત્યાએ હર્ષ પાસે જેટલું જીવન વધ્યું હતું. એ તેની સાથે જ જીવવાનો નિર્ણય કરી લીધો. નિત્યા સવાર પડતાં જ હર્ષ સાથે અમદાવાદ જતી રહી. હર્ષનો અમદાવાદમાં જ ઈલાજ ચાલતો હતો. એટલે અનંત જાદવ પણ નિત્યા સાથે જ ગયાં. નિત્યાને ફરી એકવાર હર્ષ સાથે જોઈને અરવિંદભાઈ અને દેવકીબેન પણ ખુશ થયાં.

નિત્યા હર્ષ અને તેનાં પરિવારનું પોતાનાં પરિવારની જેમ ધ્યાન રાખવા લાગી. નિત્યાએ એક પળ માટે પણ હર્ષને કમજોર પડવાં નાં દીધો. હર્ષ પણ તેને તેનાં જીવનની અંતિમ ક્ષણો નિત્યા સાથે જીવવા મળી. એ જાણીને ખુશ હતો.

 

સમયને પસાર થતાં વાર નથી લાગતી. એક દિવસ હર્ષને શ્વાસ લેવામાં તકલીફ પડવાં લાગી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. હર્ષની બે દિવસ સુધી સારવાર ચાલી. અંતે હર્ષે જીવનથી હાર માની લીધી.

નિત્યા હર્ષની એ હાલત જોઈને ખૂબ દુઃખી થઈ. હર્ષનાં મૃત્યુ પછી નિત્યા ખૂબ રડી. તે હર્ષ સામે તો હિંમતવાન બનવાની કોશિશ કરતી રહી. પણ તેનાં ગયાં પછી તેની હિંમત જવાબ આપી ગઈ. કોઈએ નિત્યાને રડતાં નાં રોકી. તે બધું યાદ કરીને રડતી રહી, ને જાતે જ શાંત થઈ ગઈ.

હર્ષનાં ગયાં પછી નિત્યાએ હર્ષની કંપનીને આગળ વધારવાનું નક્કી કરી લીધું. કેમ કે, તે જાણી ગઈ હતી, કે અરવિંદભાઈ તેની ઘરે જે કંપની વિશે ને સપનાં વિશે વાત કરતાં હતાં. એ કંપની હર્ષનુ સપનું જ હતી.

નિત્યાએ ડોક્ટર બનીને પોતાનું સપનું તો પૂરું કરી લીધું હતું. પણ તેણે હવે હર્ષનાં સપનાંને આગળ વધારવાનું નક્કી કરી લીધું હતું. જેમાં અનંત જાદવ, અરવિંદભાઈ અને દેવકીબેન બધાં તેનો સાથ આપતાં હતાં.

નિત્યાએ પોતાનાં સપનાં માટે, પોતાનાં સુખી લગ્નજીવન માટે, પોતાનાં મમ્મી-પપ્પાનો પ્રેમ મેળવવા માટે, સતત સંઘર્ષ કર્યો હતો. છતાંય તેને અંતે તો કોઈ ખુશી મળી ન હતી. હર્ષ નામની એક ખુશી મળી. એ પણ અંતે છીનવાઈ ગઈ.

સ્ત્રીના જીવનમાં સંઘર્ષનો ક્યારેય અંત થતો નથી. છતાંય તેને કાંઈ હાંસિલ થતું નથી.

 

સ્ત્રી પ્રેમનો દરિયો,

તેનાં સંઘર્ષનો નથી કોઈ કિનારો!!

 

સ્ત્રી મમતાની મૂર્તિ,

તેનાં દુઃખોનો નથી કોઈ આરો!!

 

સ્ત્રી ત્યાગની દેવી,

તેનાં જીવનનો નથી કોઈ સહારો!!

 

સ્ત્રી લાગણીનું ઝરણું,

તેનાં હાથને નથી કોઈ પકડનારો!!

 

સ્ત્રી સહનશક્તિનો અવતાર,

તેનાં આંસુને નથી કોઈ ઝીલનારો!!

 

સમાપ્ત