Acids - 10 - The last part in Gujarati Moral Stories by bharatchandra shah books and stories PDF | એસિડ્સ - 10 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

એસિડ્સ - 10 - છેલ્લો ભાગ

એપિસોડ-૧૦

તને આ ગુપ્ત વાત કહીને મે મારા મનનો ભાર હળવો કરી નાખ્યો. હવે હું નિરાંતે આ દુનિયાને અલવિદા કરી શકું. મારી પ્રિય બહેનપણીઓ એલીના અને નગીના મને બોલાવી રહી છે. હું એમને નિરાંતે મળી શકું. બચપણની વાતો કરી શકું.ખાસ એટલે તેમનો બદલો કેવી રીતે લીધો ,ક્યારે લીધો તે મારે કહેવું છે . હું એમને મળવા અધીરી બની છું.

વાત કરતા કરતા સુહાનીબહેનને અચાનક ગભરામણ થવા લાગી.જોરજોરથી શ્વાસ લેતા હતા. શરીર ઠંડું લાગતું હતું..સુધાંશુભાઈએ ફરજ પરના ડો.ને બોલાવ્યા . ડો.એ હૃદયના ધબકારા અને નાડી તપાસી. નાડી ધીમે પડી ગઈ હતી. હૃદયના ધબકારા ધીમા પડી ગયા હતા. ડો.એ સ્ટેથોસ્કોપ કાનેથી ઉતારી બોલ્યાં, " મી.સુધાંશુ તમારી બહેનના જીવન દીપમા જેટલું ઘી હતું બળી ગયું છે. હવે દિવેટમાં જેટલું ઘી હતું તેમાંનું પોણા ભાગનું બળી ગયું છે. ફક્ત દિવેટના તળિયામાં જેટલું ઘી છે  તેટલીજ  તમારી બહેનની જિંદગી છે. બધાને બોલાવી લો. રાહ જોવાનો કોઈજ મતલબ નથી."

પંધર મિનિટ બાદ શરીર એકદમ ઠંડુ પડી ગયું હતું. બંને આંખોની કીકીઓ ઉપર ચઢી ગઈ હતી. જોર જોરથી શ્વાસ ચાલતો હતો. ધીમે ધીમે નાડીના ઠોકા, હૃદયના ધબકારા મંદ થઇ ગયા હતા.  થોડીક જ વારમાં તો  નાડીના ઠોકા, હૃદયના ધબકારા થંબી ગયા હતા. તાત્કાલિક ડો.ને બોલાવ્યા. ડો.એ બધું તપાસ્યું. સ્ટેથોસ્કોપ કાનેથી ઉતારી તેમની આંખની પાંપણો બંદ કરી સુધાંશુ ભાઈને ગંભીર અવાજે બોલ્યાં," મી.સુધાંશુભાઈ ,સોરી ટુ સે...શી ઈઝ નો મોર...."

સુધાંશુભાઈ બહેનના નશ્વર દેહને ઘરે લાવ્યા. સગા વહાલા અને મિત્રોના દર્શનાર્થે દેહને ચોગાનમાં રાખવામાં આવ્યો હતો. બપોરના ૧ વાગે સ્મશાને લઇ ગયા. લગભગ બપોરે પોણા બે વાગે સુધાંશુભાઈએ સુહાનીબહેનના નશ્વર દેહને અગ્નિદાહ આપ્યો. સુધાંશુભાઈ અગ્નિ જ્વાળાઓને એકીટસે જોતાજ રહ્યા. તેમના મનમાં વિચારોનું વાવંટોળ ઉભું થયું હતું.

 

અગ્નિના જ્વાળા સાથે એ રહસ્ય પણ ભસ્મી ભૂત થઈ ગયું.

બે કલાકે અસ્થિ લઇ ઘરે આવ્યા.

સુધાંશુભાઈ વિચારમાં પડી ગયા કે બહેન સાથે બીજી કઈ બહેનપણી હતી? બે બહેનપણીઓને તો નરાધમોએ પીંખી નાખી હતી.હવે આ ત્રીજી કોણ હશે? ક્યાં હશે? શું નામ છે?

" સાંભળો, શું વિચારો છો?" સુધાંશુભાઈની નજીક બેસતાં એમના પત્ની બોલ્યા.

સુધાંશુભાઈ સુહાનીબહેનની રહસ્યમયી વાત કહેવા જતા હતા પણ.. કહેવા જ જતા હતા પણ અચાનક તેમને  સુહાનીબહેનને આપેલું વચન અને કસમ યાદ આવી જતા વાત ને  ગળેજ અટકાવી દીધી અને વાતને વળી લેતા કહ્યું, " કઈ નહીં એ તો મને બાળપણની યાદ આવી એટલે હું ગમગીન બની ગયો. સુહાનીબહેન કૈક કહેવા માગતા પણ  કહી ન શક્યા .


" હશે હવે જવા દો.રાત ગઈ બાત ગઈ.તમે આમાં ઊંડા ઉતારશો તો નાહક બીજી સમસ્યા ઊભી થશે. છોડો હવે એ વાતને.
પત્નીની સલાહ વ્યાજબી લાગતા સુધાંશુભાઈ રોજિંદા કામે લાગી ગયા. જે લોકો સ્મશાન યાત્રામાં સમય પર આવી શક્યા નહોતા તે લોકો આવતા હતા. સાંજના ૬ વાગ્યા સુધીમાં તો લગભગ બધાજ આવી ગયા હતા. બીજે દિવસે સ્થાનિક અખબારમાં બેસણાની જાહેરાત આપી. સાંજે ૪ થી ૬મા બેસણું રાખવામાં આવ્યું. રહેલા તમામ બેસણામાં આવ્યા .

સાંજના સાડા છ વાગે બેસણું પૂરું થયું.

રાતના લગભગ ૯ વાગે સુધાંશુભાઈનો મોબાઈલ રણક્યો.અજાણ નંબર હોવાથી તેમણે ઉપાડ્યો નહોતો. સામેવાળી વ્યક્તિએ એસ.એમ.એસ કરી ફોન ઉચકવાનું કહ્યું.

બીજી વખત રીંગ વાગી. સુધાંશુભાઈએ ફોન ઊંચક્યો.
" સુહાનીનું નિધન થયું તે જાણી અપાર દુઃખ થયું.મારી સગી બહેનપણી હતી. અમે  નાનપણથી સાથેજ ભણતા હતા.
“શું થયું હતું સુહાનીને? " સુશીબહેને સવાલ કર્યો.

"તમે કોણ છો. ક્યાંથી બોલો છો? હું તમને જાણતો નથી." સુધાંશુભાઈએ સવાલ કર્યાં.

" ભાઈ,હું તો સુહાનીની બહેનપણી છું સુશી. લગ્નપછી હું જર્મન મારા પતિ જોડે સ્થાયી થઈ છું. અમે બંને ડોક્ટર છીએ." ટૂંકમાં પરિચય આપતા  સુશીબહેને કહ્યું.

"મારો મોબાઈલ નંબર તમને ક્યાંથી મળ્યો?"

"તમે બેસણાની જાહેરાત આપેલી તે મે જોઈ અને તેમાં તમારું નામ અને મોબાઈલ નંબર જોયો અને નોંધી લઈ તમને ફોન કર્યો." સુશીબહેને સ્પષ્ટતા કરી.

" તમે જાણો છો કે મારી બહેને જેમની  હત્યા કરી તેનુ શું  રહસ્ય છે?  તેમની સાથે બીજી કઈ બહેનપણી છે જે આ હત્યામાં શામેલ છે?" સુધાંશુભાઈએ કહ્યું

આ વાતથી અજાણ છે તેનો ડોળ કરી અને બનાવટી નવાઈ બતાવતા  સુશીબહેન બોલ્યા”  વોટ...!!!!!!.સુહાની!!! અને હત્યા!!!!....બહેનપણી સાથે મળી હત્યા.!!!! ઓહ માય ગોડ!!!!..આ શું બોલો છો? મને કઈજ સમજાતું નથી.સ્પષ્ટતા કરો તો સારું"

સુહાનીબહેને ભાઈ સુધાંશુને હોસ્પિટલમાં જે હકીકત કહી હતી તે સુશીબહેન આગળ બયાન કરી.

" ઓહ માય ગોડ..." સુશીબહેન બોલ્યા.

પ્રિય સખી સુહાનીના અવસાનના સમાચાર સાંભળી સુશીબહેનને ડૂમો ભરાઈ આવ્યો. ફોન કટ કર્યો. કટ કરતા પહેલા એટલુજ બોલ્યા" પછી ફોન કરું તમને"


સુશીબહેનની આંખોની  સામે  તેમની બધી બહેનપણીઓ સાથે વિતાવેલી એક એક પળ  યાદ આવતી હતી. એક બીજાજોડે કરેલ ધીંગા મસ્તી,તોફાન,તકરાર,ચીડવચીડવી, ,લડાઈ,ઝગડા  બધુજ ચલચિત્રની જેમ તેમની આંખોની સામે એક એક સીન આવતા ગયા. ઘડીભર  નિશબ્દ રહ્યા. છાપાંમાં આવેલ મૃત્યુના સમાચાર પર તેમનો વિશ્વાસજ બેસતો નહોતો.

સુધાંશુભાઈ બહેન સુહાનીનો મોબાઈલ ચેક કરતા હતા. કોઈ શંકાસ્પદ એસ.એમ.એસ.,કે વોટસ એપ્ મેસેજ,વાતચીતની રેકોર્ડિંગ છે સુ જેથી જાણવા મળે કે કઈ બહેનપણીએ હત્યામાં સાથ આપ્યો.

સુહાનીબહેન ચાલાક અને હોશિયાર હતા. હત્યાને લાગતા વળગતા બધાજ મેસેજ,એસ.એમ.એસ.,વાતચીતની રેકોર્ડિંગ,ફોટા મોબાઈલમાંથી ડીલીટ કરી નાખ્યાં હતાં. ફક્ત હાય, હેલ્લો જેવા સાધારણ મેસેજ રાખ્યા હતાં જેથી તેમના મરણ બાદ કોઈને ખબર નહિ પડે.

બહેનપણીઓના નંબર પણ કોડવર્ડથી સેવ કર્યાં હતાં. જેથી કોઈ સંપર્ક ના કરી શકે.

" ચાલો હવે બહુ થયું.બહુ માથું નહીં મારો. વધારે ઊંડા ઉતારશો તો લેવા ને દેવા પડી જશે. પોલીસવાળાઓને જરા પણ ગંધ આવશે તો બહુ લાંબુ કરી નાખશે. એમના મોબાઇલનો સીમ કાર્ડ કાઢી નાંખો. બધોજ ડેટા ડીલીટ કરી નાખો. ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી." સુધાંશુભાઈના પત્ની ફરી વાર સમજાવતા બોલ્યા.

હું એમ વિચારું છું એવું શું પ્લાન કર્યું હશે બહેને કે ૩૦-૩૫ વર્ષ વિતી ગયા છતાંય કોઈના હાથમાં સબૂત નથી લાગ્યું?. કેવું જબરદસ્ત આયોજન કર્યું હશે? કેટલા વર્ષો સુધી કેસની તપાસ ચાલી. છેક અમેરિકા સુધી આ કેસ પોલીસવાળાઓને દોરી ગઈ.
પ્રોફેશનલ કિલર પણ આવું જબરદસ્ત આયોજન કરી ન શકે એવું આયોજન કર્યું. કોનું દિમાગ હશે?

કોઈને ગંધ પણ ન આવવા દીધી.

સુહાનીબહેનનું ૧૦ દિવસની શોક સૂતક રાખવામાં આવ્યું. બારમા તેરમાંની વિધિ પણ કરાવી. આવનાર દરેક જન સુહાનીબહેન વિશેની વાતો કરતા હતા. સુધાંશુભાઈ એમની વાતો ધ્યાનથી સાંભળતા હતા. અને ખાસ કરીને મહિલાઓની વાતો અચૂક સાંભળતા. સુધાંશુભાઈ જાણતા જ હતા કે આ કેસમાં ઊંડા ઉતરવા જેવું હતું જ નહિ. કોઈજ સબૂત નહોતું રાખ્યું. છતાંય સુધાંશુભાઇને ફક્ત એટલુજ જાણવું હતું કે હત્યા કેવી રીતે અને ક્યારે કરી? સાથે કઈ બહેનપણીએ મદદ કરી હતી?


બહેન સુહાની જોડે બચપણમાં વિતાવેલ દિવસો યાદ આવી જતા સુધાંશુભાઈની આંખોમાં અશ્રુ આવી ગયા.માતાની જેમ વ્હાલ કર્યું.પ્રેમ વર્ષાવ્યું હતું.પળપળની કાળજી લેતા હતા.લાડકોડ કર્યા હતા. સુહાનીબહેન કોઈ વાત છુપાવતા નહોતા. નાનાભાઈની સારસંભાળ, દેખભાળ  માટે તેઓએ લગ્ન નહોતા કર્યા. સુહાનીબહેને કોઈ દિવસ તેમની કોઈજ બહેનપણીઓની વાત કરી નહોતી

આ રહસ્ય સુધાંશુભાઈ માટે એક કોયડા સમાન હતું

 

સમાપ્ત.......

-----------------------------------------------------------.

નામ : ભરતચંદ્ર સી.શાહ