" ચેકમેટ જિંદગી... "
કોટન વેસ્ટના કિંગ ગણાતા નૃજલ શાહની જિંદગીમાં ઝંઝાવાત આવી ગયો...!!
બસ, જિંદગી એઝયુઝ્વલ પસાર થઈ રહી હતી. પણ અચાનક તેમના જીવનમાં એવો એક અણધાર્યો વળાંક આવ્યો કે તેમનું દિવસનું ચેન અને રાતોની ઊંઘ પણ ઉડી ગઈ હતી.
અચાનક એક દિવસ સવારમાં તે પથારીમાંથી ઉભા થવા ગયા પણ તેમનાથી ઉભા જ ન થઈ શકાયું, ઘણાંબધાં પ્રયત્ન કર્યા પણ તે ઉભા થવા માટે અસમર્થ રહ્યા. પત્ની રસોડામાં ટિફિન તૈયાર કરી રહી હતી.
આજે બરાબર સોળ દિવસ પછી નૃજલ ફેક્ટરીએ જવાનો હતો. કદી ઘરે ન રહેતા નૃજલને આજે કામ-ધંધે જવાનું હતું તેથી હાંશ થતી હતી. આગલા દિવસે રાત્રે જ મોડા સુધી બેસીને તેણે બધા જ વેપારીઓના બિલો બનાવ્યા હતા અને પોતે કાલથી ફેક્ટરી જઈ રહ્યો છે તે પણ જણાવી દીધું હતું.
નૃજલને તેની પત્ની નમીતાને, તેની માતા કુસુમ બેનને તેમજ તેના નાના ભાઈની પત્ની પ્રીતિને કોરોનાનો વાઇરસ ભરખી ગયો હતો તેથી બધા નૃજલના ફ્લેટમાં હોમ કોરોન્ટાઈન થયા હતા. નૃજલ રવિવારે પણ ઘરે રહેતો ન હતો. આટલા બધા દિવસ ઘરમાં ને ઘરમાં રહીને તે ખૂબજ કંટાળી ગયો હતો હવે હોમ કોરોન્ટાઈનનો પંદરમો દિવસ પણ આજે પૂરો થઇ ગયો હતો અને આવતીકાલે સોમવારથી જ તે ફેક્ટરીએ જવાનો હતો.
પણ અચાનક આ શું થઈ ગયું હતું. હાલતો-ચાલતો દોડતો માણસ આ રીતે અચાનક પથારીમાંથી ઉભો જ ન થઈ શકે તે કેટલું બધું દુઃખદાયી હતું કે વાત ન પૂછો...!!
ચાર જણને બોલાવીને તેમને તેમના બેડરૂમમાંથી ઉંચકીને બહાર બેઠકરૂમમાં સોફા ઉપર લાવવામાં આવ્યા. બે-ચાર કલાક તો કોરોનાને કારણે ઉભી થતી અશક્તિનું આ પરિણામ છે તેવું માનવામાં આવ્યું પણ પછી તો જેમ જેમ સૂર્ય માથા ઉપર ચઢતો ગયો તેમ તેમ આ તકલીફ વધતી ને વધતી જ ગઈ શું કરવું કંઈજ સૂઝતું ન હતું. કોરોનાને કારણે કોઈ ડૉક્ટર પણ ઘરે વિઝિટ માટે આવવા તૈયાર ન હતા છેવટે એક ડૉક્ટરને ખૂબ રીક્વેસ્ટ કરી તો તે ચેકઅપ માટે આવ્યા. તેમણે નૃજલને ચેક કરીને કહ્યું કે આ કેસ મારો નથી તમારે ફીઝીયોથેરાપીસ્ટનો કોન્ટેક્ટ કરવો પડશે.
નૃજલની પત્ની નમીતાએ આ વાત ફોન કરીને પોતાના ભાઈને જણાવી જેના ઘણાંબધાં ફ્રેન્ડસ ડૉક્ટર હતા. નમીતાનો ભાઈ સમીર પોતાના મિત્ર ડૉ.તેજસ કોઠીયાને લઈને બેન નમીતાને ઘરે પહોંચી ગયો.
ડૉ.તેજસ ખૂબજ હોંશિયાર ડૉક્ટર હતા. તેમણે નૃજલની પરિસ્થિતિ જોઈને તરત જ કહી દીધું કે, " આમને તો જી.બી.એસ. નામનો રોગ થયો છે જેમાં માણસને ટેમ્પરરી પેરાલીસીસનો એટેક આવે છે. આ રોગ પગના અંગૂઠાથી શરૂ થાય છે અને ધીમે ધીમે ઉપર ચઢતાં ચઢતાં આખા શરીરમાં ફેલાતો જાય છે. માટે આમને તો હોસ્પિટલાઈઝ્ડ કરવા પડશે...!! " તેમણે જણાવ્યું કે," સારું તો થઈ જશે પણ લાંબો સમય પણ પસાર થઈ શકે છે. તમારે ઘણી જ ધીરજ રાખવી પડશે..!! "
નૃજલને હોસ્પિટલમાં આઈ.સી.યુ. માં રાખવામાં આવ્યા અને તેની ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી.
બે-ત્રણ ડૉક્ટર અંદર અંદર વાત કરતા હતા કે જો આ તકલીફ વધતી જશે અને બોડીમાં ઉપર સુધી આની ઈફેક્ટ થશે તો પેશન્ટને વેન્ટીલેટર ઉપર પણ રાખવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આ વાત જાણતાં જ નૃજલ તેમજ તેની પત્ની નમીતાના હોંશ કોશ ઉડી ગયા હતા પણ હવે આવી પડેલી આફતનો સામનો કર્યા વગર છૂટકો પણ ન હતો. એ રાત્રે નૃજલને અને નમીતાને આખી રાત ઉંઘ પણ આવી નહિ. ફક્ત એ રાત જ નહિ પણ એ પછીની ઘણી બધી રાતો નૃજલ અને નમીતા ઉંઘી શક્યા નહિ. એક વીક આઈ.સી.યુ.માં અને બાકીનું એક વીક સ્પેશ્યલ રૂમમાં પસાર કર્યું. રોજના દોઢ લાખ રૂપિયાના ઈંજેક્શનની ટ્રીટમેન્ટ નૃજલને આપવામાં આવી તેમજ પછી ફીઝીયોથેરાપીસ્ટની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી.
નૃજલ અને નમીતાએ ખૂબજ રડી રડીને આ દિવસો પસાર કર્યા કારણ કે તેમને ચિંતા સતાવતી હતી કે નૃજલ ઉભો તો થઈ શકશેને ? પહેલા દોડતો હતો તેમ દોડી તો શકશે ને ?
આમને આમ ઘણાંબધાં દિવસો નૃજલ અને નમીતાએ ચિંતામાં ને ચિંતામાં પસાર કર્યા. નમીતા નૃજલથી છૂપાઈને રડી લેતી હતી અને ક્યારેક પોતાની મા સાથે અને ભાઈઓ સાથે વાત કરતાં કરતાં નૃજલની આંખમાં પણ આંસુ આવી જતાં હતાં.
પણ નમીતાના ભાઈની સમય સૂચકતા અને ડૉ. તેજસ કોઠિયા અને તેમની ટીમનું સતત ઓબ્ઝર્વેશન તેમજ બેસ્ટ ટ્રીટમેન્ટને કારણે નૃજલનો જીવ બચી ગયો હતો. પરિવારના સભ્યોના પ્રોત્સાહન આપે તેવા શબ્દોએ નૃજલને ઘણી હિંમત આપી હતી.
ફીઝીયોથેરાપી કરાવ્યા બાદ નૃજલને ઘણું સારું થઈ ગયું હતું અને હવે તે પહેલાની જેમ જ પોતાની ફેક્ટરીએ જઈ શકે છે.
જિંદગીમાં ચેકમેટ જેવી સ્થિતિ આવે ત્યારે પણ માણસ પોતાની ધીરજ અને સમતાથી કંઈક નવું કરી શકે છે.
કોઈ વ્યક્તિ તમારા અત્યંત વિકટ સંજોગોમાં તમને હૂંફભર્યા શબ્દો કહે, સકારાત્મક વાત કરે, તમને એન્કરેજ કરે તો એકદમ ખરાબ પરિસ્થિતિમાં પણ કંઈક સારું લાગે છે.
સત્ય ધટના ✍
- જસ્મીન