THE CURSED TREASURE - 22 in Gujarati Adventure Stories by Chavda Ajay books and stories PDF | શ્રાપિત ખજાનો - 22

Featured Books
Categories
Share

શ્રાપિત ખજાનો - 22

ચેપ્ટર - 22

"આજે અચાનક વાતાવરણ કેમ ખરાબ થઇ ગયું?" રેશ્માએ કહ્યું.

જંગલમાં આજે એમની ત્રીજી સવાર હતી. પણ આજની સવાર કંઇક અલગ હતી. આજે બધાની નીંદર વહેલી ઉડી ગઇ હતી કારણ કે સવારથી જ પવન ફુંકાય રહ્યો હતો. સવારના સાડા દસ થવા આવ્યા હતા પણ હજુ સુધી એમને સુરજના દર્શન નહોતા થયા કારણ કે સવારથી જ કાળા ડિંબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હતું. રાજીવનો એક માણસ કે જે રાત્રે પહેરો આપી રહ્યો હતો એણે સવારે બધાને જણાવ્યું હતું કે અંદાજે સાડાત્રણ વાગ્યાની આસપાસ ધીમે ધીમે પવન ફૂંકાવાની શરૂઆત થઇ હતી. પછીથી પવનની ગતિ વધવા લાગી હતી.

પણ રાજીવના મનમાં એક અલગ જ વંટોળ ઉઠી રહ્યું હતું. આજ સુધી રાજીવે ધનંજય માટે ઘણા કામો કર્યા હતા. કોઇનું અપહરણ, હત્યા, ધમકાવવા જેવા ઘણા કામ એણે ધનંજયના કહેવા પર કર્યા હતા. એ કામ કરવામાં એને હંમેશા જીવનો અને કાનૂનનો ખતરો રહેતો. એણે એના માણસો પણ એન્કાઉન્ટરમાં ખોયા હતા. પણ ક્યારેય એને ખેદ નહોતો થયો.

પણ આજે! આ સફરની વાત બીજા બધા કામો જે એણે કર્યા હતા એનાથી તદ્દન વિપરીત હતી. અત્યાર સુધી એણે ધનંજય માટે કરેલા બધા કામોનું એક પરિણામ નક્કી રહેતું. બધાનું કારણ પણ એક જ હતું, પૈસા. અને એ કારણ અને પરિણામ પણ વાસ્તવિક હતા. પણ વિક્રમે ગઇકાલે રાત્રે જે વાત કરી એ તો કોઇ પરી કથા જેવી હતી. પ્રાચીન અને ખોવાએલું રાજ્ય, જેના માણસો ત્રણસો વર્ષ સુધી જીવી શકતા અને એમના આ લાંબા જીવન પાછળનું રહસ્ય જાણવા ધનંજય અહીંયા આવ્યો છે. ધનંજયે પહેલા આવું ક્યારેય નહોતું કર્યું. એનો મૂળ ઉદ્દેશ્ય તો હંમેશા પૈસા જ રહેતો. અને આવી કલ્પના જેવી દંતકથા પર ધનંજયને વિશ્વાસ છે એ જોઇને જ રાજીવનું મગજ કામ કરતું બંધ થઇ ગયું હતું. અને એ વાત પણ હતી ધનંજય ક્યારેય એને ખોટી માહિતી ન આપતો. જે કામ કરવાનું હતું એની ચોખ્ખી અને ચોક્કસ માહિતી આપી દેતો. પણ આ સફરની શરૂઆતમાં તો એણે કહ્યું હતું કે એ પશ્ચિમ ઘાટના જંગલોમાં એક દુર્લભ જડીબુટ્ટીની શોધ કરવા આવ્યા છે જેના મેડિકલ ફિલ્ડની માર્કેટમાં ખૂબ જ ઊંચા દામ આવશે. પણ હવે તો એને બીજી જ જાણકારી મળી રહી હતી. પહેલા તો એને લાગ્યું કે વિક્રમ એને ધનંજય વિરુદ્ધ ભડકાવી રહ્યો છે. પણ જ્યારે સવારે ધનંજયને પૂછવા પર એણે વિક્રમની વાતની પુષ્ટિ કરી ત્યારે રાજીવને અંધારામાં રાખવામાં આવ્યો છે એની જાણ થઇ. એણે ધનંજયને આ વાત છુપાવી રાખવાનું કારણ પુછતા એણે એના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે એની અને વિક્રમની વાત ભલે અલગ અલગ હોય પણ બંનેનો મતલબ એક જ છે. એના ત્રણ માણસો ધનંજય અને આ બેય આર્કિયોલોજીસ્ટની જોડીની કાલ્પનિક કથાને લીધે માર્યા ગયા એ વાતનો ક્રોધ રાજીવના દિલ પર છવાઇ રહ્યો. એમાંય ખાસ કરીને વિક્રમ અને રેશ્માએ રાજસ્થાનના રણમાં કોઇ વિચિત્ર અને વિકૃત ભયાનક જીવોનો સામનો કર્યો હતો એમના થી બધાનું રક્ષણ કરવા માટે રાજીવ અને એના માણસોને સાથે લેવામાં આવ્યા છે એ જાણતા જ એને વધારે ગુસ્સો આવ્યો હતો. એટલિસ્ટ એમને જણાવવું તો જોઇતું હતું કે ક્યાં પ્રકારના ખતરાનો સામનો કરવાનો છે. પણ અહીંયાં તો જાણે એના માણસો એ ભયાનક જીવોનો શિકાર બનાવવા માટે સાથે લાવવામાં આવ્યા હોય એવું એને લાગવા લાગ્યું.

"આપણે જલ્દી જલ્દી ચાલવું પડશે. નહીંતર વરસાદમાં ફસાઇ જઇશું." ધનંજયે કહ્યું.

"નહીં.. આ વરસાદનો પવન નથી." વિક્રમે કહ્યું, "જરૂર અરબ સાગરમાં વાવાઝોડું આવ્યું લાગે છે. આપણે દરિયા કિનારાથી 100 km ની આજુબાજુ જ છીએ. કદાચ એનાથી પણ ઓછા." પવન સાથે ધૂળ અને પાંદડાં પણ ઉડી રહ્યા હોવાથી વિક્રમ હાથ વડે આંખોને કવર કરીને આગળ વધી રહ્યો હતો. "એટલે વાવાઝોડાને કારણે આ પવન એટલી જોરથી ફૂંકાય રહ્યો છે. આપણે જલ્દી જ કોઇ ગુફા અથવા કોઇ મોટા ઝાડની નીચે એકદમ મજબૂતી સાથે ટેન્ટ બાંધીને રોકાવું પડશે. જો તોફાન વધી ગયું તો આપણા જીવ પર આવી બનશે."

વિક્રમની વાત સાચી હતી એ બધા જાણતા હતા. ધનંજયે કહ્યું, "હાં તો આપણે અત્યારે એમ જ કરીશું. બધા આજુબાજુ નજર રાખજો. કોઇ ગુફા અથવા કોઇ મજબૂત મોટી ભેખડ નીચે જો સલામત જગ્યા દેખાય એટલે તરત જ આપણે ત્યાં રોકાઇ જઇશું. અને તોફાન થંભી જાય પછી આગળ વધીશું."

કાફલાએ ચાલવાની ઝડપ વધારી દીધી. બધાને એજ વાતની ચિંતા હતી કે તોફાન વધારે ભયાનક રૂપ ધારણ કરે એ પહેલાં જ એક સલામત જગ્યા ગોતી લેવી વધારે સારી રહેશે. એ જ આશાએ બધા આજુબાજુ નજર કરી રહ્યા હતા.

એટલામાં આકાશમાં એક ચમકારો થયો અને જોરદાર કડાકો થયો. કડાકો સાંભળતા ભેર જ બધાના પગ ત્યાં જ થંભી ગયા. રેશ્માએ આકાશમાં નજર કરી. આકાશમાં એકધારી વિજળી થઇ રહી હતી. અને કડાકનો સિલસિલો ચાલુ થઇ ગયો. હજુ બધા પહેલા કડાકાના શોક માંથી બહાર આવીને ચાલવાનું શરૂ કરે એ પહેલાં જ વાદળો માંથી પાણીના ફુવારા છૂટ્યા. વરસાદ શરૂ થઇ ગયો. બધાએ એકસાથે એ લોકો જે દિશામાં આગળ વધી રહ્યા હતા એ તરફ ભાગવાનું શરૂ કર્યું. પ્રત્યેક વ્યક્તિના ચહેરા પર ભય ફેલાઇ ગયો હતો. પણ થોડે આગળ પહોંચીને એમના રસ્તામાં જે આવ્યું એ જોઇને એમના પગ થંભી ગયા.

એમની સામે એક મોટો અને વિશાળ જથ્થામાં જળપ્રવાહ વહી રહ્યો હતો. એક નદી જે અત્યારે ગાંડીતૂર બનીને એમની સામે વહી રહી હતી. એનો પ્રચંડ પ્રવાડ અને એમા તરતા વૃક્ષો જોઇને વિક્રમને અંદાજ આવી ગયો કે આ આ સમયે આ નદી પાર કરવી અસંભવ થઇ જશે. એણે રેશ્મા તરફ જોઇને કહ્યું, "આપણે નદીના પ્રવાહની દિશામાં નદીના કિનારે કિનારે આગળ તરફ જઇને. આને પાર કરવી મતલબ મોતને નિમંત્રણ આપવા જેવું થશે."

"પણ મે સાચે જ નહોતું ધાર્યું કે આપણે એટલી જલ્દી બીજી નદી ક્રૉસ કરવી પડશે." રાજીવે કહ્યું, "હજુ ગઇકાલે બપોરે તો આપણે એક નદી પાર કરી હતી."

વિક્રમે જવાબ આપ્યો, "મને નથી લાગતું કે આ બીજી નદી છે. આ એજ નદી લાગે છે જે આપણે કાલે પાર કરી હતી. કદાચ ત્યાંથી આગળ વધીને નદીએ વળાંક લીધો હશે અને આપણે એની વચ્ચેના વિસ્તારમાં રાત રોકાયા હોઈશું."

"ઓહ્...." રાજીવે પ્રત્યુત્તર આપ્યો.

નદી કિનારે ચાલતા ચાલતા આગળ એક ચઢાણ આવી એ ચઢાણ થોડી ઉંચી હતી અને વરસાદના પાણીને લીધે લપસણી થઇ ગઇ હતી. સૌથી આગળ વિક્રમ, એની પાછળ રેશ્મા, વનિતા અને રાજીવ ચાલી રહ્યા હતા. એમની પાછળ દર્શ અને ધનંજય હતા. વધેલા સૈનિકો પાછળ ચાલી રહ્યા હતા.

થોડી ચઢાણ પછી રસ્તો વધારે આકરો થઇ રહ્યો હતો. કારણ કે આગળનો રસ્તો એકદમ સાંકડો હતો. ડાબી તરફ છ ફૂટ નીચે ધસમસતા પ્રવાહ સાથે નદી વહી રહી હતી અને જમણી બાજુ પર્વતની ઉંચી અને એકદમ સીધી ઉભી ભેખડ હતી. એ ભેખડ તરફ પીઠ રાખીને ધીરે ધીરે કરીને ચાલવાથી જ કદાચ આ રસ્તો જીવિત પાર કરી શકાશે એ રાજીવ સમજી ચુક્યો હતો. અને એને પાર કરીને બીજી તરફ જાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એ પણ. એણે ધનંજયને કહ્યું, "સર, આપણે એક એક કરીને અહીંથી આગળ વધવું પડશે. બધા મારી પાછળ જ રહેજો. અને ધ્યાન રાખજો, આ સાંકડી કેડી વરસાદને લીધે ખુબ જ લપણસી થઇ ગઇ છે. જો જરા પણ પગ લપસ્યો તો સીધા નિચે નદીમાં તણાઇ જશો અને ક્યારેય પાછા નહી મળો. હું આગળ જઇને રસ્તો મજબૂત છે કે નહીં તે તપાસી લવ છું. મારા પછી વિક્રમ તું આવજે. જો પછી પણ કંઇ ન થાય તો પહેલા રેશ્મા અને વનિતાને પહેલા આવવા દેજો."

બધાના ભીંજાએલા ચહેરા પર રાજીવને ડરની એકાદ લકીર ખેંચાતી દેખાય આવી. પછી એણે સૌથી પહેલાં આગળ વધવાની શરૂઆત કરી. એ ધીરે ધીરે કરતો એ સાંકડી કેળી પર પગ મુકીને ચાલી રહ્યો હતો. આ જોખમ ભર્યો રસ્તો કેટલો લાંબો છે એ ખબર નહોતી પડતી કારણ કે થોડેક આગળથી એક વળાંક આવી રહ્યો હતો. રાજીવે એ વળાંક પાર કરીને આગળ ગયો. લગભગ દસેક મીટર લાંબો રસ્તો હશે એવો એણે અંદાજો લગાવ્યો. એના બંને હાથ એની પાછળની ભેખડ પર હતા.

એની પાછળ વિક્રમ પણ ચાલવા લાગ્યો. વિક્રમે બંને હાથની હથેળી ભેખડ પર દબાવી રાખી હતી. એ પુરી સાવચેતી રાખી રહ્યો હતો. વાદળોને લીધે પ્રકાશ ઓછો હતો એટલે વધારે કંઇ ચોખ્ખું દેખાતું ન હતું. જે જંગલોમાં દિવસે પણ સુર્ય પ્રકાશ પહોંચવામાં વાંધા હતા ત્યારે આ કાળા વાદળોને લીધે તો દિવસે પણ લગભગ રાત હોય એવું જ લાગતું. પણ થોડીથોડી વારે વિજળીના ચમકારા થતા હતા એમાં વિક્રમ એક જ ઝાટકે આજુબાજુ શું છે એ જોવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. વરસાદનું પાણી એના નાક અને આંખોમાં આવી રહ્યું હતું. વારી ઘડીએ એને મોઢું લૂછવું પડતું હતું. કારણ કે વરસાદ ખુબ જોરથી વરસી રહ્યો હતો અને આંખોમાં પાણી જવાને લીધે એ આગળનો રસ્તો સરખી રીતે જોઇ શકતો ન હતો. એના ગ્રે શર્ટ અને પેન્ટ પલળીને એના શરીર સાથે ચોંટી ગયા હતા. એજ હાલ બીજા બધાના પણ હતા. એક એક કરીને રેશ્મા, વનિતા, ધનંજય અને દર્શ પણ ચાલવા લાગ્યા.

દરમિયાન રાજીવ પછી વિક્રમ ભેખડની બીજી તરફ પહોંચી ગયો હતો. અહીંયા થોડો ઢોળાવ હતો. અને ભેખડના સાંકડા રસ્તાની બાજુમાં જ નદીને એકદમ અડીને જ એક મોટુ ઝાડ હતું. અને પછી મોટો રસ્તો આવી ગયો હતો. એટલે ચિંતાનો કોઇ પ્રશ્ન ન હતો. બસ બાકીના બધા આવી જાય એટલે પત્યું.

એણે જોયું તો રેશ્મા એ મોટા ઝાડ પાસેથી પસાર થઇ રહી હતી. અને જેવો એ ઢોળાવ વાળા રસ્તા પર પગ મુકવા જતી હતી ત્યાં જ.... ઓચિંતો જ એક મોટો કડાકો થયો અને આખા જંગલમાં જાણે એક પ્રકાશ ફેલાઇ ગયો. એ પ્રકાશની તીવ્રતા એટલી બધી હતી કે બધાની આંખો અંજાઇ ગઇ. બે ઘડી તો શું થયું એ કોઇને ખબર જ ન પડી. પછી જ્યારે પ્રકાશની અસર ઓછી થઇ ત્યારે બધાને ખબર પડી કે શું થયું છે. અને જે થયું હતું એ જોઇને વિક્રમનુ હૃદય એક ધબકારો ચૂકી ગયું.

એ પ્રકાશ એ વિજળીનો હતો જે વિજળી બીજે ક્યાંય નહીં પણ એ જ વૃક્ષ પર પડી હતી જે રેશ્માની નજીક હતું. ઝાડ પર વિજળી પડવાથી ઝાડ એક વિશાળ મશાલની જેમ સળગી ઉઠ્યું. અને એનો પ્રકાશ સમગ્ર વાતાવરણમાં ફેલાઇ ગયો. એ જ પ્રકાશમાં વિક્રમે જોયું કે વિજળીનો બધો જ આધાત વૃક્ષ પર થવાથી રેશ્મા કોઇ નુકસાન નહોતું થયું. પણ એના પગ નીચે જે પથ્થર હતો એમાં તિરાડ પડી ગઈ. અને એક કડાકા સાથે એ પથ્થર તૂટી ગયા અને એમની સાથે રેશ્મા પણ ધસમસતા પ્રવાહમાં જઇ પડી.

"રેશ્મા..............." વિક્રમના મોઢામાંથી એક ચીખ નિકળી ગઇ. એ તરત જ રેશ્મા તરફ દોડ્યો. પણ એ આગળ વધે એ પહેલા જ ફરી એક કડાકો થયો. પેલું વિશાળ વૃક્ષ જે સળગી રહ્યું હતું એ ધડામ કરતું વિક્રમના રસ્તામાં પડ્યું. એને લીધે વિક્રમ રેશ્મા સુધી નહોતો પહોંચી શકતો. બીજી તરફ રેશ્મા પાણીના બળવાન પ્રવાહ સામે ઝઝૂમવાનો પુરેપુરો પ્રયાસ કરી રહી હતી. પણ પ્રવાહ એને પોતાની સાથે દુર ઢસડી ગયો.

"રેશ્મા..........." વિક્રમે ફરી એક વાર રાડ નાખી. એણે આગની લપટો વચ્ચે પાણીમાં તણાતી રેશ્માને જોઇને એને ખુબ જ તકલીફ થઇ રહી હતી. એ નદીના કિનારે કિનારે દોડતા દોડતા રેશ્માનો પીછો કરવા લાગ્યો. પણ એ વધારે આગળ જાય એ પહેલા જ રાજીવે એને પડકીને રોકી લીધો. વિક્રમ એની પકડમાંથી છુટવાના પ્રયાસો કરવા લાગ્યો, "રાજીવ છોડ મને. રેશ્મા તણાઇને દૂર ચાલી જાય એ પહેલા મારે એને બચાવવી છે. છોડ મને." એની આંખોમાંથી આંસુ નીકળીને વરસાદના પાણી સાથે ભળીને એના ગાલો પર વહી રહ્યા હતા.

"વિક્રમ, એ ઓલરેડી તણાઇને ખૂબ દુર સુધી પહોંચી ગઇ છે. હવે આપણે એને નહીં બચાવી શકીએ." રાજીવે ઉદાસ સ્વરે કહ્યું.

"નહી નહીં રાજીવ, તું છોડ મને મારે એને બચાવવી જ છે. તુ છોડ મને. કહેતા એણે રાજીવના પગ પર પોતાનો પગ માર્યો. આ ઓચિંતા પ્રહારને લીધે રાજીવની પકડ છૂટી ગઇ. પણ જેવો વિક્રમ આગળ વધવા જઇ રહ્યો હતો કે રાજીવના બીજા બે માણસોએપાછળથી એના બંને હાથોને પકડી લીધા. પણ વિક્રમ એમ હાર માનવા તૈયાર ન હતો. એ એ બંને માણસોની પકડ છોડાવાની કોશિશ કરતો હતો ત્યાં જ ધનંજય એની પાસે આવીને બોલ્યો, "વિક્રમ, રેશ્મા ચાલી ગઇ. એને ભૂલી જા. આપણું મુખ્ય ધ્યેય સંબલગઢ શોધવાનું છે."

"ભાડમાં ગયું સંબલગઢ. મારા માટે રેશ્માને બચાવવી સૌથી વધારે મહત્વનું છે. જવા દે મને ધનંજય.."

વિક્રમે એને નામ લઇને બોલાવતા ધનંજયને ગુસ્સો આવ્યો. એણે વિક્રમની પાછળ કોઇને કંઇક ઇશારો કર્યો. હજુ વિક્રમ કંઇ સમજે એ પહેલા જ અચાનક એના માથાના પાછળના ભાગે ભયંકર પીડા ઉપડી. એની આંખે અંધારા આવવા લાગ્યા. અને એ વધારે કંઇ જુએ કે કરે એ પહેલા જ એ જમીન પર પડ્યો અને બેભાન થઇ ગયો.

* * * * * *

બેભાન થતા પહેલા એણે જોયું હતું કે વિક્રમ એને બચાવવા પોતાની તરફ આવી રહ્યો. પાણીમાં પડતા પહેલા એને ચોખ્ખું યાદ હતું કે એક વિજળી એ જે વૃક્ષની પાસે ઉભી હતી એના પર પડી હતી. એને લીધે એના પગ નીચેથી પથ્થર ભાંગી પડ્યો હતોઅને પોતે નદીમાં જઇ પડી હતી. નદીમાં પડ્યા પછી એણે તરતા રહેવાનો ખુબ જ પ્રયત્ન કર્યો હતો. પણ એનું માથું એક જોરદાર અને મજબૂત વસ્તુ સાથે, કદાચ પથ્થર સાથે ટકરાયું હશે એટલ એ બે ભાન થઇ ગઇ હશે એવું રેશ્માએ માન્યું. એને ભાન આવતા જ એણે ઉધરસ ખાઇને પેટ માંથી બધું જ પાણી બહાર કાઢી નાખ્યું. પોતાની જાતને સંભાળતા એને થોડો સમય લાગ્યો. એના ધબકારા હજુ પણ તીવ્ર ગતિએ ચાલી રહ્યા હતા. પણ એ પાણીની બહાર કઇ રીતે આવી એ તો એને ખબર જ ન હતી.

"રેશ્મા તું ઠીક તો છે ને?"

ચોંકી ઉઠી રેશ્મા. આ અવાજ... અવાજ સાંભળીને એણે એની બાજુમાં નજર કરી. પ્રશ્ન પુછનાર એની બાજુમાં જ બેઠો હતો. એની સામે જોઇને જ રેશ્માની આંખોમાં દુનિયાભરનું આશ્ચર્ય છવાઇ ગયું. આ... આ... કઇ રીતે શક્ય છે... શું હું.. મરી ગઇ છું..? એણે આજુબાજુ નજર કરી. એ જંગલમાં હતી અને વરસાદ વરસી રહ્યો હતો. વિજળીના કડાકા ભડાકા ચાલુ જ હતા. ના.. ના.. હું જીવિત છું. રેશ્માએ વિચાર્યું. પણ તો પછી આ અહીંયા....

"અરે કંઇક બોલ તો ખરી... તું ઠીક તો છે ને?" એ વ્યક્તિએ ફરી પુછ્યું.

આ વખતે રેશ્માના મોઢામાંથી માત્ર એટલા જ શબ્દો નીકળી શક્યા,

"વ..વ.વ...વિજય..તું!!!.."

(ક્રમશઃ)

* * * * * *