Rajkaran ni Rani - 33 in Gujarati Moral Stories by Mital Thakkar books and stories PDF | રાજકારણની રાણી - ૩૩

Featured Books
Categories
Share

રાજકારણની રાણી - ૩૩

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૩

જનાર્દન ચાલુ કાર્યક્રમમાં પાટનગરથી આવેલા ફોનના સમાચાર સુજાતાબેનને આપવા જતાં અટકી ગયો હતો. તેને થયું કે સુજાતાબેનને વચ્ચે ખલેલ પહોંચાડવી યોગ્ય નથી. સમાચાર મહત્વના હતા પરંતુ એટલા પણ અગત્યના ન હતા કે એના માટે સુજાતાબેનને અટકાવવા જોઇએ. જનાર્દનની મૂંઝવણ સુજાતાબેને જ દૂર કરી દીધી. તેને આગળ બોલતાં અટકી ગયેલો જોઇ તેમણે માઇકની બાજુમા ખસી જનાર્દન જ સાંભળે એટલા ધીમા અવાજે કહ્યું:"મને ખબર છે... આપણે પછી વાત કરીએ છીએ..."

જનાર્દનને નવાઇ લાગી. હજુ હમણાં જ જે સમાચાર મેં જાણ્યા છે એની જ સુજાતાબેનને ખબર પડી ગઇ હશે? મેં કહ્યું પણ નથી કે ધારાસભ્ય રતિલાલની પુત્રી અંજનાએ અપક્ષ તરીકે ઉમેદવારી કરવાનું નક્કી કર્યું છે. રતિલાલે પાટનગરમાં બહુ કોશિષ કરી પણ સુજાતાબેનને ટિકિટ આપવાનું નક્કી થઇ ગયું હોવાથી 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) અંજનાને ટિકિટ આપી શકે એમ નથી એવી જાણ થતાં રતિલાલે બધાંની વચ્ચે ગુસ્સામાં અપક્ષ તરીકે ઊભા રહેવાની ઘોષણા કરી દીધી હતી. એ વાતની જનાર્દનને ખબર પડતાં તેણે સુજાતાબેનને માહિતગાર કરવાનો વિચાર કર્યો હતો. તેમણે પોતાને ખબર હોવાની વાત કરી એ પરથી લાગે છે કે આ માહીતી એમની પાસે પહોંચી ગઇ છે. જનાર્દનને થયું કે સુજાતાબેનના સંપર્ક વધી ગયા છે કે અગાઉથી જ હતા? આટલા તાજા ખબર એમને કોણે આપ્યા હશે? કોઇ રાજકારણી પોતે એમ કહેતો હોય કે હું "ડાળ ડાળ" પર છું તો સુજાતાબેન "પાંદડે પાંદડે" છે. મને તો લાગે છે કે એમનું નેટવર્ક મારાથી અનેકગણું મજબૂત છે. જનાર્દને વધારે વિચાર કરવાને બદલે સુજાતાબેનના વકતવ્ય પર ધ્યાન આપ્યું.

"...આપણે કોઇ રાજકીય પક્ષના કાર્યકર જરૂર છીએ. પણ આપણે પહેલાં એક સેવક અને માનવ તરીકે કામ કરવાનું છે. રાજકારણને માત્ર સત્તા પ્રાપ્ત કરવાનું માધ્યમ ગણવાને બદલે સેવાનું માધ્યમ બનાવવાનું છે. તમને એમ લાગશે કે આ બધી વાતો સૂફિયાણી બની રહેશે. રાજકારણમાં જીત્યા પછી પિકચર બદલાઇ જતું હોય છે. આપણે જીત્યા પછી આપણું નહીં સમાજનું પિકચર બદલવાનું છે. એમનું જીવન સરળ અને આનંદભર્યું બનાવવાનું છે. તમે વાંચ્યું હશે કે આપણો દેશ ઘણી બધી બાબતોમાં આગળ છે, પરંતુ હેપ્પીનેસ ઇન્ડેક્સમાં બીજા દેશોથી ઘણો પાછળ છે. તેનું કારણ જ એ છે કે આપણે એકબીજાને સુખ આપવાનું શીખ્યા નથી. બીજાને સુખ આપીશું તો એ રીટર્ન ગિફ્ટ તરીકે આનંદના રૂપમાં આપણાને જ પાછું મળશે. જુઓ, ચૂંટણી જીતવા આપણે કોઇ પ્રકારના સામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરવાનો નથી. ચૂંટણી કોઇ જંગ નથી કે એને 'લડવાની' હોય..." કહી સુજાતાબેન સહેજ અટક્યા અને જનાર્દન તરફ એક નજર કરી આગળ બોલ્યા:તમને આજે જાણવા મળશે કે કોઇએ બીજો પક્ષ બનાવ્યો છે... તો કોઇ આપણા પક્ષમાંથી નીકળી જવાનું છે. એનો અર્થ એ થયો કે તેમને પક્ષમાં રહી લોકોનું કામ કરવું ન હતું. તેમને પોતાનું અભિમાન સંતોષવા કે સત્તાના મદમાં રહેવા પદ જોઇએ છે. પ્રજા પોતે જ નિર્ણય કરશે કે કોને કામ કરવું છે અને કોને નામ કરવું છે. ચૂંટણી તો પ્રજાનું એક પર્વ છે, એને ઉજવવાનું છે. આપણે સાથ-સહકારથી ચૂંટણીમાં વિજય મેળવીશું અને લોકોના વધારે કામો કરી શકીશું. લોકોના કામો કરવા એ આપણા કામ કરવા બરાબર જ છે. તમે જ વિચારો કે કોઇ ગામમાં વીજબીલ ભરવા માટે વ્યવસ્થા નથી. તમે રજૂઆત કરીને કે હક માટે લડીને એ વ્યવસ્થા મેળવશો તો તમને પણ સુવિધા મળવાની જ છે. પછી જો દરેક જણ એવું વિચારશે કે મારા એકલા માટે હું શા માટે કરું? તો એ કામ થશે નહીં. એ કામ તમે તમારા એકલા માટે કરવાના નથી. એનો લાભ તમારા મિત્રો-સંબંધીઓને પણ મળવાનો છે. આખરે તો એ કામ માનવતાનું છે...હું હવે તમારો વધારે સમય લેતી નથી. તમે સમજી ગયા હશો કે આપણી ચૂંટણીમાં ભાગ લેવાની માર્ગદર્શિકા શું છે? અને હા, આપણે ચૂંટણી પહેલાં રાજકીય પક્ષ ધ્વારા બહાર પાડવામાં આવતા મેનિફેસ્ટો બહાર પાડવાની પરંપરાને આગળ વધારવાની નથી. આપણે થોડા સમયમાં જે કામો કર્યા છે અને કરી રહ્યા છે એની માહિતી આપવાની છે. આપણે ખોટા વચનો આપીને નહીં સાચા કામોનો હિસાબ આપીને લોકોનો પ્રેમ મેળવવાનો છે...એને ચૂંટણી વિભાગની ભાષામાં તમે વિજય કહી શકો."

સુજાતાબેનનું અસ્ખલિત વક્તવ્ય સાંભળીને ઉપસ્થિત કાર્યકરોએ ઉભા થઇને કોઇ દેવીના મંદિરમાં આરતી વખતી તાળીઓ પાડતા હોય એટલી શ્રધ્ધા અને વિશ્વાસથી લયબધ્ધ રીતે તાળીઓ પાડી.

સુજાતાબેન એમનો પ્રેમ જોઇ ભાવવિભોર થઇ ગયા અને આભાર માન્યો. તેમની વાતોથી દરેક કાર્યકરમાં એક નવો જુસ્સો અને જોમ જોવા મળી રહ્યા હતા.

સુજાતાબેન આગામી કાર્યક્રમો નક્કી કરીને જનાર્દન અને હિમાની સાથે કારમાં બેઠાં ત્યારે જનાર્દનના મનમાં રમતી વાત હોઠ પર આવી રહી હતી. એ તેને વ્યક્ત કરે એ પહેલાં જ સુજાતાબેન બોલ્યા:"જનાર્દન, રતિલાલની પુત્રી અંજનાએ અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું એ સારું જ થયું છે..."

જનાર્દનને સુજાતાબેનના પ્રવચનમાં થયેલા ઇશારા પરથી જ ખ્યાલ આવી ગયો હતો કે પોતે રતિલાલની જે વાત કહેવા માગતો હતો એનાથી તે ખરેખર માહિતગાર છે. જનાર્દનને થયું કે રતિલાલ અને તેની પુત્રી પક્ષમાંથી નીકળી જશે તો ઘણા મત કપાઇ જશે. તે વચ્ચે જ બોલી ઉઠયો:"બેન, રતિલાલનું વર્તુળ મોટું છે. એ પક્ષમાં નિષ્ક્રિય થશે અને અપક્ષ અંજના માટે કામ કરશે તો નુકસાન આપણા પક્ષને જ થશે..."

"જનાર્દન, આવા લોકો પક્ષમાં ના રહે એ વધારે સારું છે. જે લોકો પોતાના સ્વાર્થ માટે પક્ષનો ઉપયોગ કરતાં હોય એમના માટે પક્ષમાં કોઇ સ્થાન ના હોય. લોકોને પણ ખબર પડી જશે કે આવા લોકો પોતાના લાભ માટે ગુલાંટ મારી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં આપણે જોયું છે કે પક્ષપલટો કરીને બીજા પક્ષમાં ગયેલા લોકોને પ્રજાએ સબક શીખવ્યો છે. જે લોકો વિરોધ પક્ષમાં જઇને પણ ચૂંટાઇ આવ્યા છે એ માટે પ્રજા પોતે જવાબદાર છે. આપણે પ્રજાને જાગૃત કરી રહ્યા છે. એમાં થોડો સમય લાગશે. પ્રજા જ્યારે જાગી જશે ત્યારે કશું જ ખોટું નહીં ચાલે..."

"હા બેન, તમારી વાત સાચી છે. કાર્યકરોને તમારામાં અને તમારી વાતોમાં વિશ્વાસ છે. એમને પહેલી વખત કોઇએ સાચો રસ્તો બતાવ્યો છે...પણ એક વાત પૂછૂં બેન? તમને ક્યારે અને કેવી રીતે ખબર પડી કે રતિલાલ પોતાની દીકરી અંજનાને અપક્ષ તરીકે ચૂંટણીમાં ઉતારવાના છે?"

જનાર્દનની વાત સાંભળીને સુજાતાબેન મરક-મરક હસ્યાં. પછી બોલ્યા:"ખુદ રતિલાલે એ વાત મને કરી હતી..."

જનાર્દનને વિશ્વાસ જ આવતો ન હતો કે રતિલાલ પોતે સુજાતાબેનને વાત કરવા ગયા હોય.