Egg of cuckoo in Gujarati Motivational Stories by Arzoo baraiya books and stories PDF | કોયલનું ઈંડુ

Featured Books
Categories
Share

કોયલનું ઈંડુ


મધ્યાહનનો સૂરજ માથે ચડીને તપતો હતો. રસ્તાઓ સૂનકાર પડ્યા હતાં. રોજ માણસોની ચહલ-પહલ અને વાહનોના અવાજથી રોડ ગુંજતો હોય છે. દર 10 સેકન્ડે હૉર્ન વાગ્યાં કરતાં હોય, એ રોડ આજે મને શાંત લાગ્યો. એ વાહનોના અવાજની જગ્યાએ આજે કલબલાટ સંભળાયો. એક કાગડાઓનું ટોળું હતું. બધા ભેગા થઇ એક બચ્ચાંને મારતા હતાં. બચ્ચું આમ તેમ ઉડાઉડ કરે. પ્રયત્ન કરે ઉડવાનો પણ વધારે ઊંચે ઉડાય નહી અને ટોળું તો એને ફરી વળેલું, જ્યાં બચ્ચું જાય ત્યાં ત્યાં ટોળું જાય, ચાંચો મારવા.

આ બધું જોઈને મને નવાઈ લાગી કે કાગડીના બચ્ચાંને કાગડાં કેમ મારે છે? કદાચ બચ્ચાંએ કશીક ભૂલ કરી હોય તો બચ્ચાંની માઁ બચ્ચાંને મારે પણ આ તો આખું ટોળું ! પેલું બચ્ચું આમ તેમ ફાંફા મારે, જ્યાં જગ્યા મળે ત્યાં સંતાય પણ પેલા કાગડાઓનું ટોળું એને છોડે નહી.

બસ આજ ઘટના ઘટી રહી હતી અને મારાં મગજમાં સવાલોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. “આવું કેમ? “ એકજ પ્રજાતિના પક્ષીઓ પોતાનીજ પ્રજાતિના બચ્ચાંને આમ ચાંચો મારી કેમ ભગાડે છે? પરંતુ થોડા સમય બાદ બચ્ચું વાડમાં જઈ સંતાઈ ગયું એટલે ટોળું જતું રહ્યું અને બધું શાંત થયું એટલેબચ્ચું બોલ્યું, “ એનો અવાજ સંભળાયો ત્યારે ખબર પડી કે, એ કાગડાનું નહી પણ કોયલનું બચ્ચું છે. જે રંગે રૂપે અદલ કાગડાં જેવું જ છે પણ જયારે બોલે છે ત્યારે જણાઈ આવે છે કે, એ કોયલ છે.

આપણે પણ કાગડાં જેવા જ છીએ. તદ્દન બેદરકાર. વળી કોયલ શેતાનનું કામ કરે છે. નજર ચૂકવીને ક્યારે માળામાં ઈંડા મૂકી જાય એ ખ્યાલ જ ના રહે.

આપણી જ બેદરકારીમાં શેતાન પણ એ ઈંડા આપણાં હૃદયરૂપી માળામાં મૂકી જાય છે અને આપણે સત્ય થી અજાણ અને ગફલતમાં તેના [ શેતાનના ] ના મૂકેલાં બીજાને ઉછેરીએ છીએ, સાચવીએ છીએ. આપણી આંખો એ હદ સુધી બંધ થઇ ગઈ છે કે, એ બીજ મોટું થાય છે, પરિપક્વ થઈને પાપનું રૂપ ધરે છે ત્યાં સુધી ખુલતી જ નથી.

શેતાન પાપના વિચારોરૂપી ઈંડા તૈયાર કરીને આપણાં મનમાં મૂકે છે અને આપણે તેને માનવગત લાગણી સમજીને પંપાળ્યા કરીયે છીએ. જ્યાં સુધી એ આપણાં માટે જીવલેણ ના બને ત્યાં સુધી આપણે તેનું સાચું સ્વરૂપ ઓળખી શકતાં નથી. એજ કાગડાની જેમ, જે દર વખતે જાણતો હોય છે કે કોયલ ચાલાકી કરીને તેને છેતરી જાય છે છતાં પણ તે પોતાના અને કોયલના ઈંડાનો ફરક નથી જાણી શકતો. તેના બે કારણ છે. 1. કાગડાની નિષ્કાળજી 2. પોતાના ઈંડા પારખવાનું અજ્ઞાન. કાગડો બેજવાબદારી તો દર્શાવે જ છે પરંતુ શું તમે જાણો છો કે, કોયલનું બચ્ચું કાગડાના બચ્ચા કરતાં ઈંડાની બહાર વહેલું આવે છે અને કાગડાના બાકીના ઈંડા કે બચ્ચાને એક પછી એક બહાર ફેંકીદે છે. જેથી તેનું સ્થાન કોઈ બીજા બચ્ચાને ના મળે અને બીજા બચ્ચાના ભાગનો ખોરાક પણ તેને મળી જાય.

આજ વૃત્તિ અને પ્રવૃત્તિ શેતાનની પણ છે. આપણાં મનમાં મૂકેલાં એ વિચારો, ઈર્ષા, અદેખાઈ, ગુસ્સો, નફરત, વેર, લોભ લાલચ જયારે પરિપક્વ થાય છે ત્યારે ધીરે ધીરે આપણામાં રહેલા સદગુણો પણ ઘટવા લાગે છે. આપણી સારી આદતો છૂટતી જાય છે અને પરિણામે આપણે જયારે એ પાપને આપણામાંથી દૂર કરવા પ્રયત્ન કરીયે છીએ ત્યારે ખુબ મોડું થઇ ગયું હોય છે. દર વખતે કોયલની ચાલાકી થી માહિતગાર કાગડો પોતાની અજ્ઞાનતામાં ભૂલ કરે છે પરંતુ ઈશ્વરે આપણને તો તેના વચનો દ્વારા ચેતવ્યા છે. શેતાનની દરેક ચાલ થી આપણને સાવચેત કર્યા છે તો પછી આપણે મૂર્ખ શા માટે બનીયે ? જેમ બચ્ચું બોલી પર થી ઓળખાય છે તેમ જ શેતાને આપેલાં એ વિચારો પાંગરીને પાપનો ગર્ભ ધરે છે અને આપણે આપણી સાચી ઓળખ ગુમાવી શેતાનના બાળકો તરીકે આપણાં વર્તન અને કામો દ્વારા ઓળખાઈ જ જઇએ છે. માટે જ વિચારોરૂપી બીજને અટકાવી તેની ફળદ્રુપતા રોકિયે.

માટે જાગીયે, કોયલરૂપી શેતાનને ઓળખીયે અને શેતાનને હરાવવા ઈશ્વરના બીજરૂપી વચનોને વાતોને આપણાં હૃદયમાં રોપવાની શરૂઆત કરી.