Chamadano naksho ane jahajni shodh - 11 in Gujarati Fiction Stories by જીગર _અનામી રાઇટર books and stories PDF | ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 11

Featured Books
Categories
Share

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 11

સૂર્ય આકાશમાં પોતાની અચળ ગતિથી આગળ વધી રહ્યો હતો. છુટાછવાયા વાદળાઓ સૂર્યની વિરુદ્ધ દિશામાં ઝડપથી દોડી રહ્યા હતા. દરિયા ઉપરથી આવી રહેલી હવાની ઠંડી લહેરો શરીરમાં નવો જ રોમાંચ ઉત્પન્ન કરી રહી હતી. એન્જેલા અને પીટર રોકી અને ફિડલ જ્યાં બેઠા હતા ત્યાં આવી પહોંચ્યા હતા. ફિડલ હજુ પણ પેગ્વિન પક્ષીઓને એકીટશે જોઈ રહ્યો હતો. ફિડલથી થોડેક દૂર રોકી દરિયામાં ઉછળી રહેલા મોજાઓ જોવામાં ગૂંથાયો હતો.


"રોકી ફિડલ કેમ આટલો ઉદાસ છે ?? રોકી પાસે આવતા જ પીટરે ધીમા અવાજે પૂછ્યું.


"એકકારણ છે જોન્સનનું મૃત્યુ એના કારણે એનું મનોબળ તૂટી ગયું છે.' રોકી પીટર સામે જોઈને બોલ્યો. જોન્સનનુ નામ લેતી વખતે રોકીનો અવાજ પણ ગળગળો થઈ ગયો.


"હમ્મ.' રોકીની વાત સાંભળીને પીટરે હળવો હુંકારો કર્યો.


"ચાલો એની ઉદાસી દૂર કરીએ.' પીટર અને રોકી સામે જોઈને એન્જેલા બોલી.


"હા ચાલો એની ઉદાસી તો દૂર કરવી જ પડશે નહીંતર એ અંદરનો અંદર તૂટતો જશે.' રોકી ઉભો થતાં બોલ્યો.


રોકી ઉભો થયો અને એ પીટર અને એન્જેલાની સાથે પીટર જે તરફ બેઠો હતો એ તરફ ચાલ્યો.


"ફિડલ યાર સવારથી અહીંયા સૂનમૂન બેઠો છે તું ચાલ આજુબાજુ ફરી આવીએ થોડાંક.' ફિડલ પાસે આવીને પીટરે ફિડલના ખભે હાથ મુકીને ફિડલને કહ્યું.


"તમે બધા જાઓ મારે નથી આવવું ફરવા.' ફિડલ ઉદાસ અવાજે બોલ્યો. એના અવાજમાં વિષાદ સમાયેલો હતો.


પીટર ફિડલ સાથે વાત કરતો હતો ત્યાં તો કેપ્ટ્ને એમને બુમ પાડી. કેપ્ટ્ન બધાને બોલાવી રહ્યા હતા.


"ચાલ કેપ્ટ્ન બોલાવી રહ્યા છે. ફરવા પછી જઈએ.' પીટર ફિડલને એક હાથથી ખેંચતા બોલ્યો.


કેપ્ટ્નનુ નામ સાંભળતાની સાથે જ ફિડલ ઉભો થયો. દૂર રહેલા પેગ્વિન પક્ષીઓ ઉપર એણે ફરીથી નજર ફેરવી અને એક વાર ઉછળી રહેલા દરિયાના વિકરાળ મોજાઓ તરફ જોયું. ત્યાંથી નજર હટાવીને એ પીટર, એન્જેલા અને રોકી સામે જોઈને ફીકુ હસ્યો. રાતે ફિડલ એકલો એકલો જોન્સનના વિયોગમાં રડ્યો હતો એટલે એની આંખો થોડીક ઊંડી ઉતરી ગઈ હતી.


"ચાલો હવે મને શું જોઈ રહ્યા છો.' ફિડલ ફીકુ હસતા બોલ્યો. પીટર, એન્જેલા અને રોકી ફિડલની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં જોઈ રહ્યા હતા. ફિડલની આંખો જોતાં દોસ્તના મૃત્યુનો આઘાત કેટલો વસમો હોય છે એ વાત બધાને સમજાઈ રહી હતી.


ફિડલ, રોકી, પીટર અને એન્જેલા જયારે કેપ્ટ્ન તથા પ્રોફેસર બેઠા હતા ત્યાં આવ્યા ત્યારે ફરવા ગયેલા જ્યોર્જ અને ક્રેટી પણ ત્યાં આવી ગયા હતા. ક્રેટીનું મુખ આજે હસુંહસું થઈ રહ્યું હતું. એના રતુંબડા ગાલ ઉપર વધારે રાતાશ તરી આવી હતી. ક્રેટીને આટલી બધી ખુશ જોઈને પીટરને કંઈક શંકા ગઈ. એણે પ્રશ્નાર્થ નજરે ક્રેટી સામે ઇસારો કરીને જ્યોર્જ સામે જોયું. જ્યોર્જે હસીને વિચિત્ર ઇસારો કર્યો. જ્યોર્જનો ઇસારો જોઈને એન્જેલા તથા ક્રેટી શરમાઈને નીચું જોઈ ગઈ અને પીટર મોઢું દબાવીને હસી પડ્યો.


"મિત્રો જહાજ અહીંના એક કોઈક ખડકની આજુબાજુમાં હોય એવું આ નકશો નિર્દેશન કરે છે.' પ્રોફેસરે પોતાના હાથમાં રહેલો નકશો ઊંચો કરીને બધાને કહ્યું.


"ખડકની આસપાસ.! રોકી ગણગણ્યો.


"હા, ખડકની આસપાસક્યાંક જહાજ છે અને એ ખડક આ દરિયાની આસપાસ જ છે પણખડક દરિયાથી કઈ દિશામાં આવેલો છે એ નકશામાં બતાવ્યું નથી.' પ્રોફેસર ઊંડો શ્વાસ લેતા બોલ્યા.


"તો પહેલા દરિયાની આસપાસ રહેલા એ ખડકને શોધી કાઢીએ. પછી જહાજ સરળતાથી મળી જશે.' જ્યોર્જે પોતાનો વિચાર રજુ કર્યો.


"જ્યોર્જની વાત સાચી છે જો પહેલા આપણે ખડકને શોધી લઈશું તો આપણા માટે જહાજ શોધવાનો માર્ગ એકદમ મોકળો થઈ જશે.' પીટર જ્યોર્જની વાતને સમર્થન આપતા બોલ્યો.


"ફિડલ તારું શું કહેવું છે આ બાબતે ? વિચારોમાં ખોવાયેલા ફિડલ તરફ જોઈને કેપ્ટ્ને પ્રશ્ન કર્યો.


"હું શું કહું હું તમારી સાથે છું તમને જે દિશામાં યોગ્ય લાગે ત્યાંથી જહાજ શોધવાનું શરૂ કરો હું સાથે જ છું.' ફિડલ વિચારોમાંથી બહાર આવતા બોલ્યો.


"હમણાં તો કકડીને ભૂખ લાગી છે બપોર પણ થવા આવી છે એટલે હમણાં કંઈક જમવાની વ્યવસ્થા કરો. બપોર પછી આપણે જમણી તરફ દરિયા કિનારે આગળ વધીશું.' કેપ્ટ્ન હેરી મોટુ બગાસું ખાતા બોલ્યા.


"મને પણ બહુજ ભૂખ લાગી છે.' પ્રોફેસર પણ પેટ ઉપર હાથ ફેરવતા બોલ્યા.


"ક્રેટી તું અને એન્જેલા જે ખાદ્ય સામગ્રી વધી છે એમાંથી જમવાનું તૈયાર કરો. હું અને પીટર દરિયા કિનારે જઈએ એક બે માછલીઓ મળી જાય તો.' જ્યોર્જે ઉભા થતાં ક્રેટીને કહ્યું.


પછી જ્યોર્જ પીટરની સાથે બે ત્રણ નાનકડા ભાલા લઈને દરિયા કિનારા તરફ ચાલવા લાગ્યો.


"જ્યોર્જ તને માછલાં પકડતા આવડે છે ? ચાલતા ચાલતા પીટરે જ્યોર્જને પૂછ્યું.


"હા આવડે છે. એકવાર હું મારા ખલાસી મિત્રો સાથે આઇલેંડ ટાપુઓ ઉપર રોકાયો હતો એ ટાપુઓ વેરાન હતા. એ વખતે અમે લોકોએ માછલાં પકડીને ઘણા દિવસો સુધી અમારું ગુજરાન ચલાવ્યું હતું.' પોતાના હાથમાં રહેલા એક ભાલાને આમ તેમ ફેરવતા જ્યોર્જ બોલ્યો.


"ઓહહ.! આઇલેન્ડના ટાપુઓ ઉપર તું ગયેલો છે.' જ્યોર્જની વાત સાંભળીને પીટર એકદમ બોલી પડ્યો.


"હા કેમ ? આઇલેન્ડનું નામ સાંભળીને ચોંકી ઉઠેલા પીટરને જ્યોર્જે વળતો પ્રશ્ન કર્યો.


"મેં સાંભળ્યું હતું કે આઇલેન્ડના ટાપુઓ ઉપર દરિયાઈ ચાંચીયા(લૂંટારા)ઓનો વસવાટ છે.! પીટરના અવાજમાં જિજ્ઞાસા હતી.


"હા આઇલેન્ડના અમૂક ટાપુઓ ઉપર ચાંચીયાઓનો વસવાટ છે. પણ બધા ટાપુઓ ઉપર ચાંચીયાઓ નથી.' જ્યોર્જ બોલ્યો.


જ્યોર્જ અને પીટર વાતો કરતા કરતા જ્યાં દરિયા કિનારાનું પાણી છીછરું હતું અને મોજાઓ ઉછળતા નહોતા ત્યાં આવી પહોંચ્યા હતા. અમૂક દરિયાઈ માછલીઓ દરિયાના છીછરા પાણીમાં વધારે પ્રમાણમાં રહેતી હોય છે. એ વાતની જ્યોર્જને ખબર હતી.


"જ્યોર્જ માછલીઓને પકડીશું કઈ રીતે ? આપણી પાસે માછલી પકડવાની જાળ તો છે જ નહીં.! પીટર જ્યોર્જ તરફ જોઈને મુંજાયેલા અવાજે કહ્યું.


"જાળ ભલે ના રહી પણ મારી પાસે આ ભાલો તો છે જ હું એના વડે માછલીઓનો શિકાર કરીશ.' જ્યોર્જ પોતાના હાથમાં રહેલો ભાલો પીટરને બતાવતા બોલ્યો.


"ભાલા વડે માછલીઓનો શિકાર કરીશ તું ? પાગલ તો નથી થઈ ગયોને.!!' પીટર જ્યોર્જની મૂર્ખતા પર હસી પડ્યો.


"તું મને પાગલ કહી રહ્યો છે. પણ જોજે હું ભાલા વડે માછલીઓનો શિકાર કરીને હું તને મૂર્ખ સાબિત કરી દઇશ.' જ્યોર્જ પીટરને વળતો જવાબ આપતા બોલ્યો.


જ્યોર્જ અને પીટર જે તરફના દરિયા કિનારે માછલી પકડવા ગયા હતા એનાથી થોડેક દૂર પથ્થરોની ઘણી બધી ખડકો હાર બંધ કુંડાળા આકારે હતી. એ ખડકોથી થોડેક દૂર છીછરા પાણીમાં જ્યોર્જ અને પીટર માછલાંઓ પકડવા આવી પહોંચ્યા હતા.


જ્યોર્જ ભાલો લઈને બગલાની જેમ સ્થિતિપ્રજ્ઞ થઈને દરિયા કિનારાના છીછરા પાણીમાં માછલી થોડીક બહાર આવે એની વાટ જોતો ઉભો હતો. જયારે પીટર એમનાથી થોડેક દૂર આવેલા કુંડાળાકાર ખડકો તરફ એકી નજરે તાકી રહ્યો હતો. ત્યાં તો છીછરા પાણીમાં એક માછલી સળવળી. જેવી માછલી સળવળી કે તરત જ જ્યોર્જના હાથમાંથી ભાલો છૂટ્યો અને માછલી વીંધાઈ ગઈ.


"પીટર જો માછલીનો શિકાર થઈ ગયો.' ભાલાથી વીંધાયેલી માછલીને પકડીને પીટરને બતાવતા જ્યોર્જ હર્ષઘેલા અવાજે બોલ્યો.


જ્યોર્જ આટલું બોલ્યો છતાં પીટર હજુ પણ વિચારોમાંથી બહાર આવ્યો નહોંતો. એ તો હજુ પણ કુંડાળાકાર ખડકો તરફ જોઈ રહ્યો હતો.


"એય શું જોઈ રહ્યો છે તું એ તરફ ?? ફિડલ તરફથી કોઈ જ પ્રતિક્રિયા ના મળી એટલે જ્યોર્જ ફરીથી બોલ્યો.


"પેલા કુંડાળાકાર ખડકો દેખાય છે તને.! પીટર ધીમેથી બબડ્યો.


"હા.' થોડેક દૂર દેખાઈ રહેલા કુંડાળાકાર ખડકો જોઈને જ્યોર્જ બોલ્યો.


"જહાજ કદાચ ત્યાં હોઈ શકે.' પીટર ગંભીર અવાજે બોલ્યો.


"જહાજ ત્યાં હશે.!!' જ્યોર્જના મોંઢામાંથી શબ્દો નીકળી પડ્યા અને એ પણ માછલીઓનો શિકાર કરવાનું છોડી દઈને પીટરની જેમ અવાચક નજરે કુંડાળાકાર ખડકો તરફ તાકી રહ્યો.


(ક્રમશ)