Illuminate the internal RC in Gujarati Philosophy by Yuvrajsinh jadeja books and stories PDF | આંતરિક આરસીને ઉજાળો

Featured Books
Categories
Share

આંતરિક આરસીને ઉજાળો



આંતરીક આરસીને ઉજાળો

મીત્રો , પહેલા થી જ આટલું ભારે નામ જોઈ તમે વિચારશો કે આ ખુબ ગૂઢ વિષય હશે . પરંતુ મીત્રો ચીંતા ના કરશો . હું બાંહેધરી આપું છું કે મારી સાથે નાની અમથી સફર ખેડ્યા પછી આ વિષય તમને ભારે નહીં જ લાગે .

તો ચાલો આપણે આ સફર નો પ્રારંભ કરીએ . આપણો વિષય એટલે કે આંતરિક આરસી ને ઉજાળો . મુદ્દો વાંચતા જ વિચારો ની હારમાળા બંધાય જાય જેમ કે ...આ આંતરિક આરસી એટલે શું? , શું મારી અંદર પણ એવી કોઈ આરસી છે? , અને છે તો મને કેમ ખબર નથી ? ....વગેરે વગેરે . દોસ્તો આ આરસી દરેક ની અંદર રહેલી જ છે . હમણાં જ હું તમને એ આરસી બતાવીશ .

તમે નાનપણ કોઈ ભુલ કરેલી...? જેમકે મમ્મી પપ્પા સાથે જુઠું બોલવું અથવા હોમવર્ક ન કરીને શીક્ષકને કહેવું કે તમે બુક ઘરે ભૂલી ગયા છો અને જો તમે યુવાન છો તો આ ભુલો મોટી હોઈ શકે જેમકે પહેલી વાર મીત્ર સાથે સીગારેટ પીવી વગેરે . આ બધી ભુલો પહેલી વખત થતી હોય ત્યારે દિલમાં કોઈ ખુણે એક અફસોસ હોય છે જે રહી રહી ને તમને એ ભુલ ન કરવાની સલાહ દેતો હોય છે જે તમને આંખમા રહેલા રેતી ના કણ ની જેમ ખુંચતો હોય . એ અવાજ જ તમારી આંતરિક આરસી છે . હરેક ક્ષણ એ તમારી સાથે જ છે હતી અને રહેશે . હા એ વાત જુદી છે કે આપણે તેની અવગણના કરતા શીખી ગયા છીએ અથવા તો કુસંગ અને વ્યસનો નો ઘોંઘાટ આપણા મનમાં એટલો વધી ગયો છે કે આપણને આ અવાજ સંભળાતો જ નથી . એટલે જ કદાચ ઘણી બધી બદીઓ યુવાવર્ગ ની આદત બની ગઈ છે . પણ એનો અર્થ એ નથી કે તમારી અંદર એ આરસી રહી નથી . ફરી એકવાર અરીસા સામે જોઈ તમારાથી થયેલી ભૂલો કે ખરાબ આદતો વીશે વિચારજો પછી તમારા મમ્મી પપ્પા કે કોઈ વડિલ કે પછી તમારા માનીતા ભગવાન વીશે વિચારજો તો એ આરસી ફરી તમને અજવાળું આપશે જ એની મને ખાતરી છે . પણ તેના માટે કુસંગી દોસ્તો , વ્યસનો કે માનવતા ને આંજી દેતી આજની ચમક દમક થી થોડું દુર જઈ પોતાને મળવું પડે , પોતાને અંદર થી જોવા પડે . તો એ આરસી તમારી મદદ જરૂર કરશે .

મીત્રો , હવે આપણે આ આરસી ને ઓળખી ગયા . એટલે એટલી તો ખબર પડી કે આપણી અંદર કંઈક તો એવું છે જે આપણને સારું કે શુદ્ધ થવા પ્રેરે . અને જો ખરેખર પ્રયત્ન કરવામાં આવે તો આ આરસી આપણને ખુબ મદદ કરે એવી છે .
શુદ્ધ થવાના આમ તો ત્રણ સ્તર છે . મન , વચન અને કર્મ . આમા નું સૌથી સરળ સ્તર કર્મ અથવા કાયા બીજું સ્તર છે વચન એટલે કે વાણી અને અંતિમ સ્તર છે મન . થોડી સરળ ભાષામાં સમજીએ તો જો આપણે પ્રયત્ન કરીએ કે આજે કોઈને કાયાથી દુઃખ નથી દેવું અથવા કોઈ વ્યસન નથી કરવું તો એ થઈ શકે . અને બીજા દિવસે નક્કી કરીએ કે આપણે એક પણ માણસ ને વાણી થી દુઃખ નથી દેવુ અથવા કોઈ પણ માણસને જરા પણ ઓછું આવે તેવુ કે ઉતાવળુ નથી બોલવું . તો એ કાયા વાળા પ્રયોગ કરતા થોડું અઘરું પડશે . અને અંતિમ સ્તર એટલે કે મનથી કંઈ ખોટું ન કરવું અથવા એક નેગેટિવ વિચાર શુધ્ધા નથી કરવો તે એ સૌથી વધુ અઘરું પડશે . અને આ દશા તો કોઈ ખરા સંત ની જ હોઈ શકે .
તો મીત્રો આપણે આ સ્તરો જોઈ લીધા પણ શુદ્ધ થવાની આ પ્રક્રિયા કંઈ એટલી અઘરી પણ નથી . હું નથી કહેતો કે આપણે બધીજ બદીઓ એક જ દિવસમાં છોડી દઈએ . પરંતુ ક્યાંકથી તો શુરુઆત કરવીજ રહી . તમે ખુલ્લા દેખાતા કોઈ દોષ થી મુક્ત થવાનો પ્રયત્ન તો કરી જુઓ જેમ કે વ્યસનો , કોઈ ને દુઃખ દેવું કે જુઠું બોલવું આ એવા દોષો છે જેને આપણે મનથી ખોટા સમજીએ જ છીએ પણ હવે આપણને એની આદત પડી ગઈ છે . આ દોષો ઘઉં મા રહેલો એવો કચરો છે કે જેને વીણવો ન પડે એ સામેથી દેખાય આવે . હવે બસ એને કાઢવો જ રહ્યો . કેમકે ભૂલ કાઢવાનું પેલું પગથિયું એ છે કે તે ભૂલ ને ભૂલ તરીકે જોવી જો તમે સીગારેટ પીવાને ખોટી સમજતા જ નથી તો એ ક્યારેય છુટવાની નથી . પણ આ દોષો એવા છે કે જેને આપણે ખોટા સમજીએ છીએ એટલે એ નીકળશે જ . અને શુદ્ધ થવાની આ પ્રક્રિયા બીલકુલ અઘરી કે કંટાળાજનક નથી . શુદ્ધ થવાનો પ્રયત્ન ચાલુ કર્યા પછીનો દરેક દિવસ તમને સંતોષ અને સુખ આપશે . કદાચ એ સંતોષ અને સુખ પણ આપણી પેલી અંતરની આરસી ના કારણેજ હોય . શુદ્ધ થવાની આ પ્રક્રિયા તમને તમારા અસ્તિત્વ નો આનંદ દેશે , મમ્મી પપ્પા કે ભાઈ બહેન સાથેના ચીડીયા થઈ ગયેલા સંબંધો ફરી જીવંત થઈ જશે , મમ્મી ના હાથની રસોઈ પહેલા જેવીજ ભાવવા લાગશે , નાના ભાઈ ના કાલા ઘેલા સવાલો ફરી ગમવા લાગશે , મોટી બહેનની એક્સ્ટ્રા કેર પણ ગમતી થઈ જશે . એટલેજ શુદ્ધ થવાની આ પ્રક્રિયા મને ખુબ ગમે છે બસ એકવાર પ્રયત્ન કરી તો જુઓ અંતરની પેલી આરસી નું સાંભળી તો જુઓ એના અજવાળે તમારી સવાર પાડી તો જુઓ ....

હવે આટલું કહ્યું એટલે એમ ના સમજતા કે આ ભાઈ ફાંકા મારવા લાગ્યા . ના આવું ઘણા લોકોએ કરેલું છે જેમકે વાલિયા માંથી બનેલા મહર્ષિ વાલ્મિકી , અંગુલીમાલ કે પછી વિસ્ફોટ ડાયનામાઈટ બનાવી પોતાની બધી સંપતિ સમાજ મટે ખર્ચી દેનાર કેમીસ્ટ આલ્ફ્રેડ નોબેલ ...

આ બધા નામો તો જાણીતા છે . આમાં હજુ એક ઉદાહરણ આપું તો એ નામ એટલે જેસલ જાડેજા . કચ્છ ના કાળા નાગ તરીકે ઓળખાતો ડાકુ એટલે જેસલ જાડેજા અઢળક ચોરી લુંટફાટ , હત્યા ઓ કર્યા પછી તેમનો પરિચય સતી તોરલ સાથે થયો જેમણે જેસલ જાડેજા ને તેમની અંતરની આરસી નું અંજવાળું બતાવી આપ્યું . પછી દરેક દોષ ના પશ્ચાતાપ કરતા કરતા અંતે તેઓ પીર કહી પુજાયા . આજે પણ એમની સમાધિ અંજાર મા આવેલી છે જ્યાં લોકો શ્રદ્ધા થી નમન કરે છે .

મીત્રો , શું આપણા દોષો આમા ના એક જેવડા પણ છે? શું આપણે હત્યા ચોરી કે લુંટફાટ કરી છે ? જો આ લોકો પાછા ફરી શકતા હોય તો શું આપણે ન ફરી શકીએ ? જરૂર ફરીશુ બસ જરૂર છે પેલી અંતરની આરસી નુ સાંભળવાની અને એના પર અખુટ વિશ્વાસ કરવાની . ચાલો ત્યારે બે પંક્તિઓ સાથે રજા લઈશ...

અંતરથી નીત્યે કોઈ સાદ કરે છે...
ક્યારેક તો સાંભળો , માહ્યલો વાત કરે છે...

પછી પછી માં મોળુ ન થઈ જાય...
જીવન ઘણું છે ,તે થોડું ન રહી જાય...

પણ પેલી અંતરની આરસી તમારી સાથે જ છે હો...