Criticism of illusion in Gujarati Philosophy by Heli books and stories PDF | ભ્રમની ભાંડફોડ

The Author
Featured Books
Categories
Share

ભ્રમની ભાંડફોડ

નમસ્કાર..

કોઈ સવાર એવી પડે કે સૂરજ ના મળે!
પણ ઓચિંતો ખિસ્સામાં એકાદ આગીયો ઝળહળે;


દુનિયા છે દોસ્ત! કદી એવું બને કે ના છળે?
શું ખબર એ ઘડી કંઈ કિંમતી ક્ષણ અંદરોઅંદર સળવળે;


દેખાય છે પણ સત્ય નથી, એમ અચાનક મૃગજળનું ઝરણું ખળભળે;
કહો! ઝાંઝવા જેવી આ વાત ઉતારવી કેમ મારે ગળે?


ઈંટડા ઘસવા, તું ગોઠવેલી ભીંત અમસ્તી ખોળે!
એમ પણ બને કે આગ ચકમકની ભીતરથી મળે..

જો કે મને શેખચલ્લીસાહેબ સાંભર્યાં પણ ખરા! પરંતુ આ કલ્પનાનું શું કરું? થયું કે કળિયુગનો આ કાળ, તોતિંગ ધ્રાસકાઓ આપે છે તો કંઈપણ થઈ શકે ખરૂં. માણસ આંખ આડા કાન કરીને પ્રકૃતિને છળે! પછી એને પ્રત્યુત્તર શું મળે? એટલે અડધી રાત બ્રહ્મમુહૂર્તે આ નાદાન મનને થયું કે, કદાચ કોઈ સવાર એવી પડે કે સૂરજ ના મળે! જો જો હો સૂરજની વાત છે અજવાળાની નઈ. માઁ પ્રકૃતિ પાઠ ભણાવવા કપરી સ્થિતિમાં મૂકે પણ ખરી..પરંતુ આખરે માઁ છે ને! અંધારા ઓરડાની ટીંડલ અસર માફક આશા ઝગમગતી જરૂર રાખે છે. એથી કપરી સ્થિતિમાં હે માનવ! સમયનાં ખિસ્સા ખંખોળ..ઓચિંતા તને ઝળહળતો એકાદ આગિયો ચોક્કસ મળશે જે અંધકારમાં આછા ઓજસ સ્વરુપે તારો માર્ગ ચીંધશે. એના અસ્તિત્વનાં કદ પર ના જતો.એણે કરેલી મદદ અને એ પણ કટોકટીનાં સમયે એ વાતની કદર કરજે.

પરમતત્વ પરની શ્રદ્ધા જ જીવાદોરી છે એવા આધુનિક સમયમાં "ખાપરા-કોડિયા"ની બહુમતી વાળા માનવસમાજમાં ડગલે પગલે છળ હશે જ તું એનો સામનો કરવા સુસજ્જ રહેજે. પ્રતિકૂળ પથ પર શું ખબર તારા આત્મવિશ્વાસનાં ઓવારણાં લેવા; તે હ્ર્દયમાં ધરબી રાખેલી કોઈ કિંમતી ક્ષણ "દશેરાના દિ' દોડનારું ઘોડું" થઈને સળવળે!

વળી પાછું નવી ઉગેલી મુંજવણ જેમ ક્યારેક આંખો દેખ્યું પણ અડવા જાઓ ત્યાં ભ્રમ નીકળે! અને જોતજોતા મૃગજળનું ઝરણું બની અદ્રશ્ય થઈ વહી જાય.. ત્યારે અચંબો પામેલું બિચારું મન સ્વયં સ્વીકાર કે અસ્વીકારની અસમંજસમાં અટવાઈને પૂછે છે કે, આ ઝાંઝવા જેવી ઝાંખી વાત મારે ગળે કેમ ઉતારવી!?

ઘણીવાર માનવ પ્રકૃતિસહજ સીધો માર્ગ સામે હોવા છતાં, મન અન્ય રસ્તાઓ શોધવા મથે છે. અધૂરી સમજણ અથવા અનુકરણનાં વશીકરણનો ભોગ બનીને! અને ત્યારે મન, પરીક્ષામાં પૂછાયેલા વૈકલ્પિક પ્રશ્નો જેમ ઊત્તર સામે હોવા છતાં ચેતકોષો વચ્ચે ગૂંગળાય છે આ સ્થિતિને સરળ ઓપ આપીએ તો કંઈક આવી દેખાય...
સ્વયં મહેનતથી બનાવેલી ભીંત ખોળીને, આગની શોધમાં એ ઈંટોને સતત ઘસ્યા કરે! એમાંથી આગ ઉત્પન્ન થાય ખરી? અરે! આખેઆખી ભીંતનો ભૂકો કરો તોય,તમે શોધી રહ્યા છો એ જવાબ,(અહીં) આગ ન મળે.

અંત મર્મ તરફ ધ્યાન ચીંધે છે. કે તું આસપાસની સ્થિતિ અને સંજોગોએ તને પૂછેલા પ્રશ્નોને નિરાંતે વાગોળ, શાંતચિત્તે એ અણધારી મૂંઝવણને માપી લે. તત્કાલ ઘટી રહેલી પ્રશ્નાર્થચિહ્ન સમી ઘટનાને ધ્યાનથી નીરખ. ગળે ઉતારતાં પહેલા પાણીને ચાવે એમ એને ચાવી જા. ત્યારે તને ઉકેલ મળશે.

ક્યાંથી?
પ્રશ્ન બનેલી એ પરિસ્થિતિ આસપાસ નજર કર, સામે મૌન તપસ્વી બનીને તને ટગર ટગર જોઈ રહેલાં ચકમક ભીતરની ઉર્જામાં ડોકિયું કર. ઉકેલ, આગ ત્યાં છે. જેમ માછીમાર અને મારજીવામાં પહેલા અક્ષર સિવાય કોઈ સમાનતા નથી એમ તમારો દ્રષ્ટિકોણ જ તમને કોયડો બનેલી જંજાળ માંથી બહાર કાઢશે. સારાંશ કે, આધુનિક માનવમસ્તિષ્ક; પ્રશ્ન પૂછનાર અને ઉત્તર આપનાર બન્ને પ્રશ્નની લગોલગ જવાબ જોવા ટેવાયેલા છે.

ઊકરાટો(આર્ટિકલ માંથી તીખારા જેવું વાક્ય)😜👉" માણસ આંખ આડા કાન કરીને પ્રકૃતિને છળે! પછી એને પ્રત્યુત્તર શું મળે?"

: હેલી અમરચોળી

આપના પ્રામાણિક પ્રતિભાવો વાંચવા ગમશે.