Dr. Purvi: દીકરીના લગ્ન વખતે ગાયોના દાન, વિદ્યાદાન, સોના-રૂપાના દાન તો સૌએ કર્યા હશે પણ વીણાબેને તો લીવરનું દાન કર્યું અને દીકરીને જીવંતતા પ્રદાન કરી.
હાથ લંબાવીને નહીં પણ હાથ ઘસીને રોટલો રળવો, જેથી તે મીઠો પણ લાગે અને પચે પણ વીણાબેન ફૂરિયા
2020ના વર્ષનું વૃતાંત રજૂ કરતાં ભાસ્કરે વર્ષ દરમિયાનની સારી-નરસી યાદોને વાગોળીને એક વાક્ય લખેલું કે, ‘સંકટથી સમાધાન તરફ ચાલવું એ જ જીવન.’ આ વાક્યને વિરલ ન્યાય આપતા એક નારીહ્રદયને આજે તમારી સામે રજૂ કરવાની છું એ છે વીણાબેન પ્રવીણભાઈ ફુરિયા. તેઓ હાલમાં ભુજ ખાતે ‘વિજય પ્રિંટિંગ પ્રેસ’ ચલાવે છે. વાત ઊંચા ગજાની થાય જ્યારે આપણે એમ કહીએ કે મહિલા સાહસિક સ્વબળે પ્રેસ ચલાવે છે. વાત અહીંયા અટકતી નથી પણ શરૂ થાય છે. પણ એ પ્રેસને ચલાવવાની નોબત કેમ આવી, કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરતાં તેઓ આ પ્રેસ ચલાવે છે; તો ચાલો, આ બધા પ્રશ્નોના જવાબ આપતા જાણીએ વીણાબેનને.
વીણાબેન મૂળ કપાયા ગામ મુંદ્રા તાલુકાના. સાત બહેનો સંગ માતાપિતા સાથે ખૂબ ઠાઠથી બાળપણ વિતાવ્યું. સંયુક્ત પરિવારમાં રહેતા વીણાબેનને ‘દુ:ખ શું હોય?’ એની ખબર જ ન હતી. પરિવારની વ્યસ્તતા વચ્ચે આગળ ભણવાનું ન થતાં દસ ધોરણ પછી છોડી દીધું. ‘વીણા હવે ઉંમર લાયક થઈ.’ એટલે યોગ્યપાત્ર તરીકે પ્રવીણભાઈ ફુરિયાની પસંદગી કરાઇ અને તેમના સગપણ કરવી દેવામાં આવ્યા. પ્રવીણભાઈએ લગ્નના થોડા સમય પહેલા જ લોન પર નાણાં લઈને નવી પ્રેસ શરૂ કરેલી. લગ્નના શરૂઆતી વર્ષો તો સારા નીકળ્યા અને ઘરે લક્ષ્મી જેવી દીકરી કૃતિનો જન્મ પણ થયો. કૃતિ શાળાએ જવા લાગી ત્યારે વીણાબેન પણ ઘરે એકલા બેસ્યા નહીં અને પોતાની પ્રેસઓફિસ જવા લાગ્યા. પ્રવીણભાઈ અવારનવાર ના પડતાં કે ઓફિસે સ્ત્રીઓએ આવવું નહીં, માણસોની કામ કરવાની રીતમાં તેમને કામ કરતાં નહીં ફાવે. પણ વીણાબેન ફાજલ બેસી રહેવા માંગતા ન હતા. તેમને નવું -નવું શીખવાની હોંશ હતી. કઈ પણ શીખવાની પૂર્વશરત એજ છે કે તે શીખવા માટે તમારી ધગશ હોય; જે વીણાબેનમાં હતી. પછી તો બસ તેઓ પ્રેસના બધા જ કામ ઉકેલી દેતા અને પ્રવીણભાઈ બહારના કામ સંભાળતા. વીણાબેન ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત ભાષાનું ટાઈપિંગ, લેટરપેડ, પેમ્ફલેટ, બેનર્સ, કંકોત્રી, પરીક્ષાના પેપરો બધુ જ બનાવી લેતા. દરેક કામ ઝીણવટપૂર્વક કરે અને ભૂલને કોઈ અવકાશ ન હોય.
આવા દરેક કામની વ્યસ્તતા સાથે તેમણે દીકરીને લાડકોડથી ઉછેરીને સૉફ્ટવેર ઇજનેર બનાવી અને યોગ્ય પરિવાર શોધી દીકરીને મુંબઈ પરણાવી. કહેવાય છેને કે, ‘માણસની ઇચ્છા હોય કે ન હોય, છતાં જીવનમાં પરીવર્તનશીલ પરિસ્થિતિઓ આવતી રહે છે. આજે ઉતાર હોય તો કાલે ચઢાવ. 2010 પછીના અણધાર્યા બનાવો વીણાબેનની જિંદગીના આકરા વળાંકો સાબિત થયા. પતિને ડિટેક્ટ થયેલા કેન્સરની તબીબી સારવારની દોઢ વર્ષ સુધી સખત ચાકરી વીણાબેનના હાથે આવી. કેન્સરનું ઓપરેશન, દસથી વધુ કિમો થેરાપી, દવાઓ વગેરેના ધરખમ ખર્ચાઓ જમાપૂંજીને ઘટાડનારા સાબિત થયા. વીણાબેન વિધાતાએ પતિ માટે મંજૂર કરેલા દિવસો તો તોય વધારી ન શક્યા અને એકાએક જીવન શૂન્યાવકાશ! પતિનો હંમેશા માટે સાથ છૂટ્યો અને પ્રેસ બંધ થઈ ગઈ. પરંતુ હિંમત હારી જાય તે વીણાબેન નહીં. તેમણે પતિની અણધારી વિદાયના પંદર જ દિવસમાં પ્રેસને ફરી ચાલુ કરી અને બધો જ કારોબાર સાંભળી લીધો. પ્રેસની કામગીરી શીખેલી પણ ગ્રાહકોને કઈ રીતે સાચવવા, પૈસાની લેણદેણનું સરવૈયું બેસાડવું એ મોટી મુશ્કેલી હતી પણ વીણાબેને અનુભવવેંત દરેક મુશ્કેલી દૂર કરી. પ્રસિદ્ધ નવલકથાકાર પ્રેમચંદ મુનશીએ લખ્યુ છે, ‘વિપત્તિઓ કરતાં વધારે અનુભવ અપાવનાર વિદ્યાલય આજસુધી ખુલ્યુ નથી.’ ખરેખર વીણાબેને જે કર્યું છે તે આ. પોતાનામાં સુષુપ્ત રીતે પડેલા આત્મબળને સમય સંજોગ આવતા તેમણે સંકોર્યું છે. સ્વાધીન અને સ્વાભિનતાની મિશાલ વીણાબેને કોઈ પણ પાસે એક પણ રૂપિયાનો હાથ લાંબો કર્યો નહીં અને સ્વબળે સંસારની કેડીના જોખમો સહન કરતાં રહ્યા છે. વીણાબેન કહે છે કે, ‘હાથ લંબાવીને નહીં પણ હાથ ઘસીને રોટલો રળવો, જેથી તે મીઠો પણ લાગે અને પચે પણ.’ મહેનત અને સંકટની ઘડીઓ અહીંયા વિરામ નથી લેતી, લગભગ દસ મહિના પહેલાં દીકરીને કમળો થયેલો અને લાંબાગાળે મટ્યો નહીં, તે અચાનક કોમામાં ચાલી ગઈ અને દીકરીનું લીવર ફેઇલ થતાં કાઢવું પડ્યું. ‘દીકરી માટે મારું લીવર લઈ લ્યો’ કહેનારા માતા વીણાબેન તેજ ઘડીએ કશાયનો વિચાર કર્યા વગર હોસ્પિટલમાં બાજુના રૂમમાં પોતે એડમિટ થઈ ગયા. દીકરીના લગ્ન વખતે ગાયોના દાન, વિદ્યાદાન, સોના-રૂપાના દાન તો સૌએ કર્યા હશે પણ વીણાબેને તો લીવરનું દાન કર્યું અને દીકરીને જીવંતતા પ્રદાન કરી. આ હતો; વીણાબેનના જીવનનો બીજો કરૂણ પ્રસંગ. પણ જેમ મેં લેખની શરૂમાં કહેલું તેમ ‘સંકટથી સમાધાન તરફ ચાલવું એ જ જીવન.’ વીણાબેને દરેક સમસ્યાનો ખૂબ સમજણપૂર્વક નતીજો કાઢ્યો છે, સમર્પણની મૂરત વીણાબેન આજે પણ ખુદની શારીરિક સમસ્યાઓની સાથે ક્યારેક બે કલાક તો ક્યારેક અડધો દિવસ પ્રેસ ખોલીને મહિનાભરની ઘરવખરી ચાલે તેટલું કમાવવા ઝઝૂમી રહ્યા છે. દીકરી કૃતિ ઘણા સમયથી કહે છે કે, મારું બાળપણ તે સાચવ્યું હવે તારું ઘડપણ મને સાચવવા આપ. પણ હાથ- પગ ચાલે ત્યાં સુધી પરાધીનતા સેવે તે વીણાબેન નહીં. આજના આત્મનિર્ભર ભારતની આબેહૂબ છબી વીણાબેનના વ્યક્તિત્વ પરથી જોવા મળે છે.
Dr. Purvi Goswami