રાત થાકી ગઇ હોય એમ લાગતું હતું. એની ગતિ એકદમ ધીમી થતી જતી હતી. કોણ જાણે કેમ પણ રાત પડે છે અને કંટાળાની શરૂઆત થાય છે. સાતમા માળે આવેલી મારી રૂમમાં ગોળગોળ આંટા મારતાં એક વર્તુળ સર્જાઇ જાય છે, પછી એનો પરિઘ ખોદાતો જાય છે…ભોંયતળિયું હમણાં તૂટી જશે અને નીચે રહેનારાં દબાઇ જશે, બૂમરાણ મચી જશે. અરે, એમ થાય તો પણ કેટલું સારું! આ એકાંતમાં, આ નીરવતામાં આવાજો થાય તો જીવી જવાય! બાકી રાત પડે છે એટલે આ રૂમ જાણે કબ્રસ્તાન બની જાય છે. છેવટે પેલા વર્તુળમાંથી કોઇ અર્થ-અનર્થ સર્જાય તે પહેલાં પગની પાનીઓમાં લોહી ઘસી આવે છે, વેદના થાય છે અને હું બારી પર જઇને બેસું છું, નંખાઇ ગયેલી રાત્રિને જાહેર માર્ગ પરના રડ્યાખડ્યા વાહન પર સવાર થઇ જતી જોઇને થોડો શ્વાસ લઉં છું… ત્યાં મારા ઉચ્છવાસમાંથી એક બીજી રાત્રિ બહાર સરી જાય છે, અને શ્વાસ લેતો અટકી જાઉં છું. પછી સાવચેતીથી ફરી શ્વાસ લેવાનું શરૂ કરું છું, રખે ને કોઇ રાત્રિ ફેફસાંમાં હ્રદયના ડાબા પડખામાં ભરાઇ જાય, મને ભીંસી નાંખે, મને ગૂંગળાવી નાંખે!
આ એકાંત કઠીન એટલા માટે છે કે એ એકાંત નથી. એમાં પાણીમાં ઓગળી ગયેલા પ્રાણવાયુ જેવી ગઇકાલ છે, એની એવી નિર્મિતતાને કારણે જ તો આ રાત જિવાઇ જાય છે! ગઇ કાલનું નિર્માણ પણ નિર્બળ મનોવૃત્તિઓ ઉપર જ થયું છે ને! અર્થ-ઉપાર્જનની વૃત્તિ સામાજિક છે, પણ એ જ નિર્બળતા છે. એ નિર્બળતાએ જ તો અનેક પ્રશ્નો જન્માવ્યા. અર્થ-ઉપાર્જનની વૃત્તિને શા માટે આટલું બધું મહત્વ આપવું? માત્ર પૈસાથી પેટ નથી ભરાતું, પૈસાથી ઊંઘ નથી આવી જતી, પૈસાથી શાંતિ નથી મળતી, અને આ બધું મળે છે તો ક્ષણિક… હા, ગઇ કાલ પણ પૈસાથી પાછી નથી આવતી, સાયકલના કેરિયર પરની ખાલી પડેલી બેઠક ઓફિસ સુધી કોઇ પૂરતું નથી… પછી પૈસાનું આવડું મહત્ત્વ શાને?
કૂતરાં ભસવા લાગ્યાં, રિવોલ્વર હોત તો એક એક કરીને બધાંને ઠાર કરી દેત! પ્યાલો ભરીને પાણી રેડ્યું. જરા વારમાં શાંત થઇ ગયાં…
પૈસાથી ગઇ કાલ પાછી નથી આવતી- બધું જ કદાચ પાછું લાવી શકાતું હશે, પરંતુ એ ગઇકાલ કેમ કરતાં પાછી આવે? પૈસો – નિર્બળતા, મન નિર્બળ છે તો જ પૈસો નિર્બળ બન્યો ને? પૈસાની માફક જ બધી વસ્તુઓ નિર્બળ બનવાની અને એ નિર્બળતાને ઘોરણે આખું જ શરીર નિર્બળ બની ગયું છે. આ શરીરને પણ ઘણું બધું જોઇએ છે, મનને એકાંત ખૂંચે છે, શરીરને શું ખૂંચે છે?
બધાં જ કૂતરાં શાંત થઇ ગયાં હતાં, પણ એક મધ્યવયસ્ક જણાતું કૂતરું હજુ તીણા અવાજે ભસ્યા કરતું હતું. એને પણ કાંઇક ખૂંચતું હશે? મેં એને ભસવા જ દીધું. એ જાતે જો ભસતું બંધ નહીં થાય તો કદાચ એને મારા સિવાય બીજું કોઇ બંધ કરશે.
બારી પરથી ઊભા થઇને ફરી વર્તુળ દોરવું શરૂ કર્યું. ગઇ કાલમાં ડૂબી જવા માટે આલ્બમ કાઢીને કબ્રસ્તાનમાં ફરી તોફાન શરૂ કર્યું. ગઇ કાલ છે એટલે જ મજા આવે છે. મને લાગે છે કે આ રાત ન હોત તો કદાચ ગઇ કાલનું કોઇ મહત્વ જ ન હોત! આજે કબ્રસ્તાન બનેલી સાતમા માળ પરની આ રૂમ ગઇ કાલનું એક ભર્યુંભાદર્યું ઘર હતું એવી અનુભૂતિ ફક્ત રાત્રે જ થાય છે!
પૂરઝડપે આવતી એક ટ્રકે બ્રેક મારી હોય અને તરત જ પાછી છોડી ગઇ હોય એમ લાગ્યું. બારી પર જઇને જોયું તો પેલું મધ્યવયસ્ક લાગતું કૂતરું… એના ભસવાનો તીણો અવાજ કાયમ માટે પેલી ટ્રક બંધ કરી ગઇ હતી. રોડલાઇટમાં કાળા કૂતરા પર ચીતરાઇ ગયેલી લાલ ડિઝાઇન ઊપસી આવતી હતી… બીજા કૂતરાં ભસવા લાગ્યાં હતાં, થોડાં ત્યાં એકઠા થઇ ગયા હતાં!
ઉપરાઉપરી ત્રણ ગ્લાસ પાણી પી ગયો. પલંગમાં જઇને આડો પડ્યો. ચાદર ખંખેરી ન હતી, ફરી ઊભા થઇને ચાદર ખંખેરી નાખી, સિગરેટ સળગાવી ફરી આડો પડ્યો. પાછું નિર્બળતા – ગઇકાલ – રાત્રિ અને કૂતરા સુધીનું વિચારોનું વર્તુળ બન્યું કોઇક વિચિત્ર વાસ આવવા લાગી ત્યારે ખ્યાલ આવ્યો કે સિગારેટનો તણખો પડવાથી ચાદરને કાણું પડી ગયું હતું. ચાદર પર હાથ ઘસી નાખીને, ઊભો થઇને પાછો બારી પર આવીએ બેસી ગયો. પેલો મધ્યવયસ્ક કૂતરાને બીજાં બે-ત્રણ કૂતરાં ચાટતાં હતાં… મેં એ દ્રશ્ય જોયાં જ કર્યું. પછી એકાંતમાં ‘કોઇ જ જોતું નથી’ એવી ખાતરી કરતો હોઉં તેમ ચારે તરફ નજર ફેરવીને મેં મારો હાથ બીજા હાથ વડે પકડીને જુસ્સાથી ચાટવા માંડ્યો.