આજ અમારી શાળામાં 'તમારી યોગ્ય સર્જનાત્મકતા' હરિફાઈ હતી.. હું પણ એમાં સ્પર્ધક હતી. મારૂં નામ બોલાયું અને હું મંચ પર પહોંચી.. બધી ગોઠવણી ચકાસી મને શરૂઆત કરવા કહ્યું...
લાલ રંગનો પડદો ઊઠયો અને હું ને મારૂં માઈક બેય સાથે ચાલું થયા....
" યાન પધરાવો સાવધાન "
" માંગલિક જમાઈ પધરાવો સાવધાન "
'હા, કાલ મારા લગ્ન આપણા માટે સાવ જ અજાણ્યા એવા મંગળગ્રહ પર રહેતા માંગલિક સિટિઝન સાથે હતા.. પરિવારે ભારે ધામધૂમથી મને પરણાવી અને વળાવી પણ ખરા. કરિયાવર એટલે શું ત્યાં કોઈને ખબર ન હતી...'
મારા સગાવહાલાઓએ તો મને ખોળે ઢગલાબંધ ફૂડપેકેટો આખું યાન છલકાઈ જાય એમ ભરી દીધા. થેપલા, ગાંઠિયા, ચટણી, છુંદા, તીખા રાઇવાળા મરચા અને ભાતભાતના પકવાન સાથે આપ્યાં હતા... હું પાછી છ મહિના સુધી તો આવી શકવાની ન હતી... પાછા મૂળિયા આપણા ગુજરાતી એટલે સ્વાદવિહીન ભોજન તો આપણને ન જ પચે ને !
હસતા રમતા યાનમાં ઊડતા ઊડતા અમે પહોંચ્યા અજાણ્યા પરંતુ હવે અમારા પોતાના મંગળગ્રહ પર... વિધીને ગોરબાપા એ બધું ભારતીય સંસ્કૃતિ આ તો મોંઘેરું મંગળમિશન જેવું મારું ત્યાંની ધરતી પરનું ઉતરણ.
કંકુપગલા કરવાનો સમય આવ્યો..... પરંતુ, ત્યાં તો બીપ....બીપ... થતા હોય એવા મશીન પર મને ઊભી રાખી દીધી અને છેક પૃથ્વી પર મારા ઘર સુધી દેખાય એટલા પગલા છપાયાં... ઘરના લોકોનો મેસેજ પણ આવ્યો...'શુભ આશિષ, ઝાઝું જીવો, સુખે જીવો , સહીસલામત મંગળ પહોંચ્યા એની અંતરથી ખુશી થઈ....તમારા ખુદના મંગલગ્રહ પર પહોંચ્યા એની...
એ અજાણ્યા મંગળવાસીને મેં જોયો જ નહોતો.. અમારામાં રિવાજ વર-કન્યા પહેલી રાતે જ એકબીજાને જુએ. આખા લગ્નમાં એનું મોઢું સતત રોબર્ટની જેમ ઢંકાયેલું હતુ. હવે તો એના ગૃહ અને ગ્રહ પર ગયા એટલે જેવું એને એનું લોખંડી ખોભરૂં ઉતાર્યું કે હું......તો એને જોતી જ રહી ગઈ...
'નાક, કાન અને હોઠની જગ્યાએ છીંડા....' હેં..... ભગવાન..... !!! આ શું...??? એ બોલે એટલે બધી બાજુ સાઉન્ડ સિસ્ટમના પડઘા પડે એવો અવાજ..... એણે તો મને નામથી બોલાવી. ડિયર મં........જ......રી, ઓહહ મારા ભગવાન બધે ખંજરી ખંજરી એવું સંભળાયું મને...હવે મારે આમાં છ મહિના કાઢવા કેમ ?????
મેં ફટાફટ એનો હાથ પકડ્યો અને પેલા મશીન પર એને જ ઊભો રાખી દીધો. એટલામાં તો છેક મારા ઘરે એના ફોટા પહોંચ્યા... ત્યાં તો મારી ગુજરાતણ મમ્મીનો કોલ આવી ગયો.. "શું તું પણ આવા ઈંડા, મીંડા અને છીંડા મોકલશ? કાંઈક બીજા સારા ફોટા મોકલને ! પાઉટ કરતી હોય એવા ને કમરે હાથ રાખીને ઊભી હો એવા... ત્યાં તારે કોઈ કેમ રોકે એમ છે ભલા ! હવે પારો સાતમા આસમાને ચડયો મારો !!!
મેં કહ્યું, " મમ્મી, એ તમારા જમાઈ છે??"
મમ્મી : શું વાત કરે છે મંજરી ?
હવે મને ચોખ્ખું મંજરી જ સંભળાયું. હું કાંઈ બોલું એ પહેલા ફોન પણ મુંગો... મમ્મી, કદાચ બેહોશ થઈ ગઈ હશે. ગમે એમ તો પણ મમતાળી માવડીને મંજરીની.
ત્યાં તો ટું ટૂં ટું ટૂં ...... આખા ગ્રહમાં ચાલું થયું. મેં જોયું તો મારા એ શ્વાસ લેતા હતા પાઈપથી... મને પણ પાઈપ ધર્યો. મેં કહ્યું કે હું આણામાં ઓકિસજન લાવી છું. છ મહિના પછી દે જો જરૂર પડે તો...
થોડીવાર પછી ઈ- મેલ આવ્યો, દિકરી અમારી મોટી ભૂલ થઈ..અમે તો એને અજાણ્યો પરંતુ,મંગળગ્રહનો માંગલિક જાણી તને પરણાવી... કારણ, જ્યોતિષે તને પણ માંગલિક સાથે પરણાવવાનું કહેલું. આ તો મંગળવાસી અને માંગલિક એટલે ચોકઠું ફીટ બેસાડ્યું. ચિંતા ન કર. તું એને સુધારી જ દઈશ. આપણા ગુજરાતીનું પાણી એને બતાવી દેજે. માણસ ભેગો રહ્યો નથી બિચારો એટલે એ માનસિક બિમારીનો શિકાર હોય એવું લાગે છે. તું ગાંઠિયા ખાજે ને તારી રીતે બધું સાચવી લેજે.
વિચાર કરો, શું હાલત થઈ હશે મારી !! પછી તો સાલું વિચાર આવ્યો જ કે...'આપણે ભલા, આપણું ગુજરાત ભલું અને આપણી સંસ્કૃતિ ભલી... ક્યાંય આકાશે ચડવું નથી..આ પૃથ્વી જ આપણા માટે મંગળકારી...'
હા, આ મારો એકપાત્રિય અભિનય કેવો લાગ્યો...જણાવશો.........
શિતલ માલાણી"સહજ"
૬/૧/૨૦૨૧
જામનગર