Pragati - 20 in Gujarati Fiction Stories by Kamya Goplani books and stories PDF | પ્રગતિ ભાગ - 20

Featured Books
Categories
Share

પ્રગતિ ભાગ - 20

પછી જાણીને હોય કે અજાણતા, ઇચ્છાએ હોય કે અનિચ્છાએ હોય કે પછી મરજીથી બે અઠવાડિયા પછી ડોલીની સાથે સાથે પ્રગતિ અને આયુશીના લગ્ન પણ કરાવાયા.........

બંસલ મેન્શનમાં બીજા માળની સીડી ચડીએ એટલે ડાબી તરફ પહેલો રૂમ વિવેકનો હતો. એમ કહી શકીએ કે એ તરફ વિવેકના રૂમ સિવાય બીજું કંઈ જ નહતું અથવા કંઈ બની શકે એમ જ નહતું. રૂમની શરૂઆત એક સામાન્ય બેઠક થી થતી હતી. અંદર જતા પેહલા જ ઓફ વ્હાઇટ રંગનો સોફા સેટ અને એની વચ્ચોવચ કાળા રંગની કાચની નાની ટીપોઈ હતી. ત્યાંથી ડાબા હાથ તરફ જઈએ તો ત્યાંની આખી દિવાલ પર લાકડાનો બુકશેલ્ફ હતો જેમાં જુદા જુદા દરેક પ્રકારના લેખકોની પુસ્તકો હતી. બેઠક વ્યવસ્થા અને અંગત લાઈબ્રેરી વચ્ચે ખાસ્સી જગ્યા હતી. ત્યાં બુકશેલ્ફની નજીક એક મોટું ટેબલ અને રિવોલવીંગ ચેર ગોઠવાયેલા હતા. ત્યાં ટેબલ પર લેપટોપ, સ્પીકર, હેડફોનસ, હાર્ડડિસ્ક જેવા જાતજાતના ઇલેક્ટ્રોનિક સાધનો પાથરેલ હતા. એ ટેબલની ઉપર એક નાનો શેલ્ફ બનાવાયો હતો જ્યાં આવી જુદી જુદી વસ્તુઓ મૂકી શકાય એમ હતી. આ ભાગ ને ઓળંગીને આગળ જઈએ તો બેડરૂમ અને બેઠકવ્યવસ્થા વચ્ચે લગભગ દસ એક ફૂટ જેટલી ખાલી જગ્યા હતી. ત્યાંથી ડાબા હાથ પર છેક અંદર સુધી જઇએ તો ત્યાં કાયદેસર મોટા મોટા પત્થરનું બનેલું હોય એવી ડિઝાઇન વાળું મોટું રેક હતું જ્યાં જાતજાતના શૂઝ, ચપ્પલ , ક્રોક્સ વગેરે ગોઠવાયેલા રહેતા. એ ભાગ ને આછા, થોડા જ આરપાર દેખાય એવા સફેદ રંગના પડદા દ્વારા ઢાંકી દેવાયો હતો. એની થોડે જ નજીક એક વોશરૂમ હતું અને જમણા હાથ પર અંદર સુધી જઇએ તો એક દરવાજો ખોલતા જ એક સામાન્ય બેડરૂમ જેવડું ડ્રેસિંગરૂમ અને પછી ત્યાંથી અંદર જતા એના કરતાં પણ મોટું કહી શકાય એવું એટેચડ બાથરૂમ હતું. બહારનો ભાગ અને બેડરૂમને અલગ કરતા એ ભાગ થી ત્રણ પગથિયાં ઉપર ચડીને સહેજ ઊંચો બેડરૂમ બનાવાયો હતો. ત્યાં પણ સોફા, લેઇડી, એસી અને બીજી અન્ય ઊંચકક્ષાનું જીવન જીવતા લોકોની જરૂરિયાતને પૂર્ણ કરે એવી સગવડો હતી. બેડરૂમ ક્રોસ કરીને પ્રમાણમાં નાની બાલ્કની અને બાલ્કનીની જમણી તરફથી ઉપર જતા નાની અગાશી. જે અગાશી પણ વિવેકની પ્રાઇવેટ અગાશી હતી જેનો ઉપયોગ એ ભાગ્યે જ કરતો.

આખા શરીરમાં ખૂંચતા કપડાં અને જુદા જુદા રિતીરીવાજોથી થાકીને વિવેક પહેલા ડ્રેસિંગ રૂમમાં જઈને કપડાં બદલી આવ્યો. એ જ્યારે પોતાના બેડરૂમમાં પ્રવેશ્યો ત્યારે એના પગમાં કશુંક અથડાયું. અડધી ઊંઘની અવસ્થામાં માંડ માંડ એ પોતાનું સંતુલન જાળવી રાખીને પડતા બચ્યો. એણે નીચે નજર કરી તો નીચે પ્રગતિની બે - ત્રણ બેગ્સ હતી. જેને અત્યારે ખોલવાનું ટાળવામાં આવ્યું હતું. એને માથું ઊંચું કર્યું તો નજર સીધી જ સામેના સોફા પર પડી ત્યાં એક નાનું બેગ હતું અને એની આસપાસ જાતજાતના કપડાં ફેલાયા હતા હા એ બધા પ્રગતિના જ હતાં. એમાં હમણાં હમણાં પ્રગતિને જે લાલ રંગના વસ્ત્રોમાં જોઈ હતી એ ઘાઘરો અને ચૂંદડી પણ આમતેમ પડ્યા હતા. એ થાકીને આવી હતી છતાં એણે એટલુ તો ધ્યાન રાખ્યું જ હતું કે એવા કોઈ કપડાં બહાર ન પડેલા રહે જેને ખરેખર બહાર ન રહેવું જોઈએ. આ બધાથી ધ્યાન હટાવી વિવેકએ પ્રગતિ પર નજર કરી. લાઈટ ગ્રે રંગના સાદા નાઇટસૂઇટમાં એ પલંગ પર બેઠા બેઠા કદાચ સુઈ ગઈ હતી. વિવેક ફરીને બીજી તરફ જઈને બેઠો. પ્રગતિ સુઈ રહી હતી. વિવેક બે ઘડી એને જોઈ રહ્યો......એના ખુલ્લા વાળ એના ચહેરા પર આવીને એની આંખ અને એના સુંદર આકાર ધરાવતા હોઠ પર આવતા હતાં. વિવેકને મનોમન એના વાળની ઈર્ષા થઈ આવી. " ઉફ્ફ....! " આ માસૂમ ચહેરો જોઈને એને ગજબ આનંદ મળતો હતો. આ દ્રશ્ય જોઈને વિવેકનો લગભગ આખા દિવસનો થાક ઉતરી ગયો. અચાનક જ વિવેકને આ જ માસુમિયત પરથી કંઈક યાદ આવ્યું.......

રોહિત અને આયુ પોતાના રૂમમાં એકસાથે જ દાખલ થયા હતા. આવીને રોહિત સીધો જ પલંગ પર પડી ગયો હતો. એને એટલી તો ઊંઘ આવતી હતી કે એનામાં કપડાં બદલવાની તક ત્રેવડ નહતી. આયુ શાંતિથી નાહીધોઈ, બહાર આવીને પોતાના ભીના વાળ સાફ કરી રહી હતી. એને અચાનક કંઈક સુજ્યું. એ રોહિતની નજીક ગઈ અને બંને હાથે પોતાના વાળ પકડીને સુતેલા રોહિતના ચહેરા પર નીચોવી લીધા. રોહિતનો ચહેરો તો આખો ભીનો થયો જ ઉપરથી પહેલેથી જ ડંખ મારતા કપડામાં પાણી પણ ઘુસ્યું. એ બરાબરનો અકળાયો હતો ને સામે ઉભેલી આયુનું ખડખડાટ હાસ્ય બંધ થવાનું નામ નહતું લેતું.

" શું તું પણ....આવી રીતે કોણ રોમાન્સ કરે...." એણે પોતાના ચહેરા પર હાથ ફેરવીને થોડું પાણી સાફ કર્યું અને બેઠો થયું.

" તમને કોણે કહ્યું કે હું રોમાન્સ કરું છું....." આયુ હજુ હસી રહી હતી. એને પોતાની ફેવરિટ અને પ્રમાણમાં કમ્ફર્ટેબલ એવી ગોઠણથી એક વેંત ઉંચી વ્હાઇટ કલરની નાઇટી જ પહેરી હતી.

" અચ્છા...." રોહિતએ નજીક જઈને એણે કમરમાંથી પકડીને પોતાની નજીક ખેંચી. " તો શું કરતા હતા તમે....? " તાજા તાજા ધોયેલા વાળમાંથી આયુના ચહેરા પર આવેલી પાણીની બુંદો ને પોતાના અંગુઠાથી સાફ કરીને રોહિતએ કહ્યું અને પછી આયુની વધુ નજીક ગયો એના અને આયુના હોઠ વચ્ચે જરા પણ અંતર બચ્યું નહતું. રોહિતની પક્કડ મજબૂત થઈ એને આયુને એક તસતસતું ચુંબન કરી નાખ્યું.

" મમ્મ...." હજુ તો રોહિત આ ક્ષણને માણે એ પહેલા એનામાં હતા એટલા જોરથી આયુએ એને ધક્કો મારીને દુર કર્યો અને રોહિત સહજ રીતે બિસ્તર પર પડી ગયો.

" ફ્રી માં ફાયદો નહીં લેવાનો " કહીને આયુ હસી. " આમપણ નહીં લઈ શકાય....મેં તો એટલે ઉઠાડ્યું કે આ કપડાં તને ખાય જાય એ પેહલા તું જ કાઢીને ફેક.....જા" એણે બાથરૂમ તરફ ઈશારો કરતા કહ્યું.....

ફેશન હાઉસમાં શુટીંગના પેકઅપ જેવો માહોલ હતો. બધા જ કર્મચારીઓ પોતપોતાની રીતે પોતાનો સામાન ગોઠવીને નીકળી રહ્યા હતા. શ્રેયા પણ ડિસ્પ્લે રૂમ લોક કરી ચુકી હતી અને બસ એની મિત્ર કે જે રીસેપ્શનિસ્ટ હતી એની રાહ જોઈ રહી હતી. હવે આ બંને સિવાય એક વિવેક જ ઓફિસમાં હતો એ પણ કોઈ કારણ વગર પોતાની ઓફિસમાં પુસ્તક લઈને બેઠો હતો. કોણ જાણે એને શેમાં રસ પડ્યો હતો કે 6 વાગી ગયા હતા છતાં એને પુસ્તક છોડવાનું મન નહતું થતું. આવા સમયે ફેશન હાઉસના ગેટ પર એક રીક્ષા આવીને ઉભી રહી. કુર્તિ લેગીન્સ પહેરેલી અને હાથમાં એક નાનું પર્સ લઈને એક છોકરી રિક્ષામાંથી ઉતરી. એણે રિક્ષાવાળાને પૈસા આપ્યા.એ દરવાજો ખોલી અંદર જઈને સીધુ જ વિવેકની ઓફિસ તરફ ગઈ. બહાર બેઠેલી શ્રેયા અને મહદ અંશે પોતાના કામમાં સંડોવાયેલી પેલી રીસેપ્શનિસ્ટ નિશા પણ આ જોઈને પોતપોતાની રીતે પરિસ્થિતિનું આંકન કરતી હતી.

દરવાજા પર પુરજોશથી કોઈ ટક ટક કરી રહ્યું હતું. ગંભીર રીતે પુસ્તકમાં સંડોવાયેલા વિવેકની તંદ્રા જ્યારે બે ચાર વાર ટકોરાના અવાજો થયા ત્યારે તૂટી.

" કમ ઇન...." કહ્યું તો ખરું પણ આ સમયે કોણ હશે એવી એને પણ નવાઈ લાગી. પેલી છોકરી અંદર આવીને વિવેકની સામે ઉભી રહી.

" આયુશી....રાઈટ....." વિવેકએ એક એક શબ્દ લંબાવીને કહ્યું અને પછી બુકમાર્ક ગોઠવ્યા વગર એ કિતાબ બંધ કરી દીધી અને ઉભો થયો. એક ફૂલ જેવી કુમળી આયુ જે હંમેશા ખીલેલી રહેતી હતી... અત્યારે એ આયુની આંખો સોજી ગયેલી હતી. જે પરથી આ છોકરી કેટલી હદ સુધી રડી હશે એનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય એમ હતો. જે ચહેરો ગમે ત્યાં ગમે તેની સામે ઝુકતો નહિ એ ચહેરો આજે પણ એમ જ હતો છતાં એમાં કંઈક ન સમજાય એવું હતું.

" અત્યારે......? બેસ ને...." વિવેકએ આયુને કમ્ફર્ટેબલ ફિલ કરાવા ટ્રાય કરી.

" મારે તમને થોડા સવાલો પૂછવા છે...." આયુના અવાજમાં મક્કમતા હતી.

" પૂછો...."

" તમે મારી બહેન સાથે છેલ્લા થોડા સમયથી જ કામ કરો છો રાઈટ ? " આયુએ પહેલો પ્રશ્ન કર્યો.

" રાઈટ...." વિવેકને થોડોક અંદાજ થતો હતો કે વાત કઈ તરફ વળવાની છે છતાં એને સંયમથી ઉત્તર આપ્યા.

" તમે એને પસંદ પણ કરો છો રાઇટ....? " આ સવાલ આયુશીએ વિવેકની આંખોમાં જોઈને પૂછ્યો. પોતે પકડાય ન જાય એ માટે વિવેકએ પોતાની નજર સહેજ ઝુકાવી.

" અ... હા એટલે....." વિવેક શાયદ સ્પષ્ટતા કરતા ડરી રહ્યો હતો.

" જુઓ....મિસ્ટર વિવેક બંસલ મને ઉલટી સીધી વાત કરતા આવડતું જ નથી. તમે પેહલા જ દિવસથી ઓળખો છો મને.....હા કે ના ? " આયુશી હજુ એટલી જ મક્કમ હતી પરંતુ આ વખતે સ્પષ્ટ વક્તા તરીકે એનામાં રહેલી તોછડાઈથી હટીને સહેજ પરિપક્વતાની ગંધ આવતી હતી.

" હા....ચોક્કસ. " વિવેકએ કહ્યું. " તો ? " એણે પૂછ્યું.

" તો ? જીવનભરનો સાથ આપવાની કમિટમેન્ટ કરશો મારી બહેન સાથે ? " વાત ફેરવ્યા વગર આયુએ પૂછ્યું. વિવેકને અંદાજ હતો કે કદાચ આયુ રોહિત વિશે કંઈક વાત કરવા આવી હશે પરંતુ આ તો કંઈક અલગ જ થઈ રહ્યું હતું. આવી પરિસ્થિતિમાં પણ આયુની આટલી સ્પષ્ટતા જોઈને વિવેકને નવાઈ લાગી હતી. એ પછી આયુએ બે કલાક ત્યાં ગાળ્યા હતા. પોતાના ઘરની પરિસ્થિતિ, પોતાની બહેનનું ત્યાગ ને આ બધા સ્ટ્રેસની એણે લગભગ ધ્રુસકે ધ્રુસકે રડીને વિવેક સામે ફરિયાદ કરી હતી. પછી વિવેકએ જ સુમિત્રાબેન સાથે પ્રગતિના ઘરે જવાની વાત કાઢી હતી. આ ઘટના રોહિત અને વિવેકની મુલાકાત અને સુમિત્રાબેનની પ્રગતિના ઘરની મુલાકાત લીધા વચ્ચે થઈ હતી જેની જાણ હજુ સુધી માત્ર વિવેક અને આયુને જ હતી. રોહિતને પણ નહીં.....

અત્યારે પણ પ્રગતિનો માસૂમ ચહેરો નિહાળી રહેલા વિવેકને આંસુંઓથી ભરાયેલ આયુનું મુખ યાદ આવી રહ્યું હતું. આયુશી આવી હતી ત્યારે તો એકદમ સ્પષ્ટ હતી હંમેશાની જેમ જે હોય તે કહી દેવાનું પરંતુ ધીરે ધીરે લાગણીઓમાં ભીંજાયને એ રડવા લાગી હતી આવી રીતે વિવશ થયેલી આયુ વિવેકએ પહેલીવાર જોઈ હતી. એ સમયે એણે હા તો પાડી હતી પરંતુ એને ખ્યાલ હતો કે પ્રગતિને આ સંબંધ સ્વીકારવામાં થોડો.....આમ તો ઘણો સમય લાગવાનો હતો......અચાનક જ વિવેકની તંદ્રા તૂટી. એનું ધ્યાન પડ્યું કે પ્રગતિ બેઠા બેઠા જ સુઈ ગઈ હતી એટલે એની ડોક આડી હતી. વિવેક એની નજીક જઈ એને બરાબર સુવડાવા ગયો. વિવેકના હાથ પ્રગતિના બાવડા પર અડયા ત્યારે વિવેકને પોતાની આટલો નજીક જોઈ પ્રગતિ લગભગ ડરી ગઈ હતી. એનું હ્ર્દય એક થડકારો ચુકી ગયું.

" રિલેક્સ......" વિવેકએ એને છોડી દીધી ને દૂર જતો રહ્યો.

" તું આખી રાત આમ સુઇશ તો ડોક દુઃખી જશે....ડોંટ વરી. બી કમ્ફર્ટેબલ. ગુડ નાઇટ "સહેજ હસીને વિવેક સીધો માથે હાથ દઈ સુઈ ગયો. પ્રગતિના શ્વાસ હજુ પણ તેજ હતા. એ ધીરે ધીરે પડખું ફરીને વિવેકની વિરુદ્ધ દિશા તરફ મોઢું કરીને સુઈ ગઈ.

દસ મિનિટથી અરીસાની સામે ઊભા રહી ડ્રાયરથી વાળ સૂકવીને થાકેલી આયુ પલંગ પર સુવા ગઈ ત્યારે જ રોહિત વાળમાં હાથ ફેરવતો ફેરવતો બહાર નીકળ્યો.

" ઓહહ....મા...." ચાદર ખેંચીને આયુએ પગ ઊંચા કર્યા અને પોતાની કમર પલંગ પર સીધી કરી.

" થાકી ગઈ....." બાજુમાં આવેલા રોહિતએ આયુના માથા પર હાથ ફેરવતા કહ્યું. કંઈ જ બોલવાની તાકાત નહતી બચી એટલે આયુએ માત્ર આંખો મીચકારી હામી ભરી.

" સુઈ જા...." રોહિતએ આયુના માથા પર એક હળવી કિસ કરી અને પછી પોતે પણ એના પડખાંમાં સુઈ ગયો......
To be Continued

- Kamya Goplani