પ્રકરણ- અઢારમું/૧૮
‘આ સ્ત્રીને ઓળખો છો.’
પાંચ થી દસ સેકંડ જોયા પછી લાલસિંગ બોલ્યા
‘ના.. નથી ઓળખતો.’
‘ક્યાંય જોઈ હોય એવું યાદ આવે છે ? કુસુમે ફરી પૂછ્યું
તેની યાદદાસ્તને ઢંઢોળતાં....વીજળીનો કરંટ લાગ્યો હોય એમ સડક દઈને સોફા પરથી ઉભાં થતાં લાલસિંગ ઊંચાં અવાજે બોલ્યા...
‘આ... આ તો... રાણી છે. હા.. હા .. આ રાણી છે.
લાલસિંગના મોઢામાંથી આશ્ચર્યઆઘાત જેવા બિહેવિયર સાથે રાણી સામે જોઈને જે ઉદ્દગારો સરી પડ્યા તે જોઇને તરુણાએ કુસુમની સામે જોઈને નવાઈ સાથે પૂછ્યું,
‘કોણ છે આ રાણી ?’
માર્મિક હાસ્ય સાથે કુસુમ લાલસિંગની સામું જોઇને બોલી,
‘એ તો હવે લાલસિંગ પુરેપુરો અને પારદર્શક પરિચય આપે તો ખબર પડે. એમણે લાલસિંગને મળવું હતું, એટલે મેં તો રૂબરૂ કરાવી આપ્યા.’
‘અરે.. અરે.. કુસુમ.. આ રાણી તને જડી ક્યાંથી.. ? આ રાણીને શોધવા માટે તો મેં કેટલા ધમપછાડા કર્યા હતાં, તને શું કહું ? કેટકેટલાં માણસો ચારે દિશામાં દોડાવ્યા હતા આની પાછળ. દિવસ રાત જોયા વગર આ રાણીની ભાળ મેળવવા તો મેં આકાશ પાતાળ એક કરી નાખ્યાં હતા પણ....અંતે ન મળી તે ન મળી.. અને આજે આ રીતે.. અચનાક મારા જ ઘરમાં એક ચમત્કારી દિવ્યાત્માની જેમ કયાંથી અને કેમ કરીને પ્રગટ થઇ ..?
સહર્ષ અશ્રુ સાથે આટલા ગળગળા અને ભાવુક થયેલા લાલસિંગનું આવું સોહાર્દ સ્વરૂપ આટલા વરસોમાં કુસુમ પહેલીવાર જોઈ રહી હતી. અતિ ઉત્સાહના આવેશમાં સજળનેત્ર સાથે સહજભાવે સ્ફુરિત લાલસિંગના શબ્દોમાં સહાનુભુતિની સરવાણી સરી રહી હતી.
‘આ વાત કેટલાં વર્ષ પહેલાંની છે ? તરુણાએ લાલસિંગને પૂછ્યું.
‘આશરે બે દાયકા પહેલાની... સમજીલે ને કે કદાચ તારા જન્મ પહેલાંની.’
લાલસિંગે જવાબ આપ્યો.
‘પણ.. કદાચને એ સમયે પણ તમે આર્થિક રીતે આટલા જ સદ્ધર હશો જ ? અને તમે જ હમણાં કહ્યું કે દિવસ-રાત આકાશ પાતાળ એક કરીને કેટકેટલાં માણસો દોડાવ્યા હતાં આમની પાછળ, છતાં તમે તેનો કોઈ પત્તો ન મેળવી શકયા તો, આજે આ સામાન્ય લાગતી સ્ત્રીએ તમને આટલા વર્ષો પછી કઈ રીતે શોધી કાઢ્યાં ?’
તરુણાએ તેની સદાબહાર સ્ટાઈલથી લાલસિંગ પ્રત્યે શંકાશીલ લાગતી તેની રગ દબાવતાં પૂછ્યું.
‘અરે... એટલે તું એમ કહેવા માંગે છે.. કે હું જુત્ઠું બોલી રહ્યો છું એમ. ? અને અડધી રાત્રે એ ભાગી છુટી હતી. એટલે મારે જ તેને શોધવાની હોય ને.. એ મને શા માટે શોધે ? નવાઈ સાથે લાલસિંગ તરુણાની સામે જોઈને બોલ્યા..
‘ભાગી છુટી ? અડધી રાત્રે પણ કેમ ? કયાંથી ? તરુણાએ પૂછ્યું
‘અરે... બધી જ વાતની સ્પષ્ટ ચોખવટ થઇ ગઈ પછી જ સોદો નક્કી થયો હતો આ રાણી સાથે, અને પછી.. કોઈપણ જાતની જાણ કે ચર્ચા વગર ફરાર થઇ જવાનું કેટલું વ્યાજબી છે ? હવે તું જ આ રાણીનો પક્ષ લઈને તેને પૂછ એટલે મને પણ ખબર પડે કે....તેને શું પેટમાં બીજો શેનો દુઃખાવો હતો.’
‘સોદો ? અને બીજો દુઃખાવો એટલે...હું સમજી નહીં.. ? એમની જોડે આપણે પછી વાત કરીશું, પહેલાં તમે મૂળ વાત કરો એટલે ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
‘જો તરુણા... મારે આ રાણી સાથે એક અંગત બાબતને લઈને રાણીએ નક્કી કરેલી એક રકમ સાથેનો સોદો નક્કી થયો હતો..પણ બધું જ ફાઈનલ થઇ ગયા પછી... એ ગાયબ થઇ ગઈ ? લાલસિંગ બોલ્યા.
‘તમે રાણીને એ સોદાના અવેજીમાં રકમ આપી દીધી હતી ? તરુણાએ પૂછ્યું
‘એ રાતોરાત ભાગી છુટી તો હું કંઈ રીતે રકમ આપું ? અને કદાચને તેના મનમાં મારી જાહોજલાલી જોઇને તે સોદાના પ્રમાણમાં બમણી રકમની લાલચ જાગી હોત તો હું એ પણ આપવાં તૈયાર હતો..’
‘એ સોદા માટે કેટલી રકમ આપી શક્યા હોત લાલસિંગ ? તરુણાએ પૂછ્યું
‘રાણી ધારી ન શકે એટલી રકમ ? લાલસિંગે વટથી જવાબ આપ્યો
‘લાલસિંગના આ છેલ્લાં વાક્ય માટે તમારું શું મંતવ્ય છે ?
તરુણાએ કુસુમ સામે જોઈને પૂછ્યું.
‘લાલસિંગ સાચું જ કહે છે, તરુણા. લાલસિંગ તેના અંગત માટે કોઈપણ કિંમત, કોઇપણ ભોગે આપી જ શકે એમાં કોઈ બેમત નથી.’
કુસુમે લાલસિંગની સામે જોઈને તરુણાને જવાબ આપ્યો.
લાલસિંગની નિષ્ઠાના ભારોભાર ભરોસા જેવા સ્તુતિગાન સમાન કુસુમના ભારેખમ નિવેદનથી પોરસાઈ રહેલા લાલસિંગ તરફ થોડીવાર જોઈ રહ્યા પછી તરુણા એ કુસુમ તરફ જોઈને માર્કિક હાસ્ય સાથે સોફા પરથી ઉભાં થઈને....તેના જીન્સના પોકેટમાંથી એક અત્યાધુનિક મીની રિવોલ્વર કાઢીને કુસુમના લમણે ધરતાં બોલી,
‘હવે બોલો.. લાલસિંગ... આ તમારા કહેવાતા એકમાત્ર અંગત માટે શું કિંમત ચૂકવશો.. ?
એક જ સેકન્ડમાં ડ્રોઈંગરૂમમાં સનસનાટીભરી સ્તબ્ધતા વ્યાપી ગઈ...શાંત ચિતે ચાલતો વાર્તાલાપનો દોર તરુણાના વિસ્ફોટક વર્તનથી ૩૬૦ ડીગ્રી પર ફરી ગયો અને.. લાલસિંગ, કુસુમ અને રાણીના દિમાગ અચાનક એક ભેદી ચાલ જેવા ભડાકાથી જાણે કે સાવ સૂન થઇ ગયા. તરુણાએ તેની અસાધારણ તામસી પ્રકૃતિનો પરિચય આપવા કાઢેલી ફટાકડી સાથે તરુણાનો અનપેક્ષિત સવાલ સાંભળતા સૌના હોંશ ઉડી ગયા. તરુણાના અતાર્કિક અને અનુચિત વર્તણુકથી ભયભીત લાલસિંગ થોથવાતી જીભે માંડ માંડ એટલું બોલી શક્યા કે,
‘પપપ...ણ.. તત..તરુણા....આઆઆઆ... કુસુમ તો મા..મારો જીવ છે.. જીવની કિંમત કે...સોદા ન હોય..’
લાલસિંગ આટલું બોલતા જ.... હજુ તરુણાએ તેના ગુસ્સાની ચરમસીમા તોડીને હજુ લાલસિંગને તમાચો મારવા હાથ હાથ ઉગામ્યો... ત્યાં જ વીજળી વેગે.. રાણી તરુણાનો હાથ ઝાલીને... બીજા હાથે... તરુણાના ગાલ પર એક ચોટદાર થપ્પડ ચોડી દેતાં ઊંચાં અવાજે બોલી....
‘એએએએએએ....એય છોડી...... બસ.............., બાપ ના બાપ ન થવાય.’
થપ્પડની ગુંજ કરતાં શબ્દાર્થની ગુંજ અને ગૂઢતાથી જાણે કે લાલસિંગની સલ્તનતના પાયા હલબલી ગયા. રાણીના તીખાં તેઝાબી ચાબખાં જેવા ઘાતક શબ્દની તીવ્રતા અને તીક્ષ્ણતાથી લાલસિંગ ને થયું કે...એક સાથે ખુંપેલા હજ્જારો તીરોની વેદનાથી તે પીડાઈ રહ્યો છે. રાણીના બેધારી તલવાર જેવા બયાનથી થોડીવાર માટે લાલસિંગ લગભગ મૂર્છિત અવસ્થામાં જતા રહ્યા હોય એવું લાગ્યું.
તરુણા એ કુસુમ તરફ જોતાં કુસુમે લાલસિંગને પાણી પીવડાવ્યું.. પછી લાલસિંગના જીવમાં જીવ આવ્યો.
એ પછી મહા મુશ્કિલથી તેના મર્યાદા બહાર છટકવા જઈ રહેલા મિજાજના મિજાગરાને અંકુશ કરતાં તરુણા ગુસ્સામાં બોલી
‘મહેરબાની કરીને આજે મને કોઈ રોકશો નહીં..વરસોથી બાંધેલા બંધનના બાંધને આજે તૂટી જ જવા દો અને હું એ જ માંગું છું, જે સિનાજોરીથી મારાથી મારો જન્મસિદ્ધ અધિકાર રીતસર છીનવી લેવામાં આવ્યો છે...એ જ માંગી રહી છું’
લાલસિંગની સામે જોઇને તેની ભીતરનો ધગધગતાં લાવારસ જેવો ઉકળાટ ઓકતાં તરુણા બોલી
‘કેમ જીવના સોદા ન હોય ? તો તમે આ રાણી સાથે શેનો સોદો કર્યો હતો ? તમે જ મન વગર તમારી તન અને ધનની ગરમીથી એ સોદો નક્કી કર્યો હતો ને ? પણ આ અભણ અને લાચાર સ્ત્રીને લાલચ આપીને મજબુર કરી હતી. એ તમારાં કહેવતાં અંગત સંબધ માટે. પણ... લાલસિંગ એક એવી સ્ત્રી કે જેની પાસે તેનું તન ઢાંકવા ઢંગના પૂરતાં બે જોડી લૂગડાં નહતા અને માથે છત નહતી એ સ્ત્રીના ખૂનની ખાનદાની સામે તમારા ખાનદાની ખજાનાનો પનો ટૂંકો પડ્યો. આજે તમારી આંખમાંથી જે આ દડદડ આંસુડા પડે છે તેનું એક જ કારણ છે કે, તમે તમારી જિંદગીમાં સત્તા, સફળતા, સંબંધ, સમજણ, સલામતી, સિદ્ધાંત, સ્નેહ, સ્વાર્થ, સ્વાભિમાન, સ્ત્રી અથવા સંભોગ....આ દરેકની એક કિંમત નક્કી કરી રાખેલી છે. પણ.. આજે આજે આ બે સ્ત્રીઓ.. એમાં એક ને તમે ડોબી સમજો છો.. અને બીજીને અભણ તેણે લાલસિંગની કિંમત તેની જ નઝરમાં ઝીરો કરી નાખી. મને તમારી આ હાલત જોઇને.. તમારાં પર દયા નહીં પણ હસવું આવે છે..કે, લાલસિંગને ઢંગથી રીતે રડતાં’ય નથી આવડતું.’
‘છોડી....હવે તું થોડી ખમી ખાં. થોડો શ્વાસ લે. લગીર એ મોટા માણસને પણ બે ઘડી બોલવા તો દે.’ તરુણાનો હાથ ઝાલીને સોફા પર બેસાડતાં ભીની આંખે રાણી બોલી.
અને પછી કુસુમે તરુણાના હાથમાં પાણીનો ગ્લાસ ધર્યો.
રૂમમાં જાણે કે સન્નાટાની સુનામી છવાઈ ગઈ. લાલસિંગની બુદ્ધિ જાણે કે બુઠ્ઠી થઈને બહેર મારી ગઈ. શબ્દોચ્ચાર પહેલાં જીભના લોચા વળવા માંડ્યા. આંખે અંધારા આવવા લાગ્યા. એક ક્ષણ માટે લાલસિંગને થયું કે.. તેનું શરીર જાણે કે જીવ વગરનું ખોળિયું થઇ ગયું હોય. તરુણા સામે બે હાથ જોડીને અશ્રુધારા સાથે માંડ માંડ બોલવાની કોશિષ કરતાં લાલસિંગ બોલ્યા....
‘મમ...મને મામા...માફ કરી દો..’
આ જોઇને તરુણા બોલી...
‘મને નહીં... જેની સાથે તમે અંગત સોદો કર્યો હતો... તેની પાસે માફી માંગો... એ તમને માફ કરી દેશે.. હું નહીં.’
‘તરુણા... તને લાજ નથ આવતી આવડા મોટા માણસને કેતા કે મારી માફી માગે ?
રાણી બોલી.
‘માફ ન કરે તો કઈ નહી પણ મહેરબાની કરીને મને મારી વાત કહેવાનો મોકો તો આપ. પછી તું જે કહે એ મને મંજૂર છે, બસ.’
સાવ ગળગળા થઈને દયામણ ચહેરે લાલસિંગ બોલ્યા.
‘મતલબ કે તમારી ગરજ સરે એટલા માટે મને ગધેડો બનાવો છો એમ ?
તરુણાએ વધુ એક વ્યંગબાણથી વીંધતા લાલસિંગને પૂછ્યું.
પ્રત્યુતરમાં લાલસિંગે તરુણા સામે ચુપકીદી સેવીને માત્ર હાથ જ જોડ્યા...
‘તમ તમારે જે કેવુ હોય ઈ બોલો શેઠ... આજે તો હુય એ જ સાંભળવા આવી છું.’
રાણીએ લાલસિંગને કહ્યું.
પછી ભીની આંખોની કોરને લુંછતાં લાલસિંગનો હાથ પકડતાં કુસુમ તેની આંખોમાં જોતા બોલી...
‘લાલ...આજે દિલ ખોલીને હળવા થઇ જાઓ બસ...’
પાણીનો આખો ગ્લાસ ગટગટાવ્યા પછી બે મિનીટ ચુપ રહીને લાલસિંગ બોલ્યા...
‘આશરે... બે દાયકા પહેલાંની આ વાત છે.....’
એમ કહીને લાલસિંગ એ સૌને તેના અકબંધ અતીતીકક્ષના બારણાંના આગળા ઉઘાડીને પ્રવેશ કરાવતાં બોલ્યા....
લાલસિંગ અને કુસુમ દાંપત્યજીવનમના પ્રેવેશ્યાંના સાત વર્ષ બાદ..
રાત્રીનો સમય થયો હશે આશરે દસ પછીનો. આજે લાલસિંગ તેના મૂળ સ્વભાવગત કરતાં કરતાં કંઇક વધુ જ વ્યથિત અને ચિંતિત લાગતાં બેડરૂમના સોફા પર બેસેલાં લાલસિંગની બાજુમાં જઈને પૂછ્યું,
‘શું થયું છે લાલ ? આજે કેમ આટલા ડીસ્ટર્બ લાગો છો ? રાજકારણમાં કંઈ નવી ઉથલપાથલ થઇ છે કે થવાની છે ?
કુસુમની સામે જોયા પછી એક ઊંડો નિસાસો નાખ્યા બાદ લાલસિંગ બોલ્યા..
‘કુસુમ..રાજકારણની તો ગેમ તેવી આંટી-ઘૂંટી ને હું ઘોળી ને પી જાઉં એમ છું પણ...
આ મારા ગળામાં ગાળિયો બનીને સાલવાયેલો કાયમી કચવાટનો કડવો ઘૂંટડો ક્યાં સુધી ટેકવી રાખવો ?
કુસુમ થોડીવાર માટે ચુપ થઇ ગઈ.
‘લાલ.. તમે મને બધું જ આપ્યું.. નામ, ઈજ્જત, સુખ, સંપતિ પણ.. તેના બદલામાં હું તમને એક વારસદાર ન આપી શકી..લગ્નજીવનના સાત સાત વર્ષ પછી પણ સ્ત્રીના સંસારીક જીવનનું સર્વ શ્રેષ્ઠ એવા માતૃત્વ સુખથી વંચિત મારા ખાલી ખોળાની પીડાના ચિત્કારના ડૂમાને ક્યાં સુધી ધરબી રાખું ? તમારા નામ, પદ, પ્રતિષ્ઠા પર નિયતિએ લગાડેલાં આ નિસંતાનના ગ્રહણનો દાગ હું નથી મિટાવી શકતી. અને.. તેમ છતાં મેં તમારી સામે રાજીખુશીથી તમને બીજા લગ્ન કરી લેવાનો પ્રસ્તાવ પણ મુક્યો છે. તમને જો પિતૃત્વનો પરમાનંદ મળતો હોય તો હું મારી કોઈપણ ખુશીનું હસતાં મોઢે બલિદાન આપવા ગમે ત્યારે તૈયાર છું લાલ..’
‘ના, એ તો કોઇકાળે નહીં જ બને, હું એક ભવમાં બે ભવ તો નહીં જ કરું. એ વાત મને પહેલાં પણ મંજૂર નહતી અને ક્યારેય મંજૂર નહી જ કરું.’ લાલસિંગ બોલ્યા.
‘તો.. તો પછી લાલ. ક્યાં. ક્યાં.. સુધી આ શેર માટીના ખોટની વેદના હું તમારી આંખોમાં વાંચ્યા કરીશ ? કંઇક તો... સમાધાન હશે ને આ સમસ્યાનું ? કુસુમે પૂછ્યું.
‘સમાધાનનું એક અનુસંધાન મળ્યું છે...પણ તારી પાસે તેની રજૂઆત કરતાં મારી જીભ નથી ઉપડતી કુસુમ.’ નિરાસા સાથે લાલસિંગ બોલ્યા.
‘અરે મારા લાલ... તમારો ચહેરો જો સદાય હસતો રહે તો હું મારો જીવ આપતાં પણ નહીં અચકાઉં. બસ.. એક વાર કહી તો જુઓ.’
લાલસિંગ અખંડઆનંદ માટે લાગણીના આવેશમાં અડધી અડધી થઇ જતાં કુસુમ બોલી.
થોડીવાર ચુપ રહીને લાલસિંગ બોલ્યા,
‘આવ અહીં બેસ..મારી બાજુમાં. મને મારા એક સાવ અંગત અને ગાઢ મિત્રએ આપેલી સલાહ હું તારી સામે વ્યક્ત કરીને તારું મંતવ્ય જાણવા માંગું છું. કે, એ પગલું કેટલું વ્યાજબી અને સાલમતી ભર્યું છે ?
‘એ મિત્રનું કહેવું એમ છે કે, માત્રને માત્ર મારા સંતાનસુખ માટેના કરાર હેઠળ કોઈ એક નક્કી કરેલી રકમની અવેજીમાં જો કોઈ વિશ્વાસપાત્ર સ્ત્રી સયુંકત સંમતીથી આ વિષમ વિષયભોગને ભોગવીને... મને સંતાન આપવા માટે સ્વેચ્છાએ સ્વીકૃતિ આપે તો...’
આટલું માંડમાંડ બોલ્યા પછી લાલસિંગ અટકી ગયા...
એક સેકન્ડ માટે કુસુમને એક ધક્કો લાગ્યાની સાથે એવી લાગણી થઇ કે જાણે તેના અર્ધાગિનીના એકાધિકાર પર કોઈએ તરાપ મારીને તેના કુંવારા એકપત્નીના ઈજારાનું સરેઆમ કોર્ટ માર્શલ કરી નાખ્યું હોય. પણ.. બીજી જ પળે તેની શૂળ જેવી પીડા અને ભીતરના રુદનને તેના ખડખડાટ હાસ્યની આડમાં હડસેલતાં બોલી..
‘અરે.. મારા લાલ.. બસ.... આટલી જ વાત હતી ? મારા લાલ.. તમારા સ્મિત માટે હું નિમિત બનું એ તો મારું સૌભાગ્ય છે. જો તમે આ વિચાર સાથે સંમત હોય તો તમારા કરતાં મને વધુ ખુશી થશે..’
જેમ જેમ એક એક શબ્દ સાથે કુસુમનું કાળજું કોતરાતું ગયું તેમ તેમ લાલસિંગના ચહેરાની લાલી અને સ્મિત વધતાં ગયા.
‘પણ.. કુસુમ, આપણી તમામ શરતોને આધીન થઈને કઈ સ્ત્રી આ પગલું ભરવા માટે રાજી થાય ? લાલસિંગે પૂછ્યું.
‘જુઓ લાલ.. હું તમારી આ સલ્તનતના ચાર દીવાલો વચ્ચેની રાણી. બહારના દુનિયાની મને કોઈ ગતાગમ નથી. એટલે આ અભિમન્યુના કોઠા જેવા કોયડાનો ઉકેલ તો તમારે જ લાવવાનો છે. પણ.. તમારી શું શું શરતો છે એ તો મને જણાવો તો કોઈ ઉપાય જડે.’ કુસુમે પૂછ્યું
‘જ્યાં સુધી એ સ્ત્રી બાળકને જન્મ ન આપે ત્યાં સુધી તેણે મારી કસ્ટડીમાં રહેવું પડશે અને એ પણ દુનિયાથી અલિપ્ત, કોઈના પણ સંપર્કમાં આવ્યાં વગર. એ પછી તેણે તેની જાતને અહીં થી એટલી દુર લઇ જવાની રહશે કે, તેનો પડછાયો પણ તેને ન પિછાણી શકે. તેની આજીવન બધી જ આર્થિક સહાયતાની સંપૂર્ણ જવાબદારી મારા શિરે. એ સ્ત્રી બાળકને જન્મ ન આપે તે સમયગાળા દરમિયાન તારે પણ મારા પ્લાન મુજબની એક સુરક્ષિત જગ્યા એ રહેવું પડશે....કેમ કે તું ગર્ભવતી છે અને એ બાળકને તે જન્મ આપ્યો છે એ આવું આપણે જાહેર કરવાનું છે. મારે કોને, કેમ, કેવો જવાબ આપવાનો છે એ મારે જોવાનું છે. બસ..મને એક તારા મંજુરીની મહોર જોઈએ..’
એક આઘાતની લાગણી સાથે કુસુમ મનોમન બોલી... મંજુરીની મહોર... માત્ર ઔપચારિકતા ખાતર ? મસ્તિષ્કમાં તો મનપસંદ મનસદનના મિનારાના નાક નકશા આકાર લઇ જ ચુક્યા છે. છતાં હ્ર્દયેશ્વરને નારાજ કર્યા વગર સસ્મિત પૂછ્યું..
‘લાલ... તમને આ સપ્સ્પેન્સ થ્રીલર જેવી પરિકલ્પનાને આટલી આસાનીથી વાસ્તવિકતાના વાઘા પહેરાવવા એ શક્ય લાગે છે..?
‘હા.. શક્ય છે, શત્તપ્રતિશત શક્ય છે, કેમ કે..કુસુમ દરેક વ્યક્તિની એક કિંમત હોય છે..પછી એ અદનો આદમી હોય કે, પછી સર્વ સત્તાધીશ કોઈ અમલદાર..પૈસાની ગરમી કોઈપણ વ્યક્તિની ‘ના’ ને ‘હા’ માં તબદીલ કરવા માટેનું એક બ્રહ્માસ્ત્ર છે. અને તેનો મારી પાસે કોઈ તોટો નથી.’
થોડીવાર લાલસિંગના સુફયાણી સાયકોલોજીના પ્રવચન સામે ચુપ રહ્યા પછી કુસુમ બોલી..
‘હંમેશા તમારી સફળતાનો સપૂર્ણ શ્રેય તમારી સંપતિ ને જ આપશો કે, કયારેક સૌભાગ્યને પણ સહભાગી બનાવશો ?
હસતાં હસતાં.. લાલસિંગ બોલ્યા..
‘એક વાત મને કહે કુસુમ કે.. મારી આ અધધધ.. અઢળક સંપતિથી શું શક્ય નથી ?
કુસુમ મનોમન માર્મિક હાસ્ય સાથે બોલી..
‘તો તો જે કામ સાત દિવસમાં થાય તેના માટે... સાત વર્ષ રાહ ન જોવી પડત.’
‘લાલ.. જો તમારું ચાલે ને તો.. તો .. તમે કુબેરને પણ તમારા હાથ નીચે કામ કરાવડાવો એમ છો. તમે જીત્યા ને હું હારી બસ.’ પરાણે હસતાં હસતાં કુસુમ બોલી.
મોડી રાત્રે લાલસિંગ નિદ્રાધીન થયાં પછી પથારીમાં પડ્યા પડ્યા કયાંય સુધી કુસુમ ચુપચાપ સરતાં આંસુ સાથે મનોમન સ્વ સાથે સંવાદ કરતી રહી.
લાલસિંગની અધધધ... અઢળક સંપતિ તેને ક્યાં અધોગતિના માર્ગે દોરી રહી છે ?
કાળા નાણાની કુબુદ્ધિથી કટાઈ ગયેલી તેની સોચ કોઈના કોખની કિંમત નક્કી કરશે ? આવા દિવસો આવી ગયાં લાલસિંગના ? સંપતિના સિનાજોરીથી છીનવેલું સંતાન સુખ તેની સાથે શું શું નહીં લાવે ? માલ મત્તા થી તમે કોઈના માતૃત્વની માયાના મૂલ ચૂકવશો ? નગદ નારાયણથી કોઈના નાળસંબંધનો છેદ ઉડાડવાના પાપમાં કોણ કોણ ભાગીદાર બનશે ? લાલસિંગ કોઈ પર સ્ત્રીના તનમાં તેના અંશની સાથે તેના પતનનું પણ પ્રત્યારોપણ કરશે.
આ ગંભીર ચર્ચાના બે દિવસ બાદ...
ખુબ જ વિશ્વસનીય સુત્રો દ્વારા એક વ્યક્તિ સાથે લાલસિંગે નક્કી કરેલા સમય અને સ્થળ પર મુલાકાત ગોઠવાઈ.. ફક્ત લાલસિંગ અને પેલી વ્યક્તિ બન્ને જ જણ.
સાવ દેશી, અભણ જેવા લાગતાં, થોડા વ્યવસ્થિત લૂગડાં પેહેરેલાં એ જુવાનને લાલસિંગે પૂછ્યું
‘શું નામ છે તારું ?
‘રણજીત.’ પેલો યુવાન બોલ્યો..
‘ક્યાં નો છે, તું ?
‘એ મૂળ તો હું બાજુના ગામડા ગામનો માણહ.. પણ રોટલા રળવા અઈ સેરમાં આયવો છું .’ રણજીતે જવાબ આપ્યો
‘અહીં ક્યાં રહે છે ? લાલસિંગે પૂછ્યું
‘એ સેરની બરોબર અમારો એક વાસ છે ઈમા.’
‘કામધંધો શું કરે છે ?
‘એ બસ તમારા જેવા શેઠ માણહની દયા થી રોટલા રળી લઇએ’
લાલસિંગ મનોમન બોલ્યો.. મોઢામાંથી ચોખ્ખે ચોખ્ખું ભસતો નથી કે ભડવો છું.
‘તને અહીં શું કામ બોલાવ્યો છે એ ખબર છે ?
‘એ હા,પણ.. શેઠ જરા પેટ છુટ્ટી વાત કરો તો મારા જેવા અભણ માણહને તમારા મોટા માણહની વાતમાં કૈક સુજકો પડે.’ રણજીતે ફોડ પડતાં કહ્યું.
એ પછી લાલસિંગે કુસુમ સાથે શેર કરેલી શરતો રણજીતને કહી સંભળાવી.
એટલે થોડીવાર માથું ખંજવાળ્યા પછી રણજીત બોલ્યો..
‘ઈ તો તમે રૂપિયા આલો એટલે ઈ તમારી હંધી વાત હો ટકા હાચી પણ, શેઠ.. હું આ ચાકરી કરુ છું ઈનો ચારજ તો મને આલશો ને ? રણજીત લાળ ટપકાવતા મૂળ મુદ્દાની વાત પર આવ્યો..
‘પણ એલા એ તો કહે કે, એ સ્ત્રી છે કોણ. ક્યાંની છે ? આ બધી મારી શરતો એ માનશે ? એને તું અહીં રૂબરૂ મારી સામે લઇ આવ અને એ એના મોઢે હા પડે તો જ આપણે આગળ વાત કરીએ સમજ્યો.’ લાલસિંગે પૂછ્યું.
રણજીતને થયું કે આ ઉતાવળી ઘોડીએ રૂપિયાની વાતનો તો છેદ જ ઉડાડી દીધો... હવે આ મગનું નામ મરી ન પાડે તો.. તો.. હું મફતમાં મરી જ જાઉં ને ? એટલે ફરી ખપ પુરતું માખણ વાપરતાં બોલ્યો,,
‘ઈ બાઈ તો બિચારી ગાય જેવી છે એમ હમજી લો શેઠ. તમ તમારે તમે જેમ કેહો ઈમ એવડી ઈ કરશે . અને મારા દુરના સગામાં છે એટલે ઈ તમે કઈ ઉપાધી કરોમા. અને તમને ઇવુ હોય તો હું તમને ઈની હરુંભરું કરવી દઉં ઈમા કઈ મોટી વાત છે, બોલો. પણ... શેઠ ઈમા ઇવુ છે કે આ મારા ચારજની વાત ઈની હામે નથ કરવાની એટલે... હમજી ગ્યા ને સેઠ...’
લાલસિંગ સમજી ગયો કે, આ હલકું અને હડકાયું લોહી.. હાડકું ચૂસ્યા વગર હા નહીં પાડે. એવું વિચારતાં પૂછ્યું.
‘બોલ, તારું કમીશન ?’
આટલું સંભળાતા તો રણજીતને એમ થયું કે, શેઠના તળિયા ચાટી લઉં. મનમાં ને મનમાં હરખપદુડો થઈને ગરબા રમવા માંડતા રણજીત બોલ્યો
‘અરે બાપલા... હવે અમે નાના માણહ બોલી બોલી ને શું બોલીએ... બસ વધારે નહીં
.. પચા હજાર આલી દેજો ને તોય અમારે તો એય ને ભયો ભયો થઈ રેહે.’
એક સેંકડ માટે લાલીસિંગને થયું કે, આ ભડવાની પૂંઠે એક એવી કચકચાવીને લાત ઠપકારું કે ગમે ત્યારે મારું નામ સાંભળતા જ તેનું ધોતિયું ભીનું થઇ જાય. વાત ગંભીર હતી એટલે તેના ક્રોધ પર અંકુશ લાવતાં લાલસિંગ બોલ્યો,
‘આપ્યા...પચાસ હજાર આપ્યા, ચાલ લઇ આવ એ ગાય જેવી બાઈ ને હમણાં અહીં.’
આટલું સાંભળતા રણજીતને તો લાગ્યું કે જાણે તેંત્રીસ કરોડ દેવતા તેના પર રીજી ગયા ગયા હોય એમ લાલસિંગને દંડવત પ્રણામ કરતાં હરખઘેલો થઈને બોલ્યો.
‘એ.. ને આઘડીએ લઇ આયો મારા શેઠ.’ એટલું બોલીને ઝટ ઉપડ્યો.
એ ગયા પછી લાલસિંગ થોડીવાર તેના તરંગી વિચારોમાં ખોવાઈ ગયો.
અડધો કલાકમાં રણજીત સાથે એક ઘૂમટો તાણેલી સ્ત્રી રૂમમાં દાખલ થઇ.
રણજીત ખુરશીમાં બેઠો અને પેલી સ્ત્રી ઉભડક પગે જમીન પર બેઠી.
‘તમને વાંધો ન હોય તો ઘૂમટો હટાવી શકો છો ?’ સ્હેજ શરમાતાં લાલસિંગે
એટલે તરત જ પેલી સ્ત્રીએ ઘૂમટો હટાવી લીધો.
લાલસિંગ તેની જિંદગીમાં પ્રથમવાર કોઈ પર સ્ત્રી સાથે આ રીતે વાત કરી રહ્યો હતો. એક જ પળમાં તે સ્ત્રીના ચહેરા પરથી લાલસિંગે નજર હટાવી લીધી. એ પછી થોડો સ્વસ્થ થઇને લાલસિંગે શરતો સાથેની માંગણીની સવિસ્તાર વાત રજુ કર્યા પછી પૂછ્યું.
‘શું નામ છે તમારું ?
થોડીવાર લાલસિંગ સામે જોઈને પેલી સ્ત્રી બોલી
‘રાણી’
-વધુ આવતાં અંકે
© વિજય રાવલ
'લાલની રાણીનું આધારકાર્ડ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484