પ્રકરણ- તેરમું/૧૩
‘કુંદન કોઠારીના પુત્ર સોહમનું અપહરણ અને તેમની પાસે મોટી રકમની ખંડણી ઉઘરાવવાના ગુન્હા સબબ તમારી સામે સ્પેશિયલી હોમ મીનીસ્ટ્રી માંથી અરજન્ટ એરેસ્ટ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.’
હજુ ક્રાઈમ બ્રાંચના અધિકારીનું વાક્ય પૂરું થાય ત્યાં સુધીમાં તો લલિત બારણાં પાસે જ ફસડાઈ પડ્યો.
એક તરફ હજુ અંતરાના અપહરણનું રહસ્ય વણઉકેલ્યુ પડ્યું છે ત્યાં, આ અચાનક વીજળીના ઝટકા જેવી ઝણઝણાટી ઉપડે એવા સનસનાટી ભર્યા સંદેશાથી મેઘના ડઘાઈ અને ગભરાતાં બોલી...
‘અરે..પણ સર. પણ આપ આ રીતે આમને ક્યા આધારે લઇ જઈ શકો ?
એ ચાર ક્રાઈમ બ્રાંચના અધિકારી પૈકીના એક મુખ્ય અધિકારી શાલીનતાની સાથે શાંતિથી મેઘનાને લલિતના એરેસ્ટ વોરંટની નકલ બતાવતાં બોલ્યો,
‘મેડમ, આ એરેસ્ટ વોરંટની કોપી. અને તમારે જે કંઈપણ રજૂઆત કરવી હોય તો અમારી બ્રાંચ પર આવવાનું રહેશે.
આટલું બોલીને બે અધિકારીઓ એ લલિતના બાવળા એથી ઝાલીને તેમની સ્કોર્પિયો એસ.યુ.વી.ની વચ્ચેની સીટ પર બેસાડી અને ચારેય અધિકારીઓ નીકળી ગયા. અને મેઘના બુત બનીને બસ બાઘાની જેમ જોયા કરી.
થોડીવાર માટે તો મેઘનાનું દિમાગ સાવ સૂન થઇ ગયું. ક્યાં જાઉં ? કોને કહું ? કોણ કુંદન કોઠારી ? કોણ સોહમ ? કોણ હશે આ લોકો અને લલિત આવડાં મોટા કંપારી છુટ્ટી જાય તેવા કાવતરાને અંજામ આપે એ વાત જ મેઘના ના ગળે ઉતરે તેવી નહતી. નક્કી આમાં ગમે તે ઘડીએ ગમે તેનો ઘડો લાડવો થઈ જવાની પુરેપુરી સંભાવના છે.
માંડ માંડ પાંચ થી દસ મિનીટ પછી મેઘના તેના અસંતુલિત અને અનિયંત્રિત ગતિમાં ઘૂમરી ખાઈ રહેલાં વિચાર વલોણાને રોકવાના પ્રયાસમાં સફળ થઇ.
અચાનક મેઘનાને જે રાત્રીએ લલિત ઈજાગ્રસ્ત થઈને આવ્યો હતો તેના બે દિવસ પછી એક અજાણ્યાં નંબર પરથી આવેલાં અજાણી વ્યક્તિ સાથેનો એ વિસ્તૃત વાર્તાલાપ યાદ આવ્યો.
અંતરાનું અપહરણ રચાયા પહેલાંનો વાર્તાલાપ.....
‘હેલ્લો...લલિત નાણાવટીના વાઈફ.. મેઘના નાણાવટી બોલો છો ?’ દમદાર ભારેખમ અવાજમાં સામા છેડેથી કોઈએ પ્રશ્ન પૂછીને વાર્તાલાપની શરૂઆત કરી હતી.
‘જી, આપનો પરિચય ? શાંતિથી મેઘનાએ પૂછ્યું,
‘પરિચય ? પળમાં જે પોતાના ને પારકા બનાવી દે તેને પરિચયની પરિભાષા કંઈ રીતે સમજાવવી ? અને આમ પણ પરિચય ખુબ લાંબો છે, મારે એટલું જ કહેવાનું છે કે, આપના પતિદેવ જે ચંડાળ ચોકડીની ચાલમાં ફસાઈને ચકરાવે ચડ્યા છે તેનો અંત બહુ ભયાનક આવશે.’
લલિત કંઈ રીતે ઈજાગ્રસ્ત થયો તેના જવાબમાં લલિતએ મેઘનાને જે ઘડી કાઢેલી વાર્તા સંભળાવ્યા પછી, લલિત પર આવતાં સતત કોલ્સ અને તેના શંકાસ્પદ વર્તન અને વાણીથી મેઘનાના મનમાં પેધી ગયેલી આંશિક શંકા હવે આ અજાણ્યાં કોલ આવ્યા પછી દ્રઢ થઇ ગઈ. અને મેઘનાને થયું કે, કદાચને આ મારો કોઈ હિતેચ્છુ હોઈ શકે.
એટલે સાવ અજાણ્યાં થઈને પૂછ્યું.
‘શું.. શું.. લલિત અને કોઈ ચંડાળ ચોકડી સાથે ? પણ માજરો શું છે ? અને ભયાનક અંત એટલે શું ?
‘જુઓ મેડમ, ગોળ ગોળ વાત કરવાં કરતાં એક દીવા જેવી સ્પષ્ટ વાત તમને કહીં દઉં. લલિત જે રસ્તે જઈ રહ્યો છે ત્યાં થી તેને માત્ર અને માત્ર તમારાં સિવાય કોઈ જ નહીં બચાવી શકે. આ મારાં શબ્દો લખી રાખજો. પણ..’
રહસ્ય ઉભું કરતાં સામે વાળી વ્યક્તિ આટલું બોલીને અટકી ગયો.
‘પણ... શું ? અધીરાઈથી મેઘનાએ પૂછ્યું
‘લલિત સીધી રીતે યા કોઈની વાતથી પાછો નહીં જ વળે. લલિતને લાઈન પર લાવવા માટે તેને એક લાઈફટાઈમ યાદ રહે એવું લેશન આપવું જરૂરી છે.’
પેલી વ્યક્તિ બોલી.
‘એ કઈ રીતે ? નવાઈ સાથે મેઘનાએ પૂછ્યું
‘જો તમારી ઈચ્છા અને મંજુરી હોય તો જ હું આગળ વાત કરું ?’
ફરી પ્રશ્નાર્થ સાથે પૂર્ણવિરામ મુકતા અજાણી વ્યક્તિ બોલી.
‘એક મિનીટ વેઇટ કરજો...’ આવું બોલ્યા પછી મેઘના ઊંડા વિચારમાં પડી ગઈ કે, માત્ર કોઈના અવાજ પરથી નામ, ઠેકાણા વગરની વ્યક્તિની વાત કેટલી
ભરોસા પાત્ર ? અને એ લલિત વિષે જે કઈ પણ જાણે છે એ વાત મેઘના માટે ગૌણ છે, પણ શંકા ત્યાં ઉપજે કે, આ રહસ્યકથાનો ઉભરો મારી પાસે ઠાલવવાનો શું મતલબ ? અને જો કોઈ હિતેચ્છુ હોય તો અત્યાર સુધી લલિતની બાબતમાં કેમ ચુપકીદી સેવી ? ફાયદો ઉઠાવે છે કે ગેર ફાયદો ? ટપોટપ બિલાડીના ટોપની માફક ફૂંટતા વિચારોના વનમાં ભૂલી પડી જાય એ પહેલાં બિનજરૂરી તર્ક-વિતર્કના તત્વમંથનને થોભાવીને મેઘના બોલી.
‘પણ મને તમે કોઈ એવી ગેરેંટી આપો કે, જેના આધારે તમારી વાત પ્રમાણભૂત છે એવું મને લાગે.’
‘હેલ્લો મેડમ, હું તમે કોઈ એ.સી. કે પંખો નથી વહેંચી રહ્યો કે મારે તમને કોઈ ગેરેંટી આપવાની હોય. જેમ મેં તમને અગાઉ કહ્યું એમ લલિત જે કાવાદાવાના દલદલમાં પડ્યો છે તેમાં લલિત તમારી દીકરી અને તમને પણ તાણતો જશે સમજ્યા... અને તમારા પુરતું પણ સીમિત નથી.. તમારી સાથે સાથે તમે અજાણતાં કોઈ જાણીતાં ને પણ લઇ ડૂબી રહ્યા છો સમજ્યા ?
લક્ષ્યવેધને આરપાર વીંધી નાખે એવા તીક્ષ્ણ તીર જેવા સટીક સવાલથી અજાણી વ્યક્તિએ મેઘનાની મનોસ્થિતિને ડામાડોળ કરી નાખી.
‘શું.. શું..લલિત, હું અને મારી દીકરીની સાથે સાથે કોઈ જાણીતા પણ ડૂબી રહ્યા છીએ એટલે ? આ તમારી દીવા જેવી સ્પષ્ટ વાતમાં દીવા તળે જ અંધારું છે તેનું શું ? અને શક્ય હોય તો પઝલની શૈલીમાં વાત કરવા કરતાં જે હોય તેની પારદર્શક પરિસ્થિતિ રજુ કરશો તો કંઇક વાત બનશે.’
મેઘનાને હવે આ રહસ્ય કથા રસિક લગતા કંઇક આવી રીતે રજૂઆત કરી.
‘જુઓ, તમારે રાઝનું હાર્દ જાણવું જ હોય તો, બસ હું કહું એમ કરતાં રહો. ત્યારબાદ એક પછી એક મોહરા ઉતરતા જશે અને તમારી સામે અસલી ચહેરા આવતાં જશે.’
પેલી અજાણી વ્યક્તિની ઘડી કાઢેલી વાર્તા પર હજુ પણ મેઘનાને સંદેહ હતો એટલે સચોટ સવાલ પૂછતા બોલી,
‘અચ્છા ચાલો એક સેકન્ડ માટે હું તમારી વાત માની પણ લઉં, પણ તમારી પાસે મારા કોઈ એવા તાળાની ચાવી ખરી કે જે મારી પાસે પણ ન હોય ? આ સવાલ પૂછ્યા પછી મેઘનાને ખાતરી કે હમણાં આ બાહુબલીની બોબડી બંધ થઇ જશે.
‘હાહહાહા .. હા.. હા..’ અટ્ટહાસ્ય કરતાં પેલી વ્યક્તિ બોલી.
‘તમને તમારાં જે તાળાની ખબર નથી એ તાળાની ચાવી પણ મારી પાસે છે, અને એ પણ ડીજીટલ.’
ઘડીના છટ્ઠા ભાગમાં જેમ મારફાડ બેટ્સમેન સિક્સર મારે એવા જડબાતોડ જવાબથી મેઘના વિચારતી થઇ ગઈ.
‘કોઈ એક પ્રમાણ આપશો ?’ મેઘનાએ પૂછ્યું
‘જરૂર પણ, મારું પ્રમાણ શરતને આધીન છે.’
‘શરત કેવી શરત ? મેઘનાએ પૂછ્યું
‘જો તમને મારું પ્રમાણ ગળે ઉતરે તો, હવે પછીના એક અહીં અનેક રહસ્યનું કોકડું ઉકેલવા તમારે મારી ગાઇડલાઇન મુજબ ચાલવું પડશે. બોલો છે મંજૂર ?
બે સેકન્ડ વિચાર્યા પછી મેઘના બોલી,
‘જી, કબૂલ છે.’
‘આ સુપર સસ્પેન્સ સર્કલની અંતિમ કડી તમને તમારા પિતાજી જવાહરલાલ સામે રાતોરાત ઉભાં કરાયેલાં પચ્ચીસ લાખના કૌભાંડના મુખ્ય સુત્રધાર સુધી લઇ જશે.’
હજુ પેલી અજાણી વ્યક્તિનું વાક્ય પૂરું થાય ત્યાં સુધીમાં તો...મેઘનાના પંડમાંથી જાણે કે, અગિયાર હજાર વોટના વીજળીનો એક જબરદસ્ત ઝટકો પસાર થઇ ગયો હોય એમ ચોંટી ગઈ. કોઇપણ પ્રત્યુતર કે પ્રતિભાવ આપવા જાય એ પહેલાં પેલી વ્યક્તિ બોલી..
‘એન્ડ.. ફોર યોર કાઈન્ડ ઇન્ફોર્મેશન...હવે તેનાથી પણ અતિ આશ્ચર્યજનક કૌભાંડ ફરી એકવાર તમને અંધારામાં રાખીને રચાવા જઈ રહ્યું છે.’
‘પણ.. હેલ્લો. પ્લીઝ.. હવે તો કહો આપ કોણ છો ? અને આ બધું આપ કંઈ રીતે જાણો છો ? આશ્ચર્યઆઘાતથી આહત થયેલી મેઘના એટલું તો માંડ બોલી શકી.
‘સરફરાઝ.’ પેલી વ્યક્તિ એ તેનું નામ આપ્યું.
‘સરફરાઝ... કોણ સરફરાઝ ? આપ મને કંઈ રીતે ઓળખો ? એક નવા ઘટસ્ફોટથી ડઘાઈને મેઘનાએ પૂછ્યું
‘જેણે તમે વીસ વર્ષ પહેલાં.... ગાઈવગાડીને ધમકીના ટોનમાં કહ્યું હતું કે.. આજ પછી મને કોલ ન કરતાં...કંઈ યાદ આવ્યું ?
‘ઓહ્હ...માય ગોડ....’ સરફરાઝ... રાજનનો રૂમમેટ.. આટલું મનોમાન બોલ્યા પછી મેઘના બોલી..
‘પણ... તમે આટલાં વર્ષો પછી.. આ રીતે.. અચાનક કેમ...’
શું બોલવું ? શું પૂછવું ? તેની મેઘનાને ગતાગમ ન રહી.
‘જુઓ.. મેડમ આટલાં વર્ષે આ બધા સવાલો હવે મિનીંગલેસ છે. આપણે મૂળ વાત પર આવીએ. બોલો..આપને શરત મંજુર હોય તો આપણે આગળ વાત કરીએ.’
એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર મેઘના બોલી..
‘જી, મંજૂર છે, બોલો શું કરવાનું છે મારે.’
‘ઠીક છે, તો હવે મારી વાત ધ્યાન દઈને સાંભળો. નજીકના દિવસોમાં તમારી દીકરી અંતરાના અપહરણનું એક નાટક થશે. તેની જાણ તમને થશે પણ તમારે અજાણ રહેવાનું છે. તમારે ફક્ત લલિતને પોલીસ ફરિયાદ માટે દબાણ કરવાનું છે.. પછી જુઓ.. શું થાય છે એ. આ ખેલ ફક્ત ચોવીસ થી અડતાળીસ કલાકનો જ છે એમ સમજી લો.’
‘પણ.. કંઇક આડું ઉતાર્યું તો ? મેઘના એ એક છુપા ડર સાથે પૂછ્યું.
‘તો હું તમને મારું નામ, નંબર અને એડ્રેસ આપુ છું ને. તેમ કંઇપણ કાર્યવાહી કરી જ શકો છો, જો વિશ્વાસ ડગી જાય તો.’ સરફરાઝે સચોટ જવાબ આપ્યો.
‘જી ઠીક છે. તમારી ફૂલ પ્રોફાઈલ મને સેન્ડ કરો.’ મેઘના એ કહ્યું.
‘જી, અને જે તે સમયે કિડનેપરનો કોલ આવે તો... તેમને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય એવી ભાષામાં ધોઈ નાખજો સ્હેજ પણ ગભરાયાં વગર... અને એ પછી લલિતને ક્લચમાં લેશો એટલે... જુના બધા કારસ્તાનની કિતાબના પાના આપમેળે એક પછી એક તેની રીતે ખુલવા માંડશે.’
‘થેન્ક્સ,’ મેઘના બોલી એટલે સરફરાઝે કોલ કટ કર્યો.
બે દાયકામાં મહદ્દઅંશે સ્મૃતિભ્રંશ થઈ ગયેલો રાજન નામનો અતીત અજગર આજે ફરી તેની આળશ ખંખેરીને ફેણ ચડાવીને ઊભો થયો હતો તેની પાછળ નક્કી કોઈ ખુબ મોટું કાવતરું આકાર લઇ રહ્યું છે એવો મેઘનાને ભાસ થયો. માંડ માંડ ઠરીઠામ થયેલી મેઘનાની જિંદગીમાં ફરી એકવાર કોઈ અણધારી આફતના ઓળા ઉતરશે એવી ભીતિના વાદળો મેઘનાને ઘેરી વળ્યા.
સરફરાઝની વાતોમાં ઉકેલ કરતાં ગુંચ વધુ હતી. તેની દરેક વાતના અંતે શંકાની સોય લલિત તરફ જ જતી હતી. અને જો.. અંતરાના અપહરણનું નાટક જ હોય તો તેનાથી શું સાબિત થાય ? કોઈ તાળો બેસતો નથી. છતાં મન મારીને વિચાર્યું કે, જોઈએ શું થાય છે.
અને આજે... હજુ મેઘના સરફરાઝના પ્લાન મુજબ અંતરાના અપહરણના નાટકથી અજાણ લલિતને લઈને પોલીસ પાસે લઇ જાય એ પહેલાં તો.. લલિતએ કોઈ સોહમનું અપહરણ કર્યાનું નવું ઉમ્બાંળીયુ ઉડતું આવ્યું એટલે મેઘનાને તો થોડીવાર એમ લાગ્યું કે, કોઈએ રીતસર મેઘનાને તેની જાણ બહાર જ આખા કાવતરાનો ગાળિયો મેઘનાના ગળામાં તો નથી પોરવી દીધોને....
એટલે તરત જ તેણે..કોલ કર્યો સરફરાઝના નંબર પર પણ... સ્વીચ ઓફ. ફરી પ્રયત્ન કર્યો... એક.. બે.. પાંચ... સતત દસ વખત ટ્રાય કરી પણ... નિષ્ફળ. હવે મેઘનાનો ભય અને ભ્રમણા બન્ને ગાઢ થવા લાગ્યા. મેઘનાને થયું કે તેનો પરિવાર કોઈ શાતિર શિરના સુવ્યવસ્થિત ષડ્યંત્રના સકંજામાં સપડાઈ જવાની તૈયારીમાં છે. ગભરાતાં ગભરાતાં કોલ કર્યો... અંતરાને...અને તેનો સેલ પણ સ્વીચ ઓફ આવ્યો.
હવે રીતસર મેઘનાના મોતિયા મરી ગયા. શરીરમાં કંપારી છૂટવા લાગી. પરસેવે રેબઝેબ. ગળું સુકાઈ ગયું. બન્ને આંખો ઝળઝળિયાંથી ઉભરાઈ ગઈ. મનોમન ઇષ્ટદેવને યાદ કરીને કરગરતા બોલી... હજુ કેટલી અગ્નિપરીક્ષા બાકી છે ? લાગે છે ભીતરમાં ભળભળ ભડકતી ચિતાની આગ મારા અગ્નિસંસ્કારથી જ ઠંડી પડશે કે શું ? હે..મારા નાથ કેમ આટલો નિષ્ઠુર છે મારા પ્રત્યે... ? કંઇક તો જવાબ આપ મને... અને ત્યાં જ ફરી કોઈ અજાણ્યાં નંબર પરથી કોલ આવ્યો...
સજળનેત્ર લુંછતા ડૂમો ભરાયેલા ગળે, મેઘના કોલ રીસીવ કરતાં બોલી..
‘હેલ્લો... કોણ ?
‘સરફરાઝ...’
‘તમે.. તમે.. ઇન્સાન છો કે જાનવર ? આઆઆ...બધી શી ભવાઈ માંડી છે તમે મારી લાઈફમાં ? મેં તમને રાજનના મિત્ર સમજી, તમારા પર ભારોભાર ભરોસો રાખીને તમારી હા માં હા કરતી રહી અને તમે...મારા જ પરિવારનું ગળું કાપવા બેઠા છો ? મહેરબાની કરીને જે હોય એ કહી દો.. પ્લીઝ.. અને.. અને.. મારી દીકરી ક્યાં છે.. ? મારી જીગરનો ટુકડો ક્યાં છે ? પ્લીઝ.. હું તમને હાથ જોડું છું ..મને આ આફત માંથી ઉગારી લ્યો ...પ્લીઝ.. પ્લીઝ...પ્લીઝ... ‘
આટલું બોલતાં તો મેઘનાની આંખો થી અશ્રુપાત વહેવા લાગ્યો અને.. ગળે ડૂમો બાજી જતાં ચુપ થઇ ગઈ.
બે મિનીટ પછી.. સરફરાઝ બોલ્યો..
‘બસ.. થાકી ગયા ? અંતરા અને લલિતના અપહરણના માસ્ટર માઈન્ડ આટલી જલ્દી હાર માની ગયા ?
સરફરાઝનું આટલું એક વાક્ય સંભળાતા તો મેઘનાનો સમગ્ર દેહ ધ્રુજારીથી કાંપવા લાગ્યો.. અને મનોમન બોલી... લલિતનું અપહરણ... ?
‘એક મિનીટ... હવે તો મને ગળા સુધી ખાતરી છે કે, તું સરફરાઝ નથી. અને લલિતનું અપહરણ એટલે શું ? શું.. શું .. તું કહેવા શું માંગે છે ?
‘એ જ મેડમ કે, હમણાં જે ચાર જુવાન લલિતને લઇ ગયા એ મારા આજ્ઞાકારી અંગરક્ષક હતા.. ક્રાઈમ બ્રાંચના અધિકારી નહતા. તમારો લલિત અને તમારી દીકરી બંને મારી પાસે સુરક્ષિત છે. હવે.. મારો નેક્સ્ટ ઇન્ટરેસ્ટીંગ ગેમ પ્લાન સાંભળો. મારી બે શરતો છે.. પહેલી..અંતરા, સોહમ અને લલિતનું અપહરણ આપે મતલબ કે, મેઘના નાણાવટી એ કરાવ્યું છે એ વાતનો સહર્ષ સ્વીકાર કરવાનો છે.... અથવા...’
ધ્રુજતા સ્વરે અને રડતી આંખે મેઘના એ પૂછ્યું...
‘અથવા..’
‘અથવા.. વર્ષો પહેલાં.. હમેંશ માટે તમારી લાઈફ માંથી રાજનનું નામના નડતરનું પત્તું કાપવાં તમે જે રીતે ઠંડે કલેજે રાજનનું મર્ડર કર્યું છે તેની નિખાલસતાથી કબુલાત કરવાની બસ...
જો.. જો... જો.. તમે લલિત અને અંતરાને જીવિત જોવા ઇચ્છતા હો તો.’
રાક્ષસ જેવા અટ્ટહાસ્ય સાથે સરફરાઝ બોલ્યો......
-વધુ આવતાં અંકે ...
© વિજય રાવલ
'હમેં તુમસે પ્યાર ઇતના’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484