bhayank safar (afrikana jangaloni) - 6 in Gujarati Fiction Stories by જીગર _અનામી રાઇટર books and stories PDF | ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 6

Featured Books
Categories
Share

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 6

ગર્ગ જંગલીઓના કબજામાં.
*******************

જ્હોને કમરપટ્ટામાંથી રિવોલ્વર ખેંચી અને એક માણસને નિશાન બનાવીને ગોળી છોડી. પણ અફસોસ એનું નિશાન ચુકી ગયું. પેલા માણસો હવે સચેત થઈ ગયા. અને એ બધાએ પાણીમાં ડૂબકી લગાવી. જ્હોને ફરીથી પાછળ જોયું તો કોઈ દેખાયું નહીં. અચાનક પીછો કરેલા માણસો અદ્રશ્ય થઈ જતાં જ્હોનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.


"ગર્ગ પાછળ તો કોઈ દેખાતું જ નથી. આપણો પીછો કરી રહેલા માણસો અચાનક ક્યાં ગાયબ થઈ ગયા ? જ્હોને ચિંતાથી ઘેરાયેલા અવાજે ગર્ગને પૂછ્યું.


"અરે હા આ માણસો અચાનક ક્યાં ઓગળી ગયા ? ગર્ગે પાછળ ફરીને જોયું તો એની આંખો પણ આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.


મેરી અને રોબર્ટને પણ આ ઘટનાનું ખુબ આશ્ચર્ય થયું. કારણ કે જ્હોને ગોળી છોડ્યા બાદ અચાનક એકાએક એમનો પીછો કરી રહેલા માણસો અદ્રશ્ય બની ગયા હતા.


"રોબર્ટ હોશિયાર રહેજો એ લોકો પાણીમાં જ ક્યાંક આજુબાજુ હશે હમણાં હુમલો કરશે.' મેરીએ રોબર્ટ સામે જોઈને શાબદા રહેવા કહ્યુ.


મેરીએ હજુ પોતાનું વાક્ય માંડ પુરુ કર્યું ત્યાં તો ગર્ગ કારમી ચીસ પાડીને ઢળી પડ્યો. અને પાણીમાં જ અદ્રશ્ય થઈ ગયો. એકાએક આવુ થવાથી રોબર્ટ, મેરી અને જ્હોન ત્રણેય હેતબાઈ ગયા. શું કરવું એ એમને સમજાયું નહીં.


"રોબર્ટ એ લોકો પાણીમાં આપણી સાથે ખેલ ખેલી રહ્યા છે.' બોલતા બોલતા મેરીનો અવાજ એકદમ ઢીલો થઈ ગયો.


"હવે શું કરીએ ? ગભરાયેલા અવાજે રોબર્ટ બોલ્યો.


"હવે જલ્દી ભાગો નહિતર આપણા પણ હાલ ગર્ગ જેવા થશે.' મેરી બોલી.


મેરી, રોબર્ટ અને જ્હોન પાણીમાં ઝડપથી આગળ વધવા લાગ્યા.પાણીમાં આગળ વધવું બહુજ મુશ્કેલીભર્યું હતું છતાં આ અણધારી મુશીબતે એમના હાજા ગગડાવી દીધા હતા. એ ઘટનાથી એમનો ચહેરાનો રંગ ઉડી ગયો હતો.


"રોબર્ટ ત્યાં જો પેલા ગર્ગને ઉઠાવીને જઈ રહ્યા છે.' જ્હોને રોબર્ટ તરફ જોઈને બુમ પાડી.


"કઈ બાજુ ? જ્હોનની બુમ સાંભળીને રોબર્ટે હાંફળા -ફાંફળા બનીને આજુબાજુ જોયું પણ કંઈ દેખાયું નહીં.


"અરે કિનારા તરફ ડાબી બાજુએ જો જલ્દી જો નહિતર એ લોકો ગર્ગને લઈને જંગલમાં ઘૂસી જશે.' જ્હોને સામેના કિનારા તરફ એક હાથ લાંબો કરીને ચીસ જેવા અવાજે કહ્યું.


"હા ત્યાં જો.' મેરીએ રોબર્ટનો હાથ પકડીને સામેની દિશામાં ઇસારો કર્યો.


"ઓહહ..! ગર્ગને ટીંગાટોળી કરીને લઈ જતાં માણસોને જોતાં જ રોબર્ટના મોંઢામાંથી શબ્દો સરી પડ્યા.


"અરે હવે સમય નથી આપણી પાસે જલ્દી ચાલો ગર્ગને ક્યાંક મૂકીને આ લોકો ફરીથી આવશે.આપણે સાબદા રહેવું પડશે.' જ્હોન રોબર્ટ અને મેરી તરફ જોતાં બોલ્યો અને પછી ઝડપથી મેસો નદીના પાણીમાં કિનારા તરફ આગળ વધવા લાગ્યો.


જ્હોનની પાછળ મેરી અને રોબર્ટ પણ પાણીમાં ઝડપથી આગળ વધવા લાગ્યા. કિનારો હવે બહુ દૂર નહોતો એટલે થોડીક વારમાં ત્રણેય કિનારા પાસે છીછરા પાણીના કાદવ સુધી આવી પહોંચ્યા.


"રોબર્ટ મારા પગ આ કાદવમાં ખૂંપી જાય છે મને બહાર નીકળવામાં મદદ કર.' કાદવમાં વારંવાર પગ ઊંડે સુધી ખૂંપી જતાં હતા એટલે મેરી કંટાળેલા અવાજે બોલી.


કિનારા પાસેનું નદીનું પાણી છીછરું અને કાદવવાળું હતું એટલે મેરીના પગ કાદવમાં ખૂંપી જતાં હતા.મહામહેનતે એ પોતાના પગ કાદવમાંથી બહાર ખેંચીને આગળ મૂકતી હતી. હવે રોબર્ટથી સહન ના થયું એણે મેરીને પોતાના બન્ને હાથમાં ઊંચકી લીધી અને આગળ વધવા લાગ્યો. કિનારો હવે દસેક મીટરના અંતરે હતો. જ્હોન તો આ બન્ને કરતા પહેલા કિનારે પહોંચી ગયો હતો. રોબર્ટ પણ થોડીક વારમાં મેરીને લઈને બહાર નીકળી ગયો.


બહાર નીકળતાની સાથે જ મેરીએ રોબર્ટના હોઠો પર પ્રગાઢ ચુંબન કરી લીધું. આમ અચાનક મેરીએ ચુંબન કર્યું એટલે રોબર્ટ તો એકદમ હેતબાઈ ગયો. જયારે જ્હોનનું ધ્યાન આ બંને તરફ ગયું ત્યારે જ્હોન પણ આ દ્રશ્ય જોઈને એકદમ સડક થઈ ગયો. પણ જ્હોન તરત સમજી ગયો કે મેરીનું આ ચુંબન એ રોબર્ટ અને મેરી વચ્ચેના મૌન પ્રેમની નિશાની છે.


"અરે હવે તમે બંને આ બધું રહેવા દેશો કે નહીં આપણે આગળ વધવાનું છે.'રોબર્ટ અને મેરી એકબીજાના આલિંગનમાં ડૂબેલા હતા એ જોઈને જ્હોન અવળો ફરીને મોટા અવાજે બોલ્યો.


જ્હોનનો અવાજ સાંભળીને રોબર્ટ અને મેરી પોતાના પ્રેમ પ્રણયમાંથી બહાર આવ્યા. અને એકબીજા સામેં શરમાયેલી નજરે જોવા માંડ્યા.


"આપણા એક દોસ્તને આ જંગલીઓ પકડીને લઈ ગયા છે એને છોડાવવાની વાત તો દૂર રહી અને આવા જ સમયે તમને બન્નેને આ બધું સૂઝે છે.' જ્હોન મેરી અને રોબર્ટ પાસે આવીને ઠપકાભર્યા અવાજે બોલ્યો.


"માફ કરશો જ્હોન ઉતાવળમાં મારાથી લાગણીઓ ઉપર કાબુ ણા રહ્યો અને આ બધું થઈ ગયું.' મેરી શરમથી લાલ થઈ ગયેલા ચહેરે બોલી.


"રોબર્ટ હવે આ બાબતે તારે કંઈ કહેવું છે..' જ્હોન રોબર્ટ સામે ધારદાર નજરે જોતાં બોલ્યો.


"એમાં હું શું કરું.મેરીએ આવેશમાં આવીને મને ચુંબન કરી દીધું પછી હું તો એના પ્રેમના પ્રવાહમાં તણાઈ ગયો.' આમ કહીને રોબર્ટે શરારતી નજરે મેરી સામે જોયું અને હસી પડ્યો.


"હવે બધો દોષનો ટોપલો મારા ઉપર ના ઠાલવીશ તું.' મેરી એના મોંઢા ઉપર બનાવટી ગુસ્સો લાવીને રોબર્ટની પીઠ પાછળ ધબ્બો મારતા બોલી.


મેરીની વાત સાંભળીને રોબર્ટ અને જ્હોન જોરથી હસી પડ્યા. મેરી પણ રોબર્ટને ભેંટીને એની છાતીમાં મોઢું છુપાવીને હસી પડી.


"જ્હોન હવે શું કરીએ ? પેલા લોકો ગર્ગને ઉઠાવીને લઈ ગયા છે એમનો પીછો કરીએ ? થોડીક વાર હસ્યાં પછી રોબર્ટને ગર્ગનું સ્મરણ થતાં એના મોંઢા ઉપર ગંભીરતા છવાઈ ગઈ અને એ જ્હોન સામે જોઈને બોલ્યો.


"ગર્ગને બચાવવા એ લોકોનો પીછો કરવાં સિવાય આપણી પાસે બીજો ઉપાય નથી.' જ્હોન ગંભીર ચહેરે બોલ્યો.


"જો પીછો કરવો હોય તો આપણે ઝડપથી આગળ વધવું પડશે. નહિતર એ લોકો બહુજ આગળ નીકળી જશે.' મેરી જ્હોન અને રોબર્ટ સામે જોતાં બોલી.


"હા તો હવે જલ્દી ચાલો એ લોકો છટકવા ના જોઈએ.' જ્હોને પોતાનો થેલો ખભે સરખી રીતે લટકાવ્યો અને કમરપટ્ટામાં રહેલી રિવોલ્વર સરખી રીતે ચેક કરતા બોલ્યો.


હવે આ ત્રણેય સાહસિકો રોબર્ટ, મેરી અને જ્હોન નદીના કિનારે ડાબી તરફ આગળ વધવા લાગ્યા. નદીના કિનારા ઉપર જ મોટા પ્રમાણમાં વૃક્ષો હતા. નાનું મોટુ ઘાસ પણ ઉગી નીકળ્યું હતું. સામાન્ય રીતે ગમે તે નદીના કિનારાનો પ્રદેશ થોડોક રેતાળ હોય છે પણ આ નદીના કિનારાનો પ્રદેશ ચીકણી માટી વાળો હતો. એટલે લપસી ના જવાય એ રીતે ત્રણેય સાવચેતી પૂર્વક આગળ વધી રહ્યા હતા.


"રોબર્ટજુઓ. આ લોકો અહીંથી જંગલ તરફ ગયા છે.' નદી કિનારાની માટીમાં પગલાંના નિશાન જોતાં જ્હોન બોલ્યો.


"હા. તો હવે તારી રિવોલ્વર બહાર કાઢી લે. આપણે એ તરફ આગળ વધીએ.' રોબર્ટે જ્હોનને સચેત અવાજે કહ્યું.


જ્હોને પોતાના કમર પટ્ટામાં ખોસેલી રિવોલ્વર બહાર કાઢી અને એ પગલાના નિશાનના આધારે જંગલ તરફ આગળ વધવા લાગ્યો. રોબર્ટ અને મેરી પણ જ્હોનની પાછળ પાછળ જવા લાગ્યા.


જંગલમાં નાનું ઘાસ ઉગી નીકળ્યું હતું એટલે એ લોકો જ્યાંથી ચાલ્યા હતા એ જગ્યાએ ઘાસ છૂંદાઇ ગયું હતું. જ્હોન, રોબર્ટ અને મેરી એના આધારે આગળ વધી રહ્યા હતા.


થોડાક આગળ ગયા કે આગળ ચાલી રહેલા જ્હોને રોબર્ટ અને મેરીને થંભી જવાનો ઇસારો કર્યો. મેરી અને રોબર્ટે આગળની દિશામાં આવેલી ઝાડી તરફ કાન માંડ્યા તો ઝીણી વાતચીતનો અવાજ એમના કાને પડ્યો. રોબર્ટ અને મેરીએ એ અવાજ કોનો હશે એની અસંમજમાં એકબીજા સામે જોયું. જ્હોને પોતાની રિવોલ્વરને એ ઝાડી તરફ આગળ તાકીને ઝાડી તરફ અવાજ ના થાય એ રીતે અવાજની દિશામાં ડગ માંડ્યા.

(ક્રમશ)