લોસ્ટેડ 39
રિંકલ ચૌહાણ
"ભાઈ, બોલવામાં થોડું ભાન રાખ." રાહુલ એ પહેલીવાર ૨યાન સામે તેનો અવાજ ઊંચો કર્યો.
"તું કંઈ કરવામાં ભાન નથી રાખતો, અને હું બોલવામાં ભાન રાખું. તને તો તાળીઓથી વધાવવાનું મન થાય છે." રયાન એ કડવાહટથી કીધું.
"જેવું તું વિચારે એવું કંઈ જ નથી ભાઈ, આધ્વીકા મારી બહું સારી દોસ્ત છે. તેણે મારી મદદ કરી એટલે હું એને થેંક્યું કહેવા આવ્યો હતો."
"બહું સારી દોસ્તી નિભાવી રહ્યો છે તું, મારી આધ્વીને ફસાવી ને એને મારાથી દુર કરવા માંગે છે તું. જેવું તારી મા એ કર્યું હતું." રયાન નો અવાજ હદ થી વધારે ઊંચો થઈ ગયો.
"ભાઆઆઆઈ, મારી મા વિશે હુ એક શબ્દ પણ નહીં સાંભળી લઉં. બીજી વાર તારા મોઢેથી મારી મા નું નામ પણ ન લેતો." રાહુલ ગુસ્સામાં ધ્રુજી રહ્યો હતો.
"સાચી વાત કરું છું એટલે તને ખોટું લાગે છે, અને તારી મા જેવી સ્ત્રી નું નામ લઈ હું મારું મોઢુ ખરાબ નથી કરવા માંગતો. મારા બિચારા પપ્પા ને ફસાવી ને મારી મા નું ઘર તોડી નાખ્યું એ સ્ત્રી ને હું યાદ પણ નથી કરવા માંગતો." રયાન ઇર્ષ્યામાં વિવેક ખોઈ બેઠો.
"તારા પપ્પા નાનું બાળક નહોતા કે મારી મા એમને ચોકલેટ આપી ને ફસાવી દે ભાઈ. તારા બિચારા પપ્પાએ મારી માં ને ક્યારેય કીધું જ નહોતું કે એ પરિણિત છે. તારા બિચારા પપ્પા એ એક પત્ની હોવા છતાંય મારી મા સાથે લગ્ન કર્યાં હતા, અને નોકરીના બહાને મહિનાઓ સુધી ઘર થી દુર રહી મારી મા ને દગો આપતા રહ્યા. મારી મા તેના છેલ્લા શ્વાસ સુધી રાજેશ ચૌધરી ની એકમાત્ર પત્ની છે એવું વિચારી ને જીવી છે." રાહુલ માંડ આટલું બોલી શક્યો.
ઓરડામાં પીન ડ્રોપ સાયલન્સ છવાઈ ગયું. ૨યાન નો અવાજ સાંભળી દોડતી આવેલી જિજ્ઞાસા એ પણ બધું સાંભળ્યું.
"તું જુઠું બોલે છે, મારા પપ્પા આટલી હદે કોઈ સાથે અન્યાય ન કરી શકે." રયાનનો અવાજ તરડાઇ ગયો.
"તો તારી મમ્મીને જઈને પુછી લે ભાઈ, તારી મમ્મી આ બધું ઓલરેડી જાણે છે." રાહુલ એ મોઢું ફેરવી લીધું.
"તું મારા દિકરા નો પીછો છોડી કેમ નથી દેતો? હું જાણું છું કે તું મારા દિકરા ને તેના પિતા વિરુદ્ધ ભડકાવવા ના પ્રયત્ન કરી રહ્યો છે, પણ હું તારા ષડ્યંત્રો ને સફળ નહીં થવા દઉં." હેતલબેન આધ્વીકા ના રૂમમાં આવતાં જ બોલી ઉઠ્યાં.
"તમે બહું સારી રીતે જાણો છો કે હું જે કઈ કહું છું એ સાચું કહું છું." રાહુલ એ પહેલીવાર હેતલબેન સાથે પ્રત્યક્ષ રીતે વાત કરી.
"રયાન બેટા તું આ છોકરાની વાત ના સાંભળ, તને તારા પરિવાર સાથે જોઈ આને બળતરા થાય છે. એટલે જ આ બધા નાટકો માંડ્યા છે આણે." હેતલબેન એ રયાન ને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
"હવે તો સત્ય નો સાથ આપો હેતલબેન, તમે બહું સારી રીતે જાણો છો કે આ છોકરો સાચું બોલી રહ્યો છે." જયશ્રીબેન પાછળથી આવીને બોલ્યાં.
"એટલે? ફઈ તમે ચૌધરી પરિવાર વિશે આટલું બધું કઈ રીતે જાણો છો?" ઘણીવાર થી ચૂપ રહેલી આધ્વીકા બોલી.
"એટલે એ જ કે, રાજેશ ચૌધરી એ રાધા સાથે જુઠું બોલી લગ્ન કર્યા હતા. રાધા ના મૃત્યુ પછી રાહુલ તેના પપ્પા પાસે આવ્યો ત્યારે હેતલબેન ને ખબર પડી કે તેમના પતિ એ તેમને દગો આપ્યો છે." જયશ્રીબેન એ ઘટસ્ફોટ કર્યો.
"તું આટલું બધું કઈ રીતે જાણે છે મા?" જીજ્ઞાસાને કુતુહલ થયું.
"હું શાળાએથી ઘરે આવ્યો ત્યારે મમ્મી રડી રહી હતી અને પપ્પા પાસે 7 વર્ષ નો રાહુલ હતો. જેને પિતા હોવા છતાંય તમે અનાથાશ્રમ મૂકાવી દીધો હતો." રયાન હવે બધું સમજી ચૂક્યો હતો.
હેતલબેન એ કોઈ જ જવાબ ન આપ્યો.
"તમે મારી મા વિશે આટલું કઈ રીતે જાણો છો? તમે ઓળખતા હતા મારી મા ને?" રાહુલ તેની માને યાદ કરી લાગણીશીલ થઈ ગયો.
"તારા પિતા અને હું એક જ ગામના છીએ, જ્યારે આ વાત બહાર આવી ત્યારે રાજેશ ચિત્રાસણી રહેતો. સગા સંબંધીઓ માં આ વાત ફેલાઈ ગઈ હતી એટલે હું પણ જાણું છું. તારી મા ને હું ઓળખતી તો નથી બેટા પણ મને તે સ્ત્રી પ્રત્યે હમદર્દી છે." જયશ્રીબેન જુના સમય માં પહોંચી ગયાં હતાં.
"દીદી, ફઈ જલ્દી ચાલો મારી સાથે." મીરા દોડતી આધ્વીકા ના રૂમમાં આવી, આટલુ બોલી ફરીથી મોન્ટી ના રૂમ તરફ દોડી.
તેની પાછળ બધાં દોડ્યા, મોન્ટી ના રૂમ માં બધાં પહોંચ્યાં ત્યારે મોન્ટી હવા માં લટકી રહ્યો હતો. જીવન, આરાધના બેન અને ચાંદની પહેલેથી જ રૂમમાં હતાં.
"દીદી મને બચાવી લો પ્લીઝ, આ મને મારી નાખશે. પ્લીઝ સેવ મી દીદી....." મોન્ટી હાથ જોડી કાકલુદી કરી રહ્યો હતો.
"તને શું લાગ્યું કે તું આટલી સરળતા થી ભાગી જઈશ અને કોઈને ખબર પણ નહી પડે? હું ઇચ્છતી હતી કે તને તારા પાપ ની સજા કાનૂન થકી મળે, પણ હવે તને સજા હું આપીશ." હવામાં આ શબ્દો ગુંજ્યા અને મોન્ટી નીચે પછડાયો.
"મિત્તલ મારી વાત સાંભળ, મોન્ટી ને કાલે સવારે જ હું પોલીસમાં આપી દઈશ. એને સજા મળશે, કાનૂન આપશે...." આધ્વીકા તેની વાત પૂરી કરે એ પહેલાં તો મોન્ટી ફરી હવા માં ફંગોળાઈ બારી સાથે અથડાયો. ધડાકાભેર બારી તુટી અને કાચ ના ટુકડા ઓરડા માં વિખરાઇ ગયા.
"આપણે તો બાબાજી એ આપેલી રાખ નો ઘેરો બનાવ્યો હતો, પછી આ આત્મા ઘર માં કઈ રીતે આવી." જયશ્રીબેન એ આધ્વીકા સામે જોઈ પૂછ્યું.
"હાહાહાહાહા...... આણે જાતે જ તેની કબર ખોદી નાખી. બારીમાંથી ભાગવાની ઉતાવળ માં એ રાખ નો ઘેરો જીગર એ જાતે જ ભૂંસી નાખ્યો. હવે હું એને આ દુનિયામાંથી ભૂંસી નાખીશ." ધુમાડામાંથી સ્ત્રીકૃતિ રચાઈ, તેણીએ તેના બન્ને હાથ ઉપર ઉઠાવ્યા.
તેના હાથ ની સાથે ઓરડામાં વિખરાયેલા કાચ ના ટુકડા હવા માં ઉપર ઉઠ્યા. એક ઝટકા સાથે એ આકૃતિ ના હાથ મોન્ટી તરફ વળ્યા, કોઈ કંઈ સમજે અથવા કંઈ કરે એ પહેલા હવા માં ભેગા થયેલા કાચ ના ટુકડા મોન્ટી ના શરીર માં ઘુસી ગયા.
ક્રમશઃ